નવ કાળ મૂકે કોઈને

વિકિસ્રોતમાંથી
નવ કાળ મૂકે કોઈને
શ્રીમદ્ રાજચંદ્ર



નવ કાળ મૂકે કોઈને


મોતી તની માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી
હીરાતણા શુભ હારથી, બહુ કંઠ કાંતિ ઝળકતી
આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૧)

મણિમય મુગટા માથે ધરીને, કર્ણ કુંડળ નાખતા
કાંચન કડા કરમાં ધરી, કશીયે કચાશ ન રાખતા
પળમાં પડ્યા પૃથ્વીપતિ, એ ભાન ભૂતળ ખોઈને
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૨)

દશ આંગળીમાં માંગલિક, મુદ્રા જડિત માણિક્યથી
જે પરમ પ્રેમે પે'રતા, પોંચી કળા બારીકથી
એ વેઢ વીંટી સર્વ છોડી, ચાલિયા મુખ ધોઈને
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૩)

મૂછ વાંકડી કરી ફાંકડા, થઈ લીંબુ ધરતા તે અપ્રે
કાપેલ રાખી કાતરા, હર કોઈનાં હૈયાં હરે
એ સાંકડીમાં આવિયા, છટક્યા તજી સો કોઈને
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૪)

છ ખંડના અધિરાજ જે, ચંડે કરીને નીપજ્યા
બ્રહ્માંડમાં બળવાન થઈને, ભૂપ ભારે ઉપજ્યા
એ ચતુર ચક્રી ચાલિયા, હોતા ન હોતા હોઈને
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૫)

જે રાજનીતિ નિપુણતામાં , ન્યાયવંતા નીવડ્યા
અવળા કર્યે જેના બધા, સવળા સદા પાસા પડ્યા
એ ભાગ્યશાળી ભાગિયા, તે ખટપટો સૌ ખોઈને

જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૬)

તરવાર બહાદુર ટેકધારી, પૂર્ણતામાં પેખિયા
હાથી હણે હાથે કરી, એ કેશરીસમ દેખિયા
એવા ભલા ભડવીર તે, અંતે રહેલા દેખિયા
જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને (૭)

-૦-


સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ
તો તે પામે નિજ દશા, જિન છે આત્મ સ્વરૂપ (૧)

પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય
સમજો જિન સ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય (૨)