નિરંજન/પગ લપસ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નિવેદન નિરંજન
પગ લપસ્યો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
શ્રીપતરામ માસ્તર →
1
પગ લપસ્યો

નિરંજન છેક બે વર્ષનો બાળક હતો, ત્યારથી જ એ સહુને વહાલો લાગતો.

"નિરુ, કાકાને જેજે! કર તો બેટા!” – એમ બોલીને એના પિતા પોતાને ઘેર આવનાર હરકોઈ સ્નેહી સજ્જન અથવા અમલદારની સાથે બે વર્ષના નિરંજનને હાથજોડ કરાવતા. મુલાકાતે આવનાર મુસલમાન હોય તો સલામ કરાવતા.

બે વર્ષનો બાળક આટલો છટાદાર વિનય બતાવી શકે, તે દેવકીગઢ જેવા ગામમાં તારીફને લાયક વાત લેખાતી. શ્રીપતરામ માસ્તરના પુત્રનાં લક્ષણ ગામમાં વખણાતાં હતાં. પોતે ત્રીજા વર્ગના એક રાજ્યની ગુજરાતી તાલુકા શાળાના હેડમાસ્તર હોઈને, નિશાળિયાઓ પાસે આવો વિનય કરાવવાની ફરજ સમજતા, અને એજન્સીખાતાના તેમ જ અન્ય રાજ્યોના અનેક અધિકારીઓની સલામો લેવાની ભૂખ ભાંગવાનું સૌથી સારું સાધન આવી નિશાળો જ હતી.

આવું વિનય-શિક્ષણ બે વર્ષના શિશુને માટે સહેલું નહોતું. પ્રથમ તો નિરુ ઉદ્ધતાઈ કરતો: પિતાજી કોઈની સામે જબરદસ્તી કરીને નિરુને હાથ જોડાવે તો નિરુ ચીસો પાડી ઊઠતો. એટલે શ્રીપતરામ માસ્તરને થોડી વપત પડી હતી; નિરુને કહેવું પડતું: “જે જે કર કાકાને, બેટા નિરુ!”

નિરુ મોં ફેરવી જતોઃ એને દરેક મનુષ્યના ભત્રીજા થવું ગમતું નહીં.

“આમ જે જે કર તો;” જરા સખત અવાજે બોલીને પિતાજી એના હાથ જોડાવતા.

નિરુ હાથ તરછોડીને તીણી ચીસ નાખતો “ન..ઈ...!”

“નહીં!” પિતાજી તપતા, “જોડે છે કે નહીં? હાથ જોડ કાકા સામે ! ઉદ્ધત!"

એ રીતે ધમકાવી તમાચા મારી, હડબડાવી, આખરે એવી શિસ્તમાં તો નિરુને પળોટી દીધો કે પિતાજીની મુલાકાત કરનાર પીરભાઈ મુલ્લાથી માંડી ડેપ્યુટીસાહેબ પર્યતના તમામ પ્રત્યે નિરુના હાથ યંત્રવત્ ઊંચા થતા.

ગામલોક તારીફ કરતાં: “શ્રીપતરામભાઈના ઘરમાં કાંઈ વિનય ! જાણે ઈશ્વરી બક્ષિસ.”

આ ચાલાકી અને વિનય વડે સહુને મુગ્ધ કરતો, નિશાળમાં વિનયના ગુણ માટે ઇનામ જીતતો, અને છેવટે હાઈસ્કૂલના અભ્યાસમાં તોફાનમસ્તીથી તદ્દન નિર્લેપ રહી પોતાની શરમાળ મીઠાશ વડે પ્રત્યેકને પાણીપાણી કરી નાખતો નિરંજન પોતાનો અભ્યાસ આગળ ધપાવવા મુંબઈ કૉલેજમાં ગયો. તે દરમ્યાનમાં નવાં યુગબળોએ એના વિચારોને તો ઉપરતળે કરી નાખ્યા હતા, છતાં એની નમ્રતાનો કોશેટો ભેદાયો નહોતો.

એક દિવસ કૉલેજની પગથીની સુંવાળી લીલ ઉપર નિરંજનનો પગ એવી તો ભયાનક રીતે લપસી પડ્યો, કે એનું આખું જ શરીર નીચે પછડાયું.

કૉલેજની પરસાળમાં હસાહસ ઊઠી. છોકરીઓએ આજે પહેલી જ વાર તાળીઓ પાડીને છોકરાઓનાં ઘણા દિવસોનાં અડપલાંનું જાણે વ્યાજ સહિત વેર વાળ્યું. ટેનિસ-કોર્ટ ઉપર કેકી, બાર્લો, ધોંગડે ને મંજુલા તો રેકેટ વીંઝી છલંગો મારી ઊઠ્યા. કેકીએ તો ટેનિસ-કોર્ટ પર એક અળગોટિયું ખાધું.

ખસિયાણો પડેલો નિરંજન જ્યારે ઊભો થયો ત્યારે એનાં કપડાંનો પાછલો આખો જ ભાગ લીલથી ખરડાઈ ગયો હતો. હસવાની જોડે વાતોનો મસાલો પણ વિદ્યાર્થીઓ ભેળવવા લાગ્યા:

“શાથી પછડાયો?”

"કેકીના કેળાની છાલ આવી ગઈ હશે પગ નીચે.”

“નહીં રે ! એ તો બૂચાને બે હાથ જોડીને 'સાહેબજી' કરવાની આદત છે, ને સુનીલાને પગે લાગવા માટે તો પોરિયો લળી પડે છે; ચોપડીઓની થપ્પી બગલમાં નાખવા ગયો, એટલે પથ્થર પરની શેવાળે પોતાની બાજુ ખેંચ્યો બચ્ચાને !”

"શેવાળ ઉપર તો મહેરબાને 'શૈવલિની' નામનું કાવ્ય લખેલું છે.”

“એટલે જ શેવાળે પ્યાર કર્યોને !”

“ઓ જો, પેલીએ સાઇકલ મંગાવી. સવારી કશુંક 'મિશન' લઈને નિરંજન માટે ઊપડતી લાગે છે.”

વાત ખરી હતી: સુનીલાને 'જય જય’ કરવાની જરા વધુપડતી લાલિત્યમય છટા કરવા જતાં જ નિરંજનની આ દશા થઈ હતી. ચોમાસાની વાછટે દિવસરાત પલાળી પલાળી કૉલેજની પરસાળની કિનાર પર લીલ બિછાવી હતી. પણ પુરુષની આંખો પર સ્ત્રી-સન્માન જેવો કોઈ બીજો પાટો નથી.

ગજવામાંથી રૂમાલો કાઢી કાઢી મોંની અંદરના ખિખિયાટા દબાવી ઊભેલી છોકરીઓના વર્તાવમાં સુનીલાના ગંભીર મંદ હાસ્યે એક સ્વચ્છ ભાત પાડી દીધી; ને એ નિરંજનની નજીક આવી. નિરંજનને પગે કળ ચડી ગઈ હતી તેથી તે ચાલવાનો પ્રયત્ન કરી, પોતાની લંગડી દશા વડે, વધુ મશ્કરી નોતરવાને તૈયાર નહોતો. થાંભલાને ટેકે એ ટટ્ટાર રહ્યો.

“ઘેરે જવું છે? ગાડી બોલાવું?” સુનીલાએ હાસ્યને કરુણતામાં રંગીને પૂછી જોયું.

“નહીં. અત્યારની 'એસેબ્લીમાં' મારે મારું ભાષણ વાંચવાનું છે.”

“તો ચાલો, વર્ગમાં બેસો,” એમ કહી એણે પ્રથમ તો ક્ષોભભરી આંખોનું ચોમેર દૃષ્ટિ-કૂંડાળું દોર્યું.

પણ ઊભેલાં સ્ત્રીપુરુષો, તમામ વિદ્યાર્થીઓ હજુ ઠેકડીના તાનમાં જ મશગૂલ હતાં. હજુ કોઈ મદદે આવતું નહોતું.

“સુનીલા !” કોઈનો નાજુક સૂર આવ્યો, “તમારે સારુ જ આ સંકટ ઊભું થયું છે. ગિવ એ હેલ્પિંગ હૅન્ડ, વોન્ટ યુ? (જરા હાથનો ટેકો નહીં આપો શું?”)

બોલનારની દિશામાં કશું જ લક્ષ આપ્યા વગર સુનીલાએ નિરંજનનો હાથ પોતાના ખભા પર ટેકવી લીધો, ને એને વર્ગની બેઠક ઉપર પહોંચાડ્યો.

તે દિવસ સાંજની એસેમ્બીમાં નિરંજને જે હાર ખાધી તે હારની તોલે આવે તેવો કોઈ જ બનાવ એના પૂર્વજીવનમાંથી એને યાદ આવ્યો નહીં. પોતાનો લેખ વાંચવા એ ઊભો થતો હતો ત્યારે એને લથડિયું આવ્યું, એ સાથે જ બાલ્કનીમાંથી એકસામટા કિકિયારા ઊઠ્યા “મિસ સુનીલા ! મિસ સુનીલા !“

"ઓ-હો-હો-હો.” એવો એક લાંબો સમૂહ-ઘોષ આખા ખંડમાંથી ગાજ્યો. અને પહેલી હારના બાંકડા પર બેઠેલી સુનીલાને માથે કાગળના છૂંદા વરસ્યા.

નિરંજને વેદના-ભરપૂર આંખો ચારે બાજુ ફેરવી; તેમ તેમ તો જુવાન શ્રોતાજનોને વધુ ચાનક ચડી.

નિરંજનનું કલેજું ઘવાતું હતું. એના કારણે એક કુમારિકા વિદ્યાર્થિની પ્રત્યે આટલી બધી અસભ્યતા થતી હતી.

એટલો વિચાર પૂરો નથી થયો ત્યાં તો પોતે પોતાની બગલ પર એક હાથનો ટેકો અનુભવ્યો. પોતે નજર કરીઃ એ સુનીલા જ હતી. મલકાતીમલકાતી એ કહેતી હતી: “ચાલો, ચડો.”

સુનીલા શું મશકરી કરતી હતી? એ શું બધાંની હાંસીમાં જોડાઈ હતી?

નહીં, નહીં, અત્યંત મૃદુ ટેકો આપીને નિરંજનનું શરીર વ્યાસપીઠ પર પહોંચતું કરીને સુનીલા પાછી પોતાની બેઠકે આવી બેઠી.

મશ્કરીના અને કટાક્ષોના ઘોષ શમી ગયા. વાદળાં જાણે કે બીજું વધુ મોટું તોફાન જગાવવા માટે જ ચૂપ થયાં હતાં.

નિરંજને પેપર કાઢ્યો. એણે વાંચવા પ્રયત્ન કર્યો. કોણ જાણે શાથી, એને એના પોતાના જ અક્ષરો ઊકલ્યા નહીં. શરૂઆત કરતાં જ એ થોથરાયો. તોફાનને પૂરું નિમંત્રણ મળી ચૂક્યું. 'હેઈ હેઈ – સરરર-હુડીઓ' વગેરે વગેરે જેટલા સૂરો જુવાનોનાં હૃદયોને ઊંડે ખૂણે, શિષ્ટાચા ચારના ભાર તળે ચગદાઈને પુરાયા હતા, તે તમામ સૂરોએ કૉલેજના સભાગૃહને મુંબઈના ભીંડી બજારના કોઈપણ તમાશા-ઘરની સ્પર્ધામાં મૂકી દીધું.

“હું તમને – હું તમને – વિનંતી...” નિરંજને સભાજનો તરફ કાકલૂદી બતાવી. જવાબમાં – “હો... હો... હો.. કરો...ઓ ... ઓ !” એવા શોર મચ્યા.

“આ બહેનોને ખાતર આપ વિનય...” એવી નારીસન્માનની યાચના નિરંજન કરે, પછી તો બાકી જ શાનું રહે?

“બેસી જા ! બહુ થયું.” એવા શબ્દોના તરંગો પર તરંગો ચડ્યા. ને પારસી છોકરાઓએ એક અંગ્રેજી ટોણાનો તરજુમો ફેંક્યો: “મોટાં માયજીને બેદાં ભાંગવાનું શીખવવા નીકલનાર બૂચા ! બેસી જા.”

પ્રમુખ ઊભા થયા. એને તો કોઈએ બોલવા જ ન દીધા. પુનઃ પાછો કટાક્ષ છૂટ્યોઃ "સુનીલા ! ત્રાહિ મામ્ ! ત્રાહિ મામ્ !”

આ વખતે સુનીલાએ ચોગમ નજર કરી ત્યારે એને મામલો હાથમાં ન રહે તેવો લાગ્યો. પણ બીજી બાજુ એને વ્યાસપીઠ પરનું દ્રશ્ય અપાર કરુણાથી ભરેલું ભાસ્યું. નિરંજન ઊભો હતો ફાટી આંખે – મસાલો ભરીને ખડા કરેલ કોઈ મુડદા સરીખો.

સુનીલા ઊઠી, વ્યાખ્યાનપીઠ પર ચડી ગઈ. નિરંજનના હાથમાંથી ભાષણના કાગળ લઈ લીધા, એને પ્રમુખની બાજુની ખુરસીમાં બેસાડી દીધો ને પોતે ધીમેથી પ્રમુખની રજા યાચીઃ “હું વાચું?”

“જરૂર. પણ વાંચવા આપશે?”

"જોઉં છું.” એ વાર્તાલાપ તો શોરબકોરમાં ડૂબી ગયો, પરંતુ સુનીલા જ્યારે શાંત દર્પ સમેત ટટાર થઈ ત્યારે જુવાનોનાં મોંએ મોંએ, પીપળાનાં પાંદડાં પવનમાં ખખડાટ કરે છે તેને મળતો એક મીઠો મર્મર-ધ્વનિ પ્રસર્યો. પ્રમુખે જાહેર કર્યું: “શ્રીમાન નિરંજનને શરીરે ઠીક ન હોવાથી તેમનું ભાષણ મિસ સુનીલા વાંચશે.”

એ દરમિયાનમાં સુનીલાએ ભાષણ પર દ્રષ્ટિ કરી લીધી. ભાષણનું મથાળું આવું હતું : 'ધ સ્પિરિટ ઓફ રેવરન્સ ઇન ચાઇનીઝ એન્ડ જાપાનીસ કલ્ચર’ (ચિનાઈ તેમ જ જાપાની સંસ્કૃતિમાં વિનયની ભાવના).

તરત જ સુનીલાએ મથાળું ફેરવીને મક્કમ, ધીર તેમ જ ડંફાસ વગરના છતાં દર્પ- ભરપૂર કંઠે શરૂઆત કરી: “ધ સબ્જેક્ટ ઓફ માય લેકચર ધિસ આફ્ટરનૂન ઈઝ: 'ધ બુલી એન્ડ ધ કાવર્ડ' (આજ સાંજના મારા વ્યાખ્યાનનો વિષય છે: 'મવાલી અને હિચકારો').”

એટલું કહ્યું તેટલામાં બાલ્કનીમાંથી એક ઈંડું પડયું. ઈંડું સુનીલાની છાતી પર તૂટ્યું, એનાં કપડાં ખરાબ થયાં.

સુનીલાએ ન સાડી તરફ નજર કરી, ન ઈંડું ફેંકાયાની દિશા તરફ આંખ ચલાવી. ઇંડું પાડવાની ક્રિયા અને સુનીલાનું અચલાયમાનપણું, બેઉ એટલાં તો લગોલગ દેખાયાં, કે એની અસર વીજળીના 'નેગેટિવ'-'પોઝિટિવ' તારોના છેડા મળે તેવી જાતની બની. સભાજનોને હસવું હતું, હોહા કરવી હતી, પણ હવામાં પથ્થર ફેંકનારનો હાથ જેમ ધ્રસકાય છે, તેમ હસનારાઓના હાસ્યની વૃત્તિ પણ સામો પછડાટ ન મળવાથી કમજોર બની. સર્વની આંખોમાં કુતુહલ અને ધન્યવાદનાં કિરણો ચેતાયાં. સહુએ પોતાના ઉપકારક પેલા ઈડું નાખનાર જુવાન તરફ ધૃણા અનુભવી. એકે કહ્યું: “શેઇમ!” (શરમ).

ચાંપ દાબતાં જ દીવા થાય તે રીતે 'શરમ' શબ્દના ઉચ્ચાર જોડે જ પુનરુચ્ચારોની પરંપરા ચાલી. ટોળાનો મિજાજ પલટી ગયો.

પછી કાગળોનાં પાનાં ઉથલાવતી સુનીલા જેમ જેમ બોલતી ગઈ તેમ તેમ નિરંજન ચકિત જ થતો ગયો. એ જાણે કે હમણાં બોલી ઊઠશે કે “મેં ક્યાં એમ લખ્યું છે?” – એ રીતે એના હોઠ ફાટ્યા રહ્યા બોલવા માટે થઈને વારંવાર ગળાને મોંના અમીથી ઘૂંટડે ઘૂંટડે ભીંજવવા મથ્યો; પણ સુનીલાએ એની સામેય ન જોયું, ને એણે ક્યાંય વિસામો, લીધો, ન એ થોથરાઈ, ન સભાજનોની સામે એણે નજર કરી. પણ એના પ્રત્યેક મુખોચ્ચારની અણી એક જ વસ્તુના સમર્થન તરફ એકાગ્ર થતી ચાલી કે, “હિંદને આજે પોતાની પ્રાચીન સભ્યતાના પ્રાણસ્વરૂપ વિનયભાવને થોડે ભોગે પણ 'બુલી'ની, મવાલીની ફાટેલી તાસીર કેળવવાની જરૂર છે.”

ને છેલ્લે છેલ્લે તો સુનીલા નિરંજનનો શ્વાસ ઉડાડી નાખે તેવું કશુંક પોતાના મગજમાંથી વાંચી રહી હતી:

"આપણી સ્ત્રીસન્માનની ભાવના ઢોંગી છે, હિચકારી છે. આપણે સ્ત્રીઓને રેલવેમાં કે ટ્રામ-બસમાં શા માટે ઊઠી જઈ બેઠક આપવી? એની બનાવટી મહત્તા શીદ વધારવી? એને લળી લળી શીદ નમન કરવાં? એની હાજરી હોય તેટલા જ કારણસર શા માટે આપણી તોફાનવૃત્તિએ દબાતા રહેવું? મનમાં મનમાં જો સ્ત્રી પર ઈંડાં ફેંકવાની ક્રિયા તરફ ગલગલિયાં અનુભવીએ છીએ, તો ઉપર ઉપરથી શા સારુ સ્ત્રીસન્માનના દંભ કરીએ છીએ? ફેંકી લઈએ ઈંડાં: એની પણ તાકાત હશે તો એ સામાં ફેંકશે. એને માટે આગલી બેઠકો અલાયદી રાખવાની જરૂર નથી” વગેરે વગેરે.

નિરંજન હેબતાઈ ગયો. એણે તો બધું જ આથી ઊલટું લખ્યું હતું ! સુનીલા આ શું ભરડી રહી છે ! આ બધો શો તમાશો જામી પડ્યો છે ! પોતાની જાતિને હીણપત દેનારું આ બધું સુનીલા આટલી મક્કમ શાંતિથી શી રીતે બોલી શકે છે !

વ્યાખ્યાનનું વાચન ખતમ થયું. સુનીલાએ કાગળો ગડી વાળી નિરંજનના હાથમાં મૂક્યા ને જે બન્યું છે તે બધું સ્વાભાવિક જ બન્યું છે એવું સૂચવતી, નિખાલસ, ક્ષોભરહિત મુખમુદ્રા રાખીને પોતે નીચે ઊતરી ગઈ. એકાદ-બે જણાએ તાળીઓ પાડી, પણ સભાગૃહે એ તાળીઓ ન ઝીલી. બધા જુવાનો અચંબામાં લીન હતા. આ શું નિરંજનના વિચારો? આ પરિવર્તન એનામાં ક્યારે આવી ગયું?

વ્યાખ્યાનના કાગળ નિરંજનનો કોઈ મિત્ર કે શત્રુ જોવા માગે તે પૂર્વે તો સુનીલાએ નિરંજનને ટેકો આપી એક ભાડૂતી ઘોડાગાડીમાં ચડાવ્યો.

પોતે પોતાની બાઇસિકલ પર ચડી રસ્તો લીધો. બાઇસિકલ પોતાની બાજુમાં ઘસાઈને પસાર થઈ ત્યારે નિરંજનનું માથું હંમેશની આદત મુજબ નમ્યું. સુનીલાએ એ નમનને તુચ્છકારના ભાવે નિહાળ્યું.

નિરંજનને થયું કે આ કરતાં તો નિત્ય નમવાની આદતવાળી આ ગરદનને ઊભા કાંટાનો પટો પહેરાવવો વધુ સારો છે.