નિરંજન/તોડી નાખું?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બે ક્ષુધાઓ નિરંજન
તોડી નાખું?
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
વિસર્જન કે નવસર્જન? →


42
તોડી નાખું?

બાકીની રાત નિરંજને શહેરને ચક્કર જ માર્યા કર્યું. સુનીલાના ઘર સામે ઘણી વાર જોયું. આનંદ પામ્યો. સુનીલાએ લાગણીઓના જગતની ઠીક વહેંચણી કરી નાખી! સહાનુભૂતિમાંથી એક સંસાર ઊભો કરીને તેનો કિલ્લો બાંધી એ તો સુરક્ષિત બેસી ગઈ.

ને વાસના-જગત એ કોને સોંપશે? શું એક વાર મારા પર પ્રેમ ઢોળીને એણે સદાની તૃપ્તિ સાધી લીધી? કે શું એનો દેહ સદા મોકળો, પ્રેમના પિંજરમાંથી વિમુક્ત. તલસાટોના પાષાણો પર પછડાતાં ધોબીનાં કપડાંની હાલતને અવગણતો, ક્ષુધા વ્યાપશે ત્યારે ખોરાક મેળવી લઈને મસ્તાન ભમશે?

એનું એ જાણે. એ જીતી છે. મનેય એણે જિતાડ્યો છે. એણે પોતાનો છૂપો પ્રેમમુગટ એક દુઃખી વિધુરના મસ્તક પર પ્રકટપણે પહેરાવી પોતાની દીનતાનો સ્વીકાર કર્યો, અને આજના પુરુષોની ભયાનક બનેલી જુવાનીથી એણે પોતાનો ઉગાર સાધી લીધો છે.

કોઈપણ યુવાન એને ભાંગી ચૂરા કરી નાખત. આ પ્રલયઝપાટામાં કોઈ જુવાનનું ઊર્મિ-નાવ સલામત નથી. સુનીલા ચેતી ગઈ. ચમકતા ચહેરાઓનું અને લળી લળી નમતી છલભરી નારી-પૂજાનું એ પતંગિયું ન બની. એણે કોઈ નવી બનેલી નૌકાના મંગલ પ્રથમવિહારનો મોહ ન રાખતાં રીઢું થઈ ગયેલું, હર દિશાના જળમાર્ગનું પૂર્ણ વાકેફ વહાણ પસંદ કર્યું. એ જીતી ગઈ.

રહ્યો હવે હું. મારું લગ્ન ! હવે અશક્ય છે. જીવનને બે પ્રદેશોમાં વહેંચી દેવાની મારી શક્તિ નથી. સરયુને સહાનુભૂતિનો પ્રદેશ માત્ર સોંપી પ્રેમની ભૂખ સહ્યા કરવી અશક્ય છે.

સુનીલા – એક નારી – જે બે જુદા વિભાગોમાં જીવનને વહેંચી શકી, તે મારે માટે, પુરુષને માટે શક્ય નથી.

સ્ત્રી પુરુષને આપે છે અધૂરું, માગે છે પૂરેપૂરું. બતાવે છે જીવનનો ખૂણો જ એક અને રોકવા માગે છે પુરુષનું સમસ્ત અંતર.

હું સરયુમાં આખો ને આખો સમાઈ, ઓગળી, ઓતપ્રોત નહીં થઈ શકું, ત્યાં સુધી એ જંપશે નહીં, વિશ્વાસ કરશે નહીં, ઈર્ષાએ સળગી ખાક થશે.

એને ઘર સોંપી, માબાપની સેવા સોંપી, બેચાર ચુંબનો ફેંકી, સંતોષી લેવાના મારા વિચારો બેવકૂફ વિચારો હતા.

એને ભણવાનું કહી લગ્ન ઠેલ્યે જવાની મારી બુદ્ધિમાં તરકટ હતું.

એનો હું નહોતો – ને નથી. એ શબ્દોની પ્રચંડ ઘોષણા ઊઠી, દંભ તૂટી ગયો.

બીજું બધું પછી, પ્રથમ તો ત્યાં જઈ પહોંચું અને હિસાબ પતાવું.

પોતાને ગામ જતાં રસ્તે એણે એવો અનુભવ કર્યો કે જાણે કોઈકને ફાંસી અપાઈ જવાની છે. તે અપાતી અટકાવવા પોતે ધસ્યો જાય છે. 'વહાલા ! મારા વહાલા ! વહાલા નિરંજન !' એ છે ફાંસીની રસીનો ગાળિયો. સરયુની ગરદન પર એ ગાળિયો ભીંસાય જાય છે. ને વધુ વેળા વીત્યા પછી જો મારા સંકલ્પની જાણ થશે તો, ત્યાર સુધીમાં, એ ગાળિયાની ભીંસે એના કોમળ ગળાને ચેપી નાખ્યું હશે.

આગગાડીનો વેગ અધૂરો પડયો. મોટાં મોટાં સ્ટેશનો પણ માર્ગમાં બિનજરૂરી હતાં એવું એને પ્રથમ જ્ઞાન થયું. એને ચીડ ચડી. ગાર્ડ અને સ્ટેશન-સ્ટાફ નાહક ચાપાણી માટે જ ગાડીને રોકી રાખતા લાગ્યા.

જેમતેમ એ પોતાને ગામ પહોંચ્યો તો ખરો. ઘેર ગયો ત્યારે માએ ઘીનો દીવો કરી અંબાજીને શ્રીફળ વધેર્યું. કેમ કે, “ભાઈ, એક મહિનાથી તારો કાગળ નહોતો એટલે અમારા તો શ્વાસ ઊડી ગયેલા.”

પિતા પથારીવશ હતા; આજે એની સ્થિતિ ગામમાં જઈ ભાઈ આવ્યાની વધામણી આપવા જેવી નહોતી. એણે ધીરે સાદે પુત્રના શિરે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.

ઘરમાં દરિદ્રતાની નિસ્તેજી હતી. થોડી વારે નિરંજને જોયું કે માં સાડલાના છેડા હેઠળ કશુંક ઢાંકીને બહાર ગયાં હતાં, ને પાછાં ઢાંકીને જ કશું લઈ આવ્યાં.

સમજી જવાય તેવી વાત છે કે ઘરમાં ઘી અથવા લોટનો અભાવ હોય તો તે પાડોશીની મદદથી પુરી લેવાનો હોય છે. ઘેર આવેલો પરોણો પણ આ વાત સમજી શકે છે. છતાં સંસારી જીવનની નગ્નતા ઢાંકવાની.આ જૂની રીતિ કોઈને શરમાવનારી નથી. વસ્ત્રોની નીચે નર્યો દેહ જ હોવાની સાર્વજનિક સમજણ જેવી આ વાત છે.

નિરંજનને યાદ આવ્યું: ચાર મહિનાથી પોતે ખરચી મોકલી નહોતી.

કારણ ?

લાલવાણીને માટે સુંદર સુંદર વસ્તુઓ ખરીદવા માટે ખુદ પોતાનાં વસ્ત્રો પણ પોતે સંધાવી સંધાવી પહેરતો.

ને આજે ખિસ્સામાં કશું જ નથી. પિતામાતાની આ દશા છે.

સરયુ – સરયુ – સરયુ જોડે પરણી લઉં ? દીવાન દૂઝશે ?

મા ચૂલો પેટાવતાં હતાં. ગોટેગોટા ધુમાડો ઘરના બંને ઓરડાને ગૂંગળાવતો હતો. ધુમાડાની ગંધ ગળામાં ઊતરીને એક ન વર્ણવી શકાય તેવી કડવાશ પેદા કરતી હતી. પથારીમાં પડ્યા પડ્યા શ્રીપતરામ ડોસા ખોં ખોં કરતા હતા. એને હાંફણ ઊપડી હતી.

“આટલો બધો ધુમાડો શાનો છે, બા ?” કહેતો નિરંજન રસોડામાં ગયો.

"હમણાં મટી જશે, ભાઈ !” માએ ખાંસી ખાતાં ખાતાં કહ્યું, “આ ખડ જરી લીલું હતું એટલે ધંધવાણું છે.”

“તો સ્ટવ જ પેટાવોને, બા ?”

બાએ પ્રત્યુત્તર ન આપ્યો. એ ચૂલો ફૂંકતાં જ રહ્યાં. ચૂલામાં ઓસમાન ટપ્પાવાળાના ઘોડાના ઘાસની ઓગઠ હતી. ચૂલો પેટાવવા માટે ઘાસલેટનું પોતું પણ ન વાપરવા જેટલી હદે આ ઘરની કરકસર જઈ ચૂકી છે – ને તે કરકસરનું ખરું કારણ હું પોતે જ છું, એ વાત નિરંજનને સ્પષ્ટ થઈ ગઈ.

ગુવારભીંડાની જૂની સુકવણીના શાક જોડે રોટલી પીરસીને માએ જ્યારે પુત્રને જમવા બેસાર્યો, ત્યારે શ્રીપતરામ ડોસાએ પત્નીને સાદ પાડયો: "તમે શું કરો છો ?"

"આ રહી"

“નવરાં છો ?"

"હા, કેમ ?"

"અહીં જરા આવી જશો ?"

જમતા પુત્રે આ કંગાલિયત વચ્ચે માતાપિતા વચ્ચેનો માનભર્યો, અદબભર્યો સંબંધ પારખ્યો. કોઈ ડૂબતા વહાણમાં બેઠેલાં સહપ્રવાસીઓ અન્યોન્યને ભોગે ઊગરવાની લોલુપતાથી ઉશકેરાવાને બદલે જાણે કે સવિશેષ સ્નેહાર્દ અને સ્વાર્પણોત્સુક બની રહ્યાં હતાં. માતાપિતા વચ્ચેનો વાર્તાલાપ ઓરડાની અંદર ધીરે સ્વરે ચાલતો હતો. તેના બોલ પકડવા માટે નિરંજનને શાકરોટલીના સૂકા બચકારા પણ બંધ કરવા પડયા.

પિતાએ કહ્યું: “આ લ્યો.”

“શું છે ?” પત્નીએ પતિના હાથમાંથી કશુંક લીધું.

“દસની નોટ છે, પાછી આપી આવો.”

“કોને ?”

“ઓસમાનને.”

“ઓસમાનભાઈને શા માટે ? લીધી હતી ?”

“ના, એ પાજી અહીં છાનોમાનો મેલી ગયો લાગે છે.”

“શી રીતે જાણ્યું ?”

"જાણ્યું. રૂડી રીતે. આપણી માયલી દશાની એને એકને જ જાણ છે. જ્યારે ને ત્યારે બાનાં કાઢી કાઢી કંઈક ને કંઈક આપી જાય છે. એક દહાડો એક રૂપિયો લઈને આવેલો. છાનોમાનો સોગંદ દઈને કહે કે લ્યો ને લ્યો. મેં ન લીધો. એણે અલારખાના સમ દીધા. મેં એની ધૂળ કાઢી નાખી, કે કમજાત ! કબરમાં સૂતેલાના સોગંદ ? રૂપિયાનો મેં ઘા કરી નાખ્યો. ત્યારથી એ જ્યારે આવે છે ત્યારે, મારા ખાટલા ઉપર કંઈક ને કંઈક મેલતો જાય છે. અત્યાર સુધી મને ગમ નહોતી મને લાગતું કે આપણું જ કશું નાણું હશે. કાં તમે, કાં મેં ભૂલથી ખાટલામાં પાડી નાખ્યું હશે. પણ આજ ચોરી ઝલાઈ ગઈ.”

“શી રીતે ?"

“તમે ખાટલો ને ગોદડાં સાંજે જ ખંખેર્યાં હતાં. તેમ મારી કે તમારી કને સવારથી જ કશું નથી. ને એ પાજી હમણાં જ બેસીને ગયો છે.”

ડોસી ઊભાં થઈ રહ્યાં. પતિએ કહ્યું: “આપી આવો."

“આપી આવીશ.”

"ના, અત્યારે જ જાઓ.” ડોસી ખચકાઈને ઊભાં. ડોસાએ પૂછ્યું: “કેમ થંભી રહ્યાં ?”

"બે દા'ડા પછી...”

“શા માટે ?"

“ભાઈ પાસે કશી ખરચી છે કે નહીં, તે જોવા તો દ્યો. આ વખતે નિસ્તેજ દેખાય છે.”

“વાંધો નહીં.”

“વાંધો કેમ નહીં ? સવારે શાકપાંદડું, તેલમરચું, કંઈક તો જોશે ને ?"

“એટલા માટે શું ચોરેલા પૈસા રાખશું ?”

“ચોરેલા ?”

"હા, ચોરેલા. આતમશક્તિથી મેળવ્યા વગરના એટલે જ ચોરેલા.”

“હવે તો આ તૂત છોડો !”

“હવે છોડું ? કાંઠે આવીને ડૂબું ? તો તો ઘેર બેઠાં સીધાં ક્યાં નો'તાં આવતાં, તે આજ આ ગરીબ મુસલમાનની રૂપિયા દસની નોટ રાખું !”

“રાખવી છે ક્યાં ? પછી આપી દેશું.”

“ના ! ના ! ના !” ડોસાએ દાઝે બળતો નકાર ઉચ્ચાર્યો. એ અરધા બેઠા થઈ ગયા. ઉગ્ર બનેલા સ્વરે એને ખાંસી ખવરાવી. તોફાની સાગરના. લોઢ વહાણને ઊંચે ઉપાડીને પાછું નીચે પછાડે તેવી રીતે ઉધરસના એક ઠસકાએ વૃદ્ધને પથારીમાં પટકી નાખ્યો.

"ને એને કહી દેજો,” ડોસાએ તૂટતી છાતીએ બેઉ હાથ દાબતે દાબતે ઓસમાન પર સંદેશો મોકલ્યો કે, “મારી લાજનાં લૂગડાં જો આમ ઉતરાવવાં હોય તો હવેથી ભલો થઈને મારે ઉંબરે ચડીશ મા.”

ડોસીએ સાડલાનો ટૂંકો છેડો આંખો સુધી ખેંચ્યો. દમભર્યા ડોસાના કરચલિયાળા કપાળ પર ઊનો એક છાંટો પડયો. ડોસાએ પત્ની તરફ જોયું. સાઠ વર્ષની વૃદ્ધા પાસે નહોતાં વધુ પાણી, નહોતો વધુ અવાજ.

"આ શું ? ગાંડાં થયો કે ?” કહીને ડોસાએ મહાપ્રયત્ને હાથ લંબાવ્યો. ડોસીની આંખોના ખાડામાં આંગળી બોળી, ને વધુ ધીરા સ્વરે કહ્યું – ચાળીસ વર્ષો પૂર્વના યૌવનતીર પરથી મીઠો એક તુંકાર તેડાવ્યોઃ

"તું – ગાંડી, તું ઊઠીને – મારા સોગંદ ! – હું સુખી – તારી છાયા – મરવા ઠેકાણું – દીકરો ! – એ તે શું સ્વાર્થબુદ્ધિનું ઠેકાણું ? – ના – એને પાંખો ફૂટી ગઈ – ઊડતાં આવડ્યું – ફાવે ત્યાં ઊડે – ન રડ, ઘેલી ! ઓસમાન તો ઓલિયો છે – પણ આપણે આપણાપણું હવે આખરી વખતે જાય ! ના, ના, ના !”

ડોસાનો જર્જરિત પંજો વૃદ્ધાના આખા મોં ઉપર ફરી વળ્યો. એ પુનિત દેખાવ તો ફક્ત એક દીવાએ જ દેખ્યો. છતાં શબ્દો તો દીકરાએ પણ ઝીલી લીધા.