લખાણ પર જાઓ

નિરંજન/પ્રો. શ્યામસુંદર

વિકિસ્રોતમાંથી
← મનની મૂર્તિઓ નિરંજન
પ્રો. શ્યામસુંદર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
ઝાંઝવાનાં જળ →


9
પ્રો. શ્યામસુંદર

દીવાલોને ચક્કર લગાવતો નિરંજન એ છબી પાસે થંભ્યો. આટલી બધી બુજરગ છબીઓની વચ્ચે એણે આ એક જ જુવાનચહેરો જોયો. નીચે મૃત્યુનું વર્ષ લખ્યું હતું. 1925. નિરંજને ગણતરી કરી લીધી. સુનીલા તે વખતે દસ વર્ષની હોવી જોઈએ.

ફોટોગ્રાફી એ એક રમણીય છલના છે. બેવકૂફના મોં પર એ બુદ્ધિમત્તાના રંગો પૂરી આપે છે અને ધૂર્તોના ચહેરા પર સંતપુરુષની રેખાઓ મૂકી શકે છે. આ જ્ઞાન નિરંજને એક વાર પોતાની જ છબી પડાવીને મેળવ્યું હતું. ઉપરાંત, રશિયાના છેલ્લા ઝારની રાજપ્રતિમા પણ એને કેવી ભલી ને ભદ્રિક, કોઈ પ્રોફેસરની તસવીર જેવી લાગી હતી! જ્યારે પ્રજાના મુક્તિદાતા લેનિનની છબી હરવખત નિરંજનને કોઈ ભયાનક ગુંડાનો જ ખ્યાલ કરાવતી હતી.

પ્રોફેસર શ્યામસુંદરનો ચહેરો એણે ટીકી ટીકીને નિહાળ્યો. આછી આછી વધેલી દાઢીઃ કુટિલો સંકોડે છે તેવી જાતના જરીકે નહીં એવા, ઊલટાના સહજ લબડતા હોઠ; ઝીણી પાતળી મૂછો; સ્થિર, કોઈ ગોખલામાં દીપકો બળતા હોય તેવી આંખો; ચપટું, ઊભું, સાંકડું માથું; માથા પર વાળનાં ગૂંચળાં.

મોં તો તદ્દન પરિચિત: સુનીલાનું જ મોં. સંધ્યાકાળના કોઈ ભર્યાભર્યા સરોવર સરખું: સહજ કમ્પાયમાન છતાં પ્રશાન્ત.

પોશાક શરીરને બંધબેસતો નહોતો. કપડાં અને અંગો જાણે પરસ્પર અકળાતાં હતાં. નેકટાઈની ગાંઠ સરખી નહોતી. શરીરશોભા પ્રત્યેની આ બેપરવાઈનો ખુલાસો એની આંખોમાં હતો. આંખો એકધ્યાન અને અંતરલીન હતી. આંખો કોઈક અતલ ઊંડાણોમાં કશુંક ગુમાવેલું ગોતતી હતી.

નિરંજન છબી નીરખતો હતો ત્યારે એના પર એક પડછાયો પડ્યો. એણે પાછળ નજર કરી. એ કાળી છાયા પેલા ક્લબના જુવાન સેક્રેટરીની જ હતી.

ટીખળ કરવાની આવી તકને જવા દઈને સેક્રેટરી ત્યાંથી ચુપચાપ ખસી ગયો.

નિરંજનને વિસ્મય લાગ્યું. પછી યાદ આવ્યું, એ તો આગલા દિવસની ગુંડાશાહીનો ચમત્કાર.

થોડી વાર પછી સેક્રેટરી પાછો દાખલ થયો. નિરંજન કોની છબી જોઈ રહેલ છે તે નક્કી કર્યું... પછી લાકડાના પાર્ટિશનની પેલી બાજુ લાઇબ્રેરિયનની ઓફિસ હતી ત્યાં ગયો. ધીરે સ્વરે લાઇબ્રેરિયનને પૂછી જોયું: “આ મહેરબાનને પ્રો. શ્યામસુંદરની તસવીરમાં અચાનક ક્યાંથી રસ ઊભરાઈ પડ્યો છે?”

નિરંજને આ સાંભળ્યું: લાઇબ્રેરિયનનો જવાબ સાંભળ્યો. એ જવાબ આ હતો: “એમાં શી નવાઈ છે? એવા બીજા વંદનીય વિદ્યાગુરુને છેલ્લાં દસ વર્ષોમાં કોઈ કૉલેજે દીઠા છે?"

પેલાનો વધુ જવાબ સંભળાયો નહીં. લાઇબ્રેરિયનનો એકલ ઉદ્ગાર કાને પડ્યો: “કેટલી દુર્જનતા! મારા પૂજ્ય પ્રોફેસરની બદબોઈ કરવા આવ્યો !”

નિરંજન આતુર પગલે લાઇબ્રેરિયનની પાસે પહોંચ્યો, કહ્યું: “એક વિનંતી કરું?”

"કરોને!”

"પ્રો. શ્યામસુંદર વિશે તમે કશું જાણો છો?”

“એમનો તો હું પ્રિય વિદ્યાર્થી હતો; બધું જ જાણું છું.”

“મને કહેશો?”

“શું જાણવું છે?”

“એમનું મૃત્યુ આટલી જુવાન વયમાં કેમ થયું?”

"એમણે આપઘાત કરેલો.”

“આપઘાત!” નિરંજન ચમક્યો, “શા માટે?”

“એમનાં પત્નીની ઈર્ષાને લીધે.”

“પત્નીની ઈર્ષા?”

"હા. એના જેવી બીજી કોઈ ભયંકર ઈર્ષા નથી.”

"પણ શાની ઈર્ષા?”

“લેડી-સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થિનીઓ) બાબતમાં એનાં પત્નીને કોઈએ કાનભંભેરણી કરી હતી.”

“ઓ પ્રભુ! એ દેખાવડા હતા, ખરું? હોવા જ જોઈએ.” નિરંજનના મનમાં સુનીલાની સુંદરતા રમતી હતી.

“એમનું નામ કેમ જાણીતું નથી? એમણે કંઈ પુસ્તકો લખ્યાં છે?”

“એક પણ નહીં.”

“કેમ?"

“એ કહેતા કે મારું કર્તવ્ય જ્ઞાન ભેગું કરી કેવળ મારા વર્ગમાં જ ઠાલવી દેવાનું છે.”

“એમની કોઈ નોટ્સ?”

“એમની કોઈ નોટ્સ એમણે છપાવી નથી.” “એમ કેમ?"

"પોતે ચોક્કસપણે માનતા કે નોટ્સ કાઢવી એ અપ્રામાણિક ધંધો છે, પૈસા કઢાવવાની બાજી છે. પોતે મરતાં પહેલાંનો જે પત્ર લખતા ગયા છે તેમાં પણ લખ્યું છે કે મારી લખેલી થોકડાબંધ નોટોમાંથી એક પણ નોટ છપાવી પ્રસિદ્ધ કરશો નહીં. વિદ્યાપીઠને એના પુસ્તકભંડારમાં રાખવા આપી દેશો.”

"પણ એમણે આપઘાત કર્યો?” નિરંજનના મનમાં એ એક જ વાત ઘોળાઈ રહી રહી.

“સુંદર રીતે આપઘાત કર્યો.”

"આપઘાતની રીત પણ સુંદર હોય છે શું?"

“હા જ તો દસ વર્ષની પ્રોફેસરશિપ દરમિયાન કવિતા વિશે જે જે તારતમ્ય પોતાને જડેલું તે બધું એમણે છેલ્લે દિવસે બેસીને લખી નાખ્યું. આગલા દિવસે વર્ગમાં મારા પ્રશ્નનો ખુલાસો નહોતો કરી શક્યા તે ખુલાસો લખીને એક જુદા પરબીડિયામાં મૂકતા ગયા. પછી રાત્રિએ ઘરમાં બેઠાબેઠા ગોલ્ડસ્મિથની 'વેરાન ગામડું' નામની કવિતામાંથી 'ગ્રામ મહેતાજી'નો ફકરો બોલતા હતા. અમે હોસ્ટેલમાં રહેતા હતા તેની નજીક જ એમનો બંગલો હતો. રાતના બે સુધી અમે એમને અંગ્રેજી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી ભાષાના ઉત્તમ ફકરા લલકારીને બોલતા સાંભળેલા. સવારે એમનું શબ પલાંઠીભર પડેલું ને બીજી કોઈ નિશાની દેહ પર નહોતી. તે પરથી લાગ્યું કે એમણે શ્વાસનિરોધ જ કર્યો હશે. પાસે એક ચિઠ્ઠી પડેલી, તેના પર લખેલું કે 'વસિયતનામું'. અંદર ફક્ત આટલા જ શબ્દો હતાઃ 'મારો વિદ્યાપ્રેમ મારી પુત્રી સુનીલાને સોંપી જાઉં છું'.

"એ સુનીલા કોણ? આપણાં –"

"હા, હા, તમને તે દા'ડે ઉગારનાર જ સુનીલા.”

નિરંજન લજવાયો. એ લજ્જાને રોળીટોળી નાખવા પોતે ઝટપટ કહ્યું: “વારુ ત્યારે, મને જેની ઝંખના હતી તેવા એક વિદ્યાગુરુને મેં આજે જાણ્યા. વધુ જાણવા દિલ છે. ફરીથી આવું?”

"જરૂર આવો. ઘણી વાતો કહેવા જેવી છે.”

નિરંજનના અંતરમાં કોઈ રમ્ય તડકાછાંયા રમવા લાગ્યા. એના મનોભાવો નાનાં પારેવાંની માફક એના મનને ચબૂતરે ચણવા લાગ્યા.

કૉલેજનો ઘંટ થયો. ઘંટની ઘોષણાએ વિચાર-પારેવાંને ઉડાડી મૂક્યાં.

વર્ગ તરફ જતાં છેટેથી તેણે સુનીલાને દીઠી. પહેલાંની સુનીલા કરતાં પ્રોફેસર શ્યામસુંદરની વિદ્યાવારસ સુનીલા વધુ સુંદર લાગી: એ જ મુખરેખાઓ; એ જ સહેજ આગળપડતો હોઠ, એ જ વેશપરિધાન પ્રત્યેની સહેજ બેપરવાઈ; એ જ સંધ્યા-સરોવર-શી ગંભીરતા.

જરા ઊપડતે પગલે ચાલીને નિરંજન એની નજીક ગયો, કહ્યું: “દીવાનસાહેબને આટલું કહી દેશો? મને માફ કરે, હું નહીં આવી શકું.”

એક ક્ષણ સુનીલાએ ઊંચે જોયું. નિરંજને આશા રાખી કે હમણાં પૂછશેઃ “કેમ નહીં આવી શકો? આવોને !”

તેને બદલે સુનીલાએ કહ્યું: “વારુ, કહી દઈશ.”