નળાખ્યાન/કડવું ૩૮
← કડવું ૩૭ | નળાખ્યાન કડવું ૩૮ પ્રેમાનંદ |
કડવું ૩૯ → |
કડવું ૩૮ – રાગ: દોહરા.
ભૂલી ભમે છે ભામિની, નૈષધનાથની નારરે;
હો નળ હો નળ બોલતી, ભીમકરાજ કુમારરે. ભૂલી.
ધોવાયું કાજળ આંસુએ કરી, વેદનાએ વ્યાકુળારે;
અર્ધૌઘાડી દેહડી, નાથે ફાડ્યું છે પટાકૂળરે. ભૂલી.
એવે દીઠો એક ચીતરો, ધાઈ દમયંતી ઉલટરે;
પૂછે ભાળ નળ ભૂપાળની, છે તારા જેવી કટરે. ભૂલી.
શાર્દૂલ દીઠો વાટમાં, વૈદરભી પૂછે ધરી વહાલરે;
નૈષધરેશ વાટે મળ્યા, છે તારા જેવી ચાલ રે. ભૂલી.
સાવજ થાયે ગાભરા, ભય પામી નાશી જાયરે;
રખે વનદેવી અમને ઝાલતી, પશુઅરિ કંપાયરે. ભૂલી.
પૂછે ઉંચાં દ્રૂમને, તારી ગગને ગઈ ડાળરે;
તરુવર જો મારી વતી, કહીં દીસે ભૂપાળરે. ભૂલી.
પર ઉપકારી સદા તમો, વળી શીતળ તારી છાંયરે;
નૈષાધનાથ ક્યહું દીઠડા, જોઉં છૌં વનમાંયરે. ભૂલી.
તરુ ઉત્તર આપે નહીં, તેમ તેમ રાણી રોયરે;
પુણ્યશ્લોકે જ્યારે પરહર્યાં, શત્રુ થયં સર્વ કોયરે. ભૂલી.
અજગર પડ્યો છે, વીકાશી મુખ ભાગરે;
દમયંતીએ જાણ્યું નહીં, તેનાં મુખમં મૂક્યો પાગરે. ભૂલી.
ચરણ ગળ્યો જાનું લગે, વિષ ચઢી ગયું જડ્યું ભક્ષ રે.
પડી ભોમ સાદ નળાને કરે, મુખે પાડે રીર રે. ભૂલી.
અજગર આનંદ પામીઓ, ભલું જડ્યું ભક્ષ રે;
વૈદર્ભી ઘણું વલવલે, ઉંચા ચઢી ગયાં ચક્ષ રે. ભૂલી.
કંઠે બંધાઈ કાચકી, મુખે પડીઓ શોષ રે;
મરણ સમે મૂકે નહીં, હ્રદે રસના પુણ્યશ્લોક રે. ભૂલી.
રોતી રાણી સાંભળી, અપરધી આવ્યો ધાઈ રે;
પગ દીઠો અજગર મૂખમાં, તેણે શ્યામાને સાહી રે. ભૂલી.
પારધીએ અજગર મારીઓ, કોહોવાડાને ઘાય રે;
જત્ન કરીને મૂકાવીઓ, નળપત્નીનો પાય રે. ભૂલી.
વૈદર્ભીને વિષ ચઢ્યું નહીં, છે વાસવનું વરદાન રે;
કરતળ વાસ સુધાતણો, દેહી રહી પરમ નિધાન રે. ભૂલી.
વલણ
દેહી દેહી પરમ નિધાન, હળાહળ ગયું ઉતરી રે;
કહે ભટ પ્રેમાનંદ પછે, શું દુઃખ પામી સુંદરી રે.