પરકમ્મા/મારી મેંદીનો રંગ ઊડી જાય રે

વિકિસ્રોતમાંથી
← સંતદર્શન કરાવનારા પરકમ્મા
મારી મેંદીનો રંગ ઊડી જાય રે
ઝવેરચંદ મેઘાણી
ત્રાગડે ત્રાગડે →


‘મારી મેંદીનો રંગ ઉડી જાય રે !’

*

કરસનજી તેડાં મોકલે રે
રાધા ! મારે મોલે આવ,
રે રાધા ! મારે મોલે આવ.

ઓતર-દખણ ચડી વાદળી રે
ઝીણા ઝરમર મેહ
રે ઝીણા ઝરમર મેહ

જાઉં તો ભીંજાય ચૂંદડી રે
નીકર તૂટે રે સનેહ
રે નીકર તૂટે રે સનેહ

ધોળી ભીંજાય મારી ચૂંદડી રે
મારે રાખવો સનેહ
રે મારે રાખવો સનેહ

ટાંચણમાંનું આ ગીત ૧૯૨૮ નો ભાવનગરમાં લીધેલો બેએક વર્ષનો વસવાટ યાદ કરાવી રહેલ છે. મકાન-માલિક નવું ચણતર કરાવતા હતા, મજૂરણો ચૂનો ખાંડતી ખાંડતી તાલે–સ્વરે ને કાવ્યે આ ચણતર-મસાલાને રસતી હતી. ગવરાવનારી ૪પ વર્ષનું વય વટાવી ગયેલ, અર્ધબોખી હતી. કાળું ફાટલું ઓઢણું યાદ આવે છે. દેહ ઢાંકવા નિરર્થક મથતા સાડલાની માફક જ દેહની ચામડી તરડાયેલી હતી. અનામત હતો ફક્ત એક કંઠ.

‘જાઉં તો ભીંજાય ચુંદડી રે, નીકર તૂટે રે સનેહ !’—સ્નેહ. જીવનની એ સનાતન સમસ્યા છે. સાચો પ્રેમ પલના યે વિલંબ વિના સમસ્યાનો નિકાલ લાવે છે–

‘ધોળી ભીંજાય મારી ચૂંદડી રે
‘મારે રાખવો સનેહ’

‘ઘોળ્યો’ — એ એક જ શબ્દમાં આ પંજાબીઓએ, સિંધીઓએ અને સોરઠવાસીઓએ નિછાવરપણાની કેટલી બધી ઘટ્ટ ઘન તાકાતની ઊર્મિ ભરી આપી છે ! સામા પારના વાસી પિયુ મેહારને છેલ્લી વાર મળવા જતી સુહિણીએ પણ સિંધુનાં મધ્યવહેનમાં મધરાત્રિએ ઓગળેલ ઘડાનો આધાર ગુમાવ્યો હતો ત્યારે આ ‘ઘોળ્યો’ શબ્દ જ ઉચ્ચાર્યો હતો : ‘ઘર ભગો ત ગોરેઓ—’ ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ! આપબળે તરીને આ ભયાનક સિંધુ–પ્રવાહ પાર કરીશ, પાછી તો નહિ જ વળું. મારા પિયુ વાટ જોઇ રહેશે.

મુસ્લિમ સંસ્કારની પ્રસાદી

ભાવનગરને ઘરઆંગણે ચૂનાની કૂંડીમાં ઘોકા પડે છે, અને બીજું એક ગીત એના તાલ-સ્વર-બોલની ત્રેવડી ધારે સિંચાય છે—

ધૂપ પડે ને ધરતી તપે છે ભલા
ધૂપ પડે તો ધરતી તપે છે ભલા !

સૂરજ રાણા ધીમા તપોને
મારી મેંદીનો રંગ ઉડી જાય !

કોના હાથપગની હથેળીઓ પાનીઓ પરથી સંસાર–સૂરજના ઉગ્ર સંતાપ આ મેંદીનો રંગ ઉછેડી લેતા હશે ? કોઈક મિંયાંની બીબીના જ તો ! મેંદીના લાલી–શણગાર સજતી. એજન્સી થાણાના પોલીસોની ગરીબ રસિક સિપારણોમાં મારી શૈશવ–સ્મૃતિમાંથી તરવરી આવે છે. સાત સાત રૂપિયાના પગારદાર પતિઓની એ સપારણો બે રીતે લાલી પ્રગટાવતી : મસાલા વાટીને અને મેંદી વાટીને : Food & Sex : મેંદીનો રંગ, એ તો છે મુસ્લિમ સંસ્કારની પ્રસાદી. ગીત પણ મિંયાનો જ નિર્દેશ આપે છે—

મિયાં કે વાસ્તે દાતણિયાં મગાવું ભલા !

×××

મિયાં કે વાસ્તે પોઢણિયાં મગાવું ભલા !
હાં રે મારાં જોબન જાય ભરપૂર,
હાં રે મારાં નેણાં ઝબૂકે જલપૂર

સુરજ રાણા! ધીમા તપોને,
મારી મેંદીનો રંગ ઊડી જાય.

વિવેચનનો સૂર્ય–તાપ વધુ તપે તો આ ગીતોનો મેંદી–રંગ પણ ઉપટી પડે એ બીકે વધુ કંઈ લખાતું નથી. જોબન જેનાં ભરપૂર નીરે વ્યર્થ વહી જતાં હશે તેનાં નેણાંમાં જલબિન્દુઓ ઝબૂકી રહેતાં હશે.

એક ત્રીજુ ટાંચણ ટીપણી–ગીત આપે છે—

મોર આદુર દાદુર બોલે છે,
ઝરમર મેવલો વરસે છે.

તમે જેસર ઓરા આવો રે
એક તમારી અરજ કરું.

આંગણીએ હોજ ગળાવું રે
ચોકમાં ચંપો રોપાવું.

વીંઝણલે વાહર ઢોળું રે
ફૂલની સેજે પોઢાડું

આટલી બધી સુકોમળ સારવાર શા માટે ? આટલા માટે કે—

તમે ધડીક મુજ પાસે બેસો રે
હૈડાં હેઠાં મેલીને.

તમને સાચી વાત સુણાવું રે
જો રુદિયામાં રાખો તો.
તમે જો રિદિયામાં રાખો તો.
અમરત આલું ચાખો તો !

સ્વતંત્ર રચનાઓનો જન્મ

હૈડાં હેઠાં મેલીને મેં એ ટીપણી–ગીતો એકાદ પખવાડિયું સાંભળ્યા કર્યા. રુદિયામાં જ રાખે ગયો. એમાંથી જન્મ થયો–મારી સૌપહેલી સ્વતંત્ર ગીતરચનાઓનો. દીકરી ઈંદુ ખોળે રમતી હતી, છએક મહિનાનું ફૂલ, ત્યારે ત્યાં, ભાવનગરમાં ‘વેણીનાં ફૂલ’ રચાયાં—

લીલા છે મોર કાળી વાદળી રે
એક વાર ઉભાં રો’ રંગવાદળી
વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે
એક વાર ઊભાં રો’ રંગવાદળી !

એ ઋતુ-ગીત;

‘નીંદરભરી રે ગુલાલે ભરી
‘બેનીબાની આંખડી નીંદરભરી રે’

એ હાલરડું; અને

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝલે રે.

એ શૌર્ય ગીત તો રાત્રિયે સૂતા પહેલાં રચીને પ્રભાતે સ્વ. મિત્ર અમૃતલાલ દાણીની પાસે હોંશભેર લઈને દોડ્યો ગયેલો તે સાંભરે છે. એનું પ્રોત્સાહન પામીને વળતા જ દિવસે ‘શિવાજીનું હાલરડું’ બનાવ્યું. એક જ બેઠકે રચીને પછી જ ઉઠ્યો, દાણી પાસે પહોંચ્યો.

અમૃતલાલ દાણીએ લાલન કર્યું

બોટાદકરની કવિતાનું લાલન કરનાર એ અમૃતલાલ દાણી હતા. મારી આ કવિતા–કૂંપળોને પણ એ જ અમૃતલાલે અમૃતમય ઉત્સાહે સિંચી ઉઝેરી. ‘આવો આવો રે બહાદુર ઓ બહેન હિંદવાણી !’ નું મારું ગીત ભાઈ અમૃતલાલના આત્માને સ્વરહિલ્લોલ પર ચડાવી ડોલાવી શક્યું હતું. પોતાના મહિલા–વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ–જેમાં કુમારિકાઓથી લઈ સુહાગણો વિધવાઓ પણ હતી–તેમની આગળ આ કૃતિઓ સંભળાવવા પ્રેરીને, આડકતરી તેમજ સીધી ઉભયવિધ જુક્તિ વડે મારામાં કવિતાસર્જકતાનો આત્મવિશ્વાસ રોપનાર પણ અમૃતલાલ દાણી હતા. દાણીનું એ ઋણ ન ચુકવાય તેવું છે. સામા માણસને પોતાની પ્રભા વડે આંજી દેવો, પોતાના તેજપુંજથી ચકિત, મુગ્ધ, સ્તબ્ધ બનાવી દેવો, પોતાનો નમ્ર આશ્રિત ભક્ત બનાવવો, એ સહેલ છે. સામા માણસની સુષુપ્ત શક્તિઓને પારખી લઈને પછી એની લાઘવ-ગ્રંથિનું આવરણ ઉખેડી લેવું, એનામાં નિજશક્તિભાન સંચારવું અને એને આ નિજ શક્તિનાં અતિભાનમાંથી ઉગારી લેતે લેતે સર્જનપ્રવૃત્તિને પંથે પળાવવો એ વિકટ કામ છે. દાણીમાં એ આવડત હતી. મારી કાવ્યસર્જકતાનો રોપ, સીધેસીધી રાષ્ટ્રોત્થાનભાવની જોખમભરી ભૂમિમાં પડતો બચી ગયો અને નિસર્ગલક્ષી બાળગીત કૌમારગીત તેમજ દાંપત્યગીતની ક્યારીમાં રોપાયો એ સ્વ. દાણીના પ્રતાપ. પત્રકારિત્વથી હું ત્યારે આજની માફક આઘો ખસી ગયેલો હતો. ‘કિલ્લોલ’ ‘વેણીનાં ફૂલ’નો ફાલ એટલે જ સંભવિત બન્યો. રાષ્ટ્રભાવી કૃતિઓનો ઉગમ તો તે પછી, ફરી પત્રકારિત્વે ઊતર્યો ત્યારે, ’૨૯–’૩૦નાં વર્ષોમાં, ‘જાગે જગનાં ક્ષુધાર્ત’ અને‘“કવિ તને કેમ ગમે !’ એ અનુકૃતિઓ વડે સૌરાષ્ટ્ર સાપ્તાહિકનાં પહેલાં પાનાંને શણગારવા માટે થયો હતો. ‘યુગવંદના’ મને પ્રિય છે, પણ ‘વેણીનાં ફૂલ’ ને ‘કિલ્લોલ’ પ્રિયતર છે. જનમેદનીને પ્રાણમાં જલધિ-ઘોષ ગર્જાવતું—

જાગો જગનાં ક્ષુધાર્ત
જાગો દુર્બલ અશક્ત

પૃથ્વીના પાટ પર
કરાલ કાલ જાગે



અગર તો—

છેલ્લો કટોરો ઝેરનો
આ પી જજો બાપુ !

એનાં કરતાં મનમાં મનમાં એકલા ગવાતું મારું—

મોરલા હો મુંને થોડી ઘડી
તારો આ૫ અષાઢીલો કંઠ !
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.

એ ગીતો જીવનની વિફલતાઓ વચ્ચે વિશેષ આશ્વાસક બની રહેલ છે.


ચૂંદડીની રંગઝાલકો

’ર૭–’ર૮ની આ બે સાલનું શ્રેય આટલેથી સમાપ્ત નથી થતું, સ્વ. દાણીને ખાતે જમા થયેલ બીજું એક મહાઋણ છે, ‘મેઘાણીભાઈ, તમે લોકગીતોનો ગરબા, રાસડા, હાલરડાં વિ. પ્રદેશ ખેડો છો, પણ કાવ્યદૃષ્ટિએ ઘણાં વધુ ચડિયાતાં આપણાં લગ્નગીતોને તો તપાસો.’ આ હતી ભાઈ દાણીની વારંવારની ટકોર, લગ્નગીતોનો પ્રદેશ મારે માટે અણદીઠ હતો. એમાં મને પ્રવેશ કરાવનાર અમૃતલાલ. એમનાં પત્ની જયાબહેને આ ગીત–ભવનનાં બારણાં ઉઘાડી આપ્યાં. સ્વ. દાણી સાચા પડ્યા. જયાબહેન જેમ જેમ ગાતાં ગાયાં—

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં
એક ધારતી બીજો આભ
વધાવો આવિયો.

આભે મેહુલા વરસાવિયા
ધરતીએ ઝીલ્યા ભાર-વધાવો

એ પહેલું ગીત;—

દૂધે તે ભરી રે તળાવડી
મોતીડે બાંધી પાળ;



ઈસવર ધોવે ધોતિયાં
પારવતી પાણીડાં જાય.

એ બીજું;—

એક ઊંચો તે વરનો જોજો રે દાદા !
ઊંચો તે નત્ય નેવાં ભાંગશે.

એ પુત્રીહૃદયના આગળા ઉઘડાવતું ગીત –

કુંવારી ચડી રે કમાડ
સુંદર વરને નિરખવા રે

એ સ્વયંવર ગીત :

કાળી શી કોયલ શબદે સોયામણી
આવે રે કોયલ આપણા દેશમાં

એ લગ્નજીવનના સાફલ્યનું શેષ મંગલ—

તેમ તેમ જીવન-ચૂંદડીનાં ગલકૂલ વણાટમાં ઊપડતાં આવ્યાં. ‘ચૂંદડી’ નામના લગ્નગીત-સંગ્રહો પ્રજાને આપ્યા એ તો ઠીક, પણ એ ગીતોની સંજીવનીએ આ બળતા વેરાન વચ્ચે આતમ-ભૂમિને રસવાનું જે ચિરકાલીન કામ બજાવ્યે રાખ્યું છે તેની વાત કરવા બેસતાં વાચા વિરમી જાય છે. કેટલીક વસ્તુઓ તો મૂંગાં મૂગાં જ માણવા જેવી છે, ને પછી તો ‘ચુંદડી’ની રંગઝાલકો ક્યાંક્યાંથી ઊડી તે યાદ કરું છું. એક અજાણ્યાં બહેને છેક બ્રહ્મદેશ–આક્યાબથી એક ગીત સંગ્રહમાં નહોતું તે કાગળમાં મોકલ્યું—

ગોરાં... વહુ તે ...ભાઇને વીનવે,
તારા ગામની સીમડી દેખાડ રાયજાદા રે
લાલ છેડો લટકાં રે.

તમે આઘેરાં ઓઢો ગોરી ઓઢણાં,
મારા છોગલાને છાંયે ચાલી આવ મારી ગોરી રે
લાલ છેડો લટકાં કરે.



એ એક જ ગીતે મને નિહાલ કરનાર સૌરાષ્ટ્રણ બહેનનાં દર્શન અને સમાગમ તે પછી પંદર વર્ષે ‘૪૪માં અચાનક પામ્યો. એનું નામ ચલાળાના લાખાણીપુત્રી સૌ. હેમકુંવર બહેન મગનલાલ. અને બીજો પરિચય તો એ કરતાં પણ વધુ વિસ્મયકર બન્યો. મંગલમૂર્તિ વિજયાબહેન દુર્લભજી પરીખ સાથેની અમારી લેણાદેવીના આજલગીના અખૂટ રહેલ ચોપડામાં પહેલો આંકડો એક લગ્નગીતથી પડ્યો. સીધાં તો મને લખે પણ નહિ એટલાં બધાં અજાણ, તે એક ત્રીજા સ્નેહી દ્વારા ‘ચૂંદડી’ના એક ગીતની ખંડિત પંક્તિઓ પૂરી પાડી અને વિશેષ સંખ્યાબંધ ગીતો લખી મોકલ્યાં. મારો અને મુજ જેવાં અનેકનો વિસામો બનનાર વિજયાબહેન દુર્લભજીભાઇની દુનિયા જ છેક નિરાળી. આ લગ્નગીતોએ વચ્ચે સેતુબંધ સરજાવ્યો. ચલાળાવાસી ગં. સ્વ. મણિબેન પાસેથી મળ્યું અણકલ્પ્યું એક રસગીત—

લાડી ! તમને કેસરીયો બોલાવે હો રંગભીની !
ઓરાં આવો મૂજ પાસ.

પાળી ચાલું તો મારા પાહુલિયા દુઃખે,
 કેમ રે આવું વરરાજ !

મોકલાવું રે  મારાં  અવલ  વછેરાં,
બેસી આવો મુજ પાસ.

હડાળા દ. શ્રી. વાજસૂરવાળાનાં પુત્રીઓએ કાઠી લગ્નગીતો અધરાત સુધી જાગીને ગાઈ ગાઈ ઊતરાવ્યાં, મિત્ર હાથીભાઈ વાંકે એમનાં (તે વખતે મારી ઓજલ પાળતાં) પત્ની પાસે ગવરાવી નોટ ભરી મોકલ્યાં.

હમણાં જ એક અખબારમાં કવિ શ્રી નાનાલાલના કોઇક વ્યાખ્યાનનો અહેવાલ જોયો. અંદર હતું કે ,મેઘાણીને મળેલા લોકગીતો તો બહુધા બરડાની મેરાણી-દીધાં છે.’ વાત દૂષિત છે, મારાં  ગીતદાતા માનવીઓનાં નામ તો મારા પ્રત્યેક સંગ્રહની પ્રસ્તાવનાઓમાં રજુ છે. એટલું સાચું કે શ્રીગણેશ કરાવનાર હતાં મેરાણી બહેન ઢેલી, બરડાના બગવદર ગામનાં. પણ હું ભમ્યો છું પ્રાંતપ્રાંતે. મને સાંપડેલ છે સ્થળેસ્થળના ટહુકાર. ટાંચણ-પાનાંની આ વાર્તા કહેવાનું કહી રહી છે. ખવાસણો ને કાઠીઆણીઓ, વણિક ને બ્રાહ્મણ સ્ત્રીઓ, ઝાલાવાડ, હાલાર અને ગોહિલવાડનું પ્રતિનિધિત્વ કરનારી અનેકની કનેથી હું પ્રસાદી પામ્યો છું. બલંક મને તો બૃહદ્ ગુજરાતનાં વિચિત્ર પ્રતિનિધિઓ વિલક્ષણ રીતે ભેટી ગયાં છે.

ટેકરાનાં મારવાડાં

એક તો આ ભાવનગર-વાસ વેળાની જ વાત છે. હું રહેતો તેની સામેજ નરોત્તમ ભાણજીનો બંગલો. આજે જ્યાં કબૂતરખાનાં જેવા કૂડીબંધ બ્લોક ખદબદી રહેલ છે ત્યાં ઊંચો ટેકરો હતો. ટેકરા પર થોડીક ઓરડીઓ હતી. ત્યાં રહેતાં હતાં મારવાડાં. ‘મારવાડાં’ એવા તિરસ્કારદર્શી શબ્દે ઓળખાવતાં એ હતાં પાલનપુરની ય પેલી મેરનાં વતનદાર રાજસ્થાની મજૂર લોકો. મોટે ભાગે દાણા બજારમાં અનાજ-થપ્પીઓની ભરેલ રેંકડીઓ ખેંચનારાં એ ‘મારવાડાં’ બૈરાંના ગગને આરોહતા સ્વરો રાતવેળા સંભળાતા ને ઊંઘ ઊડી જતી. સ્વરોની એ સીડી પર ચડી જતું મન જાણે કે તારાનાં ઝૂમખાં તોડવા સુધી પહોંચી જતું. સ્વરોમાં લહેરાઉં પણ શબ્દો પકડી શકું નહિ. હતાં તો પાડોશી, પણ પહોંચું શી રીતે ? એ જ ટીંબા પરની સામી ઓરડીઓમાં રહેતાં હતાં દક્ષિણામૂર્તિ ભવનનાં થોડાં શિક્ષક શિક્ષિકાઓ. તેમાંના એક હતાં કમળાબહેન. (જેણે ’૩૨ કે ’૩૩માં બોળતળાવમાં જળસમાધિ લીધી. કરણામૂર્તિ યાદ આવે છે. ચિત્ત ભ્રમિત થયેલું. મને સ્વહસ્તે રસોઈ કરી જમાડેલો એવી ચિત્તાવસ્થામાં, ને અરવિંદ ઘોષના ઉપર આરોપ કરતી વિશૃંખલિત વાતો કર્યા કરી હતી.) આ બહેનને પૂછ્યું કે આ મારવાડાંનાં ગીતો મેળવવામાં મદદ  કરશો ? પણ તે કાળે તો તદ્દન અજાણ્યાં. એટલે એમણે કંઇ રસ લીધો નહિ. પછી બીતો બીતો એ બાઇઓને ઉંબરે ગયો. એના મરદોનો વિશ્વાસ મેળવ્યો. સ્ત્રીઓ ને પુરુષો બધાં મળીને કહે કે ‘હા, આવજો તમતમારે સાંભળવા; મંડાવશું. એમાં શું વાંધો છે ! ના, અમને કાંઇ પણ સંકોચ નથી. ખુશીથી આવો.’ પછી એમણે જે ઋતુગીતો, લગ્ન-ગીતો કે આણાં વળાવવાનાં ગીતો ગાઇ ગાઇ, શબ્દોથી પરિચત બનાવી અને કાગળ પર ઉતારવા દીધાં, તેણે મારી સામે ગુજરાત મહાગુજરાતને બદલે તો સમસ્ત રાજસ્થાન (પશ્ચિમ હિંદ) ની સાંસ્કૃતિક એકરૂપતાનાં આજે થઇ ગયેલ પૂર્ણ દર્શનની તે કાળે ઝાંખી કરાવી હતી. આજે પણ એના એક લગ્નગીતને હિંડોળે મન ખૂલી રહ્યું છે—

પગે પગે વાવડલી ખોદાવું હો રૂપાળી લાડી !
પગે પગે વાવડલી ખોદાવું હો લાખેણી લાડી !
લઇ ચાલાં મારે દેશ !

નિર્જળી મરુભોમનો વાસી વરરાજ એ પાણીવિહોણા પ્રદેશથી ભય પામતી વધૂને લાલચ આપે છે-તારે પગલે પગલે કૂવા ગળાવીશ.’

મેંદીને વાટકે નોતરાં

એક સાંજે નરોત્તમ ભાણજીને ટેકરે જઈ ચડ્યો. એક ઘરની મારવાડી સ્ત્રી અન્ય ઘેરે ઘેરે જ, વાટેલ મેંદીનો અક્કેક વાટકો આપતી હતી. પૂછ્યું, આ શું ? કહે કે, ‘દીકરીને તેડવા જમાઈ આવ્યા છે. એ અવસરનાં ગાણાં ગાવાનાં આમ મેંદી દઇને નોતરાં કરીએ. ઘરઘરની વહુદીકરીઓ આ મેંદી હાથે મેલીને પછી રાતી હથેળીએ ગીત ગાવા અમારે ઘેર આવે. ચાલો, બેસો, સાંભળો એ ગાણાં.’ પછી એમણે આભ-નીસરણી માંડતા સ્વરે ભરપૂર જે ગીતો ગાયાં તે આ હતાં – સ્વરો જાણે કે છેક ઊંચે ઊડતી કુંજડીને સંદેશો પહોંચાડવાના હતા. 

ઊડતી કરુંજડી આકાશે રે કરુંજા !
એક સંદેશો લેતી જા !

જાવ જમાયાંને ઇવું કે’જે કરુંજા !
અમારી ધીડ્યાં ધાન ન ખાય.

ખાજો ખારેક ટોપરાં રે કરુંજા !
પીજ્યો જોટયારાં દૂધ.

ખારાં ખારેક ટોપરાં રે કરુંજા !
મચળાં જોટયાંરાં દૂધ.

અર્થ—હે આકાશે ઊડતી કુંજડી, એક સંદેશો લેતી જા. અમારા જમાઇને જઇ કહેજે કે હવે તો અમારી દીકરી વિરહની મારી ધાન પણ ખાતી નથી. જમાઇ જવાબ વાળે છે કે ધાન ન ભાવતાં હોય તો તમારી દીકરીને ખારેક ટોપરાં ને ભેંસોનાં દૂધ ખવરાવજો – અરે જમાઈ ! ખારેક ટોપરાં ને દૂધ પણ બેસ્વાદ બન્યાં છે. માટે ઝટ તેડવા આવો.

એથી પણ વધુ અગમ ઊંચે સૂરે બીજું ઉપાડ્યું :

(જમાઇ ઘર આવ્યો હોય ત્યારે ગવાય છે.)

આજ તો ધરાઉ ધૂંધળો મોરી જેડર !
રે મોટી છાંટાનો, મોટી છાંટાના વરસે મેઘ.

સાસુડી સંદશા મોકલે મોરી જેડર !
રે સાળીયાં, -સાળીયાં ઉડાડે કાળા કાગ.
રે એકારું, એકારું સાસરીએ પધાર !

માળવણ તો સંદેશા મોકલે મોરી જેડર !
…ગામરે મારગીએ મોરી જેડર !
ઝીણેરી, ઝીણેરી ઊડે ગલાલ.

જાવે તો જમાયાં ને આપણ કે’જે મોરી જેડર !
એકારું, એકાણું મેવસીએપવાર.
રાંયાંડી મોરી જેડર !

ભાખરીઓ, ભાખરીઓ ભેદાણો ઘરે આવ
મારગીઓ, મારગીઓ રેલાણો ઘરે આવ
મારગીઓ, મારગીઓ નીલાણો ઘરે આવ !

ચાંચે તે લખીઆ સાળારા એાળપ મોરી જેડર !
પાંખડીએ, પાંખડીએ સાળારા જુવાર,

જાવે તો જમાઈજીને આપણ કેજે મોરી જેડર!
સાળા તો, સાળા સંધેયા આપણ દેશ.

આજ તો ધોવારે ઢોલોજી ધોતીઆં મોરી જેડર !
સવારે, સવારે સાળાંવાળો સાથ.

આપ તો ચડો ગઢા મારુ ! ઘોડલે મોરી જેડર !
મારી રે મારી રે બાઈરે વેલડીયાં જોત્રાવ)

અર્થ–આજ તો ધરતી પર ધુંધળ છવાઈ છે. મોટે છાંટે મે વરસે છે.

સાસુ કહાવે છે, ને સાળીઓ બનેવી આવવાની વાટ જોતી કાગડા ઉડાડે છે.

માળવાની પુત્રી સંદેશો કહાવે છે. એક વાર તો સાસરે આવ.

અમુક ગામને માર્ગે ઝીણી ગુલાલ જેવી ધૂળ ઊડે છે.

ઓ પ્રવાસીઓ, જમાઈને કહેજો કે એક વાર મેવસીએ મળવા પધારે.

પહાડ ચોમાસાને નીરે ભેદાઈ ગયો છે. મારગ રેલાઈ ગયો છે, મારગ નીલાઈ [હરિયાળી વનસ્પતિ વડે] ગયો છે, માટે ઘરે આવ.

હે કુંજડી! તારી ચાંચ પર વહુના ભાઈઓના ઠપકા લખ્યા, ને પાંખો પર એમના જુહાર લખ્યા છે.

હે જેડર પંખી ! જમાઇને કહેજે કે સઘળા સાળા બહારગામના ધંધાનોકરીથી ઘેર આવી ગયા છે. પછી એ સંદેશો વાંચીને જમાઈરાજ આજ કપડાં ધોવરાવે છે, ને સર્વ સાળાઓનાં સંગાથમાં પહોંચે છે.

હે જમાઈ, તમે ચડો ઘોડે, ને મારી દીકરીને માટે વેલડી જોડાવો.

લટઘૂંઘટની છાંય

જમાઇ તેડવા આવે તે અવસર પરનાં ગીત આ સ્થળે પહેલાં જ જડ્યાં. એ સ્વરોમાં મને વિરહી નવવધૂઓની ઉત્કંઠ મનોદશાનો ચિતાર મળ્યો, મેંદી–નોતરાંની નવીનતા મળી, અને ગીતો તો વર્ષાઋતુનાં, લગ્નનાં, હાલાંનાં, કૈંક મળ્યાં, એક વાર તો પુરુષોએ પણું ગાયું, નાગજીનું ગીત.

નાગજી નામના એક મારવાડી વીરને એની પ્રિયતમા યુદ્ધમાં જતો રોકવા મથે છે. નાગજી નથી રોકાતો; લડાઇમાં જ કામ આવે છે.

હો રે નાગજી ! તડક તડક ત્રૂટ્યો ત્રાગ રે !
વેરીડા ! પાંચ પેરૂડા નૈ ઝીલે પૂણી રે

હો રે નાગજી ! ઘડી એક ઘોડલો થંભ રે
વેરીડા ! બાળું ઝાળું તમહીણો દેશ જો.

હો રે નાગજી ! તાવડિયો પાપી પડે ધોમ તપે રે
વેરીડા ! ધરતી ત્રંબાવરણી તપે હો !

હો રે નાગજી ! લટઘૂંઘટરી છાંયા કરું રે
વેરીડા ! ઘડી એક ઘોડલો થંભ જો !

હો રે નાગજી ! સરજે સરજે દેવળિયારો દેવ રે
નાગણી સરજે દેવળ માયલી પૂતળી રે

હો રે નાગજી ! આપેં એકણ મંદિર ભેળાં રેશાં રે

હો રે નાગજી ! સરજે અરજે હીવડારો હાર રે
હો રે નાગજી ! મું સરજું હીવડારો ડોરડો રે

હો રે નાગજી ! તું સરજે કેળ માયલો કોળિયો
હો રે નાગજી ! મું સરજું કેવડારી કાંબડી રે

હો રે નાગજી ! આપેં એકણ થાણે ઊગશાં રે
હો રે નાગજી ! સરજે સરજે વાદળી માયલો શેર રે

હો નાગજી ! મું સરજાં વાદળ માયલી વીજળી રે
હો રે નાગજી ! આપેં એકણ વરસાળે આવશાં રે

હો રે નાગજી ! થેં મોતી મેં લાલ રે
હો રે નાગજી ! એકણ ડોરે પ્રોવીયાં રે

હો રે નાગજી ! થેં ચોખા મેં ડાળ
હો રે નાગજી ! એકજ ભાણે પરસિયાં રે

અર્થ– હો નાગજી ! તને રોકવા ઊઠી ત્યાં તો તડ તડ રેંટીઆનો ત્રાગ તૂટ્યો. પાંચ ટેરવાં [પેરુડાં] પૂણીને ન ઝાલી રાખી શક્યાં.

હો નાગજી ! આ ધોમ તાપ તપે છે. ધરતી ત્રાંબાવરણી બની છે.

એક ઘડી ઘોડો રોક, તો હું તારા પર મારી વાળ-લટોની ને ઘૂંઘટની છાંયડી કરું.

હે નાગજી ! તું સરજાજે દેવળનો દેવ, ને હું સરજાઈશ દેવળની પૂતળી. આપણે બન્ને એક જ મંદિરે ભેળાં રહેશું.

તું સરજાજે હૈયાનો હાર, હું સરજાઈશ એ હારનો મોતી-દોરો. એક જ કંઠે આપણે ઝૂલશું.

તું કેળ-ડોડો, ને હું કેવડાની છડી–એક જ ક્યારામાં આપણે ઊગશું.

તું સરજાજે મોટું વાદળું ને હું બનીશ વીજળી. એક જ વર્ષાઋતુમાં આપણે સંગાથે આવશું.

તું મોતી ને હું માણેક : એક જ દોરે પરોવાશું. તું ચોખા ને હું દાળ, એક જ થાળીમાં પિરસાશું.

દેશવટામાં ગીતોનો સાથ

જેમને ‘મારવાડાં’ કહી હસીએ છીએ, જેમની હોળીપર્વ પરની મહિનો મહિનો પહોંચતી રંગમસ્તીમાં એકલી અશ્લિલતા જ ઉકેલીએ છીએ અને જેમનાં ઉચ્ચારણો આપણને જંગલી, પરદેશી, કર્ણકટુ લાગે છે તેઓના કંઠની નજીક જતાં મને આ રત્નો મળ્યાં. આ તો મજૂરો હતાં. પુરુષ ને ઓરતો બેઉ ભારભરી રેંકડીઓ ખેંચનારાં. જન્મભૂમિ અન્ન ન આપી શકી તેથી કાઠિયાવાડ ખેડનારાં. પણ આ ગીતો તેમનાં ચિરસાથી વતનભાંડુઓ બની રહ્યાં હતાં. જન્મસ્થાનથી હજારો ગાઉ વેગળા પડીને ય જો મૂળ ગીતો ગાવાને રહ્યાં હોય તો પછી માણસને દેશાન્તર ખટકે નહિ. મૂળ ધરતીના સ્વરો ને સુગંધ તેમને ખુમારી આપી રહે છે. એકેએક ગીતનું સ્મરણ એટલે તો નાનપણમાં કયે ખેતરે ક્યારા વાળતાં ને કઈ ડુંગરીની ઓથે યૌવનમાં પ્રણય કરતાં તેની જીવતી કલ્પના. મારવાડણો કહેતી હતી : ‘ચોમાસું બેસતું હોય, ખેતરમાં ઊભાં હોયેં, આકાશે વાદળી ચડે, વરસાદ મંડાય, અમે બધી સૈયરું દોડીને એકાદ ડુંગરીની ઓથે ઉભીએં; ને પછી ગાઇએં:-

કાળુડી કાળુડી હો ! બાંધવ મારા કાજળીઆરી રેખ
ધોળી ને ધારાંરો બાંધવ મારા! મે વરસે

વ્રસજે વ્રસજે હો મેહુલા બાવાજી રે દેશ
જઠે ને માડીરો જાયો હળ ખેડે

વાવજો વાવજો હો, બાંધવ મારા ડોડાળી જુવાર
ધોરે ને વવાડો નાના કણરી બાજરી

નીંદણો નીંદણો હો ! ભાભજ મારી ડોડાળી જુવાર
ધારે ને નીંદાવો નાના કણરી બાજરી

વૂઠા વૂઠા હો ! બાંધવ મારા આષાઢા હે મેહ
ભરિયા હે નાંડા ને વળી નાંડડી

ભીને ભીને હો ! બાંધવ મારા પાઘડિયાળો પેચ,
ભીને હો ભીને હો મારી ભાભજ કેરી ચૂંદડી.

ભીને ભીને હો બાંધવા મારા રેશમીઆરી ડાર
ગીગો ને ભીને રે થારો પારણે.

નીપજે નીપજે હો ! બાંધવ મારા, ડેડાળી જુવાર
થારે ને વાયેડાં સાચાં મોતી નીપજે.

(પછી દિયરનું નામ લઇ એનું એ ગીત ગવાય છે.)

અર્થ—હે મારા પિયરવાસી ભાઈ ! કાળી કાળી કાજળના જેવી રેખાઓ ચડી છે, ને તેમાંથી ધોળી ધારનો મે વરસે છે.

( શું કાજળઆંજ્યાં નયણાંની અનુ-કલ્પના ! )

હે મેહુલા ! તું જઈને મારા બાપને ગામ વરસજે, કે જ્યાં મારો માડીજાયો હળ ખેડે છે.

( પતિને દેશ નહિ, પણ ભાઈ ને દેશ !)

હે મારા ભાઈ, ડોડાળી જુવાર વાવજે ને ઢોરા પર નાના કણની બાજરી વાવજો.

હે મારી ભાભી ! એ વાવેતરમાં નીંદામણી કરજો.

હે મારા વીર ! અષાઢા મે ઢળ્યા ને નાળાં નદીઓ ભરાઇ ગયાં.

હે ભાઈ ! તારી પાઘડીના પેચ ભિંજાતા હશે, ભાભીની ચૂંદડી ભિંજાતી હશે.

તારા બાળકના પારણાની રેશમી દોરી ભિંજાતી હશે ને પારણામાં હે ભાઇ, તારો ગગો ભિંજાતો હશે.

આશિષો દઉં છું કે હે ભાઈ ! તારા ખેતરમાં મોટે ડુંડે જુવાર નિપજજો, સાચાં મોતી સમા દાણા પાકજો.

આ મારું મહાગુજરાત-દર્શન છે. ગુજરાત શબ્દ ગૌણ બની રહે છે. પશ્ચિમ હિંદ–રાજસ્થાન–સમસ્તની રગેરગમાં સંચરતું સંસ્કારશોણિત મારાં પિંડને ને પ્રાણને ધબકતાં કરે છે.

‘મેઘાણીનાં લોકગીતો’ તો બહુધા ‘મેરાણી–દીધાં’ એ વિધાનમાં થોડી ભૂલ ભાળું છું.