ન્હાના ન્હાના રાસ/મન્દિર દ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હરિનાં દર્શન ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
મન્દિર દ્યો
ન્હાનાલાલ કવિ


  
મન્દિર દ્યો, દેવ ! મન્દિર દ્યો.

અવનીમાં મન્દિર મોંઘાં, હો દેવ ! મન્દિર દ્યો :
પાપ કેરાં પારણાં સોંઘાં, હો દેવ, મન્દિર દ્યો.

ઉંધ્યાના અરુણદદામા, હો દેવ ! મન્દિર દ્યો :
જગતના થાકના વિસામા, હો દેવ ! મન્દિર દ્યો.

વાગ્યાના વૃણને રૂઝાવા, હો દેવ ! મન્દિર દ્યો :
વિષની ઉતાર પ્યાલી પાવા, હો દેવ ! મન્દિર દ્યો.

સ્નેહીની શેરીએ ઉભાં, હો દેવ ! મન્દિર દ્યો :
ભિક્ષા ન દીધ અને દૂભ્યાં, હો દેવ ! મન્દિર દ્યો.

અમૃતરસથી ભીંજેલાં હો દેવ ! મન્દિર દ્યો :
સૌન્દર્યફૂલડે સજેલાં હો દેવ ! મન્દિર દ્યો.

આત્માની ઊંડી અભિલાષા, હો દેવ ! મન્દિર દ્યો :
અણપૂરી એક પૂરો આશા, હો દેવ ! મન્દિર દ્યો.

પુણ્યનાં પુષ્પ શી દેહનાં હો દેવ ! મન્દિર દ્યો :
સાત્ત્વિક નિર્મલ સ્નેહનાં હો દેવ ! મન્દિર દ્યો.

આથમશે ને અમે જાશું, હો દેવ ! મન્દિર દ્યો :
નાથને નેહ ક્ય્હારે ન્હાશું ? હો દેવ ! મન્દિર દ્યો.

દુનિયામાં દેવ એક દીઠા, હો દેવ ! મન્દિર દ્યો :
દુનિયાના દેવ મ્હારે મીઠા, હો દેવ ! મન્દિર દ્યો.

અવનીમાં મન્દિર મોંઘાં, હો દેવ ! મન્દિર દ્યો :
પ્રભુજીનાં દાનથી સોંઘાં, હો દેવ ! મન્દિર દ્યો.

માનવી માનવીને હઇયે હો દેવ ! મન્દિર દ્યો :
દેહી છતાં ય દેવ થઇએ, હો દેવ ! મન્દિર દ્યો.
-૦-