નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી
દેવાનંદ સ્વામી


પદ ૬ રાગ એજ.

નિષ્કામી નરને, વનિતાની વાત ન કરવી;
માયાની મૂર્તિ જાણીને, નાગણ જ્યું પરહરવી રે... નિષ્કામી꠶ ૧

માનનીને મળવાનો મનમાં, કૂડો ઘાટ ન કરવો;
મનસા પાતક મોટું લાગે, એ અધર્મથી† ડરવો રે... નિષ્કામી꠶ ૨

ભામનિયું તે ભેળી થઈને, જે ઠેકાણે જાવે;
શૌચવિધિ કરવાને સારુ, હરિજન ત્યાં નહિ આવે રે... નિષ્કામી꠶ ૩

આઠ પ્રકારે અબળા કેરો, ત્યાગ કરે તે ત્યાગી;
વિષય થકી વૈરાગ્ય જે પામ્યા, તે સાચા વૈરાગી રે... નિષ્કામી꠶ ૪

ભેખ ધરીને કામની ભેળો, બેસે ઊઠે ગાવે;
દેવાનંદ કહે એ જ અસાધુ, નિશ્ચે નરકે જાવે રે... નિષ્કામી꠶ ૫