નીતિની સાડી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

(ગરબી)પ્‍હેરની પ્‍હેરની પ્‍હેરની રે;
બ્‍હેની નીતિની સાડી પ્‍હેરની. ટેક
ખરા કસબ ને ખરા કસબની;
ભાતો ખિલી અખ્ખેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૧
સાડીની શોભા સાચી ટકે છે;
જુઠી આ લુગડાં જવેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૨
સાડી રૂડી ઘટ હીરે ઘણે છે;
ભારે વજનમાં શેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૩
સાડીની ઠંડક સુધા સરીખી;
નહીંજ લાહ્ય કંઇ ઝેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૪
સાડી શીતળથી આંખો મિચાએ;
કહૂં શી વાત હૂં લ્હેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૫
સાડી તે સારૂં નરસું સુઝાડે;
વિના તે વાત અંધેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૬
એ સાડીનૂં મૂલ ન થાએ;
પ્‍હેરે ખસે વાત વેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૭
નીતિની સાડી આપે વટોને;
પ્‍હેરી પાલવ ખંખેરની રે, બ્‍હેની૦ પ્‍હેરની૦ ૮

નર્મકવિતા-પૃ૦ ૬૫૩

નર્મદ