નાનું સભાપર્વ/કડવું ૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← કડવું ૧ નાનું સભાપર્વ
કડવું ૨
કવિ નાકર
કડવું ૩ →રાગ કેદારો
અર્ધપાધ પૂજા કરી, રુષિ પ્રત્યે વાણી ઉચરી,
મન ધરી રાય જનમેય પ્રશ્ન કરે રે.

ઢાળ
રાય જનમેજય પ્રશ્ન કરિ છી, સૂણો વૈશંપાયન મુન્ય,
અમ કુળ તો કૃતારથ કીધું, માહારું પોતાનું પુન્ય.

અઢાર પર્વ શ્રી મહાભારતનાં, કૃષ્ણ દ્વૈપાયને કીધાં,
પ્રાચીને ઉપકંઠે બેસી, વ્યાસે જે શીખવિયાં.

વેદ મધ્યેથી પ્રકટ પાંચમો, ઈતિહાસ કિહિવાય,
જેમાં પાંચ રત્ન ને ચાર પદારથ, સાંભળતાં અધ જાય.

યજ્ઞ તણી મીસે હત્યા બેઠી, બ્રાહ્મણની તન મારે,
તે માટે ભયભીત થયો છૂં, તમ વિણ કોણ ઉગારે.

વેદવ્યાસે વાર્યો હતો, કળિયુગ જાગ ન કીજે,
તરુણ બંભ વરાવ્યા મેં, પાપી, દોષકર્મને દીજે.

દીન જાણીને દયા કરૈ રુષિજી! તહ્મો ભલે પધાર્યા,
સવા લાખ ભારત સંભળાવી, બૂડતાં પાર ઉતાર્યા.

ભારતનું એક પદ સાંભળે, રેવાનું દર્શન,
કૃષ્ણ તણા તે સ્મરણ માત્રે, પાપી થાય પાવન.

પ્રથમ આદિ પર્વ અતિ સુંદર, વંશાઓલી વિસ્તાર,
સૂર્યવંશી ને સોમવંશી, રાય તણો નહીં પાર.

જિતા કુળ મહા ભડ જેણે, ભારત નામ ધરાવ્યું,
સોમવંશ ને ધન્ય અહ્મારુ, જે કૃત ભૂધર મન ભાવ્યું.

અગ્નિ તણે મુખ બળતો રાખ્યો, મય દાનવ જેનું નામ,
યજ્ઞપુરુષના મુખથી નાઠો, કૃષ્ણ મારતા ઠામ.

તેણે સ્મરણ કર્યું અર્જુનનું, હરિ ચક્ર થકી ઉગાર્યો,
યજ્ઞપુરુષનું અજીર્ણ ભાગ્યું, ઈન્દ્રપ્રસ્થ પધાર્યો.

મય દાનવે બહુ રચના કીધી, સભા તણી વિશાળ,
ઈન્દ્રાસન બ્રહ્માસન સરખું, રુદ્ર તણું કૈલાસ.

મહા મનોહર સભા સાંભળી, રુષિ નારદ જોવા આવ્યાં,
તે દેખી મન થયું પરસન્ન, પાંડવ ભલા ભાવ્યા.

પાંચ વીરે પ્રદક્ષિણા કીધી, ચર્ણોદક શિર ધરિયાં,
નારદજી! તહ્મો ભલે પધાર્યા, અર્ધપાધ્ય રાય કરિયાં.

સ્વામી! સધળે ગમ તહ્મારી, સ્વર્ગ મૃત્યુ પાતાલ,
આવી સભા કહીં નયણે નિરખી, કહોજી મુજ કૃપાલ.

વચન સૂણી નારદ એમ બોલિયા, સુણો યુધિષ્ઠિર રાય,
સકળ સભા મે નયણે નિરખી, સાંભળ કહું મહિમાય.

વૈકુંઠ ને બ્રહ્માસન સરખું, રુદ્ર તણું કૈલાસ.
ઈન્દ્ર ચન્દ્ર રવિ-ધર્મસભા જોઈ, ત્યાં તમ કુળનો નિવાસ.

શેષ નાગની સભા જોઈ ત્યાં, મણિમય રચના કહેવાણી,
(પણ) આ સભા સમ તુલ્ય ન આવે, મારી દ્રષ્ટ ભરાણી.

વળતા ધર્મ વદે મુખ વાણી, અમ પિતૃ જ યમપૂર માંહ્ય,
તો જીવતવ્ય તે ધિક્ અહ્મારું, સ્વામી! ત્યાંથી કેમ મૂકાય.

કહે નારદ પિતાને પૂછો, તમ સુતને શું કહીએ,
(એક) રાજસૂય જો યજ્ઞ કરો તો, હરિ શરણાગત જઈએ.

રાજસૂયની રચના જોવા, સુર નર મુનિ જન આવે,
દ્વારકાથી કૃષ્ણ પધારે તો, અપાર રુડું ભાવે.

એમ કહી રુષિ નારદ વળિયા, પામ્યા અંતરધ્યાન,
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સૂણ જનમેજય રાજન!

સ્મરણ માત્રે પાંડવ કને આવ્યા, રાજસૂય યજ્ઞ કરાવ્યા,
ભીમ, અર્જુન નકુલ ને સહદેવ, દશે દિશ જિતી આવ્યા.

કાર્ય તો પરિપૂર્ણ કીધું, શ્રી કૃષ્ણ તણે પ્રતાપ,
તે પાંડવ કહો કિમ્ દુઃખ પામ્યા? કોણ ઉપન્યૂં પાપ?