પરકમ્મા/ત્રાગડે ત્રાગડે
← મારી મેંદીનો રંગ ઊડી જાય રે | પરકમ્મા ત્રાગડે ત્રાગડે ઝવેરચંદ મેઘાણી |
કીર્તિલેખ કોના રચાય છે ? → |
ત્રાગડે ત્રાગડે
ટાંચણમાં પહેલી જ વાર માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલાં મળે છે.
વિક્ટર : તા. ૧૯-૧૧-ર૭ : પસાયતો સંધી
યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઇ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજ કાળના એ સહાધ્યાયી, ક્રીકેટ ટેનીસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિન-ખેલાડીના સન્માનિત ’૨૭ માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટીઆ જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટીઆની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અક્કેક ઘટનાને હું ચકાસતો ચકાસતો નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણનાં ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ આંહીથી નીકળ્યા હતા : એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતા : મારે ને બહારવટીઆને જાણે કે ઘડી બે ઘડીનું જ છેટું પડ્યું હતું.
અસ્થિઓ વીણ્યાં છે
સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો વાચકો ! ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે ! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટીઆનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વ કોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલે કેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા–તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બજરંગ નાગર, સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સુરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ–નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિ આપ્યું, આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો.
ખેર ! અત્યારે તો એક આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ એક મુસલમાન હતો પણ એના સાહિત્યરસમાં કોમી ભેદભાવ નહોતો. જોગીદાસ બહારવટીઓ એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. એ હતો તો દરબારી દાણનો જમનારો, પણ એનું મગજ કોઈ રાજ્યના દફતર જેવું, સત્યને દબાવી રાખી પક્ષહિતોને જ મજબૂત બનાવે તેવા દસ્તાવેજથી ભરેલું નહોતું. *[૧] પીર ધંતરશાના મોરલાને મારી ખાઇ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી પસાયતાનો જ કહેલો છે. નવલખાના નેરડામાં જોગીદાસને ભેટેલી જુવાન સુતારકન્યાની પ્રેમ–યાચનાની અને એવી પ્રેમયાચનાનો ‘તું તો મારી દીકરી !’ એવા બહારવટીએ દીધેલા જવાબની ઘટના પણ એ કંગાલ સંધી પસાયતાએ કહી. તે દિવસથી પરનારીનાં લુબ્ધકર નેન–કટાક્ષોથી આત્મરક્ષા કરવા માટે જોગીદાસે જનપદના રસ્તા તરફ પીઠ ફેરવીને ચોરા પર બેસવાનું નીમ લીધાની વાત પણ એણે જ કહી. બહારવટીઆની સામે રાજ્યનાં લૂણ હક્ક કરવા હથિયાર બાંધી, પિરસાયલ ભાણેથી ઊભા થઈ ઘોડે ચડેલા અને ધિંગાણે ખપી ગયેલા નાગર આણંદજીભાઈની વાત પણ એણે કહી; અને નીચલો એક જે કિસ્સો સરતચૂકથી અણવપરાયો ટાંચણમાં જ પડ્યો રહ્યો છે તે પણ એણે કહેલો—
‘રાજુલા ! હુશિયાર !’
ડુંગર ગામમાં ભાવનગર રાજના આરબ જમાદારનું થાણું. જોગીદાસનો પડાવ મીતીઆળો ડુંગરામાં. એક વાર આરબ જમાદારને બહારવટીઆએ મીતીઆળે મહેમાન રોકી ખૂબ ખાતર બરદાસ કરી. પછી કહ્યું કે નાગેશરી માથે ચડવું છે, અમારા ભાઈ હરસૂર ખુમાણને મારનાર ઓધડ વરુને માથે વેર વાળવા.
કે ‘ભલે, હાલો.’
વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતો.
વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ,
મેથાળે હરસો હુઓ, લૈગ્યો વરૂઓની વઉ.
(હે વરૂ કોટીલા ને ધાંખડા નામે ત્રણે શાખાના બાબરીઆઓ ! મથાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વરુને લઇ ગયો છે.) કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે.
બહારવટીઆઓ આમ આરબ જમાદારની મદદ લઇને વેર વાળવા ચડ્યા. ઝાંપોદર ગામ આવ્યું ત્યાં આડો નાત્સ્ ઓળાંડ્યો.
રાવ નામે પંજાબ તરફનો કોઈ મુસલમાન નજૂમી ( જોશ જોવા વાળો ) સાથે હતો તેણે તુરત ઘોડો થોભાવ્યો.
કહે ‘ કાં ? ’
કે ‘જે મોઢા આગળ હાલે ઈ લોહીઆળો થાશે. ’
આરબ બોલ્યા–‘ અમે ક્યાં ખીચડું ખાવા આવ્યા છીએ ? અમે મોઢા આગળ હાલીએ.’
પહેલી ઘોડી આરબે હાંકી.
ધાંતરવડી નદીને કાંઠે જ્યારે સૌ ચડ્યા ત્યારે જોગીદાસ અને ભાણ ખુમાણે નાગેશરીનો કેડો હાલતો તે પડતો મેલીને રાજુલાને માથે ઘોડી ઠરડી કરી.
આરબે પૂછ્યું ‘કાં ?’
કે ‘ રાજુલા માથે પડવું છે. ’
‘અરે ન્હોય એવી વાત.’ આરબ જમાદાર, પોતાના જ ધણી, ભાવનગર દરબારનું ગામ રાજુલા ભાંગવાની વાતથી ચોંકી ઊઠ્યા.
ત્યારે ભાણજોગીદાસે પેટમાં રાખેલી વાત પ્રકટ કરી : ‘અમે તમારી ખાતર બરદાસ્ત કરીએ છીએ તે તો રાજુલા માટે.’
આરબે કહ્યું : ‘ભાગ્યની વાત ! હવે કાંઈ સરાય નહિ.’
રાજુલે ચાગલ જમાદારનું થાણું. પણ ચાગલો બહાર નીકળી ગયો હતો. મશાલ વખતે જોગીદાસે રાજુલું ઘેર્યું. પણ ગામમાં ગરાય નહિ. ચારે દરવાજા ઉપર માણસ. બંદૂકાની નાળ્યું છૂટે છે.
કુબલીઆ પા માં ભેરાઈ દરવાજે ઉમર સામેડો સપાઈ ૩૫ માણસે : ડુંગરના રસ્તા માથે મામદ જમાદારનું થાણું : વડલીને ઝાંપે પણ પાકો બંદોબસ્ત.
એટલે આરબ જમાદારે કહ્યું : ‘તો રાજલીઆના ગાળામાંથી ગરીએ.’
પોતે છ જણા ચાલ્યા. એમાં એ ઠેકાણે ચોકીદાર મસૂત સીદી હોકો પીતો બેઠો છે, પગરખાંના ખડખડાટ સાંભળીને મસૂત ઊભો થયો.
‘મસૂત ! તું ખસી જા.’ બહારવટીઆએ હાક મારી.
મસૂતે જવાબ વાળ્ળ્યો : ‘ખસ્યાં ખસ્યાં ! એમ શું ભાવનગરનાં નગારાં ઊંધા વળી ગ્યાં છે !’
‘ના, ભાવનગરનાં આબાદ, પણ તારાં અવળાં !’
તો પણ મસૂત ન ભાગ્યો, એને બંદૂક લાગી. પડતે પડતે એણે હાકલો કર્યો : ‘રાજુલા ! હુશીઆર !’
આરબો ગામમાં પેઠા. બજારે ચાલ્યા. ચોરા માથે ભાયોથી ધાંખડો. આઠ માણસે ઊઠ્યો. પણ આરબોએ બે ચંભા કર્યા, આઠેને ઉપાડી લીધા. ગામમાં ચાહકા થવા લાગ્યા.
એજ ટાણે એક લગન હતાં. મામદ જમાદારનો ભાઇ પિયારો જમાદાર માંડવામાં વરરાજા વેશે તૈયાર બેઠો હતો ત્યાંથી દોડ્યો.
ચોકમાં આવ્યો ત્યાં આરબોએ દીઠો : ‘અરેરે ! આ તો પિયારો આવે છે ! માથે મોડ છે. એને પકડી લ્યો.’
ચારે આરબોએ ઢાલો આડી રાખીને દોટ દીધી. પિયારાને બથમાં લઈને ઉપાડ્યો. હાદા સોનીના હાટમાં પૂરી દીધો.
ત્યાં પિયારાથી નાનેરો ફકીરમામદ દોડ્યો આવે. એણે ભાઈને ભાળ્યો નહિ. એટલે ઘા કર્યો આરબ જમાદારને માથે. બરાબર હાથની કળાઇને માથે તરવાર પડી. કોણીનું હાડકું ખાઈ ગઈ. આરબે ફકીરાનું માથું ઉડાવી દીધું.
ત્યાં સામેથી એક બંદૂકની ગોળી આવી ઠરતી. ચોંટી બરાબર આરબ જમાદારના પાટમાં. પગ ડોળી નાખ્યો.
સવારનો પહોર થઈ ગયો. જોગીદાસ ને ભાણ બેઉ રાજુલા માથે પડ્યા. આવીને બેય જણા કહે ‘આરબ જમાદાર, આવી જા અમારા ઘોડા માથે. મીતીઆળા ભેળો કરું.’
કે ‘ના.’ ડોળીએ નાખીને પાવા પોપટને ઘેર પહોંચાડ્યો. પણ રાજે ઘરેઘરની જડતી લીધી. આરબનો ખાટલો ઉપાડીને ભૂંકણધારની ઝાડીમાં લઈ ગયા, ડોળા તળાવને માથે.
આરબ કહે, હવે હું દરબારને મોઢું ન દેખાડું [નીમકહરામી કરી ખરાને !]
પછી નાંદોદ દરબારને લખ્યું. નાંદોદને ને ભાવનગરને વેર. નાંદોદે કહેવરાવ્યું. ‘જમાદાર, ખુશીથી આવો.’
નાંદોદ જવા ઉપડ્યા. વળાને પાદર આવ્યા. ત્યાં ભાવનગરના ફટાયા હરભમજીના મહેમાન બન્યા. એની પાસેથી જાણ્યું કે ધરમપુરની ચઢાઈ લઈ છોટો કુમાર ભાવનગરના વળાને માથે માર માર કરતો આવતો હતો. વળાની રક્ષા કરવા પછેગામના ત્રણસે દેવાણી આવી બેઠા હતા.
આરબ જમાદારે પોતાના સિબંદીઓને કહ્યું, ‘આપણાથી ઝાંપેથી જવાય ? ભાવનગરનું તો નીમક ખાધું છે.’
હરભમજી કહે : ‘તમે તો મહેમાન છો.’
‘મહેમાન તો તમારા ને ! ખબર સાંભળેથી ન જવાય. અટાણથી જ મોરચો કરી લઈએ.’ ઘેલો નદીને કાંઠે આરબોએ મોરચો બાંધી લીધો.
પ્રાગડે દોરા દીધા. [પ્રભાત પડ્યું] નગારું થયું. સામે કાંઠે શત્રુઓની સેના તોપ માંડીને તૈયાર હતી. આરબોની બંદુકે ગોલન્દાજને ઉડાડી મૂક્યો. ને પછી જમાદારે હાક દીધી : ‘ભેળી દિયો.’
હાથોહાથની લડાઈ ચાલી. દેવાણીઓ ભાગ્યા. પણ આરબો ન ખસ્યા. શત્રુને તગડી મૂક્યો.
મહારાજને શિહોર ખબર પડી, કે મારા દેવાણીને ભાગવું પડ્યું ને આ મને છોડી જનારા આરબોએ રંગ રાખ્યો. રાજુલાની વાતને વિસારી દઈ મહારાજે આરબ જમાદારને લઇ આવવા મીરાં દાદાને મોકલ્યા.
ભૂલું પડેલું માનવહૃદય
મધ્યયુગી માનવ-સિદ્ધાંતો કેવી વિચિત્રતા બતાવે છે ! આરબ જમાદર એક રાજ્યનો પગાર ખાય છે, પણ બીજાનો રોટલો ખાધો, ભાઈબંધી કરી, તેનું નૈતિક બંધન એને એ જ રાજ્યના અન્ય ગામની લૂંટમાં બહારવટીઆનો સંગાથ કરવા ખેંચી જાય છે, પછી પાછો એ જ માનવી એક ગામને ઝાંપે સ્વાગત પામે છે, તેટલા જ કારણે ત્યાં તે ગામને ખાતર ખપી જવા તત્પર બને છે, એની ખાનદાની નિહાળીને એ જ રાજા એ આરબની આગલી ખૂટલાઈને ભૂલી જાય છે અને આરબને પાછો તેડાવે છે. મૈત્રી, અદાવત, આશરાધર્મ, ખૂટલાઈ અને ખાનદાની, બધાં અરસ્પરસ અટવાઈ જઈને માનવીની આંખો સામે અંધકારભરી રાત્રિ ઉતારે છે. ભૂલું પડેલું માનવ–હૃદય એ અટવીની અંદર જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઝડપે મારગ કરતું આગળ ચાલે છે. સર્વકાલીન અને સનાતન માનવ ધર્મની એને ગતાગમ નથી. એ વિચારવા તોળવાની એને વેળા નથી.