નિહારિકા/નોંધ

વિકિસ્રોતમાંથી
← જલિયાવાલા બાગ નિહારિકા
નોંધ
રમણલાલ દેસાઈ


નોંધ

નિહારિકા : ‘આકાશમાં ફરતા હવામય તેજસમૂહહો-જેમાંથી ધનાવસ્થા પામી ગ્રહો વગેરે બન્યા કહેવાય છે.’ (સાર્થ ગૂજરાતી જોડણી કેશ ).

મારા મિત્ર શ્રી વિજયલાલ કનૈયાલાલ ધ્રુવના સમાગમે વર્તમાન વિજ્ઞાન તરફ ઉપજાવેલા રસનું આ કાવ્ય પરિણામ છે. ઘટ્ટતા વધે તેમ તેમ મૂળ ફરતા પદાર્થમાંથી કંઈક અંગો છૂટાં પડી જાય છે. તારા, નક્ષત્ર, રાશિ, ગ્રહ એ પરિણામ.

તેજતિમિર, અગ્નિશૈત્યનાં પ્રાથમિક અકલ્પ્ય મંથનોમાંથી ધીમે ધીમે સ્થિરતા અને ઘટ્ટપણું પ્રાપ્ત કરતી સૃષ્ટિમાં અંતે માનવી વિકસી આવે છે એ ભાવના કાવ્યમાં આલેખી છે.

કાવ્યનો લય-લાવણી–ટાગોરના ‘ભારત ભાગ્યવિધાતા’ કાવ્યના કેટલાક ટુકડાઓ પ્રમાણે.

ખદ્યોત : આગિયો.

નિખિલ : બધે-વ્યાપક.

અહં-સ્વભાન : Consciousness.

ઇંધન ખૂટ્યાં હો ! : પ્રજાજીવનમાં ઓટ આવતાં મુક્તિયજ્ઞ માટે સર્વસ્વ-જાન સુદ્ધાં હામી દેવાનું આવાહન.

ધૂમકેતુ : બંડખોર માનસને વ્યક્ત કરતી ભાવના ધૂમકેતુની ચર્યામાં ગૂંથી છે. બંડ પણ જીવનનું એક આવશ્યક અંગ છે.

કંકણ ખણખણતી વાન : શનિની આરપારા કંકણ સરખાં વર્તુલ હોય છે.

વળી ભાલે ચ્હોડ્યા ચંદ્ર : પૃથ્વી જેવા કેટલાક ગ્રહોને ઉપગ્રહચંદ્ર હોય છે.

ઝબકે રંગીન પરિધાન : મંગળ, બૃહસ્પતિની રંગશોભા જાણીતી છે.

દાશરથી : દશે દિશામાં જેને રથ ફરી શકે છે તે–સ્વતંત્ર.

શ્વેતકેતુ : ધોળો ધ્વજ-તારાની સાથે જોડાયેલું વિસ્તૃત તેજવાદળ, જેના ઉપરથી ધૂમકેતુ પૂંછડિયા તારા તરીકે ઓળખાય છે.

ઘેલી ગોપી : આપણાં ગીતોમાં સંવાદ-પરસ્પર વાતચીત પણ ગોઠવાયેલી હોય છે. દૃષ્ટાંત તરીકે નવરાત્રમાં શેરીએ શેરીએ એક વખત ગવાતું ‘તમે અજાણ્યા અમે જાણીએ રે!’ કયો પક્ષ શું બોલે છે તે ગીત સાંભળીને સમજી લેવાનું હોય છે.

પહેલી, સાતમી અને આવર્તનની લીટીઓમાં પ્રશ્ન છે. તેના ઉત્તર કૃષ્ણમય બનેલી ગોપી આપે છે.

રસડોલન : મારાં શક્તિહૃદય નાટકમાંનું આ પણ એક સંવાદગીત છે. અવતરણચિહ્નમાં પ્રશ્નોત્તર સમજાય એમ મૂક્યા છે.

નિરાશા : ‘યારકી કોઈ ખબર લાતા નહિ.’ એ ઉર્દૂ ગઝલનો અનુવાદ છે. મારા એક સદ્‌ગત મિત્ર છોટાલાલ ર. ભટ્ટ એ ઉર્દૂ ગઝલ બહુ સુંદર રીતે ગાતા–તે વખતે ગુજરાતીમાં કંઈક ભાવ ઉતાર્યા હતા.

પતન : સાધુને પણ તપભંગના પ્રસંગ હોય છે. એવા પ્રસંગને અનુલક્ષીને આ ગીત ઉદ્ભવ્યું હતું, જે મેં ‘શક્તિ હૃદય’માં એવા જ પ્રસંગ માટે ઉતાર્યું. આમાં ટીકા નથી, માત્ર વિષાદભરી પૃચ્છા-સમભાવભરી પ્રશ્નમાલા જ છે.



ગામડિયા : કવાયત માટે–લેજીમ ડિલ વગેરે માટે ગામડાંને ઉદેશી આ ગીત યોજાયું છે.

ચીલા સમાર : ગામડાના રસ્તા-ના-ચીલાનું મહત્વે આ ગીતમાં બતાવાયું છે. ગ્રામશૌર્યના પ્રતિનિધિ ગિરાસિયા, રબારી–ગોવાળ તથા ખેડૂતને ચીલો–માર્ગ સરળ હોવો જરૂરનો છે. રસ્તાને અભાવે શૌર્ય, વ્યાપાર, ખેતી બધાં નિરુપયોગી બની જાય છે.

મૂક અભિનય તરીકે હવે ઓળખાવા માંડેલા નાટ્ય–સંગીતપ્રકારમાં આ ગીત યોજાયું છે. ગીત ગવાતું જાય તે પ્રમાણે મૂક અભિનયણે દ્રશ્યો રંગભૂમિ ઉપર આવતાં જાય, એ આ ગીતને ઉપયોગ થઈ શકે એમ છે.

કલાપીને: રાજવી કવિ કલાપીને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે.

જલિયાવાલા બાગ: રૉલેટ ઍકટની વિરુદ્ધ ઉઠેલા પ્રજાપોકારની પાશ્ચાદભૂમિથી શરુ કરી જલિયાનવાલા બાગમાં મળેલી સભા ઉપર જનરલ ડાયરે શસ્ત્રવૃષ્ટિ કરી આખી દુનિયાનું ધ્યાન ખેચ્યું હતું એ સને ૧૯૧૯નો પ્રસંગ આમાં આછી વિગતો સાથે આપ્યા છે.

જર્મન યુદ્ધને war to end War-યુદ્ધને અલોપ કરવાના યુદ્ધ તરીકે ઓળખાવાતું. એ યુદ્ધમાં હિંદે આપેલો ભોગ, જગતભરને આવેલાં સુખશાન્તિનાં સ્વપ્ન, અને એ સ્વાનભંગ થતાં જગતની જાગી ઊઠેલી કલહ પ્રિયતા એ માનવસંસ્કારના ઇતિહાસની ભયંકર કરુણ કથા છે. તેની છાયા આપવા પ્રયત્ન થયો છે.

ઉપાડે છે જગ સકલનો ભાર ગૌરાંગ રાષ્ટ્ર

The White Mans Burden.

શસ્ત્રના ધાવની સાથે હિંદ મહીં ભૂપનું
તીણું લાખંડ !... ... ...

Iron has entered into the soul of India – બ્રિટીશ રાજનીતિજ્ઞોએ સ્વીકારેલું અને ઉચ્ચારેલું સત્ય.

ગુપ્તજંગી – છૂપી રીતે ક્રાન્તિ સાધવા મથતા ક્રાન્તિવાદીઓ.

ચાસન વ્યૂસ્વામી – ખુલ્લી રીતે યુદ્ધની યોજના ઘડના સેનાપતિઓ.