લખાણ પર જાઓ

નિરંજન/મનનાં જાળાં

વિકિસ્રોતમાંથી
← નિરંજન નાપાસ નિરંજન
મનનાં જાળાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
બાપડો →


25
મનનાં જાળાં

ધરાત થઈ ગઈ હતી. ધગધગતું બિછાનું છોડીને નિરંજન બહાર લટાર મારતો હતો. એ અધરાતે એણે એક નાનકડી હાટડીના દુકાનદારને ઝાંખે દીવે ચોપડા પર ઝૂકેલો જોયો. એ આખા દિવસનો મેળ મેળવતો હતો. પૈસાની પણ ભૂલ આવે ત્યાં સુધી એ દુકાન ન વધાવે, એનું અંતર ન જંપે, કેમ કે એને ખબર છેઃ નાની-શી એક જ ગૂંચ અણઊકલી રહે તો તે નાના-શા કરોળિયાની પેઠે અનંત તાંતણો વણી વેપારમાં જાળા ને જાળાં જન્માવે છે.

નાના ગામમાં મોડી રાતનું આ દ્રશ્ય નિરંજને એક કરતાં વધુ વાર જોયું હતું. જોઈને એ કોલેજિયન રમુજ પામતો હસ્યો હતો. એક પૈસાનો મેળ મેળવવા વ્યાપારી ચાર પૈસાનું તેલ બાળે અને સોના સરખી ઊંઘ ગુમાવે, એ કેવી બેવકૂફી!

એ બેવકૂફીમાં રહેલું ડહાપણ નિરંજનને આજ એકાએક હૈયે વસ્યું. પોતાના જીવન-ચોપડાનો મેળ એણે ક્યાંક અણમેળવ્યો મૂકી દીધો હતો. એક ગૂંચ હજાર ગૂંચોને જન્મ આપ્યો હતો. હવે તો મેળ મેળવ્યા વગર નહીં સુવાય – કાલનું પ્રભાત સ્વચ્છ ચોપડે શરૂ થવું જોઈએ.

તેણે સૂવાના ઓરડાનો દીવો સતેજ કર્યો. હૃદયના દીવાની પણ વાટ સંકોરી, જીવન-ચોપડામાં એણે ઝીણી નજર નાખી. પ્રેમની વિગતમાં એણે ગરબડગોટા જોયા.

સુનીલા માટે હું સાચે જ શું સ્નેહ ધરાવું છું? કઈ જાતનો એ પ્રેમ? શા માટે એ લાગણી? કયા સંજોગોએ જન્માવેલી? એ તે નરી બંધુતા હતી? મિત્રતા હતી? લગ્નવાંચ્છના હતી? – શી હતી એ લાગણી?

દરેક સ્નેહોર્મિ શું લગ્નના પ્રદેશમાં પહોંચાડનારી હોય છે? હરેક આકર્ષણ શું જીવનનાં જોડાણ માગનારું છે? કોઈ સુંદર છબી, કોઈ રંગભૂમિ પરની નટી, કોઈ અજાણી પરવિવાહિતા, કોઈ નમણી ગોવાલણ, અરે, ખુદ કોઈ મિત્રની ચારુશીલ રમ્ય પત્ની, એ બધાં શું મુગ્ધ બનાવે તો તેમાંથી લગ્ન સરજાવાય છે? લગ્નનો પ્રશ્ન – અરે, ઈશારો સુધ્ધાંય ઊઠે છે એમાંથી? નહીં જ નહીં.

ત્યારે શું એ બધી પ્રત્યે બહેનનો ભાવ જ જરૂરી છે? સુનીલાના ઉપર તે રાત્રિએ મેં મારી ઓરડીમાં ગદ્ગદિત સ્નેહાવેશો ઢોળ્યા હતા, તે શું બહેન રેવાનું સૂનું પડેલ સ્થાન પૂરનારી સુનીલાએ જગાડેલ હતા?

દંભ હતો એ તો. “બહેન” શબ્દે જે પાપોને ઢાંક્યાં છે' તે પાપોની સામે તો પેલો 'સરસ્વતીચંદ્ર' માંયલો મવાલી જમાલ પણ ભોંઠો પડે. 'બહેન' શબ્દની અમાપ બદનક્ષી થઈ ચૂકી છે. 'બહેન' શબ્દમાં બેસારેલો ભાવ સગી એક જ માતાના ઉદરમાં આળોટેલી બહેન પ્રત્યે જ શકય છે. એ પણ કોઈ કુદરતે મૂકેલો ભાવ નથી. સગાં બહેન-ભાઈ પણ પરણતાં, એવું ગત યુગના જગતની તવારીખો ભાખે છે. એટલે સગાં સહોદરો વચ્ચેનું ભાઈ-બહેનપણે પણ સમાજરક્ષાને કાજે ઘડાયેલા નિયમોના ફરજિયાત પાલનનું જ એક પરિણામ છે. એવી કોઈ કુદરતી રચના નથી. અગ્નિનો સ્વભાવ જ બાળવાનો ને પાણીનો સ્વભાવ જ ઠારવાનો એવો જ કોઈ ત્રિકાલાબાધિત ભાઈ-બહેનનો પ્રેમ કુદરતે નિરૂપ્યો નથી. સત્ય એ જ છે: સ્ત્રી અને પુરુષ વચ્ચેનું એક સ્નેહાકર્ષણ. એ આકર્ષણ સ્વભાવમાં છે, રક્તના કણેકણમાં છે, ઊર્મિના એકોએક ધબકારમાં છે. એને 'શુદ્ધ મિત્રતા'નું નામ પણ ન આપીએ. એ એક ઠગાઈ છે – પોતાની તેમ જ પરની, બેઉની ઠગાઈ છે. બે પુરુષો વચ્ચેની મિત્રતા, અથવા બે સ્ત્રીઓ વચ્ચેનું સખીપણું, એની જોડે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેના સૌહાર્દને સરખાવી જોઈએ. એ બેઉ એક નથી. એની જાત જ જૂજવી છે.

ત્યારે સુનીલાનું સ્થાન મારા જીવનમાં કયું સમજવું ? એક નિગૂઢ સ્નેહાકર્ષણ મને એના તરફ ખેંચે છે. એ આકર્ષણ રેવા તરફના ખેંચાણથી છેક જ જુદું છે. એ આકર્ષણ સંધ્યાના રંગહિલ્લોલ પ્રત્યેના ખેંચાણથીય જુદું છે. એ આકર્ષણને અને એક સુંદર મેના અને સારિકાના આકર્ષણને કશું સામ્ય નથી. એ તો સ્ત્રી-પુરુષની વચ્ચે સૃજનના પહેલા પ્રભાતથી જે લોહચુંબકતા રમી રહેલ છે તેનો જ આવિર્ભાવ છે. એ અંકુરમાંથી જ લગ્ન જન્મે છે.

લગ્ન !

લગ્નના ખડક ઉપર લાખો માનવ-નાવડાં ભાંગી રસાતલમાં બેઠાં તોય ધ્વંસ અટક્યો નહીં ? એટલાં ડૂબ્યા તેમાં મારોય એક ઉમેરો કરું ?

લગ્ન ? જ્યાં બારીક લોહચુંબકના આંચકા લાગ્યા, ત્યાં બસ લગ્ન એ જ અંજામ !

લગ્ન એટલે ? એની કલ્પના મહિના-પખવાડિયાની મધુરજનીઓથી વધુ આગળ ચાલતી નથી. જીવનને નર્યું સુંવાળું સુંવાળું તત્ત્વ જ નજરને બાંધી નાખે છે. એ સુંવાળી સપાટીની નીચે ખદબદતા કીડાને કોઈ કેમ વિચારતું નહીં હોય ?

ધારો કે સુનીલા સંમત થઈ. પરણ્યાં. મધુરજની મહાલી આવ્યો. પછી ક્યાં ? પિતામાતાના ઘરમાં; કૂળ, ગામ અને કોમની લાજ-મરજાદને અને અદબને કૂંડાળે.

સુનીલા એ કૂંડાળે સમાશે ? ચૂલો ફૂંકશે ? બા એને કમતી છાણાં-લાકડાં બાળવાનું કહેશે, તો સહી શકશે ? ઘરમાં નાહવાની નોખી ઓરડી નથી – તેને ચાલશે ? અને આ સિંહણ – મારા સ્વામીત્વને વેઠી શકશે ?

નિરંજન પોતાની જાત પ્રત્યે હસ્યો.

મારું સ્વામીત્વ ! મને સ્વામીત્વ કરતાં આવડે છે ? આવડ્યું હોત, તો મારો હાથ ઝાલીને સુનીલા મને મારી ઈચ્છા વિરુદ્ધ ખેંચી જઈ શકત ? એક થપાટ ભેગાં પાંચેય આંગળાં ન ઊઠી આવત એના ગાલ ઉપર !

સુનીલાએ તો થપાટ માગી લીધી. એટલે કે એણે સ્વામી તરીકેનું મારું વર્ચસ્વ જોવા માગ્યું. પુરુષનું પૌરુષ, મરદનું પાણી એણે માપી જોયું. મારામાં એની ખોટ દેખાઈ ગઈ.

સુનીલાની એ માગણીમાં પુરુષના પૌરુષની ભૂખ હતી. મર્દના પાણીની પ્યાસ હતી. પોતાનો પ્રેમ ચાહનાર પુરુષ પોતાનાથી સવાયો, તેજવંતો, દ્રષ્ટિમાત્રથી ડારતો, પોતાના પ્રતાપના તેજપુંજમાં સ્ત્રીને લપેટી લેતો, અદીન, અકંગાલ, 'ધણી' હોવો જોઈએ. એ છે સર્વે સ્ત્રીઓની દિલઝંખના. ને સુનીલાય એમાંથી મુક્ત નથી એની સાબિતી કાલે મળી ગઈ.

હું સમજી બેઠેલો કે લગ્ન એટલે સંપૂર્ણ આત્મસમર્પણ; અને આત્મસમર્પણ એટલે મારા મત મુજબ પત્નીની પગચંપીથી લઈ એની સાડીની પિન સુધ્ધાં શોધી લાવવાની મીઠી ફરજ, એના બાળકને હિંચોળે રમાડી રાત્રિએ એને નિરાંતે સુવાડી દેવાની અને દિવસે એના ઘરકામમાં પણ સાથ પુરાવવાની તત્પરતા.

એવા આત્મસમર્પણે સ્ત્રીને સંતોષ આપ્યો છે કદી ? એને મન તો એ બધું આત્મસમર્પણ એટલે પૌરુષના સાચા પાણીનો અભાવ, આત્મિક કંગાલિયત.

પિતાજીની પાસે એક દિવસ એક ગામડાનો પસાયતો આવેલો. એણે વાત કરી હતી કે શેત્રુંજી નદીના કાંઠા ઉપર એક સિંહ ને સિંહણ રહે. બંનેએ ઊંચી ભેખડો પરથી નદીના પટમાં ગાય ચરતી દીઠી. વનરાજ યુગલ ત્યાંથી છલાંગ્યું. ગાયને ઠાર મારી. પણ મારણ ત્યાં ને ત્યાં ન કર્યું. સિંહનો સ્વભાવ છે કે પોતાની એકાંત જગ્યામાં ઉઠાવી જઈને શિકારનો ભક્ષ કરે. બેઉ જણાંએ પરસ્પર મૂંગી મસલત કરી લીધી. સિંહે ગાયને દાંતમાં ઝાલીને ભેખડ ઉપર ઘા કર્યો. ગાય કાંઠા ઉપર ન પહોંચતાં પાછી નીચે પડી. બીજી વાર સિંહે બમણું જોર કર્યું, પણ નિરર્થક. ત્રીજી વાર તમામ કૌવત નિચોવ્યું, તે છતાં ઘા ન પહોંચ્યો. સિંહ શરમિંદો બનીને ઊભો રહ્યો. સિંહણ આગળ આવી. એણે ગાયને મોંમાં પકડી એક જ ઘાએ ભેખડ ઉપર પહોંચાડી દીધી. આનંદથી મલકાઈને એ માદા નર પાસે ગઈ. નરનું મોં ચાટવા લાગી, નરના પગમાં લટુપટુ થઈ ગઈ. પણ સિંહ ન રીઝ્યો. બેઉ કાંઠા ઉપર ગયાં, ભક્ષની નજીક ઊભાં રહ્યાં. સિંહે મોં ન નાખ્યું. એણે સિંહણ ઉપર છલાંગ નાખી એનો જાન લીધો, પછી જ એ પોતાનો શિકાર ખાવા લાગ્યો.

એ વાતથી નિરંજનના દિલમાં કેટલાક નવા ધ્વનિઓ અથડાયા. પોતાનાથી સરસાઈ દાખવનાર સ્ત્રીને પશુ-પતિ ખતમ કરતો હશેઃ તો માનવી-પતિ એવી માનવ-સ્ત્રીઓનો તેજોવધ કરતો હશે, ને કાં પોતે પોતાનો તેજોવધ થવા દેતો હશે. એવા તાબેદારને સ્વામી તરીકે વેઠનારી સ્ત્રી પોતાની જાતને શાપ આપે છે. સ્ત્રીને ગુલામ સ્વામી નથી જોઈતો, સ્ત્રીને સમોવડો પણ નથી જોઈતો; સમાન હકોની તો કેવળ વાતો છે.

એને તો શાસક, સાહસવીર, ઉન્નતમથ્થો સ્વામી જોઈએ છે. એ વિના એના અસંતોષની આગ ઓલવાતી નથી.

એ હિસાબે હું સુનીલાને માટે જરીકે લાયક નથી. હું સ્વામી બનવા જઈશ તો બનતાં નહીં આવડે. સેવક બનવા જઈશ તો સુનીલાના જીવનમાં સ્વામીનું આસન ખાલી જ રહેશે. એ આસનને અનેક સ્ત્રીઓએ કાં અસંતોષના ધમપછાડાથી ભાંગી નાખ્યું છે, ને કાં અન્યને એ આસને બેસારી સંસાર કલુષિત કર્યો છે.

સુનીલા જોડેના લગ્નમાં હું વેવલો બની જવાનો. એ લગ્ન ઉપર જગત દાંત કાઢશે. મારો એ માર્ગ નથી. મારા મનોરાજ્યનું એ ખાનું સદાને માટે બંધ કરી દઉં; ચૂના ને પથ્થરથી ચણી લઉં...

સુનીલાને હું મિત્ર બનાવું એ જ બરાબર થશે.