નિરંજન/વિકૃતિ કે પ્રકૃતિ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← 'મારા વહાલા!' નિરંજન
વિકૃતિ કે પ્રકૃતિ?
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
વિજય – કોલાહલનો →


37
વિકૃતિ કે પ્રકૃતિ ?

'વો કલ્પિત વાર્તાલાપ પૂરો કરીને નિરંજન ભોજનગૃહમાં જમવા ગયો. લાલવાણીની બાજુમાં જગ્યા ખાલી દીઠી. તે એ તરફ ગયો.

“ત્યાં નહીં, ત્યાં નહીં, અહીં આવો.” જુવાનો એક વચલા પાટલા તરફ નિરંજનને બોલાવવા લાગ્યા. લાલવાણીની બાજુનો પાટલો ભાંગેલો, ગંદો પણ હતો. બાજુમાં મેલું પાણી જામેલું હતું, છતાં જીદ કરી નિરંજન ત્યાં જ બેસી ગયો.

કોઈક એવી નિગૂઢ સુકુમારતાથી નિરંજનની મીટ લાલવાણીના મોં પર મંડાઈ રહી કે જમવા બેઠેલા સર્વને સમસ્યા થઈ પડી.

લીંબુનો પોતાના ભાગનો ટુકડો અને ચટણી નિરંજને લાલવાણીની થાળીમાં મુકાવી દીધાં, ખમણઢોકળાનું પણ તેમ જ કર્યું.

"નહીંજી, મારે નહીં જોઈએ.” લાલવાણી જોરથી બોલ્યો.

“મારે ખાતર, મારા સોગંદ” નિરંજન ધીરા સ્વરે, કાકલૂદીભર્યા સ્વરે મનાવવા લાગ્યો.

થોડાક દિવસ પછી નિરંજન પંગતમાં જવું છોડી દીધું, પોતાના ખંડમાં જ થાળી મંગાવવા માંડી. તે પછી તરતમાં લાલવાણીની થાળી પણ પતંગમાંથી ઊપડી ગઈ. બેઉનું સહભોજન નિરંજનના રૂમમાં ચાલુ થયું.

લાલવાણી બીજા વર્ષમાં હતો. ફેલો તરીકે નિરંજનને ફક્ત પહેલા જ વર્ષના વર્ગને વ્યાખ્યાનો આપવા જવાનું હતું. એ વર્ગના ખંડમાંથી બીજા વર્ગનો ખંડ સામસામો દેખી શકાતો. કોણ જાણે શું થયું કે નિરંજને વ્યાખ્યાન-પીઠ પર ટેબલની આગલી બાજુ ઊભવાનો હંમેશનો ક્રમ છોડી દીધો. ટેબલની પાછળ ખુરસી, ખુરસીની પાછળ પોતેઃ નવી રચના એ જાતની બની. ને વારંવાર એનું લક્ષ ડાબા હાથ તરફની બારી તરફ જવા લાગ્યું. છોકરાઓ કુતૂહલ પામીને તપાસવા લાગ્યા. સામા ક્લાસની છેલ્લી પાટલી ઉપર એક ગોળ, નમૂછિયું, ઘઉંવર્ણું, નમણું, ગમગીન, તલસાટભર્યું મોં જોઈ રહ્યું હતું. જુવાનોમાં ટીખળ ચાલ્યું: “આ શું ?”

"તારામૈત્રક.”

"વિચિત્ર દોસ્તી.”

“અજાણ્યો બને છે કે ?” બે જુવાનોએ બેન્ચની નીચે ધબાધબી આદરી.

"શાનો અજાણ્યો ?"

“હાઈસ્કૂલમાં તું અને સૌભાગ્યચંદ્ર એકબીજા સારુ ઓછું ઝૂરતા'તા ?”

"ને તું...."

“બસ કર હવે.”

“પણ નિરંજન જેવાને આ શું થયું ?”

"કહેવાય છે કે એ તો તરતમાં પરણવાના છે.”

“પ્રેમમાં મોટી હતાશા પામ્યા કહેવાય છે"

“પણ બીડી ફૂંકનારા લાલવાણી પર શાનો પ્રાણ પાથરે છે ?”

બાંકડે બાંકડેથી આ કૌતુક નિરંજન-લાલવાણીના દ્રષ્ટિ-મેળાપનો પીછો લઈ રહ્યું. બાંકડે બાંકડેથી ચિઠ્ઠીઓની આવજા થઈ રહી, ને નિરંજન એ બાંકડા તળે ચાલતા આંદોલનથી અજાણ પણ ન રહ્યો.

એ હંમેશાં વ્યાખ્યાનો પૂરાં કરી પોતાના મુકામ પર જતો, ત્યાંથી એ બારીમાં ઊભો ઊભો લાલવાણીના આવવાની વાટ જોઈ રહેતો. પા કલાક, અરધો કલાક, કલાક ને કોઈ કોઈ વાર તો બબ્બે કલાક.

વિદ્યાર્થીઓ પ્રથમ ચકિત, પછી સ્તબ્ધ અને છેલ્લે છેલ્લે ટીખળી બનવા લાગ્યા. જાસૂસી ચાલી. નિરંજન-લાલવાણીના વિષયે વિદ્યાલયને વ્યાપી દીધું.

નિરંજને તલસાટભરી કવિતાઓ લખવી શરૂ કરી – લાલવાણી ઉપર.

ને લાલવાણીને મોડી રાત સુધી જગાડી પાઠ પાકા કરાવવા માંડ્યા.

લાલવાણીએ એક દિવસ રાતના એક વાગ્યે જાંબુ માગ્યાં, તો નિરંજન શહેરમાં જઈ, હલવાઈની બંધ દુકાન ઉઘડાવી બમણા ભાવે જાંબુ લઈ આવ્યો.

દીવાની જ્યોત વાયુમાં થરથરે તેમ નિરંજનની હૃદયજ્યોત કંપી ઊઠી. પોતે તેવા અનુભવને માટે કદાપિ તૈયાર નહોતો.

આરંભ કર્યો ત્યારે જે કર્તવ્યશીલ માયામમતા હતી, ને આગળ ચાલ્યો ત્યારે જે મિત્રતા ભાસી હતી, તે આજે કયા ઉદ્દભ્રાંત પ્રેમમાં પરિણમી ? નિરંજનના પગ તળે પૃથ્વી સળગતી હતી. કોઈ જાણે એને અજાણપણે કોઈ કેફી પદાર્થ ખવરાવી ગયું છે. કોઈ જાણે એને બેવકૂફ બનાવી રહેલ છે. એ ચમકી ઊઠ્યો. આ અનુભવ કઈ અનોખી દુનિયામાંથી આવ્યો ? નાસી જાઉં ? ક્યાં નાસી જાઉં ? આત્મઘાત કરું ?

બે વર્ષ પરની એક વાત યાદ આવી. બે યુવાનો વચ્ચે આવી પાગલ પ્રીતિ અહીં જ જોડાઈ ગઈ હતી. એમની બદનામી કરવામાં છોકરાઓએ મણા નહોતી રાખી. બેમાંથી એકને માટે પ્રિન્સિપાલે એના પિતા પર ચોંકાવનારા પત્રો લખેલા. પિતા આવીને પુત્રને સોટીએ સોટીએ મારી, પકડી, જકડી, મોટરમાં નાખી લઈ ગયો હતો; ને પાછળ રહેલા એ એકાકી વિદ્યાર્થીને પ્રિન્સિપાલે વિદ્યાલયમાંથી બરતરફ કર્યો હતો. એને માબાપ નહોતાં; કોઈ નહોતું.

પેલા વિખૂટા પડેલા વિદ્યાર્થી ઉપર દીવાનીભર્યા શબ્દોમાં પ્રેમપત્ર લખીને એ દરિયામાં ડૂબી મૂઓ હતો.

હું એ ઘટના પર હસ્યો હતો.

એવી નાલેશી ઉપર મેગેઝીનમાં તરપીટ પડી હતી. ત્રીજે વર્ષે પાછો પેલો વિદ્યાર્થી ફરી અભ્યાસ જારી કરવા આવ્યો, ત્યારે એ પણ પોતાના ડૂબી મરેલા પ્રિયતમની બેવકૂફી ઉપર રુઆબભેર દાંત કાઢતો હતો. વિદ્યાલયના સંડાસની તેમ જ સ્નાનગૃહની દીવાલો અસહ્ય અશ્લીલતાથી લખાયેલ લેખો વડે આજે પણ એ કથાના પુરાવા આપતી હતી. ને આજે જ મેં જોયા ત્યાં ફક્ત આટલા જ શબ્દોઃ “સ્ટ્રેન્જ લવ-ડ્રામા બીઈંગ રિ-સ્ટેજડ ઈન ધ કૉલેજ.”

હવે આ પેનસિલો ક્યાં પહોંચશે ?

આ તે કયા પ્રકારની લાગણી છે ? હાઈસ્કૂલ અને કૉલેજનાં મળી જે દસ-અગિયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના વચગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે ?

'શાકુંતલ'નો અનર્થકારી ગુપ્ત પ્રણય શીખવાય છે, કે જેની જોડે આજના જીવનનો કશો સંબંધ નથી રહ્યો. 'માલતીમાધવ'ના મનોવ્યાપાર શીખવાથી કોઈ જુવાનને માર્ગદર્શન જડ્યું નથી. અને 'મેકબેથ', 'મરચન્ટ ઑફ વેનિસ'માં શેક્‌સપિયરે આજના યુવકહૃદયની એક પણ જીવતી સમસ્યા છેડી નથી. રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે ?

નિરંજન નગરના મોટા પુસ્તકાલયમાં દોડ્યો. એને આ વિષયનું નામ પણ નહોતું આવડતું. પણ પૂછે કોને ?

શહેરમાં એક દુર્જન રહેતો હતો. કૉલેજનો એ બરતરફ થયેલો પ્રોફેસર હતો. એનું ઘર હિંસક પશુની ગુફા બરોબર ગણાતું. એને વિશે ન કહેવાય, ન સંભળાય એવી વાતો કહેવાતી હતી. દિવસ વેળાએ એના નામ પર જે થૂ-થૂ કરનારાઓ, તે જ રાત્રિકાળે એની સલાહો લેવા જતા.

એ દુર્જનને ઘેર નિરંજને ધ્રુજતે પગે પ્રવેશ કર્યો.

એની બેઠકમાં બીજું કશું જ નહોતું, પંદર-વીસ અંગ્રેજી ગ્રંથોની થપ્પીઓ વચ્ચે એ બેઠો હતો. શાંતિથી એ ગ્રંથોનાં પાનાં ઉથલાવી પોતાની નોંધપોથીમાં ટપકાવતો હતો.

ઓરડો સાફ, સ્વચ્છ, સાદાઈભર્યો હતો. ત્યાં એક પણ તસવીર નહોતી, નાની સાંકડી જાજમ ઉપર એ દુર્જનનું બિછાનું હતું. એ દુર્જનના ચહેરા ઉપર પિતૃભાવની રેખાઓ દોરાયેલી હતી. એણે કહ્યું: “સારું થયું કે તમે આવ્યા.”

"આપ મને ઓળખો છો ?”

"લોકો ઓળખાણ કરી આપે છે ને !”

નિરંજન સમજી ગયો કે નિંદાની જબાન અહીં સુધી લબકારા કરી ગઈ છે.

"બોલો, તમે બોલશો ? કે હું બોલું ?” દુર્જને પૂછ્યું.

“હું – હું – આ વિકૃતિને વિશે જાણવા માગું છું.”

"પ્રથમ તો એ વિકૃતિ જ નથી, ભાઈ ! એ તો પ્રકૃતિ છે.”

નિરંજન ચમકી ઊઠ્યો. પેલાનો સ્વર એકાએક જોશીલો બની કહી ઊઠ્યો: “પણ એ તો ચાલી જતી વાદળી છે. ચાલી જશે, ને જશે ત્યારે તમને બેઉને નવાઈ લાગશે, કે આ એક સ્વપ્ન હતું.”

“એ સ્વપ્ન હશે, પણ મારા જીવન ઉપર એણે છીણી લગાવી છે.”

“હું કલ્પી શકું છું: વિરોધીઓ વાતનું વતેસર વણી રહ્યા હશે.”

"મારે શું કરવું ?”

“ભય છોડો; ને આ વિશે થોડું વાંચી કાઢો.”

એણે એક પુસ્તક આપ્યું. એનો પ્રારંભ જ આ શબ્દોથી થતો હતો:

"ફિયર નોટ, નેચર કૉલ્સ ઈન એ નંબર ઓફ વોઈસેસઃ: ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે.”

એ પ્રારંભવાક્યે જ નિરંજનની અરધી વિકલતા. ઉપર શાતા છાંટી. બીજું વાક્ય આ હતું:

“છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા જ તમારો ભયાનક રિપુ છે. તમે જેઓને કહેશો, તેઓમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોને આગલે દ્વારેથી જ સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.”

વાંચતાં તો શૂળ ભોંકાતાં હતાં તે તણખલાં બની ગયાં. ને નિરંજન એ દળદાર ગ્રંથ લઈ મુકામે ચાલ્યો. રસ્તે એની આંખો સામે એ પચીસ-પચાસ મોટા ગ્રંથો સળવળતા હતા. બધા જ આ વિષય પરના ગ્રંથો.

જુવાન જીવનની માર્મિક સમસ્યાઓને સુઝાડતું આટલું સાહિત્ય પડ્યું છે. છતાં વિદ્યાલયોમાં હજુ સો વર્ષેય 'મેઘદૂત' અને 'કાદંબરી'નો શાસનયુગ ઊતર્યો નથી.

તે જ દિવસથી એણે લપાવું-છુપાવું છોડી દીધું. સર્વ ભાળે અને સાંભળે તેમ લાલવાણી પ્રત્યેનો સ્નેહ પ્રદર્શિત કરવા માંડ્યો, ને એક શનિવારની રાત્રિએ કૉલેજની ડિબેટિંગ સોસાયટીના ઉપક્રમે એણે 'એક જીવનરહસ્ય' ઉપર પોતાનું વ્યાખ્યાન ગોઠવ્યું.