નિહારિકા/તુંહી તુંહી
Appearance
< નિહારિકા
← પ્રાર્થના | નિહારિકા તુંહી તુંહી રમણલાલ દેસાઈ |
ગગનનો ઘુમ્મટ બાંધ્યા → |
તુંહી તુંહી
૦ રાહ– સુંદર વેણુ વાગી ૦
આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.
હાં રે છબી આંખે હતી એ વણ પેખી;
હો આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.
હાં રે જ્યોત ઝળકે અગમ ગઢ ટોચે;
હાં રે જ્યાં ન તારા સૂરજ શશી પહોંચે.
હો આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.
હાં રે ગંગ થંભી, જમુના માગ ચૂકી.
હાં રે મહેરામણે માઝા મૂકી.
હો આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.
હાં રે પ્યારા પિંજરની જાળીઓ તૂટી.
હાં રે હંસ ઊડ્યો આ માળખેથી છૂટી.
હો આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.
હાં રે કોણ મારું ને કોણ તારું ભૂલ્યાં.
હાં રે સહુ એક બની એકતામાં ઝૂલ્યાં.
હો આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.
હાં રે વાણી અટકી, ને જ્ઞાન રહ્યું મોહી.
હાં રે એક ભણકારો વાગે તુંહી તુંહી !
હો આતમ જ્યોત દેખી, જ્યોત દેખી.