પરકમ્મા/એકલિયો બહારવટિયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ધર રહેશે, રહેશે ધરમ પરકમ્મા
એકલિયો બહારવટિયો
ઝવેરચંદ મેઘાણી
સંતદર્શન કરાવનારા →


એકલિયો બહારવટીઓ

ચારણ હતો. મૂળ નામ પૂનરવ. પહેલાં મીંયાણા મોવર સંધવાણી ભેળો બહારવટે. પણ ભડ્યું નહિ. એકલું બહારવટું આદર્યું. એટલે પંડે જ. જેથી કહેવાણો એકલિયો.

પાસે એક ટારડી ઘોડી. જસદણ તાબે ભાદર નદીમાં એક દી’ ટારડીને ધમારે છે. ત્યાં દરબારી માણસો કુંવર જીવા ખાચરની ઘોડિયું ધમારવા આવ્યા. કહ્યું કે એલા તારી ટારડીને બહાર કાઢી લે. થઈ બોલાચાલી, એકલિયે બહાર નીકળીને દરબારી માણસોને પોતાની ટારડીની સરકથી માર્યા. કાનફટીઉં તોડી નાખી. દરબાર આલે ખાચરે ત્રણ મહિનાની કેદ આપી. છૂટ્યો ત્યારે કહેતો ગયો કે દરબારને કે’જો ચેતતા રહે.

*

મોટા અણીઆળી ગામમાં પટેલને ઘેર ઘોડી હતી. જઈને કહે કે ‘ઘોડી લેવી છે.’ કે ‘રૂપિયા ચારસો પડશે.’

કે ‘ચડી જોઉં.’

પટેલે તો આગેવાળ જેરબંધ ચડાવ્યા, ઘોડીને ટાબક ટીબક કરી. એકલિયો ચડ્યો, એકાદ પાટી લેવરાવી પછી ગોથું ખવરાવ્યું ને કહ્યું ‘લ્યો રામરામ. આલા ખાચરને કેજો રૂપિયા ચારસો તમને ચૂકવી દે.’

હરણ ખોડાં કરે એમ ઘોડી ગઈ.

આવ્યો જસદણની બજારે. અફીણના ઈજારદારની દુકાને ઘોડી ઉભાડીને કહે ‘અરધો શેર અફીણ જોખ.’ જોખ્યું. ‘લાવ છેડામાં.’ લઈને ઊપડ્યો. ‘કે’જે દરબાર આલાખાચરને, કિંમત ચૂકવી આપે.’

મંડ્યો જસદણ તાબામાં લૂંટવા ને બૂહટું મારવા. દરબાર કહે ‘માળો સાપ બાંડો કર્યો.’

*

રાયપર ને કુંડળ વચાળે ગીડા કાઠીઓનાં ગામ. એક ગાડું હાલ્યું જાય. ભેળા અસવાર. અસવારો ગાડાને આગળ જાવા દઈને બેઠા બેઠા હોકો ભરે.

એકલિયો કહે ‘રામરામ’

‘એ રામ ! કેવા છો?’

‘કાઠી છું. નામ હમીર બોરીચો. હોંકો પાશો?’

ઘોડી પર બેઠે બેઠે હોકો તાણવા માંડ્યો. ગાડાને સારી પેઠે છેટું પડવા દીધું. પછી હોકો આપી દઈને ઘોડી લાંબી કરી. પહોંચ્યો ગાડાને. માંઈ બાઈઓ બેઠેલી તેને કહે ‘બેન્યું, ઘરાણું કાઢી આપો, ખરચીખૂટ છું.’

એમાં એક રાંડીરાડ બાઈ જાતે ગીડા કાઠી. કહે કે ‘ભાઈ, એક કડલું નીકળતું નથી.’ કે ‘બોન, તારું બીજું કડલું આમાંથી ગોતીને પાછું લઈ લે. ને કામ પડ્યે ભાઇને બોલાવજે.’

એમ કહીને ગયો.

એ બાઈ હતી કુંડળની. એને ગીડા ભાયાતોએ દુઃખ દેવા માંડ્યું. બાઇએ એકલિયાને ખબર કહેરાવ્યા. ગયો કુંડળમાં. ૮-૯ ગીડાને માર્યા ને કહેતો ગયો ‘બેનને જીવાઈ કાઢી દજ્યો. નીકર ગીડો દીઠો નહિ મેલું.’

*

જગો ગીડો જસદણના મોટા અમલદાર. નીકળ્યા એકલિયાની વાંસે. વાંસોવાંસ એકલિયો ચડ્યો. ફરી ફરીને જગા ગીડા ઘેર ગયા. એકલિયો પણ ઠેઠ એને ઘેર પહોંચ્યો. ગીડો તરવાર છોડી, ભાલું મેલી, ઢાલિયા માથે જ્યાં બેસે છે ત્યાં પહોંચ્યો.

કે ‘જગા ગીડા ! લે બંધૂક, હું જ એકલિયો.’

બંધૂક તો શું લ્યે ! ગીડાને ઠાર માર્યો. ભાગ્યો. ‘ઓ જાય જાય ! જાય !’

*

કોટડા દરબારનું નામ રાયપર, બહાર ચારણનું મવાડું પડ્યું છે. ઘોડા બાંધ્યાં છે દશરાનો દી’. તે દી’ શુકન કરીને ચારણો ઘોડાંની સોદાગરી કરવા બહાર નીકળે. લાપશી રંધાતી હતી. ગઢવા બેઠેલા. ત્યાંથી એકલિયો નીકળ્યો.

કે ‘બા ઊતરો. ખાધા વન્યા જાય એને બ્રહ્મહત્યા !’

બેઠો સૌ ભેળો ખાવા. એમાં એક ગીડો નીકળ્યો. ભેળું ભાલું છે. દેખીને લાપસી ખાવાનું મન થઇ ગયું. ચારણોને કહે–

‘રામરામ બા.’

કે ‘ઊતરો આપા.’

કે ‘ઊતરે ક્યાં બાપ ! એકલિયાની વાંસે નીકળ્યા છયેં.’ ઝબ એકલિયો ઊઠ્યો. ઘોડી પલાણી. પડકાર્યો : ‘હું એકલિયો. લે ભાલો !’

ચારણો આડા પડ્યા. હં ! હં ! હં.

કે ‘ગીડો તો દીઠો ન મેલું.’

કે ‘ના, આંઈ કાંઈ ન થાય.’

કે ‘બૂડી તો મારીશ.’

ભાલાની બૂડી ગીડાને મારી; બે તસુ વહી ગઈ.

*

દેવળિયે રાણીંગવાળાની ડેલીએ ગોરખો ગીડો બેઠો બેઠો એકલિયાની વાંકી બોલે. આંહીં એકલિયાનો પણ આશરો હતો. જોગાનજોગ એકલિયો એ સાંભળે. નીકળ્યો બહાર ને બોલ્યો, ‘આ લે મારી તરવાર. હું લઉં જોડો. ઊઠ, ગીડાની તરવાર ને મારો જોડો.’

ગોરખા ગીડાને ધ્રૂજ વછૂટી.

કુંપો ગીડો કાઠી. ડીલ એવું જાડું કે દોઢ હાથ ઉભારો. માથે ગાડું ય ચડી ન શકે. ઢાંઢા આંચકીને ઊભા રહે. આડસર જેવી ભુજાઓ. ભાયાણી પાલી જેવું કાંધ. ભેળો મરમલ કાઠી. ફાટીને ધુંવાડે ગયેલા. ઊંટનું પાંસળું હોય એવી તરવાર રાખેલી. બેય ચાલ્યા આવે. એકલિયો વોંકળીમાં ઘોડીને બાજરો દઇને બેઠો છે.

બેઇ અસ્વાર ચાલ્યા જાય છે, ને કૂંપો ગીડો બોલે છે. ‘ભાયડા હજી એકલિયાને ભેટ્યાં નથી ના !’

ઝબ અસવાર થાતો ને એકલિયો પાછળ પડ્યો. ‘કુંપા ગીડા ! તૈયાર છું.’ ગીડાએ ઘોડી દોટાવી મેલી. પણ એકલિયો તો પતંગિયો હતો. કર્યાં ભેળાં. આડો પડીને હાથ ઊંચા કરી મરમલ કાઠી કહે કે 'રે’વા દે.’ કે ‘તું ખસી જા.’

કે ‘પહેલું મારું માથું વાઢીને ગાડા માથે જા.’ મરમલે આડું દીધું. હાથ જોડીને કરગર્યો.

‘ઠીક ત્યારે જાવા દઉં છું. પણ ઘોડીનો મોવર તો ઉતારી લઈશ, ઘાંશીઓ લઇ લઇશ.’

કૂંપા ગીડાનું એટલું આંચકી લઇને પોતે ગયો. પણ એમાં પોતાનો ચોફાળ વોંકળીમાં પડ્યો રહ્યો. એ ચોફાળ લઇ લઇને કૂંપો ગીડો દેવળિયે રાણીંગવાળાને ત્યાં આવ્યા.

‘ઓહો ગીડા ! તમે ક્યાંથી !’

કે ‘બા, એકલિયાની વાંસે ગ્યા’તા, ભેટાં કરી આવ્યા.’

‘ઓહો ! રંગ છે.’

કે ‘એણે માળે કોણ જાણે કેમ કરીને મારી ઘોડીનો મોવર લઇ લીધો, પણ તો મેં એનો ચોફાળ લઈ લીધો, આ જુઓ.’

‘હા બા, સાચું. આ ચોફાળ તો એનો જ.’

એ જ વખતે રાણીંગવાળાની ડેલીએ સંતાયેલ એકલિયો બહાર નીકળ્યો ને કહ્યું ‘લાવ્ય ચોફાળ, ખોટું બોલ છ ? તેં લઈ લીધો ? હવે તો બૂડી માર્યા વગર રહું જ નહિ.’

ગીડાને ભાલાની બૂડી મારીને લોહી કાઢ્યે રહ્યો.

*

એક દી’ આવ્યો સનાળીમાં. એક ફેંટો માથે બાંધેલ ને બીજો કડ્યે. ભાલે કિનખાપનો રેજો ચડાવેલ. કહે કે ‘ઈ રેજો તો મારું ખાંપણ છે ખાંપણ.’

બજારમાં ચડતે પહોરે આવ્યો. આલો ચાક નામે કાઠી મળતાં આલે પૂછ્યું, ‘ક્યાં રે’વું ?’ કે ‘હાલારમાં.’

‘કેવા છો ?’

‘બોરીચા. હમીર બોરીચો. આઘા રે’જો. ઘોડી પરગંધીલી છે.’

આવ્યો હરજીવન વાણિયાની દુકાને. ‘શેઠ, બાજરો તોળજો છ શેર.’

પૂછ્યું ‘કેટલા પૈસા ?’

કહ્યા પ્રમાણે પૈસાનો ઘા કર્યો.

ગણીને હરજીવને કહ્યું, ‘બે પૈસા વધારે છે.’

‘એના કૂતરાને રોટલા નીરજે. લાવ્ય બાજરો.’

‘કહો છોને ઘોડી પરગંધીલી છે !’

કે ‘વાણિયાને કમ કરડે છે !’

‘રંગ છે બુધા ગીડાના લોઈને !’

એમ બોલીને એકલિયો દાયરામાં બેસીને કસૂંબો પીએ.

કે ‘કાં એવા રંગ આપો ?’

કે ‘બા, બુધો ગીડો શૂરવીર હતા. એવા શૂરવીર કે લોઈ ભાળીને મરી ગયેલા ! એટલે હું કસૂંબામાં એને રંગ દઉં છું. ગીડાની તરવાર ને મારું ખાસડું. ગીડાની હારે હું તરવારે લાકડીએ તો લડું નહિ.’

*

મોરબીની જેલમાં પોતાને નખાવનાર એક ભગવતસિંહ ગરાસીઓ હતો. ભલા ગામમાં રહેતો. ઊપડ્યો એને મારવા. ગામની ખળાવાડમાં ભગવતસિંહ ખળાં ભરે છે. વાડ્યે ડોકાણો ને કહ્યું, ‘કાં, દરબાર, તૈયાર છો ને ?’

‘હા તૈયાર !’ કહેતો ભગવતસિંહ જોટાળી બંધૂકે ઘોડે ચડી બહાર નીકળ્યો. ભેળા સંધી સવાર. મંડ્યા સામસામા ઝપટ કરવા.  એકલિયો પાછળ ને પાછળ ખસતો જાય. મનમાં એમ કે ભગવતસિંહનો દારૂગોળો ખૂટે તો ભેળાં કરું. ધકમક ધકમક થાતું જાય. આઘો નીકળી ગયો. પાછળ અવાજ આવતા બંધ થયા. એમાં ઘાટાં ઝાડ, કજાડી જમીન, નેરૂં ખળક્યે જાય, અને ઘટાટોપ વડ, એવી જગ્યા દેખી મન થયું કે માળું નાઈએં તો ઠીક,

પડખે ભરવાડ ગાડર ચારે. કહ્યું કે ‘એલા વડ માથે ચડીને ખબર રાખ, કોઈ અસવાર આવે છે ?’

નાઈને બહાર નીકળ્યો ને અસવાર નજીક આવ્યા ત્યારે પછી ભરવાડે ખબર દીધા.

એકલિયો એકલી સૂરવાળ પહેરીને ઘોડીએ ચડ્યો, ભાગ્યો. ભગવતસિંહે બંધૂક મારી, બરાબર એકલિયાના પગનું બૂચ તોડીને ગોળી ઘોડી સોંસરવી ગઈ. પછી ઘોડી ચાલી ન શકી.

કૂદીને એકલિયે સંધી માથે ઘા કર્યો. હેઠો ઉથલાવીને એની ઘોડી માથે ચડી ગયો ને હાંકી. ભગવતસિંહે બંદૂકને ફરી કેપ ચડાવ્યો, પણ કેપ પડી ગયો. આંહીં એકલિયો હાંકે પણ ઘોડી ચાલે નહિ. પગ બંધાઈ ગયા. ઊતર્યો હેઠે, વળ્યો પાછો, બીજા સંધી માથે ઝાવું કર્યું. એની ઘોડી પર ગયો ને ભાગ્યો. એમાં પોતાની બંદૂક વડલે પડી રહી.

*

નવાણીએ પહોંચ્યો. પગનું બૂચ તૂટી ગયેલ, તરવાર નાખી દીધેલ. ફક્ત એક ભાલો હતો.

દરબાર લોમોવાળો બેઠેલ, ઓળખ્યો, ‘આવે વેશે કેમ પના ?’

કે ‘લૂગડાં મગાવી દ્યો. રોટલો ને ગળ લાવો.’

દેવળિયે પાલાવા વોંકળામાં વાઘરીઓના વાડામાં રહ્યો. પાટાપીંડી, ને ખાવાનું રાણીંગવાળો મોકલે. લૂણો ધાધલ રોજ બેસવા જાય.  પણ રાણીંગવાળો, જે આજ સુધી એકલિયાને સંઘરનાર હતો, તેને જ બીક લાગી પોતાનાં નાણાંની. એના કહેવાથી ગોરખે ગીડે જસદણમાં જાહેર કર્યું. એકલિયો ભાગી ન જાય એટલા માટે બ્રાહ્મણ લવા મહારાજનો ભાઇ પાલાવે વોંકળે જઇને ત્યાં વાતચીતો કરી સુવાણ કરાવે. એ બ્રાહ્મણે કહ્યું કે પરમ દિવસ સુધી તો હું વાતોના રસમાં ને રસમાં રોકી રાખીશ.

ત્રીજે દિવસે સવારે બે પહોર દિવસ ચડતાં વોંકળાને કાંઠે ઊભેલા વાઘરીએ રાડ પાડી કે ‘પુનરવ ભા, અસવાર આવે છે. ભાલાં ઝળકે છે, ભાગો.’

‘ભાગી તો રિયા હવે. ભાગવું લખ્યું હોત તો આજ રોકાણ જ શીદ કરત ?’

એટલું કહીને એકલિયો પોતાના વાતડાહ્યા વિશ્વાસુ બ્રાહ્મણ ભાઈબંધ સામે નજર નોંધી : ‘ભરડા ! ખૂટ્યો કે?’

બ્રાહ્મણને મોઢે મશ ઢળી ગઈ

પોતાની આંગળીમાં ચૌદ ગદીઆણાનો હેમનો ફેરવો હતો તે કાઢીને બ્રાહ્મણને કહ્યું : ‘એક અડબોત ભેળો તારા પ્રાણ કાઢી નાખી શકું. પણ હું એકલિયો. મારું મરણુટાણું ન બગાડું. આ લે આ દક્ષિણા અને માંડ ભાગવા. હમણાં અહીં ગોળીઉની પ્રાછટ બોલશે.’

ફેરવો લઇને બ્રાહ્મણ વહેતો થયો અને બીજી બાજુ ગામમાંથી લુણો ધાધલ નામનો કાઠી એકલિયાને હોકો પીવરાવવા આવતો હતો તે પણ બીકનો માર્યો ઝાળાં આડો છુપાઈને બેસી ગયો. એણે કનોકન વાત સાંભળી.

વાઘરી કહે, ‘બાપુ, હાલો. હજી ગામમાં જવાનો વખત છે.’

‘અરે હરિ હરિ કરે ભાઈ, હું એકલિયો હવે ભાગું ?’

હથિયારમાં ફક્ત એક ભાલું જ હતું તે ઉપાડીને એકલિયો ઊભો  થયો. વાઘરીને કહે ‘તું હવે ખસી જા.’ એમ કહીને વોંકળાને કાંઠે ચડ્યો. ચડતાં જ ગીસત સામે દરસાણી. ગીસતની અને પોતાની વચ્ચે આડું એક ખીચોખીચ ઝાળું આવેલું હતું. પણ પોતે બીજી બાજુ તર્યો નહિ. જરાક તરીને ચાલે તો શત્રુઓને વાંસો દેખાડ્યા જેવું થાય એટલે સામી છાતીએ ઝાળાં સોંસરવો પડ્યો, કાંટે ઉઝરડાતો ગયો ને બહાર નીકળ્યો.

ત્યાં તો ગીસત લગોલગ થઈ ગઈ ભાલા સોતો એકલિયો છાલંગ મારીને ગીસતના સરદાર વેળા ખાચરને માથે ગયો. એ ભાલાનો ઘા ચૂકવવા માટે વેળા ખાચર ઘોડી ઉપરથી નીચે ખાબક્યો, કે તુરતજ એકલિયે ઘોડીને ભાલું ટેકવી, પેંઘડામાં પગ દઈ હને હાથ માંડી ઘોડી માથે ચડવા હલુંબો દીધો. દેતાં એનું માથું ઊંચું થયું તેમ તો ધડ ! ધડ ! ધડ ! એકસામટી સાત ગોળીઓ માથાની ખોપરીને વીંધતી ગઈ.

તોય એકલિયો પડ્યો નહિ. ભાલાનો ટેકો દઈ ગોઠણીઆંભર બેઠો. છેલ્લી ઘડીએ બારવટિયો ભારી રૂડો દેખાયો. ત્યાં તો પ્રાણ છૂટી ગયા. એટલે કાઠીઓએ આવીને એના મુડદા ઉપર પેટ ભરીને ભાલાં માર્યાં ને ગીડાઓએ એના લોહીથી પોતાનાં કાતર્યા રંગ્યા. એની લાશને જસદણ લઈ ગયા.

‘વેળા ખાચર !’ દરબાર આલા ખાચરે બારવટિયાના શરીર ઉપરના જખ્મો જોઈ ઝીણે અવાજે કહ્યું, ‘આ બધા બંદૂકના ઘા નો’ય બા ! આ તો વેરી મુઓ ઇ પછીનાં પરાક્રમ લાગે છે !’

‘અને ત્રીસ અસવાર થઈને એક માંદા શત્રુનેય જીવતો ન ઝાલી શક્યા બા ! રંગ છે !’

પાલાવાને વોંકળે રાતોરાત કોઈ એક ખાંભી ઊભી કરીને સિંદૂર ચડાવી ગયું હતું. અત્યારે એ ખાંભી ત્યાં છે.