પદમાવતીના જયદેવ સ્વામી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પદમાવતીના જયદેવ સ્વામી
તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ,
એ તો થયાં હરિનાં દાસજી ... પદ્માવતીના.

ગીત ગોવિંદનું જયદેવે કીધું,
જેનું નામ અષ્ટપદી કહેવાયજી,
પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો,
જેથી પદમાવતી સજીવ થાયજી ... પદ્માવતીના.

ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં,
જયદેવ રહ્યા જોને સમાય જી,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તપ્રત માંહ્યજી ... પદ્માવતીના.

ભક્તિ એવી પરમ પદદાયિની
તમને કહું છું, સમજાયજી,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તો જીવ મટીને શિવ થાયજી .... પદ્માવતીના.