લખાણ પર જાઓ

પરકમ્મા/સંતદર્શન કરાવનારા

વિકિસ્રોતમાંથી
← એકલિયો બહારવટિયો પરકમ્મા
સંતદર્શન કરાવનારા
ઝવેરચંદ મેઘાણી
મારી મેંદીનો રંગ ઊડી જાય રે →






સંતદર્શન કરાવનારા

‘ગરમલી ગામમાં, દીવાળી ટાણું હતું. ભેખ્યું ભેખડોમાં આપા પોતે ગાઉં (ગાયો) ચારવા જાય. ત્યાં કણબીની એક છોકરી ઢોર ચારવા આવે. એના માથામાં ઊંદરી : માથું ગદગદી ગયેલ. આપાએ એના માથા પરથી ફૂંચલી ઊંચી કરી. ત્રણ વખત માથું ચાટ્યું, છોડીને નવનિરાંત થઈ ગઈ.

આપા દાના નામના ચલાળાની જગ્યાના કાઠી સંતનું સ્મરણ કરાવતું ઉપલું ટાંચણ મારી પોથીમાં એક દુબળા, પાતળા, બેઠી દડીના, આંખે લગભગ અખમ ( નહિ દેખતા ) અને દાંત વગરના મોંમાંથી વાતોનાં અખૂટ વહેન ચાલુ રાખતા બુઢ્ઢા સૂરા બારોટની આકૃતિને ખડી કરે છે. હડાળાના રૂપાળા દરબારગઢના બેઠકખાનામાં કયે ઠેકાણે સૂરા બારોટ બેઠા હતા, ગળામાં કેવા રંગના પારાની માળા હતી ( કાળા રંગની ) અને અવાજ કેવો હતો, તે બધું અઢાર વર્ષો ગયાં છતાં યાદ છે. સોરઠી સંતોના સંશોધનના શ્રીગણેશ એમણે કરાવ્યા. પાંચાળના મોલડી ગામના સિંહ-ભેરૂ રતા ભગત કાઠીથી લઈ એમણે એ પ્રારંભ કરાવ્યો. ટાંચણ આવે છે—

‘રામછાળી : ગેબી બાવાનું ભોંયરૂં : દૂધપાક : ત્રણ ભવનની સૂઝી : સૂરજ, વાસંગી, ગેબી, ને રતો, સોગઠે રમ્યા : આંતરે ગાંઠ્યું : ભાઇબંધાઈ :

લાકડી પડે એમ પગુમાં પડી ગયા.

પંજો નીમજ્યો : આપ સરીખા કર્યા.’

રામછાળી એટલે હરિની બકરી. ચારવા આવતી બકરી પાછી સાંજે ડુંગરામાં ચાલી જતી, ક્યાં જતી ! રતો પાછળ પાછળ ચાલ્યો. ઘેબી બાવાને ભોંયરે જઇ ઊભી રહી. એ બકરી દોહીને બાવાએ રતાને  દૂધપાક ખવરાવ્યો, રતો સંત બન્યો. સંતોના ગેબી ધામ કે દેવનાં પુરાતન થાનકો, હમેશાં વાર્તાઓમાં આ રીતે જ પ્રકટ થતાં બતાવાય છે. કાં તો છાળી ને કાં ગાય એનાં થાનકોનો પતો આપનારાં હોય છે. ચરીને પાછી વળતી ગાય આપોઆપ જ્યાં ઊભી રહીને દૂધની ધારાઓ આંચળમાંથી વહેતી મૂકે તે સ્થાનમાં ઊંડા ઊતરો તો શિવલિંગ કાં શાલિગ્રામ સાંપડે.

સૂરા રાવળે એ સોરઠી સંતોનાં દર્શન કરાવ્યાં. શુકનદાતા સારા મળ્યા, તે આજ પણ સંતો અને સંત–વાણીની નવનવી સામગ્રી લાધે છે. મારા સોરઠી સંતો–કાઠી, કુંભાર, કોળી, કડીઆ, માળી, રબારી, મુસ્લીમ, અને હરિજન જેવી કોમોમાંથી ઊઠેલા, નિજનિજનાં ધંધાધાપા કરતા કરતા, ખેતરો ખેડતા, ઢોર ચારતા, ચાકડો ચલાવતા, ગાયોનાં છાણના સૂંડા શિર પર ધરી વાસીદાં વાળતા, કોઇ ઘરસંસારી, લોકસમાજની વચ્ચે રહેતા, ધરતીની ધૂળમાં આળોટતા, સાદા ને સરલ આ મારા સોરઠી સંતો મને વહાલા લાગે છે. ટાંચણ બોલે છે કે—

રતો ભગત ખેતરમાં સાંતી હાંકે. સાંતીની કોશ ધરતીમાં દટાયેલ કોઈ ચરૂના કપડામાં ભરાય, ત્યારે ભગત ભાખે કે–

‘લખમી, તારે મારી ઇરખા (ઈર્ષ્યા) હોય તો પેટ પડ (મારે ઘેર અવતાર લે,) બાકી હું તો પરસેવાનો પૈસો ખાનારો.’

એવા રતા ભગતને ઘેર માંગબાઈ દીકરી જન્મી, મોટી થઈ, પરણાવી, પણ જમાઈ જાદરો કપાતર કાઠી, દીકરીને દુઃખ દેવામાં અવધિ કરી, પણ ભગત બોલે નહિ. જાદરાએ એક દિવસ જોયા-બે સાવઝોની સાથે ખેતરમાં સસરાના ખેલ. ડઘાઈ ગયો. કુકર્મોનો પરિતાપ ઊપડ્યો, કહે કે ‘મને ઉદ્ધારો !’

‘જા, હું નહિ, તને તો થાનગઢમાં કુંભાર મેપો પરમોદ દશે.’

ગયો થાનગઢને કુંભારવાડે, મેપો ચાકડો ચલાવવે, ઠામડાં ઉતારે,  વહુઉં દીકરીઉં ઠામ લઈ તડકે સુકવે, કુકર્મી જાદરો ટાંપીને બેસે. બાઇઓ ત્રાસે, મેપાએ જાદરાને ત્રણ ચાકફેરણી (લાકડી) મેલી, ઊઠી આવી, જાણ્યું કે બસ આનો માંયલો મરી ગયો છે.’

પ્રમોદ્યો. (દીક્ષા દીધી.)

એવાં એવાં સંતચરિત્રો સૂરા બારોટે હડાળા ગામે કથ્યાં; અને એમણે અધૂરા મૂકેલ ત્રાગડા ફરી પાછા મહિનાઓ ગયે, વડીઆમાં રાવત જેબલીઆએ ઉપાડી લીધા. વૃદ્ધ અને સુરદાસ કાઠી રાવતભાઈ, વડીઆના સ્વ. દરબારશ્રી બાવાવાળાના સસરા, એણે મને પાસે બેસારી, પ્રેમથી સંતોની વાત કરી. ટાંચણ બોલે છે—

‘દાના ભગત કુંડલાનાં ગામ કરજાળે ગાયું ચારે. ભાવનગર મહારાજને છોરૂ નહિ. ભગતને વાત કરી. ભગતે નાળીએર મોકલ્યું. મહારાજને કુવર અવતર્યો. એ પ્રતાપ ભગતનો જાણીને મહારાજે કરજાળા ગામ દીધું.

ભગતનો જવાબ તો જુઓ—

‘ના બાપ, બાવાને ગામ ન્હોય. ખેડુતોને મારી ગાયુંના સંતાપ હશે તેથી જ ગામ દીધું લાગે છે. અર્થ એમ કે હવે આંઇથી વયા જાવ ! હાલો,’

ચાલી નીકળ્યા.

બુડી વા બુડી વા (તસુ તસુ જેટલીય) જમીનને માટે જ્યાં ઝાટકા ઊઠે, ત્યાં, તે જ સોરઠી ધરામાં ગામગરાસનો છાંયો પણ નહિ લેનારા સંતો એ જ ભોંયભૂખી કોમોને પેટ પાક્યા, માટે જ મને સોરઠી સંતો વહાલા લાગે છે. માટે જ મેં એમને મારાં ‘સોરઠી સંતો’ અને ‘પુરાતન જ્યોત’ માં લાડ લડાવ્યા છે, પણ હજુ જરાક આગળ જઈએ, ને રાવત જેબલીઆએ કરાવેલ એક ચોંકાવનારું ટાંચણ ઉકેલીએ :—

વાસના મારીશ નહિ

ગીગો ભગત — જાતે ગદ્યૈ. મા ધજડીની. નામ લાખુ : રાણપુર પરણાવેલી. પોતે જાડીમોટી, ધણી છેલબટાવ. કાઢી મૂકી. ચલાળે મોસાળ તેડી  આવ્યા. ધણીએ બીજું ઘર કર્યું. મોસાળિયાં કહે કે આપણેય લાખુને બીજે દઇએ. પણ લાખુએ ના પાડી. એક વાર ચલાળામાં લાખુ પાડોશણના છોકરાને રમાડે. રમાડતાં રમાડતાં મન થયું (સંતતિનું)

અવેડા પાસે થઈને ભગત (દાનો) નીકળ્યા. કહે કે–

‘ભણેં લાખું, વાસના મારવી નહિ, વાસના નડે. ફલાણા બાવાનું બુંદ લઇ લે.’

લાખુને એક બાવા જોડે સંબંધ થયો. આશા રહી.

‘રાંડ ઘરઘાવતાં ઘરઘી નહિ, ને આપાના (દાના ભગતના) ખૂંટડાઓમાં જઈને રહી.’

એવી બદનામી થઇ : વિચાર્યું, ‘કૂવામાં પડું.’

ભગત રાતે નીકળ્યા, કૂવાકાંઠે લાખુને જોઇ.

‘લાખુ, કૂવામાં પડીને હાથપગ ભાંગતી નહિ. તારા પેટમાં છે બળભદર. ઇ કોઈનો માર્યો મરે નૈ.’

જનમ્યો. નામ પાડ્યું ગીગલો. ગીગલો છ મહિનાનો થયો. પોતે મંડ્યા તેડવા રમાડવા. સાત વર્ષની ઉમ્મર, ગીગલો મંડ્યો વાછરૂ ચારવા.

ઇથી મોટો થયો એટલે મંડ્યો ગાઉં ચારવા.

બાવીશ વર્ષનો થયો : પાંચાળના સોનગઢથી લાખો ભગત આવેલ દાનો ભગત બેઠા છે. ટેલવા ગાયોનું વાસીદું કરે છે.

ગીગો છાણને સૂડો માથે લઈ નીકળે છે. છાણ આછું છે. મોં માથે રેગડા ઊતરે છે.

લાખો ભગત :— દાના, ગીગલાનો સૂંડલો ઊતરાવ.

દાના ભગત :— તમે ઊતરાવો.

‘ગીગલા, આઇ આવ.’

ગીગો કહે ‘બાપુ, હાથ ધોઈને આવું.’

‘ના, ના, ઇં ને ઇં આવ્ય.’

એમ ને એમ આવ્યો. માથે હાથ મૂક્યો. ‘ગીગલા તારે બાવોજી પરસન. તું અમ બેયથી મોટો. ને લાખુ કીસેં (ક્યાં) ગઈ ? બોલાવી. વૃદ્ધ લાખુ આવી. ભગતે રાબ કરાવી. પોતાની ભેળું ગીગાને અને લાખુને ખવરાવ્યું.

રક્તપીતિયાંની સંતસેવા

માનવતાનો આથી ઊંચો આદર્શ આપણને નહિ જડે. ‘વાસનાને મારવી નૈ, વાસના નડે, ફલાણા બાવાનું બુંદ લૈ લે.’ એ તો આધુનિકોને યે અદ્યતન લાગે તેવી ઉદારતા છે. ‘કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે.’ એવી હામ દેનાર સંત દાનો પાપ-પુણ્યના રૂઢિગત ખ્યાલ લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા ને એ જનતાને આધારે નિર્વહતા હતા. તે છતાં તેણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો, ને એ મુસ્લિમ મા-બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા. આજે ગીરનાં પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પીતિયાં કોઢિયાં માનવીઓની, એ બેની સેવા, સતાધારની આ બે સંત-ધૂણીઓ હતી. ભયંકર રોગ રક્તપીત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંત-સ્થાનકો હતાં; ગધૈ ગીગા ભગતનું સતાધાર, રબારી સંત દેવીદાસનું પરબ– વાવડી, અને મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર-ડુંગરો. હિંદમાં બીજા કોઇ સંતે આ કાળ-રોગની સેવા કરી જાણી નથી.

રાવતભાઈ જેબલિયાની કથનીમાંથી તો સંતકુળની કલંક–કથા પણ મળી હતી. લોકજબાન કૂડને છુપાવતી નથી. ગુરુ દાનાએ શિષ્યને જુદી જગ્યા કરી દઈને કહ્યું. ‘ગીગલા, અભ્યાગતોને રાબડી તો જાજે’ આપો દાનો તો જતિ-પુરુષ, એની પછવાડે વંશ ચાલ્યો એના સંસારી ભાઈ આપા જીવણાનો. ચલાળાની ધર્મજગ્યા એ કુટુમ્બવારસે ચાલી ગઈ. દાના ભગત દેવ થયા; ભત્રીજા દેવા ભગતે, પોતાની જગ્યામાં આવનાર અભ્યાગતોને ચીંધવા માંડ્યું : ‘જાવ ગીગલા પાસે.’ એકવાર ખાખી બાવાની જમાત આવી.  ‘લાવ બે માલપુડા !’ ‘જાવ ગીગલો દેશે.’ ગીગો ક્યાંથી દ્યે ? ખાખીઓએ ગીગા ભક્તને માર માર્યો. દેવો કહે કે ‘જા અહીંથી.’ ‘ક્યાં જાઉં ?’ ‘જા સાવઝના મોંમાં.’ — એટલે કે સિંહભરપુર ગીરના પહાડોમાં. ધેનુઓ હાંકીને સંત ગીગો સતાધાર એમ હડધૂત થઈને આવ્યા. સંત-કુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ પરબના દેવીદાસે જરજમીનનાં અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું’તું ને !

‘મારી એબ જોઇ !’

રતો, મેપો, જાદરો, દાનો ને ગીગો, એ હતા વાણીવિહોણા સંતો. સેવા તેમની મુંગી હતી. સૌપહેલી સંત-વાણી મારે કાને કોળી સંત રામૈયાની પડી, જાંબુડી ગામનો આ મોટો શિકારી કોળી, નામે રામ ઘાંઘા. પશુઓના સંહાર સિવાય અન્ય કોઈ ઉદ્યમ નહિ. એને મળ્યા સંત રૂખડિયા વેલો બાવો. એ પણ કોળી. એની ભાળ પણ મારા ચારણમિત્ર ગગુભાઈ પાસેથી મળી. મેં પૂછ્યું હતું, કે અમે એક ગરબો ગાઇએ છીએ—

‘રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,
‘ગરવાને માથે રે રૂખડિયા ઝળુંબિયો

એ રૂખડ બાવો કોણ, જાણો છો ?

એ કહે કે એ તો વેલો બાવો—

‘વેલા બાવા તું હળવો હળવો હાલ્ય જો,
‘ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.’

‘એ તો કણબી કોળીઓનું પ્રિય ગીત છે. આજ ગિરનારની તળેટીમાં વેલાવડ છે, એ એના દાતણની ચીરથી રોપેલો. અને એ તો ‘ભૈરવનો રમનારો, ગુરુ મારો ભૈરવને રમનારો’ કહેવાય છે. ભૈરવજપની ભયંકર ટૂંક પર એનાં બેસણાં હતાં. સેંજળીઆ શાખના કણબીઓ વેલાને માને છે. કારણ કે મુળ જુવાનીમાં વેલો એક  સેંજળીઆ કણબીને ઘેર સાથી રહી ખેતર ખેડતા, સાંઠીઓ સૂડતા. ટાંચણ બોલે છે એના પહેલા પરચાની કાવ્યમય વાત.

‘પોતે સાંઠીઓ સૂડવા જાય, પણ જઈને ખેતરે તો ઝાડવા હેઠે સૂઇ રહે છે એવી વાત સેંજળીઆ કણબીને કાને આવી. ગયો બપોરે ખેતરે જોવા. જુએ તો વેલો ઉંઘે છે, ને કોદાળી એકલી ખેતરમાં પોતાની જાણે સાંઠીઓ સૂડે છે !’

જગાડ્યો. પગે લાગ્યો. વેલો કહે કે ‘તેં મારી એબ જોઇ. હવે ન રહેવાય. લાવ મુસારો.’ પૈસા લઈને ચાલી નીકળ્યા, પૈસા છોકરાંને વહેંચતા ગયા.

‘મારી એબ જોઈ-હવે નહિ રહું’ લોકકથાઓનું આ પણ એક જાણીતું ‘મોટીફ’ છે; દેવપદમણી હોથલે પિયુ ઓઢા જામને વચને બાંધેલો, કે તારા ઘરમાંથી મને પ્રકટ કરીશ તે દી’ હું નહિ રહું. વચન લોપાયું, છતી કરી, ચાલી ગઇ. દેવાયત પંડિતને દેવપરી દેવલદેએ ચેતાવેલ – મારી એબ જોઈશ તે દી’ નહિ રહું. ઘરમાં બેઠી. લોકોમાં ચણભણાટ ચાલ્યો : ભગત, તમે ઘેર નથી હોતા ત્યારે ઘરમાં કોક પુરુષ આવે છે ને વાતું થાય છે. વ્હેમાયેલા પતિએ એક વાર એબ નિહાળી–

‘હાથમાં કળશ ને વયો જાય અસ્વાર,
‘મોલે સમાણાં દેવલંદ નાર.’

એમ જ ચાલ્યા ગયા સંત વેલો. જગતને પ્રબોધવા લાગ્યા. શિકારી રામડો આવીને કહે, ‘કડી બાંધો.’

‘કે બાપ, તારાં પાપને ત્યાગ, પછી બાંધું.’

શિકારનો રસિયો મનને નિગ્રહવા મથ્યો.

પણ ગામપાદરમાં જબરું એક રોઝ પ્રાણી આવ્યું. બાયડીએ ભોળવીને મોકલ્યો. નવ ગોળી મારી. ન મર્યું. ચાલ્યું ગયું. પરગામથી ગુરુનું તેડું આવ્યું. જઈને જુએ તો પથારીવશ વેલાને શરીરે નવ નવ ગોળીના જખમો નીતરે ! બોલ્યા–  ‘બાપ, મને આખો દી’ બંધૂકે દીધો !’

બંદૂક છીપર પર પછાડીને ભાંગી રામડો પગે પડ્યો. ગુરુ છરી લઈને છાતી પર ચડી બેઠા. હુલાવી નાખું.

જવાબમાં રામડાને વાણી ફૂટી. ૩૫૦ ભજન ગાયાં.

બંદૂક ભાંગી : વાણી દાગી

હું એ વાણીની શોધમાં ચડ્યો, વાવડ મળ્યા કે ખડખડ ગામમાં વેલાનો સાધુ રહે છે. વડીઆના તે કાળને યુવરાજ અને વર્તમાન દ. શ્રી સૂરગભાઇએ પોતાની મોટરમાં મને ખડખડ ઉતાર્યો. બુઢ્ઢો બાવો, અફીણના કેફમાં ડૂલી ગયેલ, પુરા શબ્દો પણ ન નીકળે, પણ મને આસ્થાળુ માનીને એકતારો મેળવ્યો. વેલાના સમાધમંદિરે બેઠા. એણે માંડમાંડ ગાયાં પંદરેક રામૈયાકૃત ભજન. ટાંચણમાં એ કોળી શિકારીનો ઓગળેલ આત્મા દેખાય છે—

મનખા જેવડું મહા પદારથ
વેણુમાં રે વેરાણું વેલા ધણી !

ચારે કોરથી વેપારી આવ્યા,
ઈ તો વેપાર કરી નવ જાણે રે વેલા ધણી !

દયા રે કરો ને ગુરુ મેરું કરો
મારા રૂદિયા હે ભીતર જાણો વેલા ધણી !

 રે શે’રમાં બડી બડી વસ્તુ
ગાંઠે મળેનાણુંવેલાધણી !

ચારે કોરથી સળગાવી દેશે
 તો સઘળું શે’ર લુંટાણું વેલા ધણી !

વેલનાથ ચરણે બોલિયા રામૈયો
ઓળે આવ્યાને ઉગારો વેલા ધણી !


ભક્તિની જુક્તિ

ચેલાઓએ ‘ગુરુને ચરણે’ શરણાગતો બનીને ગાયેલ ભજનોનો ભંડાર તો પારાવાર ભર્યો છે. પુરુષ ભજનિકો મોટે ભાગે મળે છે. તે બધાંની અંદર એક ભાત પડે છે સ્ત્રી ભજનકારોની, લોયણ નામની ‘શેલણ-શીની ચેલી’ પોતાના પર વિષયાસક્ત બનેલ ધૂર્ત રાજવી લાખાને ગાળી નાખે છે તેની દાર્શનિક-વાણી પચાસેક પદોમાં પડી છે. તેના જેવી, પણ વિશેષ નિરાળી ને નવલી ભાત તો ગંગા સતીનાં, પોતાની પુત્રવધૂ ચેલી પાનબાઈને પ્રબોધતાં સંખ્યાબંધ પદો પાડી રહ્યાં છે. એ થોડાંક ભજનોમાંથી અક્કેક ટૂંક આપું છું—

મેરૂ રે ડગે ને જેનાં મન નો ડગે રે પાનબાઈ,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે
વિપત પડે વણસે નહિ રે એ તો
હરિજનનાં પરમાણ રે-મેરૂ રે ડગે○

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેનાં બદલે નહિ વ્રતમાન રે;
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે
જેને મા’રાજ થયેલા મે’રબાન રે-શીલવંત○

લાગ્યા ભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં પાનબાઈ,
ત્યાં લગી ભગતિ નહિ થાય,
શરીર પડે વાકો ધડ તો લડે રે પાનબાઈ.
સોઇ મરજીવા કહેવાય રે.

મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ,
તો તો મટાડું સરવે ક્લેશ,
હરિનો દેશ તમને દેખાડું રે પાનબાઈ,
જ્યાં નહિ રે વરણ ને વેશ રે.

રમીએં તો રંગમાં રમીએં રૂપાનબાઈ,
મેલી દૈ આ લોકની મરજાદ,
હ રિ ના દે શ માં ત્રિ ગુ ણ ન વ મ ળે.
નો હોય ત્યાં વાદને વિવાદ રે.

જાગૃતિ જાણ્યા વિન ભગતિ ન શોભે પાનબાઈ,
મસજાદ લોપાઇ ભલે જાય,
ધ ૨ મ અ ના દિ નો જુ ગ તિ થી ખે લો
જુગતિથી અલખ તો જણાય રે.

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ
નહિતર અચાનક અંધારું થાશે,
જોતજોતામાં દિવસ વહ્યા ગયા રે પાનબાઈ.
એકવીશ હજાર છસોને કાળ ખાશે

આવાં પદ સાસુએ રોજ ઉઠીને સંભળાવ્યાં ત્યારે વહુ પાનબાઈ જવાબ દે છે—

છુટાં રે તીર હવે નો મારીએં બાઈજી,
મેંથી સહ્યું નવ જાય,
કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈજી,
છાતી મારી ફાટું ફાટું થાય રે.

બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વિંધાણા બાઈજી,
મુખથી કર્યું નવ જાય,
આપોને વસ્તુ મુંને લાભ જ લેવા,
પરિપૂરણ કહોને ક્રિયાય.

પણ માનવ–પ્રાણની છીછરાવટને જાણનારાં ગંગા સતી જવાબ વાળે છે–હજી વાર છે પરિપૂર્ણ ક્રિયા બતાવવાની. હજુ સાચાં બાણ વાગ્યાં નથી. બાણ વાગ્યા પછી તો વહુ ! વાચા ન રહે મોંમા—

હજી પૂરાં બાણ તમને નથી લાગ્યાં પાનબાઈ;
બાણ રે લાવ્યાને છે વાર,
બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં,
પછી તો દેહદશા મટી જાય.

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહિ પાનબાઈ
પરિપૂરણ વચનમાં વરતાય,

ગંગા સતી એમ બોલિયાં રે
તેજ પૂરણ અધિકારી કહેવાય.

અને સાસુએ તો વહુને ખોળામાં બેસારીને રસ–પ્યાલો પાયો–

ખોળામાં બેસારી તમને વસ્તુ રે આપું
જેથી આપાપણું ગળી તરત જાવે,
વખત આવ્યો છે. મારે ચેતવાનો પાનબાઈ,
માન મેલી થાવને હુશીઆર રે.

આપ્યો રસ ને ખોળામાં બેસાર્યાં
મૂક્યો મસ્તક ઉપર હાથ.
ગં ગા રે સ તી એ મ બો લિ યાં
ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ.

અને ભક્તિ એ તો રહેણીથી વેગળી વસ્તુ છે એવો પણ એક ભ્રમ છે, જેને ગંગા સતી પ્રાણ છોડતાં પહેલાં નિવારે છે—

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ,
હવે આવી ચુક્યો પિયાલો,
કહેવું હતું તે તો કહી દીધું પાનબાઈ,
હવે રે’ણી પાળવા હેતથી હાલો.

રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ,
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,

***

રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ,
રે’ણી થકી પાર પોગી જવાય,
રે’ણી તો સરવથી મોટી રે પાનબાઈ,
રે’ણીથી મરજીવા બનાય.

એવું પ્રબોધીને ગંગા સતી સ્વધામ ગયાં. પ્રથમ તો પાનબાઈને અરસોસ થયો; પછી—

વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો
મટી ગયો મનનો સરવે શોક;
અંતર બદલ્યું, નિરમળ બની બેઠાં,
સંકલ્પ સમાણો ચૈતન માંઈ;
હાણ ને લાભની મરી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખાલી ગયો ચિત્તલાઈ.

જ્યાં રે જોવે ત્યાં તો હરિ હરિ ભાળ્યા,
રસ તો પીધો છે અગમનો અપાર,
એક નવધા ભગતિ સાધતાં
મળી ગયો તુરિયામાં તાર.

આવી ભજનવાણી વડે નવી ટાંચણ–પોથીઓ ભરાઈ રહી છે, અને લોકસાહિત્યના રેવતાચળ ફરતી મારી પરકમ્માનો છેડો આવતો નિહાળું છું. ભજનવાણી, એ આ પરકમ્માનું અંતિમ સીમાચિહ્ન છે.

સોરઠી સાગરના સાવઝ

નવાં પાનાં ઊઘડે છે, અને મહિનાઓ પૂર્વે સાંભળી રાખેલું નામ–દુલા ભગત–અંકાયેલું છે. શ્રી દુલાભાઈનો પ્રથમ મેળાપ ભાવનગરમાં થયો. પ્રભુના ને ચારણી દેવીઓના નિજરચ્યા છંદો મને સંભળાવ્યા. ડોંગળી બાની પર સારો કાબૂ, કલ્પનાઓ ઊંચી, પણ. ઝડઝમક–ઝડઝમક–બેહદ ઝડઝમક. આજે તો એની વાણી એ તમામ ઝડઝમકને ગાળી નાખીને સાદા સલૂણા સર્વભોગ્ય કાવ્યપ્રકારોમાં આસાનીથી રમે છે, અને કેટલાંક તો અપૂર્વ ગણી શકાય તેવાં સ્વરૂપને સિદ્ધ કરી ચૂકી છે. સહજમાં સ્નેહ બંધાઈ જાય તેવા રસિક અને હેતાળ જુવાન, મંડ્યા ગીરની ને દરિયા–કાંઠાની વાતું કરવા. એમાંથી ભાવનગર–કંઠાળના ચાંચિયા સાગર–સિંહોની ઓળખાણ મળી : ખીમો વાજો કોટડાનો, કાળો ભીલ કોટડાનો, દંતો કોટીલો ડેડાણનો, એવા ડાંખરા બહાદુરોનાં વૃત્તાંતો સાંભળ્યાં, અને પછી તો એક દિવસ એ ગીરના અને સાગરતીરના પ્રવાસે દુલાભાઈની સાથે ચાલી નીકળ્યો. અમારી ઊંટની સ્વારી તળાજા, ગોપનાથ; ઝાંઝમેર, મધુવન ને મેથળા થઈ, જ્યાં બગડ નદી દરિયાને મળે છે એ ‘દરિયા–બારું’ નામને સ્થાને, ભરતીનાં નીર ઊતરે ત્યાં સુધી વાટ જોઈ પછી ઊતરાણ કરીને ઊંચા કોટડા પર ચડી ત્યારે સાંજ નમી ગઈ હતી. દરિયાની તરફથી બરાબર કાટખૂણે ખડા થયેલા એ ભયાનક ઊંચા ખડકની ઉપર, ચાંચિયાનું વસેલું ગામ કોટડા જોવાને અમે ધરતીની દિશાએથી ઢાળ–માર્ગે ચડ્યા, ત્યારે ચાંચિયાની બોલ–બાલાનું કારણ નજરે દીઠું. ત્રણ તરફથી દરિયામાં કાટખૂણે ઊભેલ આ ભૈરવી ખડકને માથે જવાનું જે પ્રવેશદ્વાર છે, તે તો બે જ બંદૂકદારો કે સમશેરવીરો સેંકડોની ફોજને ખાળી રાખે તેવું વંકું ને જુક્તિદાર છે.

કાળો ભીલ : ખીમો વાજો

ઉપર ગયા, પુરાતન ચાંચિયા કાળા ભીલની કોઠીઓ (માલ સંતાડવાને માટે ખડકમાં દરિયાબાજુએ કોરેલાં ઊંડાં ટાંકાં) જોઈ અને એનાં પરાક્રમ સાંભળ્યાં. કોટડાનો એ ચાંચિયો બાર વહાણ રાખતો, રાતોરાત ગોવા સુધી લૂંટ કરી આવીને ઘરે આવી સુઈ જતો, સવારે કોટડા આવી પહોંચતો. એકવાર ફિરંગીઓ પાછળ થયા, પકડાયો, અને ગોવાના કિલ્લામાં ચણી લીધો હતો. તેમાંથી આ કોટડાની ચાંચિયા–દેવી ચામૂંડાએ છોડાવ્યો—

કાળાને ગઢને કાંગરે
જડિયલ બેલાં જે,
એ માં થી ઉ પા ડ્યે
તેં છોડાવ્યો ચામુંડી.

પછી ક્ષત્રિય ચાંચિયા ખીમા વાજાની વાત સાંભળી, એનાં પણ વહાણ ચાલતાં—

થળ પર હાલે થાટ
જળ પર જહાજ તાહરાં;

વાજા ! બેને વાટ
ખીમા ! ધર રૂંધી ખાત્રી !

(હે ખીમા વાજા ! તારાં તો પૃથ્વી પર સૈન્યો ચાલે ને જળ પર જહાજ ચાલે. બન્ને માર્ગે તેં ધરણીને રૂંધી રાખી છે.)

શત્રુનો કવિ કહે છે—

ખીમા ! મ કર ખલવલાં,
મ કર મામદ શું મેળ્ય;
જાજન તણો જડ કાઢશે,
કાળ વળુંધ્યો કેળ.

(હે ખીમા ! તું જાજનશાહના બેટા મામદશાહ, સાથે યુદ્ધ ન કર, એ કાળ જેવો તારી જડ કાઢશે.)

ખીમો ઉત્તર વાળે છે—

કાળ વાળુંધ્યો કાંઉ કરે
જેને બાંયાબળ હોય;
તું ખર ને હું ખીમરો
જુદ્ધ કરું તે જોય.

(અરે તારો કાળ જેવો બાદશાહ પણ જેને બાંયમાં-ભુજામાં બળ છે તેને શું કરશે ? હું જુદ્ધ કરું તે જોઇ લેજે.)

પછી બાદશાહનો કવિ કહે છે કે મામદશા તો ફણીધર છે; તો ખીમાનો કવિ ખીમા વતી પડકારે છે કે,

ફણીધર તેને ઘર ઘર ફેરવું,
ના ક ચ ડા વી ન થ;
હું ખીમો લખધીરરો
છઉં ગારડી સમરથ.

(તારા ફણીધરને તો હું નાકમાં નથ પરોવીને ઘેર ઘેર ફેરવીશ. હું લખધીરનો પુત્ર ખીમો તો સમર્થ ગારુડી છું.)

મુસ્લિમે બેન કીધી

આ બાદશાહ મામદશા કોણ ? લોકવાર્તા તો આમ બોલે છે. ખીમો વાજો કોઠ ગાંગડની વાઘેલી કન્યાને પરણેલા. કન્યાને લઇને વેલડું ચાલ્યું આવતું હતું. રસ્તામાં કંટાળા ગામ પાસે ધોકડવા ગામે થઈને નીકળ્યું. ત્યાં એણે મામદશા બાદશાહનો બગીચો દીઠો. પછી કોટડે આવ્યાં. ત્યાં તો બાઇએ ઉજ્જડ દીઠું. પતિને કહ્યું કે ‘ઓહો ! શું બાદશાહનો બગીચો છે !’ આંહી તો તમે કહેલ આંબાઆંબલીને બદલે બાવળ ને બોરડી જ છે ! ખીમો કહે-હા, બગીચો તો ધોકડવે જ છે. જાવે બગીચાવાળા કને !

વાઘેલી રાણી ચાલી. હેલ ભરીને મામદશાને આંગણે જઈને ઉભી રહી.

મામદશા કહે ‘કોણ ?’

કે ‘મેણીઆત.’

કે ‘મેણું ખુદા ઉતારશે. બેન છો.’

બહેન કરી રાખી. બેનને કોલ દીધો કે તારા ધણીને મારીશ નહિ. પણ કોટડા તો પાલટીશ. કોટડે બાદશાહી ફોજે ઘેરો ઘાલ્યો. ત્રણ વર્ષ થયાં પણ કોટ તુટે નહિ. પણ ખીમાએ એક વાર ‘રતનાગરની શાખ’ લોપીને ભરૂચના એક વાણિયાને લૂંટ્યો. વાણિયો ગાંડો થઈ ગયો. રતનાગર સ્વપ્નામાં આવ્યા. ‘કહેજે બાદશાને કે સવા પહેાર દિ’ ચડ્યે ખીમો પગમાં હથિયાર છોડશે.’ ખીમાએ એ દિવસ એક લાલ વાવટાવાળું વહાણ જોયું. વહાણ દીઠા ભેળું સમાઇ ગયું. ને ખીમાએ રતનાગર રૂઠ્યા ગણી તરવાર છોડી.

બીજી વાત એમ છે, કે ખીમો અજિત હતો, કારણ કે એને મા ચામુંડા તરફથી ચૂડી મળેલી તે પોતે કાંડે પહેરી રાખતો. પાદશાહને આ ખબર પડી. એણે ખીમાને મેણું દીધું—

‘બાઇડી છો તે બોલાયું પહેરછ ?’ એ મહેણાથી ચૂડી ફગાવી દઈને ખીમો લડાઈમાં ઊતર્યો, હાર્યો, પકડાયો. એની આંખો સીવી લીધી. પછી બાદશાહે દમણને પાલટવા ચડાઇ કરી. તેમાં ખીમા વાજાને સાથે લઈ જઈ ત્યાં વોરી મુસલમાન પરણાવી હતી. એના વંશના હજી પણ વોરા વાજા કહેવાય છે. એના વહાણમાં ભીલ કોળી લડવૈયા હતા. શઢના કૂવા ઉપર માતા ચામુંડાનું ત્રિશૂળ હતું.

એના ભીલ લડવૈયામાં ઉગો ને હામો એ બે નામો જાણીતાં છે. ઉગાને ફિરંગીઓએ ચણ્યો હતો દમણના કોટમાં, હામાની બેડીઓ બૂટ માને પ્રતાપે ગળી. બંદીખાનું તોડીને ભાગ્યો, એક કૂવાથંભ વગરના વહાણમાં ચડી જઈ એ વહાણ હાંકી કોટડે આવ્યો હતો.

રાડું અને જોડો

આવી આવી ચાંચિયા બહાદુરોની વાતો એ રાત્રિએ હેઠા કોટડા ગામના એક ભીલ ગામેતીએ – જેને ઘેર ઉતારો હતો – તેણે મૃત્યુકાળ નજીક હતો તેવા દિવસોમાં, હોકો પી પીને શરીર કાંટે રાખીને સંભળાવી હતી. પણ એ સર્વ વીરતાને સામે પલ્લે નીચેની એક જ વાત હું ઊંચા કોટડાના ભૈરવી ખડક પરથી મગજમાં લઈને ઊતર્યો હતો—

ખડક પર ગામની વચ્ચે, દેવી ચામુંડાનાં ફળાંની નજીક જ એક ચુનાબંધ ચણેલ ઓટો હતો. એ જોઇને મેં પૂછ્યું ‘આ શું છે ?’ લોકોએ મને જવાબ દીધો—

‘વે’લાંની વેળામાં, આંઇ એક પરદેશી ટોપીવાળો આવેલો. એણે આવીને બીજું કાંઈ ન કર્યું, પણ એક ધૂડનો ધફ્ફો બનાવી, તેના પર એક રાડું ખોડી, એ રાડા ઉપર પોતાનું એક પગરખું ભરાવ્યું, ને મૂંગો મૂંગો બસ ચાલ્યો જ ગયો. પાંચ વરસે એ પાછો આવ્યો, તપાસ્યું તો પોતે ગોઠવેલ પગરખું, રાડાની ટોચે બરોબર જેમનું તેમ છે ! બસ, ચુપચાપ પાછો ઊતરી ગયો, ને થોડા જ દિવસમાં આંહીં દરિયાકાંઠે ફિરંગીઓના ધાડાં ફરી વળ્યાં, મુલક સર કરી લીધો.

મેં પૂછ્યું, ‘એ જોડાવાળી વાતનો મર્મ શું ?’

‘મર્મ એટલો જ બાપુ, કે એણે લોકોનું દૈવત પારખી લીધું. એણે જોયું કે જે લોકો આવી કરામતથી પણ ડરી જઈ, પાંચ વર્ષ સુધી એ પગરખાને અડક્યા પણ નહિ, તે લોકો નીર્વીર્યતાને છેક છેલ્લે પાટલે બેસી ગયા હોવા જોઈએ, માટે હવે અહીં ફિરંગી ફોજ ઉતારવામાં વાંધો નથી.’

એ આપણી દૈવતવિહોણી દશાનું આ સ્મારક છે. અહીં ફિરંગીઓએ પાકો ઓટો બનાવીને આપણા કપાળમાં કાળી ટીલી તરીકે ચોડી ગયા.