લખાણ પર જાઓ

પરકમ્મા/કીર્તિલેખ કોના રચાય છે ?

વિકિસ્રોતમાંથી
← ત્રાગડે ત્રાગડે પરકમ્મા
કીર્તિલેખ કોના રચાય છે ?
ઝવેરચંદ મેઘાણી
પરકમ્માનો પહેલો પોરો →


કીર્તિલેખ કોના રચાય છે?

ટાંચણ–પાનું ફરે છે અને એક કબર દેખાય છે—

દ્વારકા : કબર : કિલ્લા પાસે. કબર છે એક ગોરાની. કબરના પથ્થર પર લેખ કોતર્યો છે—

William Henry Mariot. Lieutenent in H. M. 67 regiment and A. D. C. to Elphiostone, Governer of Bombay, 26 years ago died Dec. 1820; first to ascend on the ladder to the Fort.

ફૉર્ટ : કોનો કિલ્લો ? ગાયકવાડ રાજ્યનો. કોના મુલકમાં ? મૂળ માલિકો વાઘેરોના. સીડી પર પ્રથમ ચડી જઈને મરેલો ગોરો. કોની ગોળીએ મુઓ ? કિલ્લાની અંદર કબજો કરી બેઠેલા વાઘેરોની ગોળીએ.

એક ભાડૂતી ફોજના એક ભાડૂતી ગોરાનો આ કીર્તિલેખ છે. કબરની સામે ઊભો ઊભો મારી પોથીમાં હું આ ‘કીર્તિલેખ’ ટપકાવતો હતો ત્યારે ઈ. સ. ૧૮૫૭ની સાલના એક કાળ–નાટકના પરદા પછી પરદા આંખો સામે ઊઘડતા આવતા હતા. દેશી જવાંમર્દોનો દાળોવાટો કાઢવા માટે ગાયકવાડે સૌરાષ્ટ્રકાંઠે ઉતારેલી આ ભાડૂતી ફોજના એક ભાડૂતી માણસનો કીર્તિલેખ મારાં નેત્રોને લજ્જાથી ભરતો હતો. સાચા કીર્તિલેખો ત્યાં કોતરાયા નથી. એજ ગાયકવાડી કિલ્લાને માથે ૧૮૫૮ના ડીસેમ્બરથી થોડા જ મહિના અગાઉ બળવો પુકારી ઊઠનારા બેહાલ ચીંથરેહાલ ધરતીજાયા વાઘેરોએ નીસરણી માંડી તેનો કીર્તિલેખ ક્યાં છે ? જનતાનાં કલેજામાં. ઓખામંડળમાં હું ૧૯૨૮માં ગયો, જઈને મેં લોકજબાન પરથી નીચલા કીર્તિલેખો ઉકેલીને ટપકાવ્યા.

‘કોની માએ શેર સૂંઠ ખાધી છે ?’

બળવો મુકરર થયો છે.

જસરાજ માણેકના પાળીઆ પાસે સમસ્ત વાઘેર જવાંમર્દો મુકરર સમયે જમા થયા છે. કિલ્લો તોડવો છે.

શુકનાવળીએ શુકન જોયાં, બોલ્યો કે ભાઈ, જુવાન પુંજા માણેક પર ઘાત છે.

એને ઘરમાં પૂરીને નીકળ્યા. પુરાયેલા પુંજાને બાઈઓએ તાનું દીધું : ‘અસાંજા લૂગડાં પેરી ગીનો !’ (અમારાં લૂગડાં પહેરી લ્યો.)

—ને પુંજો કમાડ ભાંગીને નીકળ્યો અને છપન પગથીઆંવાળી સરગદુવારી પર ચડી કિલ્લો તોડવા પહોંચ્યો. ગાયકવાડી દુર્ગરક્ષકોની પહેલી શત્રુ–ગોળીએ પુંજો પડ્યો.

એ કીર્તિલેખ ક્યાં કોતરાયો છે?

‘નીસરણી હાથ એક ટૂંકી પડી. ગઢ એક જ હાથ છેટો રહ્યો. હાકલ પડે છે—’

‘કીનજી મા શેર સૂંઠ ખાધી આય !’

એના જવાબમાં, મોંમાં તલવાર પકડી નીસરણી માથેથી ગઢ માથે ઠેક મારીને પહોંચનાર વાઘેર પતરામલ મીંયાણીનો કીર્તિલેખ ક્યાં છે ? પથ્થરના ટુકડામાં નથી. જનતાની જબાન પર છે.

રતનશીભાઇ

સત્યો, અર્ધસત્યો ને અસત્યોનાં સંમિશ્રણ પર કલ્પનાના રંગો લગાવીને વસ્તુસ્થિતિની બદનામીમાંથી છટકબારી મેળવતી જબાનોની આ વાત નથી. આ તો એક પ્રત્યક્ષ સાહેદે પૂરો પાડેલ પુરાવો છે. દ્વારકાથી આગળ વધી હું બેટ શંખોદ્ધાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટીઆ રતનશીભાઈનું ઘર મને લોકોએ ચિંધાડી દીધું. છૂટી પાટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી ટોપી : પાતળી ઊંચી દેહ-કાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે. એકલ પંડ્યે હતા. દીકરો દેશાવરે. રોટલા કરી દેવા માટે, હજુ તો ફક્ત વાગ્દત્તા સ્થિતિમાં હતી તો પણ દીકરાની વહુ સાસર-ઘેરે આવી રહી હતી. રતનશીભાઈએ ઊછળી ઉછળીને, નજરે દીઠેલી વાઘેર-બળવાની પ્રવાહબદ્ધ વાત કહેવા માંડી. નજરે દીઠેલ, કારણ કે પોતે, પોતાના પિતા લધુભા, ને પોતાના દાદા રામજીભા, ત્રણે એ કાળ–નાટકનાં પાત્રો હતા. પાંચ-સાત વર્ષનું એનું બાળપણ વાઘેર-બળવાની વિગતો સંઘરીને સીતેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણ શક્તિ નીચે મુજબ બોલી ઊઠી ને મેં ટપકાવી લીધું—

‘સેન નાંઇ થિન્દો ?’

મારા દાદા રામજીભાઇનાં ખોરડાં દ્વારકામાં હતાં. વસઈવાળા વાઘેરોએ અમરાપર વાળા જોધા માણેકની અને બાપુ માણેકની વિરુદ્ધ ગાયકવાડના મરાઠા વહીવટદાર બાપુ સખારામને કાન ભંભેરી ચડાવ્યો, કે અમે પહેલીવાર તો એ જોધા અને બાપુના ચડાવ્યા તમારી સામે ઉઠ્યા હતા. વહીવટદારે અમરાપરવાળાઓની રોજી બંધ કરી દીધી. એના લશ્કરીઆઓએ અમરાપર જઇ તોફાનો માંડ્યા. મોરલા મારે ને બાઇઓને કાંકરીઉં નાખે. બાઇઓએ મર્દોને કહ્યું કે ‘અસાંજા થેપાડાં આંઈ પર્યો, ને આંજી પાઘડી અસાંકે ડ્યો.’ (અમારા ઘાઘરા તમે પહેરો ને તમારી પાઘડીઓ અમને આપો.)

જોધો આ બધું સહન કરે, પણ બાપુને ઝનૂન ચડ્યું. એણે જોધાને કહ્યું : ‘તોંથી કીંયે નાંઈ થીણું. અસાંથી સેન નાંઈ થિન્દો.  દ્વારકાં તો પાંજી આય, પાંજી રોજી બંધ કરી છડ્યું આય, પાણ પાંજો ગામ ગીની ગીડો. (તારાથી કંઈ નહિ થાય. અમારાથી હવે સહન નહિ થાય. દ્વારકા તો આપણી છે. આપણી રોજી બંધ કરી છે. આપણે આપણાં ગામ પાછા લઈ લેશું.)

જોધો કહે – પણ રામજીભાજી સલાહ ઘીનું. (આપણે રામજીભાની સલાહ લઈએ.)

આવ્યા મારા દાદા પાસે. રામજીભાએ કહ્યું— ‘વસઇવાલેજા ચડાવ્યા મ ચડો.’

પણ જોધાને મિટ્ટીનો સલેમાન (હોળીનું નાળીએર) બનાવ્યો. આડસરની નીસરણી તૈયાર કરાવી કિલ્લે માંડી. નીસરણી ન પહોંચી. ફાળીઆં નાખી વાઘેરોને દીવાલ પર ઉઠાવી લીધા. પુંજા દેવાડીઆએ ભોં તોડી. એમાંથી નારણ રૂગનાથને કુટુંબ સાથે કાઢી જામપરે પહોંચાડી દીધું.

બાપુ સખારામ (ગાયકવાડી વહીવટદાર) બોલ્યા કે ‘વાઘેરાત મંજે કોય આહેત !’ (વાઘેરો આપણી શી વિસાતમાં છે !)

બાપુ સખારામ સૈન્ય લઈ ભેરી ફૂંકતો આવ્યો. વાઘેરોએ કહ્યું : ‘વયો રે. નીકર મરી વીંજો. (જતો રહે, નીકર મરી જઈશ.)

ભડવીર લધુભા

બાપુ સખારામ સૈન્ય લઈ ભાગ્યો. જામપરામાં પેઠો. ત્યાં અનાજ પહોંચે નહિ. ૩૦૦-૪૦૦ જણ ભૂખે મરે. હરિભાઈ કુંવરજીએ મારા દાદાને સંદેશો પહોચાડ્યો કે ‘ભૂખે મરીએ છીએ.’ કિલ્લાની બહાર અમારી વખારો. પણ ત્યાંથી દુશ્મનોને ખોરાક પહોંચાડવાનો છે એવી શંકાથી વાઘેરોએ બન્ને વખારો લૂંટી લીધી. તો પણ વખારોમાંથી દાદાએ જામપર માલ મોકલ્યો. વાઘેરોને ખબર પડી. વખારો તોડી. એ વખતે મારા બાપુ લધુભા આવ્યા ને તેણે વાઘેરોને કહ્યું : ‘ભ  માછીમારાવ ! આંકે રાજ ખપે ! જંજો ખાવતા તીંજો જ ખોદોતા ! (હરામી માછીમારો ! તમારે રાજ જોઈએ ? જેનું ખાવ છો એનું જ ખોદો છો ?)

એ રીતે મારા બાપ લધુભાએ ખૂબ ગાળો દીધી. ત્યારે વાઘેરો ઝનૂનમાં આવી ગયા ને કહ્યું, ‘લધુભા ! તું ખસી જા, નીકર મારી પાડશું.’

પણ મારો બાપ ન માન્યા. ગાળો જ દીધે રાખી. ઉપાડ્યો. પગમાં બેડી પહેરાવી મંદિરના કિલ્લામાં દુશ્મનોનાં મુડદાં રાખેલાં તેની સાથે પૂર્યો.

(વાઘેરોએ મંદિર ફરતે ગાયકવાડી કિલ્લો સર કરી પોતાનો વિજય-વાવટો ચડાવી દીધો છે તે કાળની આ હકીકત છે. દક્ષિણીઓ તો ભાગી નીકળ્યા હતા તેજ ખૂબી છે !)

આગેવાન જોધો માણેક આ બળવો ચલાવતી વખતે બીજે ન જમતો-ઝેર અપાય તેની બીકે. રામજીભાને ઘેર જ જમે. આવ્યો જમવા. ‘ચાલો રામજીભા ! ઝટ કરો.’

ખાવા બેસવા ટાણે લધુભા ન મળે. ‘લધુભા ક્યાં ?’ ખબર પડી કે જીભ કુહાડા જેવી તેને કારણે કેદ પુરાણા છે, ખાધા વગર જોધોભા કિલ્લે ગયો, કોટડીનું તાળું તોડ્યું, લધુભાને કાઢ્યો. પગ લેહીવાળા જોયા. પૂછ્યું ‘આ કેમ ?’

લધુભા :— આ તારે વાઘેરોએ બેડી નાખી છે, તું હવે હાથકડી નાખ.

જોધો :— લધુભા ! તોજી જીભ હેડી આય, કે મુ કે ગુડીજો ટીલો તુજ ડીને. હીન ટાણે વનવનજી લકડી આય. તોજી જીભ મેરબાની કરીને વસ રાખ. (તારી જીભ એવી છે કે તું જ મને ગળીની કાળી ટીલી દઈશ. મહેરબાનીથી તારી જીભને વશ રાખ. કારણકે અત્યારે  તો આંહીં વનવનનાં લાકડાં જેવા કૈંક જાણ્યા અજાણ્યા, નરમ ને ખુન્નસભર્યા વાઘેરો ભેગા થયા છે.)

લધુભા કહે : ‘મૂંકે તો ઝેર અચેતો. મુંજી વખાર ખાલી કરી વીંની.’

એ પછી જોધા માણેકે અમરાપરથી બે ગાડાં મગાવી જસરાજ માણેકના પાળીઆ આગળ ગુપ્ત ઊભાં રખાવ્યાં અને પછી અમારા કુટુંબ સહિત પાંત્રીસ માણસોને ખરચુ જવાને બહાને નાળીએરના ઉલકા (કાછલી) પકડાવી કિલ્લા બહાર કઢાવ્યા, ગાડાંમાં બેસરાવી અમરાપર પોતાના ઘર ભેગા કર્યા. ત્યાં ચારપાંચ દિવસ ગુપ્ત રખાવ્યા, એને ઘેર ભેંસો હતી તેના દૂધનો રોજ દૂધપાક કરી અમને એની બાઇઓએ જમાડ્યા. એ દૂધપાક મને હજી પણ સાંભરે છે. પછી અમને સૌને જામખંભાળીઆ તરફ લઇ ચાલ્યા. મારા ડાડા રામજીભા તો દ્વારકામાં જ રહ્યા, ને મારા દાદાના ભાઈ જેરામભા, દાદી વગેરે બેટમાં હતા.

લુંટારો લજવાયો

ચાર ગાડાં જોડાવી મારા પિતા લધુબા ચાલ્યા જાય ત્યાં રસ્તે છુપાઇ રહેલા વાઘેરો ઊભા થયા. પહેલા ગાડાને જવા દીધું, પછી બીજા ગાડાના બળદની નાથ પકડી લૂંટવા માટે,

એટલે તુરત મારા બાપે પાછલે ગાડેથી ઊતરી દોડતા આવી હાક દીધી : ‘કેર આય ? અચો પાંજે ગડે.’ (કોણ છે ? આવો મારે ગાડે.)

જવાબમાં લૂંટારો બોલ્યો નહિ. મોંએ તો મોસરીયું વાળેલું, પણ ફક્ત આંખો તગતગે.

મારા બાપે કહ્યું : ‘હાં, તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજાંગ અયે.’ (તારી આંખો પરથી જ મને સૂઝી આવે છે કે તું બીજો કોઇ નહિ, વરજાંગ છે.)  લુંટારો જવાબમાં શરમાઈને બોલી ઊઠ્યો : ‘મુઠો ડન્ને લધુભા ! ચાર ગાઉ દોડી દોડીને અસીં મરી વિંયાસીં ! હણે તો અસાંથી લૂંટાય ન.’ (પકડી પાડ્યો મને લધુભા ! બહુ કરી ! ચાર ગાઉ દોડી દોડીને અમે તો મરી ગયા, પણ હવે તો અમારાથી લૂંટાય નહિ ને !)

*

લધુભા કહેહે : ‘ઈનજી પાસે તો બસો ચારસો કોરીયેંજો માલ હુંદો, પણ મું આગર બ હજાર કોરીઉં આય. આંકે ખપે તો ગીની વીંજ.’ (એ ગાડાવાળાઓની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે. પણ મારી આગળ બે હજાર છે. આવને લેવા.)

લુંટારો વરજાંગ : – હણેં તો લધુભા, સરમાઇ ધિંયાસી. તોજે મે’તે કે લૂંટણા વા, ચોપડમેં અસાંજે ખાતેંમેં ખૂબ કલમેજા ઘોદા માયું અય. (હવે તો લધુભા, અમે શરમાઇ ગયા. અમારે તો તારા આ મહેતાને લૂંટવા હતા. ચોપડામાં અમારા ખાતામાં ખૂબ કલમના ઘોદા લગાવી લગાવી વ્યાજ ચડાવ્યાં છે.)

લધુભા :–હણે કુરો ? (હવે તમારે શું કરવું છે ?)

લુંટારો :– હણે હલો. આંકે રણજી હુન કંધી છડી વંજુ. નક આંકે બીઆ કોક બીઆ કોક અચીને સંતાપીતા. (હવે હાલો, રણને ઓલે (સામે) કાંઠે તમને મૂકી જાઉ, નીકર તમને કોક બીજા આવીને સંતાપશે) પણ લધુભા ! ભૂખ લાગી આય.

લધુભા :– તો ડીયું. જોધે માણેકજો પરતાપ આય. (તો ખાવાનું દઉં. જોધા માણેકનો પ્રતાપ છે.)

પાંચ છ વર્ષનો બાળક રતનશી ગાડામાં બેઠો બેઠો આ ઘટનાનો સાક્ષી હતો. એના અહેવાલમાં લુંટારાની જે શરમીંદાઈ ઝલકે છે તે મને રવિશંકર મહારાજના ખેડા જીલ્લાના પ્રસંગનું સ્મરણ કરાવે છે.*[] લુહાણાના ઘીના ડબા ચોરનાર પાટણવાડીઓ ગોકળ પોતે જ એકરાર  કરીને કહે છે કે ‘શું કરવું મહારાજ ! બધું કબૂલ કરું છું કારણ કે તમે આટલે સુધી જશો (અપવાસ કરશો) એવું નહોતું ધાર્યું.’ પાટણવાડીઓ ઘીના ડબા કાઢી આપે છે, ને અહીં સોરઠી લુંટારો શરમાઈ જઇ ઉલટાનો સૌ ભાટીઆઓને રણને સામે પહોંચાડવા જાય છે.

જેરામભાની મર્દાઇ

બાળક રતનશીએ દીઠેલ આ દૃશ્ય એક વેપારીની વીરમૂર્તિને ખડી કરે છે. વડોદરા જેવા અડીખમ રાજ્યની શસ્ત્રસજ્જ પલટનોને ભૂંજી નાખી વાઘેરો કિલ્લો સર કરી બેઠા હતા તેવા ધગતા કાળમાં એ જ વિજેતા વાઘેરોને મોઢામોઢ ગાળો ચોડતો ભાટીઓ યુવાન લધુભા મધ્યયુગની જે માટીનો બનેલો હતો તે માટી વિચારમાં નાખી દ્યે છે. પણ રતનશીભાઈની સાહેદીને સાંભળતા હજુ આગળ વધીએ—

મારા દાદા રામજીભા દ્વારકામાં જ રોકાયા, ને એના ભાઇ જેરામભા બેટ શંખોદ્ધાર ગયા. એણે વાઘેરોની વિરૂદ્ધમાં ગાયકવાડી વહીવટનો પક્ષ લીધો. સિપાહીઓને કહ્યું કે ‘તમે ખૂટશે નહિ. બેટનો કિલ્લો ન સોંપજો.’

સિપાહીઓ :–અમારે ખાવું શું ?

જેરામભા :–હું સગવડ કરી દઉં. મંદિરમાં તૂટો નથી.

પોતાનાં છોકરાને શંખનારાયણના મંદિરમાં મૂકી દઈને જેરામભા બેટનો કિલ્લો ઘેરી લેનારાં વાઘેર-દળોની વચ્ચે, કિલ્લા પર ચડી ‘ખબરદાર ! ખબરદાર !’ એવી હાક દેતા રાતે ચોકી કરે, કપાસીઆ અને તેલ સળગાવી કિલ્લા પર દીવા માંડે, કિલ્લા પર વાઘેરો ચડી શકતા નથી, વાઘેરો સમજ્યા કે જ્યાં સુધી જેરામભા છે ત્યાં સુધી કિલ્લો નહિ લઈ શકાય, માટે દ્વારકા જઈ જોધા માણેકને અને રામજીભાને તેડી લાવીએ ને જેરામભાને સમજાવી બહાર કાઢીએ. જોધો માણેક ને રામજીભા આવ્યા. નીચેથી જિલ્લાવાસી જેરામભાને સાદ કર્યો : ‘જેરામભા, તું ઊતરી જા.’

જેરામભા જવાબ વાળે છે : ‘ના જોધા માણેક ! ન ઊતરું. તું બે હજારની ફોજ લાવીને કિલ્લો ભલે જીતી લે. બાકી તો હું ઊતરી રહ્યો.’

જોધો :–જેરામભા, હું તને શરમાવવા આવ્યો છું. પછી વેળા નહિ રહે.

રામજીભા :–જેરામ, હવે હુજત ન કર.

જેરામભા :–જોધાભા, આંઈ મુંકે હકડી બાંયધરી ડિનાં ?’ [તમે મને એક બાંહ્યધરી દેશો ?’]

‘કુરો ?’ [શું ?]

‘કે કિલ્લામાંના કોઈ પણ આદમી પર અવાજ ન કરવો. બધાને સલામત ચાલ્યા જવા દેવા.’

જેરામભાએ જઈ સિપાઈઓને કહ્યું, ‘હવે બચી શકાશે નહિ. વાઘેરો કાપી નાંખશે. કિલ્લો છોડવો પડશે. ચાલો તમને હું સલામત બહાર કાઢી જાઉં.

સિપાહીઓને લઇને ચુપચાપ નીકળી ગયો. શંખા તળાવની પાસે પહોંચતાં તો બીજા વાઘેરો આડા ફર્યા. કહે કે એક ધીંગાણું તો અમે કરશું; કેમકે આ સિપાહીઓએ અમારા એક આદમીને માર્યો છે.

જેરામભાએ આડો લીંટો કરીને કહ્યું :‘ જો આ લીંટો વળોટીને તમે આવો તો તમને જોધા માણેકની આણ ! રણછોડરાયજીની આણ !’

બસ થઈ ગયું. લોહીના તરસ્યા વાઘેરો પાછા વળી ગયા. જઈને તેઓએ જોધા માણેકને વાત કરી. જોધો શું કહે છે !

‘હે ભેંણે કુત્તાઓ ! હી કુરો કરેતા ! ભજી વિનો.’ (હે કૂતરાઓ ! આ શું કરો છો તમે ? ભાગી જાવ.) કાળ-નાટકનાં આ દસ્તાવેજી પાનાં તો ઉકલો વાચકો ! પોતડીદાસ વેપારી ભાટીઆઓની જવાંમર્દી બોલે છે, સર્વસહિયારી સિપાહીગીરીના બોલ. જેરામભાને વાઘેરઘેર્યા કિલ્લા પર કપાસીઆના દીવા સાથે પહેરેગીરી કરતો, ‘ખબરદાર !’ શબ્દે રાત્રિનાં તિમિર કમ્પાવતો કલ્પો; ‘કિલ્લો નહિ સોંપું, કિલ્લેથી નહિ ઊતરું, પ્રાણ વહાલા નથી, ઈજ્જત વહાલી છે, જોઇએ તો જીતીને કબજે કર જોધા !’ એ શબ્દો એક હીંગતોળના છે. છેવટે કિલ્લો છોડવાની કબૂલાત આપે છે, પણ કેવી શર્તે ? પોતાના શબ્દના ઇતબાર પર જેઓ અણખૂટ્યા ઊભા હતા તે સર્વ કિલ્લેદારોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ એવી શર્તે.

તેની સામે વાઘેરોની નીતિ નિહાળો : પોતાના જણનો જાન લેનારા સિપાહીઓમાંથી એક જાનના બદલામાં પાંચપચાસના પ્રાણ માગવાની, કે વગરપૂછે શરણાગતો પર તૂટી પડવાની અર્વાચીન યુદ્ધક્રૂરતા ત્યાં નહોતી. માગણી તો હતી ‘એક ધીંગાણું’ કરી લેવાની : સામી છાતીએ આવી જવાની.

આડો એક ધૂળ–લીંટો થાય છે; સરદારનાં ને પ્રભુનાં બે સમોવડ મનાતાં નામોની દુહાઈ દેવાય છે; રક્તપિપાસુઓ પાછા વળી જાય છે. ઓ માનવીઓ ! સરખાવો તો ખરા, ને પછી કહો, પૈસાને-બસ ફક્ત પૈસાને માટે જ ગાયકવાડની કુમકે પહોંચનાર વિદેશી મંદિર-ભંજકોનાં બેશુમાર દળકટકમાંથી એક જણ નીસરણીએ ચડ્યો તેના કીર્તિલેખ છાજે ? કે આ જોધાનો ? જેરામભાનો ? રામજીભાનો ? કે આ દુહાઈનો ધૂળ–લીંટો ભાળી પાછા વળી જનાર સાધારણ વાઘેર યોદ્ધાઓનો ?

ખેર, રતનશીભાની સાહેદીને અજવાળે આપણે આગળ ચાલીએ. શસ્ત્રસરંજામવિહોણા રંક વાઘેરોના બળવાનો ભયાનક અંજામ ચોથે જ દહાડે આવી ઊભો રહે છે ! ટાંચણ બોલે છે કે—

હથિયાર ન છડ્યું

‘ચાર દિવસે સાત આગબોટ દેખાણી સમીઆણીની દીવાદાંડી પાસે, ત્રણ દેખાણી નાની ખાડીમાં. વાઘેરોએ હાજી કરમાણીશા પીરની જગા પાસે જઇ નાની તોપો વછોડી, સામા મોટા ગોળા આવ્યા.

વાઘેરો બોલી ઊઠ્યા : ‘હે ભેંણે હેડ હેડે જો તો વદાડ ન વો.’ (આવડા આવડા તોપગોળા ફેંકવાનો તો કરાર નહોતો થયો !)

જાલી બોટમાં બેસીને આગબોટવાળાઓ પાણી માપી ગયા. એક સ્ટીમર હડમાનદાંડીથી આવી, ગોળા વછોડ્યા.

રાઘુ શામજી નામે ભાટીઓ, અંગ્રેજી બોલી જાણે, તેણે ગામને બચાવ્યું. વાઘેરોને કહ્યું : ‘વષ્ટી કરીએ.’

વાઘેરોએ ધોળો વાવટો ચડાવ્યો. દરિયાઇ ફોજનો કેપ્ટન આવ્યો. બુઢ્ઢા વાઘેરોને એની પાસે લઇ ગયા. કેપ્ટને કહ્યું : ‘કદમમાં હથિયાર મૂકો ને કિલ્લો સોંપો.’

વાઘેરોએ જવાબ વાળ્યો : ‘હથિયાર તો ન છડ્યું. હીં કિલ્લો સોંપી ડ્યું.’ (હથીઆર નહિ છોડીએ. આમ ને આમ કિલ્લો સોંપી દઈએ) ગોરો શેનો માને ? એણે તો હલ્લો કીધો.

રૂની મલીઓની આડશવાળી, કોઠા પાસેની એક ગલી હતી. ત્યાં ખાડા કરી ચાર વાઘેર ઊભા રહ્યા. એમાંથી બે જણ બીના. એને બીજા બેએ કહ્યું : ‘હે ભેંણેં ! મૂરતમેં જ માઠો વેણ ! ભજી વીનો.’ [ ફિટકાર છે. મૂરતમાં જ મોળી વાણી ! ભાગી જાવ ]

બે ગયા બે ઊભા રહ્યા. પાંચસો ગોરા સોલ્જરો બેટકાંઠે ઊતર્યા. કાંઠે પણ સોલ્જરોની ચોકી બેઠી.

બે વાઘેરોએ રૂની મલીઓમાં તોપ ગોઠવી. તેમાં કચ્છી ઢીંગલા ભર્યા હતા. તોપ દાગી. કિનારે ઊતરેલા હતા તેમાંથી પચીસ સોલ્જરોને ઘાયલ કર્યા, ને બે વાઘેરો પાંચસો સોલ્જરોની ફોજમાં ઠેકી પડ્યા. સાંકડે રસ્તે એ બે જણાએ ૩૦-૪૦ માથાં કાપી બાકીનાને પાછા કાઢ્યા.

સોલ્જરોએ ફેર (ફાયર) કર્યા, અને વાઘેરોને ચાર ચાર ગોળી વાગી. બેઉ ખલ્લાસ. બેય લાશોને વાઘેરો ઉપર (કિલ્લા પર) લઇ ગયા.

સોના માટે મંદિર-ધ્વંસ

રાત પડી, સોલ્જરોની ફોજે હલ્લો કરી કિલ્લે સીડી માંડી. કિલ્લાના પહેરા પર એક વાઘેર છોકરો. એણે સીડી મંડાયેલી દીઠી, બૂમ પાડી. દેવો માણેક દોડ્યો, એણે ખુરમા પર ચડીને સીડીના બાંયાને ધક્કો દીધો. સીડી પટકાઈ, લેફ્ટીનેન્ટ પડ્યો.

પણ દેવો સીડીને હડસેલવા જતાં એની છાતી દીવાલ બહાર ઊંચી નીકળેલ તેથી ગોળીબારથી વિંધાઈ ગઈ. કિલ્લા પરથી બીજા વાઘેરો પાણા નાખવા મંડ્યા. ( બાપડા ! દારૂગોળાવિહોણા !)

દેવાને અને બીજા બે મુએલા વાઘેરોને કિલ્લા પર ઘી તથા રૂથી દેન દેવાયું. બાકીના વાઘેરે ભાગી છૂટ્યા બાલાપુર તરફ.

ભાટીઆ જેરામ આણંદજી અને રાઘુ શામજી બીકના માર્યા ભંડકમાં પેસી ગયા હતા તે બહાર નીકળ્યા. જુએ તો વાઘેરો ભાગી ગયેલા. બન્ને જણ સાહેબની પાસે ગયા. બન્નેને બાવડે ઝાલીને ઉપાડ્યા. ગોરાએ કિલ્લો સર કર્યો. ત્રણ કલાકમાં મંદિરોની મૂર્તિઓ ઉઠાવી જવાની મહેતલ આપી. પણ દરમ્યાનમાં ગોરાઓને સોનાનો એક લાટો જડ્યો. ગોરા સમજ્યા કે મંદિરમાં સોનું જ ભર્યું હશે ! એટલે દેરાંને સુરંગે ઉડાડ્યાં, દેરાંના ભુક્કા થયા, લૂંટ ચાલી, દારૂ ઢિંચાણા, ચકચૂર થઈ ગોરા નીકળી પડ્યા. રસ્તે જેને દેખે તેને ગોળીઓ મારે, કૂતરાંને પણ.

ગોરો કપ્તાન આવીને દારૂડિયા સોલ્જરોને સોટીએ મારી પાછા લઈ ગયો. પછી તો જોધો માણેક બહારવટે નીકળ્યો. એ બહારવટાંની રોમાંચક કરુણ કથા મેં બહારવટીઆ ભા. ૨ માં કરી છે. તેમાંનો આ કિસ્સો રતનશીભાઈ પાસેથી સાંપડ્યો છે—

જોધાને જોવાના કોડ

બાર્ટન સાહેબની મડમ, નામે મેરી. જોધાને જોવાનું એને બહુ મન. રામજીભાને કહ્યું. રામજીભા કહે કે ‘સાહેબને પૂછો. એ હા પાડે તો દેખાડું.’

સાહેબે હા પાડી.

રામજીભા કહે છે કે ‘ન પકડો તો ભેટાડું.’

કે ‘ભલે’

રામજીભાએ જોધાને કહેવરાવ્યું : ‘સારું થાય તેવું છે. માટે આવો.’

આવ્યો રાતે.

મડમ કહે : ‘ના, સાહેબની કચેરીમાં ન લાવશો. વખતે દગો થાય. બ્હાર લઈ જાવ.’

ગામ બહાર સીમમાં જોધો માણેક રામજીભાને બથમાં ઘાલીને મળ્યા. બોલ્યા : ‘રામજીભા ! જીરે જીરે મિલ્યા સી પાણ. પાંકે ભરોંસો તો ન વો.’ (જીવતે જન્મારે મળ્યા ખરા આપણે. મને તો ભરોસો નહોતો.)

સાહેબને મળ્યા. સાહેબે કહ્યું કે ‘હું બહારવટું પાર પડાવું પણ મારે જોધા માણેકને નજરકેદ રાખવા પડશે.’

જોધો કહે ‘રામજી શેઠ જામીન થાય તો હું નજરકેદ રહેવા કબૂલ છું.’

સાહેબ :– હું લાચાર છું. એવો કાયદો નથી, બાકી રાજની રીતે નજરકેદ રાખું. રામજીભા કહે ‘જોધાભા, ચાલ્યા જાવ.’

સાહેબે જવા દીધા. ગયો. કોડીનાર ભાંગ્યું. પછી તો મુઓ તેનું બયાન તો સો. બ. ભાગ બીજામાં આપ્યું છે.

તે પછી એક દી’—

‘જોધા માણેકની દીકરી નામે ગગીબાઈ. પડછંદ. બહુ રૂપાળી. પોલીટીકલ એજન્ટ કીટીન્જ સાહેબે જોધાની વહુઓને પૂછ્યું, ‘મહારાજ ખંડેરાવ ગાયકવાડ સાથે દીકરીનું સગપણ કરાવીએ તો વાઘેરોનો પ્રશ્ન સરસ રીતે પતે ને વળી બાઈના પેટના બહુ જોરાવર પાકશે.’

બાઈઓએ ખુલાસો ન દીધો.

આખરે એક દિવસ, વાધેરોનું બહારવટું નિર્મૂલ બન્યા પછી, રામજીભાના કહેવાથી ગાયકવાડે જોધા માણેકની બેઉ સ્ત્રીઓને રૂા. ૩૦-૩૦ ની જીવાઈ બાંધી આપી, ઘર ચણાવી દીધાં, વાડી દીધી.

ઢેઢ મૂરૂ ટાપુ

ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા અહીં ખતમ થઈ. એ સમાપ્તિભાગને સહન કરવા માટે જે વજ્રહૃદય જોઈએ તે મારામાં નહોતું. બળવાની લીલાભૂમિ નિહાળી. થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો, એ કાંઠેથી જળજંતુઓએ કસબ કરેલા નાના પાણકા અને જળ-ઝાડવાંનાં ડાંખળાં વીણ્યા. પંજા પીર, સુણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, જ્યાંથી વાઘેરો વગર વહાણે ઊતરી ગયા તે શંખોલીઓ કાંઠો, ક્યુ નામનો બેટ, માનમરોડી ટાપુ, ધબધબા ટાપુ, સાવઝ ટાપુ, લેફામૂરડી ટાપુ, એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમુર, પારેવો ને ઢેઢમૂર નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરૂ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદ્ધારની એ છેલ્લામાં છેલ્લી અણી : ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મૂકવાની મનાઈ હતી. મંદિરોના માલિકો તરફથી ! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરૂ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટીઆ બનાવ્યા તેઓ આખરે શું કમાયા? ગોરાઓના હાથથી મંદિરોનો સુરંગ-ધ્વંસ ! દૈવી ન્યાયને ચોપડે તો પાપપુણ્યનાં ચક્રવર્ધિ વ્યાજ ચડે છે. પણ આ પ્રારબ્ધ-લેખાં સમજાતાં નથી એટલે જ આ દેવમંદિરના રક્ષકોએ હજુ તો પાંચેક વર્ષ પર અસ્પૃશ્ય–સેવક ઠક્કરબાપાને ગોમતીસ્નાન કરવા નહોતું આપ્યું.

‘હું પંદર વર્ષની હતી’

બેટમાં રતનશી શેઠ મળ્યા, તેમ આરંભડામાં દાદીમા મળી ગયાં. મને ઓખામંડળમાં લઇ જનાર શ્રી ભૂપતસિંહભાઈ વાઢેર (તે વખતે ભાવનગર રેલ્વેના ગાર્ડ) હતા. ઓખામંડળના જમીનધણી બે : વાઘેરો ને વાઢેરો. બેઉને ગાયકવાડે જીવાઈદારો બનાવી દીધા. આ ભૂપતસિંહભાઈનો પણ જીવાઈભાગ હતો. દર વર્ષે ચડત જીવાઈ લેવા પોતે આરંભડે જાય. ત્યાં વાઢેર દરબારોના ગઢમાં પોતે મને લઈ ગયા અને એક નેવુંક વર્ષનાં રાજપૂતાણી દાદીમાની સામે લઈ જઈ બેસાડ્યો. વાઘેર–બળવાનાં સગી નજરનાં આ બીજા સાક્ષી દાદીમા બોલતાં ગયાં ને હું ટાંકતો ગયો—

‘અમારા વડવા રાણા સંગ્રામજી સં. ૧૮૦૦ પૂર્વે થઈ ગયા. એમની બેટમાં ગાદી. દરિયાનાં વહાણ લૂંટે. એક વાર એક સાહેબનો બરછો લૂંટી એમાંથી સાહેબની મઢમને લઈ ગયા, બેન કરી રાખી. પછી અંગ્રેજોની ચડાઈ આવી. મઢમને પાછી લઈ ગયા, અને સંગ્રામજીને પકડીને સૂરતમાં રાખ્યા, પોતે ફળફૂલનો જ આહાર કરતા. મઢમના જ કહેવાથી એમને ગોરા પાછા આંહી મૂકી ગયા. આરંભડામાં જ એ ગુજરી ગયા.’

‘એના અભેસંગજી. એની પછી જાલમસિંગજી. વાઘેરોએ રાજપલટો કર્યો તે વખતે તેમણે આવીને જાલમસિંગજીને કહ્યું કે ‘ચાલો, તમને બેટની ગાદી અપાવીએ. એમાં રાતના ભવાયા રમે. વાઘેરો જોવા ગયા. એટલે જાલમસિંગજી, પૂજોજી વગેરે ભાગીને નગર ચાલ્યા ગયા.

‘આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું પંદર વર્ષની હતી. પરણીને આવ્યાં બેજ વર્ષ થયા હતા. મેડી ઉપર ઊભી રહીને હું લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી.

‘અમે તો ટાંકાની અંદર પડીને મરી જવાનું નક્કી પણ કરેલું (કારણ? કારણ કે ગોરા ઊતરીને શું ન કરે !) પણ નાગરેચી (કચ્છ)થી જાલમસંગજીના સસરા ચાંદોભાઈ, દીકરીના સમાચાર પહોંચી જવાથી આવી પહોંચ્યા. સરકારને ખબર દઈ કહેવરાવ્યું કે આવીને વાવટો ચડાવી જાવ ! પછી માંડવી બંદરનું એક ભાંગલ વહાણ જે સમું થવા અહીં આરંભડે આવેલ તેમાં અમને બેસારીને લઈ ગયા. વહાણ ભાંગલું હતું, વચ્ચે વહાણમાં પાણી ભરાણું, તોફાન ઊપડ્યું, પણ ખારવાઓએ અમને બચાવ્યા. બે છોકરાં મરી ગયાં.’

સામે જ દેખાતા બેટ શંખોદ્વાર પરનો અંગ્રેજ–વાઘેર સંગ્રામ જેણે મેડીએ ચડીને નજરોનજર જોયો હતો, જેવાં સાહેદની આ પ્રાપ્તિ વિરલ કહેવાય. એ બન્ને સીધા સાહેદો આ જગતને છોડી ગયાં છે. મને સંતાપ થાય છે કે હું આ દાદીમા અને રતનશીભાની પાસે વધુ દિવસે કેમ ન રોકાયો ! પ્રશ્નો પૂછી પૂછી અન્યથા અપ્રાપ્ય એવી હકીકતો હું કઢાવી શક્યો હોત. પણ આપણાં જીવનમાં ઘર નામે એક બંદીખાનું છે. ઘરસંસાર એ એક સોનાની શૃંખલા છે. ગળામાં એક રસી પડી છે. રસીનો એક છેડો પકડીને ગૃહજીવનને મોહાસૂર બેઠો છે. જરાક દૂર જાઓ ત્યાં રસી ખેંચાય છે. સ્વ. ટાગોર જેને ‘ઘરછાડા’ કહી ઓળખાવે છે તે બન્યા વિના સાહસ શું ? સાહિત્યનું સર્જન શું ?

આ ‘ઘરછાડા’ સાહસબુદ્ધિની શું એકલા વેપારમાં, ઉદ્યોગમાં કે વિજ્ઞાનશોધમાં જ જરૂર પડે છે તે સાહિત્યમાં નહિ ? વાણીવ્યાપાર એ શું આરામ ખુરસીની વસ્તુ છે ? એથી કદાચ ઊલટું જ છે. વાણી તેજ પકડતી નથી કરણ કે વાણીને આપણે ઘરના એકાદ શીતળ સુંવાળા ખૂણામાં મેજ કે ગાદીની જોડે ઝકડી રાખી છે. શારદાનું વાહન મોર કે હંસ છે. તે એક જ વાત આપણે વીસરી બેઠા. ગામભાગોળ સુધીનાં પર્યટનોથી મોરલા ને હંસલા સંતોષાતા નથી. મોરનાં અને હંસનાં મહોડ્ડયનોને ભૂલી જઈ હું ઝટપટ આગગાડી પકડી પાછો પળ્યો; અને ઓખામંડળથી જામનગર સુધીના એ જાડેજી બોલીના જે સંસ્કારો મને રતનશીભાએ પાયા હતા તેના પ્રતાપે ટ્રેનમાંના એક બુઢ્ઢા કાંટીઆ મુસાફરના આ બોલ મીઠા લાગ્યા:

જોગી તા હિન જુગજા, ખાય ખનૂ ને ખીર;
રાતજો ચડી સુવે પલંગ મથે, ડિંજો તા ચોવાય પીર;
હેન ઓદતજા વીર, ઉદેસી અગે વિયા !

જો ભાયેં તું જોગી થિયે, તો દિલમેં ધૂંઈ ધુપાય;
કર કાયાજી કીનરી, મીંજ તનજ્યું તંદુ પાય;
મુંજા સ્વામીડા ! સૂર વજાય, કડે ઈંદાં કાપડી.

ડુંગર મથે વીલડી, તેજાં સોભાતીલાં ફૂલ;
કોઈ કાણું કોઇ કોજડો, કોઈ માણક તુલ.

  1. જુઓ માણસાઇના દીવા : ‘કોણ ચોર, કોણ શાહુકાર’નો કિસ્સો.