નિશ્ચે કરો રામનું નામ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
નિશ્ચે કરો રામનું નામ
નરભેરામ


નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું,
નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું.

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો,
નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.ооо

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો;
ક્યા જોગીને રામ મળ્યા, એવો તો એક બતાવો.

મહેતો, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ;
ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.

નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંઘે શિર ઝોળ્યે;
નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપ ન ખોળે.

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.

પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.