પરકમ્મા/પરકમ્માનો પહેલો પોરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કીર્તિલેખ કોના રચાય છે ? પરકમ્મા
પરકમ્માનો પહેલો પોરો
ઝવેરચંદ મેઘાણી


પરકમ્માનો પહેલો પોરો

કડીનો મલ્હારરાવ

યુરોપના અનેક દેશોમાંથી નાસતા બળવાખોરો બ્રિટનને ખોળે શરણું મેળવતા. સોરઠદેશે પણ મહાન રાજસત્તાઓના બહારવટીઆને ઓશીકું આપ્યું કહેવાય છે. મુગલ શાહજાદા દારા શિકોહને કરાળકાળ આલમગીરથી સંઘરનારો મીતીઆળાનો કિલ્લો આજે ઊભો છે. દારાએ શસ્ત્રો ઘડવા ત્યાં લોઢાં ગાળ્યાં હતાં તેવું ત્યાંનાં લોકો, હજીયે ખેદાઈ નીકળતો ખેરીચો બતાવીને બોલે છે. સમ્રાટ અકબરશાહનો બળવાખોર ગુજરાતનો છેલ્લો સુલતાન વીર નહનૂ મુઝફ્ફર પણ સોરઠમાં જ સંઘરાયો અને એને ખાતર ભૂચર મોરીના ભયાનક સંગ્રામમાં કાઠિયાવાડના કલૈયા રાજપુત્રો ને બુજરગો તોપે ફૂંકાયા. એવો ત્રીજો બંડખોર હતો કડીનો મલ્હારરાવ. મૂળ તો ગાયકવાડ કુળનો જ કુમાર. કડી પર સૂબાગીરી લઈને આવ્યો. પ્રજાને સુખી કરતો ને પોતે રંગરાગ માણતો. એવો તો બળવાન બની બેઠો કે વડોદરાને ‘ફિરંગીની ફોજ’ લઈ કડી પર ઊતરવું પડ્યું. વિક્રમશાળી મલ્હારરાવ જુદ્ધમાં દીપતો છેવટે નાઠો અને સોરઠદેશમાં ઊતર્યો તેની એક સાહેદી મારા ટાંચણમાં પડી છે:—

‘કળમોદર ને કોટીલું બે ગામ : તેના ધણી ઓધડ ને માત્રો : જખ્મીનો મલ્હારરાવ પાલખીમાં : પાલખીને ભોઇ ઉપાડ્યે આવે : વાંસે વિઠોબાની ફોજ. ‘કડી મેલીને ઓળે આવ્યો છું : છે તો દરિયા સામાં પાણી, પણ બે દી થાક દ્યો.’

ઓધડ-માત્રો કહે : ‘રો’. અમારાં માથાં પડ્યા પછી તમે વિઠોબાના હાથમાં આવશો.’

વિઠોબાએ બાતમી મેળવી. ફોજ લઇને વિઠોબા કળમોદર ગયો. આઠ દિવસ કમળાના ડુંગર માથે ધીંગાણું રહ્યું.

છેવટે થાકેલા કાઠીએ કહ્યું: ‘મલ્હારરાવ, ભાગો.’

‘શી રીતે ભાગું ? મને તો મડદાની માફક ભોઇ ઉપાડ્યે આવશે.’ જખ્મી મલ્હારરાવે જવાબ વાળ્યો.

‘કાંઈ વાંધો નહિ. તમારો મિયાનો મોખરે, વાંસે કાઠી ને એની વાંસે ફોજ વિઠોબાની.’

વિઠોબાના સૈનિકો ઢૂકડા આવી જાય ત્યારે વારને હાકલવા ઓઘડ-માત્રો પોતે પાછા ફરે, હટાડીને પાછા મલ્હારરાવ ભેળા થઈ જાય.

થોરડી ને આદસંગ સુધી એમ ત્રણચાર ધીંગાણાં કરી કરી મલ્હારરાવને બચાવ્યા.

વિઠોબાની ભેળો ઝર ગામનો કાઠી દરબાર માણશીઓ હતો, કે જેના બાપ ભોજવાળાને વિઠોબાએ હાથીને પગે બાંધીને ચીરેલ.

માત્રાએ ચારસો ઘોડે વિંટાયેલ વિઠોબા ઉપર બરછીનો છૂટ ઘા કર્યો. વિઠોબાની કાનસૂરીએ અડીને બરછી જમીનમાં ગઈ.

એટલે તરવાર વાપરીને માત્રે જેતમાલ જમાદારને કાંડે ઘા કર્યો. માણશીઓ ઝર વાળો થડમાં જ હતો. એણે ઘા કર્યો માત્રા ઉપર. બરછી ન વાગી, પણ માત્રાએ માણશીઆને ભાળ્યોલે એટલે કહ્યું—

‘હું તારા બાપુનું વેર લઉં છું, ને તું મારે માથે ઘા કરછ ?’

આઠ દિવસ સુધી ઠેઠ ચાચઈના ડુંગર સુધી મલ્હારરાવનો બચાવ  કરતા કરતા પહોંચાડ્યા. પછી મલ્હારરાવ ઓઘડ–માત્રાને કહે કે ‘તમે નાસી છૂટો. મને મારશે નહિ, તમને તો મારશે.’

‘અરે ના, ના, તો તો કરી કમાણી ધૂડ ને ! મારો વિચાર તો તમને બરડે ને ઠાંગે ડુંગરે લઇ જવાનો છે.’

(પછી મલ્હારરાવનું શું થયું તે વિશે ટાંચણ ચુપ રહીને આગળ ચાલે છે.)

પરીક્ષા થઈ ચૂકી

માત્રાવાળાને દીકરો નહિ. ઓઘડને બે દીકરા. ભાગતાં ભાગતાં બહારવટામાં દસ વરસ થઈ ગયાં. માત્ર કાયો. (થાક્યો.) ચામઠાંનાં પખાંમાં (પડાવમાં) કટુંબ લઇને સંતાઈ ગયાં.

ઓઘડની બાઈ બોલ્યાં : ‘આપો પેટખોટા છે. અમારું પણ નિકંદન કાઢશે !’

માત્રાએ સાંભળ્યું. એણે કહ્યું કે ‘તો હું જઇને તરવાર છોડું.’

પોતે જેતપર આવ્યા. કાઠી ડાયરાની સલાહ લીધી. ગયા અમરેલી. છડીદારે જઇને વિઠોબાને ખબર આપ્યા. : ‘સાહેબ, માત્રો નાજાણી, હાલરીઆને ધણી, આવ્યો છે તરવાર છોડવા.’

વિઠોબા બથમાં ઘાલીને મળ્યા. કહ્યું કે ‘તારા હજાર ગુના માફ. પણ હેં માત્રાવાળા ! આદસીંગ પાસે તમે મને બરછી મારી તે ઓળખીને કે ન ઓળખતાં ?’

માત્રો :– જો ઓળખ્યા હોત તો તમે જીવતા ન જાત. એવી મારત કે ઓલ્યે પડખે વેંત નીકળત.

વિઠોબા પાસે રહેનારો જેતમલ નામનો માણસ બોલ્યો, ‘સાહેબ, ઈ કાઠી કૂતરાંની જાત છે.’

માત્રો ઉભો થઈ ગયો : સાહેબ, આ રજપૂત અમને કાઠીને કૂતરાની જાત કહે છે. પણ આ પટસાળ છે, હુકમ કરો, જો મને જેતમાલ મારે તો કાઠી એટલા કૂતરા, ને જો હું એને મારું તો કાઠી સાવઝ.

વિઠોબા :–માત્રાવાળા, તું સાવઝ ખરો. પાંચસો ઘોડાં વચ્ચે મને બરછી લગાવી, હવે વળી પરીક્ષા શી !

ફિરંગીઓને ઉતારવાનું મહાપાપ

‘ફિરંગીઓની ફોજ’ને ઉતારવાનું મહાપાપ આ ટાંચણમાં ડગલે ડગલે ડોકાય છે. ગાયકવાડે પોતાના દુલ્લા મલ્હાવરાવ પર ગોરાં કટકો ઉતાર્યાં, ઓખાના વાઘેરો ઉપર પણ કંપની સરકારનાં સૈન્યોને નિમંત્ર્યાં, અને એ જ પ્રમાણે કાઠિયાવાડનાં નાનાં મોટાં રાજપૂત રાજ્યોએ ગાયકવાડી ફોજો પાડોશીઓને જેર કરવા બોલાવી. ટાંચણમાં એવો પ્રસંગ મોરબી-માળીઆ વચ્ચેનો આવે છે અને એવા વિવેકભ્રષ્ટ સંઘર્ષોની વચ્ચેથી વ્યક્તિગત શૂરાતનનાં છેલ્લાં સોરઠ–તેજ ચમકી ઉઠે છે :—

દોઢસો વર્ષ પર : માળીઆ ઠાકોર ડોસાજીને મોરબી ઠાકોર જિયાજીએ કેદ કરી રાખેલ તે વખતે માળીઆના મિંયાણા સરમાળ લધાણી વગેરે છ જણા મોરબી ગયા, નળ પર થઈને મેડીએ ચડ્યા, ડોસાજીના ઓરડામાં જઈ એને ઉઠાડ્યા, કહ્યું કે ‘ચાલો.’

કેદી ડોસાજી કહે : ‘મારાથી ન અવાય. તમે પલંગ ઉપાડી જાવ.’

ડોસાજી સૂતા હતા તે સહિત પલંગ નીચે ઉતારી, એને ચારે પાયે માટલાં બાંધી, બે કાંઠે પૂરમાં આવેલ મચ્છુ નદીમાં મિંયાણા તરાવતા તરાવતા ડોસાજીને લઈ ગયા માળીએ.

પછી જિયાજી ઠાકોરે દગાબાજી કરી નાગડાવાસથી મિંયાણા મુખીઓને ગોઠ કરવા બોલાવ્યા. એંશી જણા હતા તેને રાતે દારૂ ગોસ ખૂબ ખવરાવ્યું, પછી એક મોટો ખાડો કરી તેના ઉપર  પાંદડાં નાખેલ હતા તેમાં એ બેભાન મહેમાનોને નાખી દઈ દાટી દીધા. એક જ માણસ બચ્યો એણે જઈ સરમાળ લધાણીને વાત કરી. સરમાળની ફોજ નીકળી. ગામડાં ઉજ્જડ કર્યાં. મોરબીએ વિઠોબાને ઉતાર્યા. માળીઆનો કિલ્લો તૂટ્યો. સરમાળ ઘવાયો. એક બાઈ એને સૂંડલે નાખી વાંઢીએ લઇ ગઇ. પછી સાજો થઈને સરમાળ બારવટે નીકળ્યો. મોરબીના પાદરમાં આવી, બાઇઓને ભેગી કરીને તેમની પાસે ‘ઠાકોર જિયાજીનો આજો’ લેવરાવ્યો અર્થાત છાજીઆં લેવરાવ્યાં, અને પછી કોરી કોરી કાપડાની દીધી : ‘ભેણું ! હી ગનો. કોરી કોરી આંકે મોઈ ઘીણું, આંયોસી કાપડેજી દિયાંતો. (બહેનો, આ કોરી કોરી કાપડાની દઉં છું.)

(અળખામણા હાકેમની કે પ્રતિસ્પર્ધીની ઠાંઠડી કાઢીને બાળવાનો અર્વાચીન રિવાજ મૌલિક નથી જણાતો ત્યારે તો !)

સરમાળે વાગડ–કાનમેરના ડુંગર પર કિલ્લો બાંધ્યો, પાણીનો હોજ રચાવ્યો. ત્યાંથી કચ્છનો મુલક લેવા ગયો. અંજાર માંડવી કબજે કર્યા. માત્ર ભુજ રહ્યું. રાવ ભારાજીએ સરકારની મદદ માગી. સરકાર હળવદથી રણમાં જાય ત્યાં કાનમેરના કિલ્લામાંથી સરમાળ ને ચાંદોજી (પળાંસવાના) ઊતરીને કાપી નાખે.

પછી ભારાજીએ સરમાળને કહેવરાવ્યું કે નીચે મળવા આવો. ત્યાં લશ્કર ગોઠવેલું. ડુંગરથી ઊતરતાં બન્નેને ગોળીએ દીધા. ત્યાં બન્નેની ખાંભીઓ છે. દુહો રચાયો ને ગવાયો.

ભારા ! ભૂ૫ ન મારીએ
ચાંદો ને સરમાળ;
જીવતા હત જમરાણ
તો ફિરંગી દેશમાં ફરત નૈ.

આત્મવંચના નહોતી

ફિરંગીઓ–ગોરાઓ–ખાસ કરીને અંગ્રેજો આ દેશમાં ફરી વળ્યા તેની શરમ અને વેદના સોરઠી લોકજીભેથી વારંવાર ગવાતી રહી છે. ધ્વનિ એકજ ઊઠે છે કે ભાઈ, આપણે સામસામા ભરી પીત; પણ આ પરદેશી ગોરાને શીદ આપણા બેઉનાં નખ્ખોદ વાળવા બેલાવ્યો ? ઓગણીસમી સદીના સોરઠી ઇતિહાસગાનનું એ ધ્રુવપદ બન્યું છે. ગોરી ફોજોથી કે એનાં મહાસંહારક શસ્ત્રસાધનોથી ડરવા ગભરાવાની કે શેહમાં અંજાવાની તો આ મુકાબલામાં મરતે મરતે પણ વાત નહોતી કોઈ વ્યક્તિને. હરએક નાનામોટા બહાદુરે ગોરાની સામે મર્દાઇનો પડકાર જ દીધો છે. એ પડકારના પડઘા સોરઠી કવિતાસાહિત્યમાં પડ્યા છે. મરણાન્તે પણ ગોરાને શરણે ન જવાનો મુદ્દો સચવાયો છે. ગોરામાં મર્દાનગી કે ખેલદિલીનું આરોપણ કોઈ ઠેકાણે થયું નથી. ‘ગોરો બાપડો શું કરી નાખવાનો હતો !’ અને ‘ગોરાને શરણે ગયા તો લ્યાનત હજો !’ એ બે તેમના યુદ્ધબોલ હતા. ગોરો ફાવ્યો તે તો ઘરના કુસંપથી, કાવાદાવાથી અને સંહારસામગ્રીની સરસાઇથી, એ તેમની નિશ્ચલ માન્યતા હતી. એ દૃષ્ટિએ સોરઠનું જૂનું માનસ નિરોગી હતું. ગોરો ન ઊતર્યો હોત તો વ્યવસ્થા કોણ સ્થાપત, વિદ્યા કોણ વિસ્તારત ને રેલગાડી તારટપાલ કોણ ચલાવત, એ અહોભાવના પડદા હેઠળ છુપાઈ રહેલી હિચકારી આત્મવંચના તો તે પછીની નવી પેઢીની પેદાશ છે.

ખડ વાઢનારા

ટાંચણ–પાનું માળીઆના મિંયાણાની એક વધુ વાત આપે છે—

મિંયાણો પરબત જેડો માળીઆનો ગરીબ માણસ હતો. અબુબકર નામનો કોઈ વડોદરાનો માણસ પણ માળીઆમાં રહેતો. બન્ને ગરીબ મિત્રો ઘાસની ગાંસડી વાઢવા સીમમાં રોજ જાય. પાછા આવતી વખત થાકે ત્યારે ગાંસડી નીચે મૂકીને પરબત બોલે કે ‘ભાઈ, ભારી કે પાણ ઉપાડુ અંઈ, હણે પાણ હન મથે વિયે. હન પાંજા ઘોડા.’ (અત્યાર સુધી આપણે ભારીને ઉપાડી છે, તો હવે આપણે એને માથે બેસીએ. આ આપણા ઘોડા કહેવાય.) એમ કહીને ભારી પર બેસે, પછી બેઉ થાકેલા ગરીબો વાતો કરે—

‘ઓ ખુદા, ઘોડા દે !’

‘પણ એકલા ઘોડામાં શું !’

‘ત્યારે ?’

‘હું માળીઆનો ઉપરી થાઉં.’

‘ને હું વડોદરાનો ઉપરી થાઉ.’

‘તો તો આપણે લડવાના.’

‘ના, કોલ દઉં છું. હું ફોજ લઇને પાછો વળી જાઉં.’

દૈવને કરવું છે તે બન્નેની માગણી ફળી. એકવાર અબુબકર વડેદરાની ફોજ લઈને માળીઆ પર આવ્યો. પરબત જેડો ફકીર-વેશે છાવણીમાં જઈ ઝાઝાં વર્ષો પર પરના કોલની યાદ આપી ઊભો રહ્યો. પરસ્પરને ઓળખ્યા. પછી અબુબકર કાંઈક બહાનું કાઢીને ફોજ ઉઠાવી પાછો ચાલ્યો ગયેલો

મેઘકંઠીલા પીંગળશીભાઇ

ટાંચણમાં એક પુનિત ખાંભી નજરે પડે છે. મારા મુર્શદ કહી શકું તેવા, ભાવનગર રાજકુળના દસોંદી સ્વ. પીંગળશી પાતાભાઇનો એ સ્મરણસ્થંભ છે. અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણનું ગરવું ગંભીર વ્યક્તિત્વ એમણે એકેય કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંચ્છનારને પણ ખમા કહેનારી એમની મનમોટપ, એની વાતો તો ઘણાંઘણાં હૃદયોમાં સંઘરાઈને પડી રહેશે. એમનાં પ્રભુભક્તિનાં, પ્રેમલક્ષણાયુક્ત પદો અત્યારે પણ મીરાં નરસિંહ, જીવણ આદિ સંતોની વાણીની સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યાં છે. એ ભક્તહૃદય ભડ પુરુષ સવારે બપોરે પોતાની ડેલીની ચોપાટમાં બેઠા હોય, હું જઈ ઊભો રહું, જૂની માહિતીઓ માગું તેના જવાબમાં ઘનગંભીર કંઠે ‘હા...આ... આ !’ એવો અવાજ કરી, આંખ સકોડી, યાદશક્તિને ઢંઢોળી પછી વાતો કરે, પોતાના જૂના ચોપડાના ઢગલામાંથી એમના પિતાએ લખેલ પુરાણા અક્ષરવાળાં ચારણી કાવ્યોની હસ્તપ્રત વાંચી મને ઉતરાવે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડે, એ મનોમૂર્તિ નખશિખ મોજૂદ છે.

એમના પોતાના કુળની તવારીખ પૂછતાં પોતે આ રીતે વર્ણન કર્યું –

અમારા વડવા લાખણશી કવિ જેઠવા રાજકુળના દસોંદી તરીકે આવેલા તે પાટનગર છાંયામાં રહેતા. એક દિવસ એક નધણીઆતું વહાણું ઘસડાઇને છાંયાના બારામાં આવ્યું. અંદર ઈંટો ભરેલી. સૌ થોડી થોડી ઈંટો ઘેર લઈ ગયા. દરબારગઢમાં પણ એ ઇંટોથી પાણીઆરાની ચોકડી ચણાઈ. દરબારગઢમાં રોજ પગ ધોતી વખત એ ઈંટોના ચણતર પર પગ ઘસાતાં ઘસાતાં સોનું ઝબક્યું !

તમામ ઈંટો અંદરથી સોનાના લાટા હોવાનું જણાતાં જેઠવા રાણાએ બધા પાસેથી ઈટો પાછી મગાવી, લાખણસી કવિને પણ પાછી આપવા કહ્યું. લાખણસીભાએ કહ્યું કે ‘મેં તો પાણીઆરૂં ચણી લીધું છે.’

‘તોય કાઢી આપો.’

‘જેઠવો ઊઠીને પાણીઆરૂં તેડશે ? તો આ લે તારું આ ઘર.' કહીને ચાલ્યા આવ્યા પોતાના સસરાને ઘેર ગારીઆધાર.

પછી કોણ જાણે શા કારણથી લાખણશી ચારણ પોતાના સસરા સામે બહારવટે નીકળ્યા, અને સસરા ગારીઆધારના ગોહિલ ઠાકરના દસોંદી હતા એટલે એ બહારવટું ગોહિલ ઠાકોર પર પણ ચલાવ્યું.

બાપના પાપનું પ્રાયશ્ચિત

એ બહારવટામાં પોતે સુરા મોરી નામના રજપૂતના છ દીકરા મારેલા. એક દિવસ લાખણસીભાઈ સણોસરા પાસે સાંઢીડા મહાદેવ નજીક સૂતેલા ત્યાં રાજની વાર ચડી પણ સુરો મોરી, કે જેના છ દીકરાનો લાખણસી કવિના બહારવટાએ ભોગ લીધેલો તેણે પોતે જ ચારણની હત્યા લાગશે એવી લાગણી થઈ આવવાથી પોતાની ઘોડી મોખરે કરી, જઈને લાખણસીભાઈને જગાડ્યા, ‘ભાગો, આ મારી ઘેાડી.’

લાખણશીભાઈ :— તારા દીકરાનાં મોતનાં નેવળ મારા પગમાં પડી ગયાં. હું લાખણશી હવે ન ભાગું.

પોતાનો ભાણેજ હતો સાથે, એને કહે કે તું ભાગી છૂટ. ભાણેજ કહે, ન ભાગું. મામો ભાણેજ વારની સામે તરવાર ખેંચી ઊભા રહ્યા. વચ્ચે ઊભો સુરો મોરી, વારને કહ્યું, ‘પહેલા મને મારો, પછી ચારણને.’

વારમાંથી બંદૂક છૂટી. સુરાના પગમાં ગોળી વાગી. લાખણશીભાઈ પણ મરાણા. એના બે દીકરાને સુરા મોરીએ પાળ્યા ને ભણાવ્યા.

(પોતાના છ દીકરાનો પ્રાણ લેનારના બે દીકરાને આવું રક્ષણ આપનાર રાજપૂતી સોરઠના પ્રાણબોલ સંભળાવે છે.)

એ બે ચારણો, વજો ગઢવી અને ભાયો ગઢવી ગારીઆધાર છોડી સંવત પંદરમાં ઉમરાળે ઠાકોર વીસાજી ગોહિલ પાસે આવી રહ્યા.

એક દિવસ વીસાજી ઠાકોર ઘેરે નહિ. કાઠીઓએ ધણ વાળ્યું. વજોભાઈ દોડ્યા, હાક મારી કે ‘કાઠી, મેલી દે માલને.’

કે ‘તારાં ચારણનાં બે હોય ઈ લઈ લે.’

કે ‘ના, ના, તમામ પાછાં વાળ. મારો ધણી ઘેરે નથી.’

‘નહિ મળે.’

એટલે વજાભાઈ ચારણે ત્રાગા રૂપે ગળે તીર નાખ્યું.

કાઠી લૂંટારો હસીને કહે કે 'ફિકર નહિ, એટલું વીંધ તો ચારણના ગળામાં હોય !’ જવાબમાં ચારણે ગળામાં બરછી પરોવી. પછી પેટ તરવાર નાખી. દેહ પાડી નાખ્યો.

એ ખાંભી સ્વ. પીંગળશી પાતાભાઈની.

પૂંછ ન મેલાય

જૂના સાવર ગામના ખુમાણ દરબારને ઘેર બગસરાનો દેશો વાળો બરોબર બપોરે મહેમાન થયો છે. રોટલા ખાય છે. દરબારને દૂધની ટેવ છે. પણ બપોરવેળાએ દૂધ ક્યાંથી હોય ?

દેસોવાળો કહે છે : ‘આ ભેસું બેઠી. દોઈ લ્યોને !’

‘બાપુ ! કટાણે કાંઈ ભેસું મળે?’

‘તો પૂંછ મેલીને દોઈ લ્યો.’

‘પૂંછ મેલીને’ એટલે કે ભેંસના પૂછડાનો છેડો ભેંસના યોનિભાગમાં મૂકીને. ભેંસને દૂધનો પ્રાસવો મુકાવવાની એ એક જુક્તિ છે.

ખુમાણોએ ખેદ દર્શાવ્યોઃ ‘બાપ ! કાઠીનો દીકરો, હિંદુનો દીકરો પૂછ મેલીને દોયેલું દૂધ ખાય?’

‘દોઈ લ્યો આપણા જણમાંથી કોક.’ એવી સૂચના દેસાવાળાએ પોતાના જોરના મદમાં પોતાનાં માણસોને આપી, એટલે ઠંડે કલેજે ખુમાણોએ સંભળાવ્યું: ‘ન દેવાય.’

‘કેમ ?’

‘કાંડા હેઠાં પડે !’

‘ઠીક તો જોજો, જૂના સાવરમાં હરણાં બેસારીશ.’

‘હરણાં બેસારીશ’ એટલે ઉજ્જડ વેરાન બનાવીશ.

‘ખુશીથી.’

‘દેસાનું તો દાટણ' એવું મુલકમાં ઓછું દેવાતું. એટલે કે દેસો વાળો જ્યાં ત્રાટકે ત્યાં દાટ જ વાળી દે.

એક દિવસ ઓચીંતો દેસોવાળો ચડ્યો દોઢ હજારનું કટક લઇ. એમાં ત્રણ આરબોની બેરખ હતી.

મીર બોલ્યો : ‘બાપ, સાવરને માથે ન જવાય. ઈ પાણી નોખું છે.’

ન માન્યા. ચાલ્યા. બાવળની ગીચ કાંટ્ય વચ્ચે આવી. એમાં રસ્તો ભૂલ્યા.

કાંટ્યમાં વાઘરી ને વાઘરણ કજીઓ કરે. વાઘરણે કટકવાળાંને પૂછ્યું : ‘કોને માથે જાય છે બાપુ ?’ કે ‘જૂના સાવરને માથે. ચાલ, કેડો બતાવ.’

વાઘરી-વાઘરણે કટકને ખોટો રસ્તો ચિંધાડ્યો.

વાઘરણ ચોંકી ઊઠી. ધણીને કહે કે ‘પીટ્યા, જૂનું સાવર તો મારું પિયર; ઇનો આ દાટ વાળી દેશે, ધ્રોડ, હડી કાઢ ઝટ.’

અને વાઘરી કજીઓ મૂકી, મૂઠીઓ વાળીને દોડતો સાવર પહોંચ્યો. કટક આવે છે એવી જાણ કરી.

હવે શું કરવું ? ગામમાંથી જુવાન મરદો ગેરહાજર હતા.

એક આપો : બુઢ્ઢો એવો : આવ્યો. જુક્તિ બતાવી. એક મોટો બાવળ કપાવીને એક ઝાંપે આડો ભીડી દીધો. બીજે ઝાંપે ગાડાંની હેડ ગોઠવી દીધી. બુઢ્ઢા કાઠીઓ ગામમાં હતા તેમાંથી એક્કેક જણ એક એક ગાડા નીચે બેસી ગયાં. દુકાનો ઉપર બબે બુઢ્ઢા લપાઈ ગયા : અને એ બધું બતાવનાર મુખ્ય બુઢ્ઢાઓ કટકની સામે જઈ, રાતવેળા આવતા કટકમાં આરબની બેરખની મશાલ ઓલવી નાખી.

અંધારામાં જે ધીંગાણું થયું તેમાં દેસોવાળો ભૂંડો દેખાઈને પાછો ફરી ગયો.

જીવવું મીઠું લાગતું

ભેંસને પૂંછ મેલીને દોવાની સાદી બાબત પણ જે સમાજમાં સદાચારની વિઘાતક ગણાતી હતી તે સમાજની નીતિરક્ષાનો આ પ્રશ્ન લ્યો; ધણીની ગેરહાજરીમાં એનું ધણ ચોરાય તે ટાણે આશરાવાસી ચારણને મરી મટવાનું સૂઝે એ સ્વધર્મનો પ્રશ્ન નિહાળો, કોઈ પણ એક કિસ્સો ઉપાડો. એકજ મહાપ્રશ્નનાં એ પાસાં હતાં. માનવી તો તે સમયનો પણ, જીવનને મીઠું ગણતો. શોખને ખાતર એ કંઇ ઓછો જ કટકા થઈ જવા નીકળતો ! ધર્માંધતા અગર રૂઢ સામાજિક માન્યતા પર એ હારાકીરી નહોતો કરતો. પણ જીવનની મીઠપને બેસ્વાદ બનાવી મૂકે તેવું કંઈ થતું ત્યારે પછી મૃત્યુથી ચાતરીને લૂખા ફિક્કા જીવનને વળગવું એને નિરર્થક લાગતું. જીવનની પાસેથી તો એ માનવી પણ ચારે હાથે મોજ ને મીઠાશ માગતો. જિજીવિષાના એ પિયુષને ઝીલતું આ ટાંચણપોથીનું છેલ્લું પાનું, એક રાજવણ કાઠીઆણી પાસેથી મળેલા શૃંગાર-ગીતને જીર્ણાવસ્થામાં ય જાળવી બેઠું છે. એ પીરસીને બીજી ટાંચણપોથીને વિદાય દઉં છું ને એક પરકમ્મા પુરી કરું છું

પોપટડી રે’ તોરલો કંથ
કાં રે પોપટ દૂબળો?

દિ’વારે રે વનફળ વેડવાં જાય
રાતે પોપટ પાંજરે

હાથણલી રે ! તોરલો કંથ
કાં રે હાથી દુબળો

દિ’વારે રે દરબાર ઝૂલવા જાય
રાતે હાથી સાંકળે.

નાની વહુ રે ! તોરલો કંથ
કાં રે ..ભાઈ દૂબળો ?

દિ’વારે ઘોડલાં ખેલવવા જાય
રાતે રમે સોગઠે.