નળાખ્યાન/કડવું ૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કડવું ૬૧ નળાખ્યાન
કડવું ૬૨
પ્રેમાનંદ
કડવું ૬૩ →
રાગ: સામેરી


કડવું ૬૨ – રાગ: સામેરી

નળરાયનું રુપ પ્રગટ સાંભળી, સંસાર સુખીયો થાયરે;
પરમ લજ્જા પામિયો, દુઃખી થયો ઋતુપર્ણ રાય. હાવાં હું શું કરુંરે.
મેં સેવક કરીને બોલાવિયો, નવ જાણ્યો નૈષધરાયરે;
ધિક્ક પાપી હું આત્મા, હવે પાડું મારી કાય. હાવાં હું શું કરુંરે.
જવ મન કીધું દેહ મૂકવા, તવ હવો હાહાકારરે;
જાણું થયું અંતઃપુરમાં, નળ ભીમક આવ્યા બહાર. હાવાં હું શું કરુંરે.
હાં હાં કરીને હાથ ઝાલ્યો, મળ્યા નળ ઋતુપર્ણરે;
ઓશિયાળો અયોધ્યાપતિ, જઇ પડ્યો નળને ચરણ. હાવાં હું શું કરુંરે.
પુણ્યશ્લોક પાબન સત્ય સાધુ, જાય પાતિક લેતાં નામરે;
તેવા પુરુષને મેં કરાવ્યું, અશ્વનું નીચું કામ. હાવાં હું શું કરુંરે.
જેનું દર્શન દેવ ઇચ્છે, સેવે સહુ નરનાથરે;
તે થઇ બેઠા મમ સારથિ, ગ્રહી પરાણો હાથ. હાવાં હું શું કરુંરે.
શત સહસ્ત્ર જેણે જગ્ન કીધા, મેરુતુલ્ય ખરચ્યાં ધનરે;
તે પેટભરી નવ પામિયા, હું પાપીને ઘેરે અને.હાવાં હું શું કરુંરે.
જેનાં વસ્ત્રથી લાજે વિદ્યુલતા, હાટક મૂકે માનરે;
તે મહારાજ મારે ઘેર વસ્યા, કરી કાંબળું પરિધાન. હાવાં હું શું કરુંરે.
મેં ટુંકારે તિરસ્કાર કીધો, હસ્યાં પુરનાં લોકરે;
ત્રણ વરસ દોહેલે ભિગવ્યાં, મેં ન જાણ્યા પુણ્યશ્લોક. હાવાં હું શું કરુંરે.
આળસુને ઘેર, ગંગા આવ્યાં, ઉઠી નહીં નહાયો મૂર્ખરે;
તે ગતિ મારે આજ થઇ, મેં જાણ્યા નહીં મહાપુરુષ.હાવાં હું શું કરુંરે.
શ્રાવણકીટને ઘેર જાયે, જેમ ધરાધર શેષરે;
જેમ નીચ મનુષ્યને ઘેરે જાયે, ભિક્ષાને મહેશ. હાવાંને હું શું કરુંરે.
જેમ ચકલીને માળે આવે, ગરુડ ગુણભંડારરે;
તેમ મારે ઘેર આવી વસ્યા, વીરસેનકુમાર. હાવાં હું શું કરુંરે.

જેમ કૃપણને ઘેર કમળા વસિયાં, ઘેર ન પ્રીછે વ્યયતણીરે;
તેમ મારે ઘેર નળ વસ્યા જેમ, ભીલને ઘેર પારસમણી, હાવાં હું શું કરુંરે.
જેમ અંધપત્નીતણાં આભૂષણ તે, વૃથાસહુ શણગારરે;
જેમ તીવ્ર આયુધ કાયરને કર, મર્કટ મુક્તાહાર. હાવાં હું શું કરૂંરે.
કળશ અમૃતનો ભરયો કો, મુરખને પ્રાપ્તિ થઇરે;
છે ભૂર ભોગી વારુણીનો, સુધાપાન પ્રીછે નહીં. હાવાં હું શું કરુંરે.
નિઃશ્વાસ મૂકે ને કંઠ સૂકે, થઇ ભૂપને વેદનાયરે;
અપરાધ વિચારી પોતાનો, ઋતુપર્ણ દુઃખિયો થાય. હાવાં હું શું કરુંરે.
પુણ્યશ્લોકને પાયે લાગે, ફરી ફરી કરે વિનંતિરે;
એ કૃતકર્મનાં કોણ પ્રાયશ્ચિત, ભર્યાં લોચન ભૂપતિ. હાવાં હું શું કરુંરે.
પાવક માંહે પરજળુ કે, હળાહળ ભક્ષ કરુંરે;
જીવવું મારું ધિક્ક છે, દેહ હું નિશ્ચે પરહરું. હાવાં હું શું કરુંરે.

વલણ.

પરહરું દેહ માહરો, ગોજારો જીવીને શું કરુંરે,
ઋતુપર્ણ પરમ દુઃખ દેખી, સમાધાન નળે કરયુંરે.