નિરંજન/નવું લોહી!

વિકિસ્રોતમાંથી
← વિજયની ગ્લાનિ નિરંજન
નવું લોહી!
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
જુવાનોનાં હૈયાંમાં →


34
નવું લોહી !

યુનિવર્સિટીના રજિસ્ટ્રારપદે એક પ્રૌઢ પારસી સજ્જન વિરાજતા હતા. ધોમ તપતા વેરાનમાં એકાકી વડલાની ઢળતી છાયા સમી શીતલ એ પુરુષની પ્રતિભા હતી. એમનું કાર્ય કેવળ વહીવટી હતું. વહીવટની શુષ્કતામાં પણ એના વિદ્યાપ્રેમનાં ઝીણાં ઝીણાં અમીઝરણાં ફૂટતાં. હજારો દેશયુવકોની કારકિર્દી ઉપર પોતાની સહી છપાતી નિહાળી એ પુરુષને પોતાની નૈતિક જવાબદારીની અટક રહેતી. વિદ્યાપીઠના દિનપ્રતિદિન બગડતા, નિસ્તેજ થતા જતા ગૌરવ ઉપર એમનું હૃદય જલ્યા કરતું. એમણે સુનીલાના કાગળ પરથી પેલા બંને પરીક્ષાપત્રો કઢાવ્યા. બેઉ જણાંના જવાબપત્રો પણ જોયા-જોવરાવ્યા. સેનેટની સમક્ષ રજૂ કરવા સરખી વાત છે એવી એમને ખાતરી થઈ ચૂકી. પોતે કશું આગળ પગલું ભરે તે પૂર્વે અપરાધી પ્રોફેસરને એમણે મળી જોવાનું મુનાસિબ માન્યું.

એ મુલાકાતે તો એમની આંખો સામે આખોય સડો ઉઘાડી નાખ્યો. એક અપરાધી પોતાની સ્થિતિના બચાવને ખાતર અનેકના અપરાધો ઉઘાડા પાડે છે. પ્રોફેસરની બાતમીમાંથી તો વિદ્યાપીઠની રગરગમાં વ્યાપી ગયેલ સડાની બદબો ગંધાઈ ઊઠી. સિંધી, ગુજરાતી, દક્ષિણી અને યુરોપિયન, એવાં ચાર તડાં વચ્ચે પરસ્પર સંહારક બાજીઓ ખેલાઈ રહી હતી: પરીક્ષકોની નિમણુકો સીધી કે આડકતરી રીતે વેચાઈ રહી હતી અથવા વિનિમયનો ભોગ થઈ પડી હતી. પરીક્ષાપત્રોના પ્રશ્નો પણ નાણાં ખાતર અથવા લાગવગ ખાતર ફૂટી જતા હતા. એકેએક દિશામાં એકાદ કોઈ પક્ષના આધિપત્યની, વ્યક્તિહિત ખાતર ગોઠવાતી લાગવગની – એ તમામનો નિષ્કર્ષ કાઢીએ તો નર્યા દ્રવ્યોપાર્જનનાં જ વલખાંની – એક વિરાટ પ્રપંચમાળા વિદ્યાપીઠના પથ્થરે પથ્થરને આવરી પથરાઈ પડી હતી.

પોતાના જ મંદિરમાં વિદ્યા પોતે દાસી બની હતી. દેવમૂર્તિને ખાતર પૂજારીઓ નહોતા, પૂજારીઓને સારુ દેવમૂર્તિ હતી. આવું પાખંડ તો કોઈ ધર્માલયોમાં પણ નહીં હોય.

રજિસ્ટ્રારે કપાળે હાથ માંડ્યો. હકીકતોના ભારે એનું માથું નીકળી પડતું હતું. ઉલ્કાપાત મચાવવાનો એમનામાં ઉત્સાહ નહોતો. ચાળીસ વર્ષો સુધી વિદ્યાપીઠનો વહીવટ કરીને આજે એનાં પગલાં મૃત્યુ-સાગરના કિનારા તરફ વળતાં હતાં. એક ઊંડો નિશ્વાસ નાખવા ઉપરાંત શું કરવું તે એમની શ્વેત પાંપણો આડેથી એ ન જોઈ શક્યા.

'કોઈક, કોઈક નવચૈતન્ય મારી પછી ચાલ્યું આવતું હશે. નવરચના તો એનાથી જ થઈ શકશે.' એની ડોકી કરુણતાભરી ડોલવા લાગી. એણે આ કિસ્સા પૂરતું જ જે કંઈ કરવું ઘટે તેટલું કર્યું.

'નવું લોહી ! નવશક્તિ ! નવીન જોબન ! કોઈક આવો, ને આ વિરાટ પ્રપંચ-મંદિરનો ધ્વંસ કરો ! કેમ કે દેશની નવજુવાનીને એ રોળી રહેલ છે.' એવા ગુપ્ત મનોદ્દગારો એના મોંમાંથી નીકળી ઓફિસના કોટિ કોટિ રજકણોને કંપાવી રહ્યા.

યુનિવર્સિટીના કમિશનની તપાસનો મર્મતાંતણો સુનીલાની જુબાનીમાં હતો. એ જુબાની ન હોત તો અપરાધી પ્રોફેસરનો વાળ પણ વાંકો ન થઈ શકત. બહુ તો એની તુલનાશક્તિનો દોષ નીકળત, પણ એના મેલા ઈરાદાની સાબિતી તો સુનીલાના શબ્દોમાંથી મળી. કમિશનના ફેંસલા ફરતો વિદ્યાર્થીઓના રોષ તેમ જ અસંતોષનો અને જાહેર પ્રજાની પ્રથમ પહેલી જાગૃતિનો હુતાશન જલતો હતો. એટલે ઢાંકપિછાડો અશક્ય બન્યો. જેઓ મામામાશીઓના હતા તેઓ સામેની હકીકતોને ભવિષ્યની તપાસ પર મુલતવી રાખી કમિશને હાથ પરના કિસ્સા પૂરતો ચુકાદો કડક આપ્યો. અપરાધી અધ્યાપકના નામ પર નાલાયકીની ચોકડી મૂકવામાં આવી.

આવા વિજય માટે અભિનંદનો આપવા આવનાર જુવાનોએ નિરંજનનાં નેત્રોમાં નીર જોયાં, મોઢા પર ગ્લાનિની વાદળીઓ દીઠી. એના હૃદયમાં વ્યથા ઊપડી હતી. પોતે ઉપાડેલી ઝુંબેશમાં મુખ્ય નિમિત્ત પોતાના જ હિતનું હતું, અને એક વિદ્યાગુરુની કારકિર્દી કીચડમાં રોળાઈ હતી. એ કમાઈ સુખપ્રદ કેમ હોઈ શકે? નિરંજને પોતાનું મોં છુપાવ્યું. એના હૈયા ઉપર મોટો બોજો પડ્યો.

નવીન સત્રના પ્રથમ દિવસે નિરંજનનો જીવન-ઉઘાડ અષાઢના પ્રથમ મેઘવર્ષણ જેવો થયો. ગમગીનીભર્યા એના મોંમાંથી વિદ્યાલયના ફેલો તરીકે પહેલું વ્યાખ્યાન 'યુનિવર્સિટી અને રાષ્ટ્ર' ઉપર રેલાયું.

પ્રથમ વર્ષનો એ ક્લાસ ચૌદ વર્ષના ટીણકા છોકરાઓથી છલોછલ હતો. કાઠિયાવાડ-ગુજરાતની નાનીમોટી હાઈસ્કૂલોના એ પુષ્પ-રોપા હતા. પ્રત્યેકના ચહેરા પર નવા જીવનની ઝલક હતી, પણ સાથોસાથ વિદ્યાના અંતિમ ધ્યેય વિશેની નરી મૂઢતા હતી. માનો ખોળો અને પારણાનું ખોયું હજુ તાજાં જ તજેલાં હોય તેવી તેઓની મુખમુદ્રાઓ હતી. કૉલેજ અને યુનિવર્સિટી, એ તો આ નિર્દોષોને મન કંઈનું કંઈ હતું.

તેવા કિશોર શ્રોતાઓને નિરંજને વ્યાસપીઠ પરથી વંદન કર્યું. એ વંદનમાત્રથી જ કિશોરોએ હાઈસ્કૂલ અને વિદ્યાલય વચ્ચેની ભેદરેખા પારખી અને વ્યાખ્યાનના પહેલા જ વાક્યને ઝીલતાં તેમનાં વદનો લાલમલાલ બની ગયાં. એ વાક્ય આ હતું:

“હું તમને કેમ કરીને સમજાવું, મિત્રો, કે સરસ્વતીને ખોળે રમનારો હું પણ તમારામાંના પ્રત્યેકના જેવડો જ કિશોર છું ! મને તમારી બાળ-જમાતમાં ભેળવશો ? ચાર વર્ષ પહેલાં આંહીં આવી જે કંઈ મેં જોયુંજાણ્યું તેની પરીકથા તમે મને કિશોરભાવે તમારી કને કહેવા દેશો ?”

પ્રત્યેક શબ્દ મોતી સમ વિણાયો. પગના પછાડા, હાથના તાળોટા, સન્માનના ધ્વનિ, કશું જ ત્યાં નહોતું. હતું કેવળ રાતરાણીનાં પુષ્પોનું મૂંગું કૌમુદી-પાન.

– ને વર્ગની બહાર દીવાલની ઓથે ઊભી હતી સુનીલા.

વિશ્રામના અરધા કલાકમાં તો વિદ્યાલય મધપૂડા-શું બણબણી ઊઠ્યું. વધુમાં વધુ બણબણાટ પ્રોફેસરોના વિરામ-ખંડમાં મચી ગયો. ખિસકોલીના પુચ્છ જેવી ભરાવદાર મૂછોવાળા ધફડા પ્રોફેસરનો ધીંગો ઘાંંટો ચાલુ થયોઃ

“ડફોળ જોયો, ડફોળ ! પ્રસ્તુત વિષયને બાજુએ છોડી, હોસ્ટેલના રસોડાની હિંગભાજી ઉપર ભાષણ ભૂંક્યો. મેથ્યુ આર્નોલ્ડ કરતાં પાણીનાં માટલાંને એણે એકેડેમીનો જરૂરી વિષય બનાવ્યો. કેવો વાયડો... હો-હો-હો !"

ચોપડી મેજ પર પછાડી પછાડી એ પ્રોફેસર હસ્યા; હાસ્ય લંબાયું, ખાંસીમાં પરિણમ્યું. એના હૈયામાં હાંફણ ધમવા લાગી.

"સસ્તી સમૂહપ્રિયતાને ખાતર, સાહેબ ! ચીપ ડેમેગોગી....હી-હી-હી !" બીજાએ મર્મ કર્યો.

"ર્વિદ્યાર્થીઓ પૂછવા ગયા કે સાહેબ, કવિતા પર કયો વિવેચનગ્રંથ વાંચવો; તો જવાબ આપ્યો મહેરબાને, કે હાલ તુરત એક પણ ગ્રંથ ન વાંચતા. ગૂંચવાડે ચડશો." ત્રીજાએ મજાક કરી.

“બીજા સહુથી કંઈક જુદું કરી બતાવવું એટલે છોકરા ચકિત બની જાય ખરાને, સાહેબ !” ચોથાએ માનવ-સ્વભાવનું અવગાહન રજૂ કર્યું. ને એ જ સહુએ, નિરંજન ત્યાં આવ્યો ત્યારે એક પછી એક ઊભા થઈ, એના પંજા જોડે પંજા મિલાવી ચિત્કાર કર્યો કે, “અભિનંદન ! ખૂબ ખૂબ અભિનંદન ! તમારું ઊઘડતું ભાષણ તો ખરે જ સહુને મુગ્ધ કરનારું બન્યું છે; અને આપણે પ્રોફેસરોએ હવે રૂઢિગ્રસ્ત 'લેક્ચરિંગ'ના ચાલુચીલા છોડવા જ જોઈએ.”

“અમે તો, ભાઈ," ખિસકોલીના પુચ્છ-શી મૂછોવાળા વૃદ્ધે ગડુદિયાના ધડાકા જેવા શબ્દોમાં કહ્યું, “અમે તો હવે એક પગ કબરમાં મૂકીને ઊભા છીએ. તમે નવીનો જ નવી ઝલક લાવી શકશો; અમારા તો આશીર્વાદ જ ઘટે તમોને નવીનોને.”

"પણ મેં લેક્ચર કર્યું જ નથી,” નિરંજને આ વક્રોક્તિઓનું કુંડાળું ભેદ્યું, “મેં તો સાદો વાર્તાલાપ કર્યો. મારે તો નવા વિદ્યાર્થીઓને બતાવવું હતું કે વિદ્યા કરતાં જીવન વધુ મોટું છે. ઝરણાંની કવિતા માણતાં પહેલાં રોજનું પીવાનું પાણી અને 'લોજિક'નાં સિલોજિઝમ કરતાં મનશરીરની સ્વચ્છતા વધુ તાત્કાલિક સંભાળની બાબતો છે.”

“અરે, હું તો એટલે સુધી માનું છું – ” પેલા વૃદ્ધે કહ્યું, “કે, વિદ્યાપીઠનાં પુસ્તકાલયોને સળગાવી મૂકી તેની જગ્યાએ સ્વચ્છતાનાં સ્નાનાગારો ખોલવાં જોઈએ ને એલ્જિબ્રાના અધ્યાપકોને બરતરફ કરી દાતણ કરવાનું શીખવનારી કુશળ ડોસીઓ રોકવી જોઈએ.”

“હા જી,” નિરંજને જવાબ આપ્યો, “દાખલો લઈ શકાય, કે આપની એકની જ જગ્યા કમી કરવાથી રૂપિયા સાતસોની બચત રહે, ને એ બચતમાંથી મારા જેવા પાંચને રોકી શકાય. તો વિદ્યાર્થીઓનાં દાતણ, પીવાનાં પાણી, ચા, જાજરૂ અને રોટલીના આટા ઉપર બરોબર લક્ષ અપાય.”

સાંભળનારાઓ સ્તબ્ધ થયા. પેલા પૂજ્યગુરુ ગણાતા વૃદ્ધ પ્રોફેસરની આટલી અદબ કોઈ દહાડો કોઈએ ત્યજી નહોતી. એમને સંબોધીને તો કાવ્યો રચાતાં. એમના માનીતા થવાનો સહુને મોહ હતો.

એમના મોંમાંથી પ્રશંસાનો એકાદ બોલ ઝીલવાનું સૌભાગ્ય તો વિરલ ગણાતું. એને ફૂટી બદામ બરોબર બનાવી નાખનાર નિરંજન પર તો ચોપડીએ ચોપડીએ મારપીટ વરસાવવી જોઈએ !

પણ નિરંજનના ભરાવદાર દેહમાં પ્રોફેસરોએ નરી પશુતા નિહાળી. સરસ્વતીના એ દૂબળા આરાધકોએ નિરંજન સમા જડભરતની છેડતી અનુચિત માની લીધી. નિરંજન પણ થોડી વારે શાંતિથી ઊઠી ગયો.

“દયાજનક !” પેલા પૂજનીય વૃદ્ધ એક જ શબ્દમાં હજાર શબ્દોનો અર્ક નિચોવી આપ્યો.

વડીલના એ ઉદ્દગારમાત્રથી શિષ્યમંડલે વૈરતૃપ્તિ અનુભવી. એકે ઉચ્ચાર્યું. “ઓહો, કેવા ધીરગંભીર !"