નિહારિકા/આદર્શ મૂર્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચંદ્રીનું વિયોગગીત નિહારિકા
આદર્શ મૂર્તિ
રમણલાલ દેસાઈ
કવિતા →


આદર્શ મૂર્તિ

૦ શિખરિણી ૦

મને શિલ્પી શેાધે સ્વરૂપભરી મૂર્તિ ઘડી ઘડી;
ચિતારા આલેખે મુજ મુખ ભરી રંગફલકે;
મીઠા આલાપોમાં ચીતરી રહેતા આકૃતિ રૂડી
ગવૈયા કો ઘેલા સૂર તણી ગૂંથી મોહઘટના.

કવિ કેરી પાંખો ઊડી રહી મહા આભ વિંધતી
મને નિત્યે ખોળે હસી રડી રડાવી જગતને;
અને પ્રેમી શોધે પ્રિયતમ પ્રિયાનાં નયનના
અનેરા જાદુમાં ચપલ ચલ મારાં સ્મિત સદા.

ઊંડા ધ્યાને યોગી ચમક મુજ જ્યોતિની ઝીલવા
પ્રવેશે એકાન્ત જીવન તણી જંજાળ ત્યજીને.
અણુ ગાળી ગાળી –કંઈ કંઈ ખગોળો ફરી વળી
મહા વિજ્ઞાની કો રમત મુજ જોવા મથી રહ્યો.
 
વળી જ્ઞાની શોધે સભર ભરિયું તત્ત્વ મુજનું;
નિહાળે નાસ્તિકો મુજ સ્વરૂપને પ્રકૃતિ રૂપે.
સહ શોધે તો યે નવ ભરી શકે બાથ મુજને;
સહુ દોડે તો યે સહુથી રહું અંગુષ્ટ અળગી.

ભલે તો યે શિલ્પી, કવિ, વળી ચિતારા મથી રહ્યા;
ભલે યોગી જ્ઞાની મુજ સ્વરૂપમોહે ભમી રહ્યા;
અનાસ્થા નાસ્તિકો તણી પણ નિહાળે મુજ ભણી :
સહુ શોધંતાને દઉં પ્રગતિનું એક પગલું!