પરકમ્મા/ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે
← ખાંભીઓ જુહારું છું | પરકમ્મા ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે ઝવેરચંદ મેઘાણી |
‘ઘોડી અને ઘોડેસ્વાર’ના શિલ્પી → |
‘ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે ’
ઊભી ઊભી ઊગમણે દરબાર રે
કાગળિયા આવ્યા રાજના રે લોલ.
ઊઠો દાસી, દીવડિયા અંજવાસો રે
કાગળિયા આવ્યા રાજના રે લોલ.
֍֍֍
કોરે મારે લખિયું છે સો સો સલામું રે
વચાળે વેરણ ચાકરી રે લોલ.
ચાકરીએ મારા સસરાજીને મેલો રે
અલબેલો નૈ જાય ચાકરી રે લોલ.
સસરા-ઘેરે દરબારી છે રાજ રે
દરબારી પૂરાં નૈ પડે રે લોલ.
ચાકરીએ મારા જેઠજીને મેલો રે
અલબેલો નૈ જાય ચાકરી લોલ.
જેઠ-ઘેરે જેઠાણી તરજાત રે
ઊઠીને ઝઘડો માંડશે રે લોલ.
ચાકરીએ મારા દેવરજીને મેલો રે
અલબેલો નૈ જાય ચાકરી રે લોલ.
દેર ઘેરે દેરાણી નાનું બાળ રે
મોલુંમાં એકલ નૈ રહે રે લોલ.
લીલી ઘોડી પિતળિયાં પલાણ રે
અલબેલો નૈ જાય ચાકરી રે લોલ.
ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું રે
આલબેલા ક્યારે આવશો રે લોલ.
ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે
એટલે તે દા’ડે આવશું રે લોલ.
ટાંચણ-પોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય લઈ ગયેલા હાથના છે. એ હાથની ઉષ્માને આસ્વાદી હતી ચોવીશ વર્ષ પૂર્વેના જેઠ વદ નોમની રાત્રિયે. अलम
ઉતારનાર ગયું છે. ઉતરાવનાર પણ નથી. અક્ષરો સ્વચ્છ યાદ આપે છે. જેઠ કે અષાઢની સાંજ હતી. ભાદરકાંઠે જેતપૂર ગામ, બીલખાનો દરબારી ઉતારો. માસાજી શિવલાલ ગોસળિયા એ રજવાડાના સરકાર–નીમ્યા હાકેમ. હોકો પીતા પીતા, ઊંચા મોટા મેજ ઉપર રેંટિયો મૂકીને કાંતતા, હાંકેમી કરતા-’૨૨ના રાજદ્વારી વિપ્લવયુગને ખરે મધ્યાહ્ને. ગોરા પોલીટીકલ હાંકેમોની મોટર–ગાડીઓ દરવાજે ઊભી રહેતી, છતાં શિવલાલ ગોસળિયાનું કાંતણું ચાલુ રહેતું, ખાદીનો પોશાક અણઢાંક્યો ધારણ થતો. એક ચડ્ડી ને પહેરણભેર બહાર જઈ ગોરા ઉપરીઓને મળતા પણ ખરા.
એ ડાંખરા આદમીનું ઘર મારી મહોબતનું ધામ ને મારાં પરિવારનું આરોગ્યાલય. માસીજી સાંકળીબાઇએ કલેજાની કોર પરથી એની ભાણી હસ્તક ઉતરાવેલું આ કરૂણ લોકગીત છે. હતાં તો માતૃસ્થાને, પ્રૌઢ ને પાકટ, છતાં મારી કને ન ગાયું.
કારણ છે. શિવલાલ ગોસળિયા જૂના-નવા યુગની સંક્રાંતિ–ધારે ઊભેલા કાઠિયાવાડના રાજકોટવાસી હતા, સમકાલીનોમાં સુશિક્ષિત હતા, કરડા હતા, ચોખલિયા હતા, ને લોકગીતો જેવી અળખામણી વાણીને તો ઘરમાં ચૂપ કરનારા હતા.
કવિતા સાથે કજિયો કરી બેસે એવા ડરામણા એ વડીલ એક વાર કહે કે સંભળાવો તો ! સંકોચ પામતે પામતે મેં ગાયો— ગોપીચંદનો ગરબો :––
સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
ગોપીચંદ રાજા બેઠો ના'વા રે ભરથરી.
હાથ પગ ચોળે એના ઘરની અસતરી
વાંસાના મોર ચોળે માતા રે ભરથરી.
મોર ચોળંતાં એનું હૈયડું ભરાણું જો
નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.
નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી
ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.
ટપ ! ટપ ! ટપ ! ગોપીચંદ કુંવરને નવરાવતાં જનેતાનાં નેણલેથી આંસુડાંની ધાર થઈ પુત્ર ઝબક્યો : ઊંચે જોયું : મા, શીદને રોવું આવ્યું ? કે બાપ—
આવી રે કાયા તારા બાપની હતી જો !
ઇ રે કાયાનાં મસ્તુક હુવાં રે ભરથરી !
સાંભળીને ગોપીચંદે ભરપુર ભોગની વચ્ચેથી ઊડીને કાયાને અમર કરનાર ભેખ લીધા વગેરે વગેરે જેમ સાંભળતા ગયા તેમ તે જવાંમર્દ અને કરડા ગોસળિયા રડતા ગયા. કહે કે ચૌદ વર્ષનો દીકરો સાતેક વર્ષ પર મુએલો તે સાંભર્યો. ચકિત બન્યા કે ‘લોકગીતોમાં શું આવું ભેદક તત્ત્વ ભર્યું છે ? મને તો આ ખબર જ નહોતી.’
‘અં-હં-’ દીકરીઓ ત્યાં હતી તે હળવેથી, ભારે હૈયે બોલી ઊઠી : ‘કેશોદ વગેરે ઠેકાણે ડિસ્ટ્રીકટમાં બાપુ જોડે જતાં ને રાતે ગામની બાઇઓ રાસડા લેતી તે સાંભળીને અમે ય એમાં ભળવા તલસી ઉઠતાં, ત્યારે તો બાપુ અમને જવા ન દેતા, કહેતા કે એ તો હલકાં માણસનું કામ !’
શરમાઇને શિવલાલભાઈએ ભૂલનો સ્વીકાર કરેલો મને તાદૃશ સાંભરે છે. મેં કહેલું તેય યાદ છે, કે આ દોષ કરવામાં આપ કંઈ એકલા નથી. ઘણા પિતાઓ એ સંક્રાંતિ-યુગની ચાબાઇ ચાંપલાઈના ભોગ બન્યા હતા અને સુધારાની શિલા તળે તેમની પત્નીઓ પુત્રીઓની કૈંક હૃદયોર્મિઓ ચેપાઈ પણ ગઈ છે.
ચેપાયેલી એવી ઉર્મિઓ એ ઘરમાં ફરી એકવાર મહેકી ગઈ, અને કોણ જાણે કેટલાં વર્ષોના બોજ ફગાવીને માસીજી સાંકળીબાઇના યૌવનકાળનું સંઘરેલ આ ચાકરી–ગીત બહાર આવ્યું—
કોરે મોરે લખીયું છે સો સો સલામું રે
વચાળે વેરણ ચાકરી રે લોલ.
એ રાજ-ચાકરીને તેડે ચાલી નીકળવાનું આખા કુટુંબમાંથી એકલા એક વચેટ દીકરાને માથે જ મુકાયું. ને એ ચાકરીની તો જેટલાં પીપળનાં પાંદડાં તેટલી લાંબી અવધઃ એ સમજનારી વચેટ વહુએ ‘અલબેલા’ને ઉગારવા બહુ જીકર કરી, પણ છેવટે એને જ જવું પડ્યું. ઘરના બીજા તો નાનામોટા સર્વ મરદોને માટે બહાનાં હતાં, નહોતું એક વચેટને. શું કુટુંબમાં કે શું સમાજમાં, ઘરમાં તેમજ વિશ્વમાં, વચેટને-વ્યકિતને અને વર્ગને જ હિસ્સે સંતાપો સરજાયા છે.
એ સૈનિકનું ગીત છે; અને આજે જગતમાં સૌથી વધુ વેધક કરુણતા લાખો સૈનિકોનાં દિલદર્દની છે, વર્તમાનને કલેજે આ ‘વેરણ ચાકરી’નું ગીત એ ‘કોન્સ્ક્રીપ્શન’નું ગીત બને છે, રોટીને કાજે ખેતી મજૂરી છોડી લશ્કરી ભરતીમાં ચાલી નીકળનારાઓનું ગીત બની રહે છે. છ છ વર્ષો સુધી જેમણે ઘરનાં દર્શન કર્યાં નથી તેવા લાખોની ગોરીઓ પીપળનાં પાંદ ગણતી આજ બેઠી હશે. એ પાંદ-ગણતરીનો પાર આવનાર નથી. ‘વેરણ ચાકરી’ને તેડે ચાલ્યા ગયેલાઓમાંથી જે અનેકની ગોરીઓ ‘અલબેલા’ને બદલે મરી પરવારેલા અલબેલાઓની વીરતાના ચાંદચંદ્રકોની નવાજેશ પામી રહી છે તેમનાં સર્વનાં કાળજાની કોરે લખાયેલું આ લેકગીત છે. એ ગીતનું ટાંચણ મારી ઉમ્મરનાં અઢાર વર્ષોનો પરદો ઊંચકે છે અને મને સ્મરાવે છે : મારી લગ્નચોરીનું ધામ જેતપુર, ભેખડાળી ભાદર : મારી રસધારના વીર ચાંપરાજની બારી : ટ્રેનમાંથી ઊતરી અધ રાતે જઈ ઊભો રહું ત્યારે ઉઘાડી ડેલીમાં બેઠું બેઠું બે ધીરા વિશ્રભ્મટૌકા કરતું શિવલાલભાઈ–સાંકળીબાઈનું નિત્યનવરસવંતું પ્રૌઢ–જોડલું : મારા માટે ટાણું કટાણું કદી ન વિચારતો એ યુગલનો સત્કાર : શરમીંદા મહેમાનની સાંપટ સમજતી ગૃહિણીએ ડેલીએ આણીને પીરસેલ બાજરાના પાતલા રોટલા પર ઘીના દડબાનું વાળુ : અને પછી તો અણખૂટ વાત–ધારા. લેણાદેવી પણ પૂરી હતી ના ! ખાદીધારી, રેટિંયો કાંતતા, પાકા સ્વમાની અને ડાંખરા શિવલાલ ગોસળિયા વર્ષો સુધી જેમને કલેજે ખટકતા હતા તેમણે છેવટે એની ’૩૦ વર્ષની જબ્બર નોકરીને એક ઝટકે ખૂંચવી લીધી-કારણ કે અમને ’૩૦ના બેએક રાજકેદીઓને પોતે સાબરમતી જેલે માત્ર વ્યવહારના કામસર પાંચ મિનિટ મળવા આવ્યા હતા ! જરાક દિલગીરી દેખાડે એટલી જ હાકેમોને રાહ હતી — જરાક જ દિલગીરી ! પણ આખા શરીરમાં નાક હમેશાં ‘જરાક’ જ હોય છે ખરું ને ! શિવલાલભાઇ નાક સથુકા જ સંસાર છોડી ગયા.
’૨૨ થી ’૩ર લગીના એક દાયકાનાં સ્મરણોને સંઘરતો એ ચાકરી-ગીતનો ખાંભો વટાવું છું, સ્વ. રાજકોટપતિ લાખાજીરાજનાં સ્મરણ-પાનાંને ઝડપે વટાવવા વિચારું છું, વિચાર અટકે છે, ને ટાંચણ-પાનાં પ્રશ્ન કરે છે ? ‘અમે પણ શું તારા સાહિત્યરસનાં છૂપાં પોષકો નથી બન્યાં ? ’૨૬ કે ’૨૭માં તું રાજકોટ પ્રજાપ્રતિનિધિ સભામાં તાવભર્યો આવ્યો હતો, ને તેં ત્રણ દિવસ સુધી જે જોયું સાંભળ્યું તેમજ જાણ્યું હતું તેનું આ ટાંચણ શું તારા સાહિત્યરસનું વિઘાતક હતું ? સો–પાંચસો વર્ષો પૂર્વેના એકાદ લોકગીત, લોકવાર્તા કે ચારણ-કાવ્યનાં ટાંચણ પર માનસી મહેલાતો ચણનારો તું, શું એ યુગપુરુષનાં તે કાળે પામેલ પ્રાણવંત દર્શનમાં ઘડી બઘડીનો અખબારી પ્રતિનિધિ જ રહી શક્યો હતો ? નજીક બેસીને તેં નિહાળ્યા હતા રાજ લાખાજીને; લોકપ્રતિનિધિ પ્રમુખની બાજુમાં જ એક સાદી સુશોભનહીન ખુરશી ઉપર બેઠેલા : સર્વ લોકસભ્યોના સમોવડ સમા, સંયમવંત જવાબો દેતા, શિસ્તથી પ્રશ્નો સાંભળતા અને ઉડાઉવેડાથી અલિપ્ત; પ્રશ્ને પ્રશ્ને વિચારવા થોભતા : અને વાણીની તો વિનયમૂર્તિ : હે સાહિત્યકાર ! બે સદી પૂર્વેના ઠાકોર વજેસંગ, ચારસો સાલ આગળનો અજો જામ અને તારા સમરાંગણનો વીર મુઝફ્ફર નહનૂ, એ જેટલા તારી કલ્પનામાં જીવન્ત છે તેટલા જ પ્રાણવંત આ પ્રવીણસાગરના સર્જક રાજવી-શાયર મહેરામણજીના કુલદીપક લાખાજીરાજ નહોતા શું ? વાંચ – અમને ઉપર ઉપરથી તો જરા ઉકેલ !—
ઠાકોર સાહેબ પોતે બહુ જ મહત્ત્વાભિલાષી. રાજકોટને બેલ્જીઅમ કે સ્વિટ્ઝરલાંડ બનાવવું. એટલે સુધી કે અહીંથી માલ બનાવી પરદેશ કાં ન ચડાવાય !
વિધવાઓને માટે ગોઠવણ કરવા મ્યુનિસિપાલિટીને ખાસ સંભારી આપે. ઈન્ડસ્ટ્રી નામ પાછળ તો ઘેલા. ઠગાઇ જાય. તાતાના જેવું કારખાનું અહીં કાઢવાના કોડ.
એવી અવ્યવહારુ યોજનાની પણ ધૂન……
લોભી નથી અને છે પણ.
૧. કીંડર ગાર્ટનની ૪૦ શાળા કરો.
૨. ડ્રેનેજ કરો, ભલે ૩ લાખ બેસે.
૩. પગારો સારા. સારી પેઠે સ્ટાફ. ફરતા વૈદો, ફરતા ન્યાયાધીશો, તળાવને ભર ચોમાસામાં સમરાવવું, ભલે ખર્ચ થાય
એમનો સિદ્ધાંત – ‘ગ્રેટર રાજકોટ’ બનાવવું. અતિ ભલાઈ. પ્રભુના ઘરનો આત્મા, જઇને જરા રડો એટલે દયા આવી જશે. એ દયા કાયદાનો પણ ભંગ કરે.’
‘No favouritisan : કોઇ પર પક્ષપાત નહિ. કશી શંકાશીલતા નહિ. No secrecy : ખાનગીપણું નહિ.’
‘ખાનગી જીવન – એકાંતમય. એમનો છૂપો ઉદ્ગાર, ‘I feel miserable : પરેશાન છું.’ દુઃખી છે, રોગી છે, ગુસ્સો ચડે છે, પણ અજબ અંકુશથી દબાવે છે. ન સમજે તેને દુઃખ લાગે.’
કાગળ પર નહિ ટપકાવેલી પણ મનમાં સંઘરેલી વધુ માહિતી ઉપલા ટાંચણને અજવાળતી રહી છે : મહોલાતનો માલિક એકાકી હતો. જૂનાં રાણીજી જોડે મેળ નહિ. પ્રેમથી પરણી આણેલી પ્રિયા કલાપી–પુત્રી પ્રભુધામમાં સિધાવ્યે વર્ષો વીત્યાં હતાં. તે ઘડીથી વજ્રકછોટો વાળ્યો હતો. લોખંડી કાયામાં પૌરુષ રૂંધાઈને પીડતું હતું. પ્રકૃતિ પોતા પરનો અત્યાચાર સહન કરતી કરતી અસહ્યતાની હદે આવી ત્યારે ત્રાહિ ત્રાહિ પોકારતી ત્યારે પછી આ પુરુષનો જાતીય દુરાવેગ રાણી પર, નોકરો પર અને ખુદ દીવાન પર પણ ક્ષણિક હિંસાનું સ્વરુપ ધરી બેસતો. ક્ષણ પછી ક્ષમા માટે કરગરતા.
એક ડાહ્યા લોકનેતાની કને એ અંતઃકરણ ઊઘડી પડતું. હીરાના પરખણહાર વિવેકી સ્નેહી માર્ગ સૂચવતા, ‘બાપુ, નવાં લગ્ન કરશો ?’
જવાબ તૈયાર હતો : ‘ના રે ના, ત્રણ દીકરા તો છે, બીજાં સંતાનો ઉમેરાય, એટલે આ નાનકડું રાજ્ય કેટલાકને નભાવશે ?’
‘તો બાપુ, એકાત રખાત…’
‘બોલશો મા. મારી પ્રજા પોતાના લંપટ રાજાની કેવી બૂરી અસર અનુભવશે !’
‘અહીં નહિ, તે મુંબઇ જેટલે વેગળે…’
‘ના, કદી નહિ. પ્રજા બગડે અથવા શરમીંદી બને.’
આવાં આવાં અણટાંક્યાંયાં સ્મરણોમાં એક તાજી જાણેલ વાત ઉમેરાય છે. કલાપી-પુત્રીનું પ્રથમ દર્શન અને મિલન મારા લોકસાહિત્યના સાહિત્યના દીક્ષા−દાતા દરબારશ્રી વાજસુરવાળાને ઘેર ગામ હડાળામાં ગોઠવાયું હતું. શિકારને બહાને જુવાન લાખાજી એક બપોરે આવી ચડ્યા. કન્યાને દીઠી, મળ્યા, જમ્યા, જમીને ઊઠ્યા એટલે એમની જ થાળી પર આવીને કલાપી−પુત્રી સ્વાભાવિક અદાથી જમવા બેસી ગયાં હતાં.
એ પત્નીનો ચિરવિજોગી પતિ ત્રણ દીકરાને લઇ માસિક ચાર હજાર જેટલી નાની જીવાઈની મર્યાદા સ્વીકારી લઈ (ચોપાસ જે કાળે આંધળી ફનાગીરી પોતાના બંધુ–રાજવીઓમાં પ્રવર્તતી હતી ત્યારે) એક આદર્શ વિધૂરનું વ્રત પાળી રહ્યો હતો. ટાંચણ બોલે છે––
નવી મોટરકારો ખરીદવાના મોહ જાણ્યા નહોતા, ઈગ્લાંડ જઈ કુંવરોને પોતાનું એઠું પણ સાફ કરવાની ફરજ પડે તેવા છાત્ર–ઘરમાં મૂક્યા હતા, રાજકોટની કન્યા-સ્કાઉટ-ગાઈડ્ઝ સાથે ગયેલા પોતાના એક કુમારે એક લોક-કન્યા પ્રત્યે કંઈક અવિનય કરેલ તેની ખાતર કુમારને ઘોડો કરાવી પ્રજા–કન્યાને એના પર બેસારેલી...’
ટાંચણ-પાનામાંથી એટલી જ બાબતોને ઉઠાવી લઇને પાનાં ફેરવું છું. પત્રકાર-જીવને મારો માનવ-સંપર્ક તેમજ માનવ-લીલાની માહિતી લીલીછમ રાખી છે. એ જીવન-સામગ્રીની વિપુલ પ્રાપ્તિ જો ન થતી રહી હોત તો એકલી વાણીનો સંગ મને કંગાલ કરી મૂકત, વેદીઓ બનાવત. જૂની અને નવી બન્ને વાણીમાં આજે રમણ કરવું ગમે છે, વાક્યો અને શબ્દો વિધવિધ ધ્વનિઓ ધારણ કરી અંતરમાં અજવાળાં પાથરી રહે છે, કારણ કે માનવ–સંપર્ક તૂટ્યો નથી. માત્ર વાર્તાના વીરો અને નાટકોના નાયકોથી કામ ન ચાલ્યું હોત. જીવનના મૂંગા વીરો ને નાયકો જોવા સમજવાને મળ્યા છે. લાખાજીરાજ વિષેનાં ટાંચણ-પાનાંએ મને હાથ પકડીને રોક્યો તે બરાબર થયું છે. એ સ્મરણો પણ સાહિત્યનાં જ છે.
સરનામું છે માત્ર-
‘ઠાકુરમાર ઝૂલી : શ્રી, આશુતોષ ઘર, આશુતોષ લાયબ્રેરી ૭૩૯/૧ કોલેજ સ્ટ્રીટ કલકત્તા.’
એ સરનામું સૂચવે છે કે છેક ૧૯૨૬ ની સાલથી આપણા લોકસાહિત્યનો પરપ્રાંતના લોકસાહિત્યની સાથે તુલનાલક્ષી અભ્યાસ ચાલતો હતો. પરપ્રાંતના જ નહિ, પરદેશોના પણ લોકસાહિત્યનું પરિશીલન ચાલતું હતું તે વળી આ ટચૂકડું ટાંચણ બતાવે છે.
સરખાવો Fair annie 61–117 ‘સાયબાના લગ્ન’
તે પછી પાછું ટૂંકું ટાંચણ—
શાકુંતલ : અંક ૫ અગર ૬ : ભરતને જોઈને દુષ્યંત–
धन्यास्तदं गरजसा मलिनीभवन्ति
સરખાવો - ધોયો ધફોયો મારો સાડલો
ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે !
કાલિદાસના શાકુંતલમાંની એક વાત્સલ્યોક્તિની સાથે આપણા અઘરણી – ગીતની એક ઉકિત જોડે આ સરખામણી કોણે સુઝાડી ? એ સ્મરણ સ્પષ્ટ છે. ભાઈ છેલશંકર વ્યાસે. મુંબઈના આજના સફળ વકીલ, તે પૂર્વેના અખબારનવેશ, સોવિએટપૂજક સામ્યવાદી અને તેની પૂર્વે ’ર૫-’૨૬ વાળા સૌરાષ્ટ્ર સાપ્તાહિક પરના બંધુ-સહતંત્રી શ્રી છેલશંકર પ્રથમ વાર મારા ભાવનગરની શામળદાસ કોલેજમાંના સમારંભમાં ‘લીપ્યું ને ગુપ્યું મારું આંગણું’ એ લોકગીત સાંભળીને આવ્યા અને શાંકુતલનો શ્લોક મારી પાસે ધરી દીધો, પ્રસંગ કંઇ દેખાય છે તેવો નાનો નહોતો. એક કાળના એ સમભાવી સમસંવેદનશીલ સ્નેહીએ આ નાના શા પ્રસંગને મારા મનમાં લોકસાહિત્ય તથા લોકોત્તર સાહિત્યની વચ્ચે સુવર્ણની કડી જોડી આપી. રેડિયમની કણિકા જેવી આવી કોઈ કોઈ સુચન–કણીઓ અણુઓલવાઇ ઝગ્યા કરે છે, પ્રકાશ આપ્યા જ કરે છે, ભમતા માણસને ચોકસ એક સૌંદર્યપંથ પર ચડાવી આપે છે. નાનું શું તાપણું છો ને ગાઉ બે ગાઉ છેટે ઝગતું હોય છતાં કાળામાં કાળી રાતના પથિકને ય સાચી દિશામાં રાખે છે.
દિશા ખોવાઇ જાત જો લોકસાહિત્યના એકાદ કોઇ પ્રદેશને નિરાળો રાખીને ભમ્યા કર્યું હોત તો. એક શાખાને પહેલાં પતાવી દઈએ પછી જ બીજીને પકડશું, એવું વલણ સાહિત્યના સેવનમાં સલામત નથી. સાહિત્યની શાખાપ્રશાખાઓ એ તો માળાની સેર્યો છે, ચોટલાની લટો છે, પટકુળના વાણા ને તાણા છે. એ તો છે શાળવીના જેવું, કબીરિયાના જેવું કામ. માનસ-પટનો વણાટ એ સર્વ ધાગાઓની સામટી ચાલ ઉપર જ અવલંબે છે એટલે જ મારાં ટાંચણ-પાનાંમાં ઘડીક બહારવટિયાનો કિસ્સો, ઘડીક ભજન, ઘડી વળી ચારણ પાલરવના ‘શામળાના દુહા’, તો પાછી ઘડીક વ્રતકથાઓ ડોકાય છે.
વ્રતકથાઓનાં ટાંચણનો ધોધ હવે આવે છે. પેન્સીલ અને શાહીની ગંગા-જમના ગ્રંથાય છે. યાદ આવે છે-અમારા કમ્પોઝીટર બારોટ હીરજીનાં બા ‘ફૈબા’, કપિલ ઠક્કરના બા મોંઘીબા, મારી માતા, બીજા એક બે ડોશીઓ—દાંતવાળાં ને વગરનાં પાંચ છ કરચલિયાળાં મોઢાં તરવરે છે. વૈધવ્યના કાળા વેશ, સંસારની ધમાચકડ, પાવળેપાવળે કરકસર કરીને ઘરવ્યવહાર ચાલતો રાખવાની ચીકણાશ, કૈક ક્ષુદ્રતા લઘુતાઓ, કૈક મનોવૈષમ્યો, મૂર્ખાઇઓ ને મૂંઝવણો, તેની વચ્ચેથી આ ડોશીઓનાં દિલ ‘પ્રાસવો મૂકતાં’, વાણીની ક્ષીરધારાઓ વર્ષતી, જેનાં દોણાં મેં ‘કંકાવટી ખંડ ૧-૨’ રૂપે દોહ્યાં છે.
રસોડાં, એકઢાળિયાં અને પીપળાને થડે આવેલા ઓટા પરથી આ દોણાં લઇ પાછા ફરો છો, ત્યાં તો રાજદરબારી કચેરીઓ ગજવતું ગલોફાં-ફાડ ચારણી સાહિત્ય તમને ઉંબરમાં મળે છે. મોં તમારાથી બગાડાશે નહિ. આવડે ન આવડે, સમજ પડે કે ન પડે, છતાં ટપકાવી લ્યો, ચારણ આવ્યો છે. મારવાડથી સૌરાષ્ટ્રે ઊતર્યો છે, રાજસ્થાનને કોઈક શુભ અવસરેથી શીખ લઈને પાછો વળી રસ્તે રાણપુરમાં ઊતરી પડ્યો છે, નામ ઠામ કે ચહેરો મોરો આછાં આછાંયે યાદ નથી, માત્ર શાહીનું ટાંચણ બોલે છે—
ઘોર ઘોર આંવે ચંહું ઓર ઓર ઉમ્મટ ઘન,
મોર મોર ગ્રવે મોર શોર હૂ મચાયો રી;
દોર દોર દામની પ્રકાશ દેત દેશન પર
લોર ઝોર ખાય ખાય આંન ઝર લાયો રી;
ઈંદ ગજરાજ પે બિરાજત મમ રાજ આજ
સાજ સાજ કામ કે સમાજ સર સ્હાયો રી;
બિરહ બ્રેહન કો બાસો બિપરીતકો પ્રકાશો
મીન કો મેવાસો ચત્ર માસો બન આયો રી.
ઋતુનાં ગાન લલકારી ગયો. ઝમક હતી પણ શબ્દનાં ઠેકાણાં નહિ. પાઠશુદ્ધિની પરવા કર્યા વગર સાંભળે જ જવું પડે. ટપકાવે જ જવું પડે, અક્કલને બે ઘડી દાબડીમાં પૂરી દેવી પડે. બુદ્ધિની બત્તી જરીક વધુ તેજ કરો એટલે હાંઉ ! વટકીને ઊભો રહે વાર્તાકાર ને આ સંશોધનના માર્ગમાં તો ‘બસ ત્યારે, આવજો ! સાહેબજી !’ એમ કહી માણસને વળાવી ઓફીસનાં બારણાં બીડી દેવાં થોડાં પાલવશે ? એમ કર્યું હોત તો નીચેનું ટાંચણ શે સાંપડ્યું હોત એ જ અડબંગની પાસેથી ?—
આઉવા ગામનો બલુ ચાંપાઉત : જોધપુર મહારાજની બરોબર ઘોડેસ્વારી કરતો : કાઢી મૂક્યો. ઉદેપુર ગયો. ત્યાં એણે સિંહને વણહથિયારે માર્યા. (પણ કંઈક ખટપટ થઈ.) બલુ દિલ્હી ચાલ્યો ગયો.
‘અહીં ઉદેપુરના રાણાએ ઘોડો પાળીને તૈયાર કર્યો : જીન, મોરા, દુમચી, લગામ, પેછુન, હેકલ, બધા શણગાર સજાવ્યા. પછી રાણાએ પૂછ્યું: ‘આ ઘોડા પર અસ્વાર કોણ સારો લાગે? ’
દરબારીઓ કહે કે ‘બલુ.’
તુરત રાણાએ ઘોડો સાજ સાથે દિલ્હી બલુ ચાંપાઉતને મોકલી આપ્યો.
બલુએ કહાવ્યું: ‘આ ઘોડાનો બદલો હું દેવારીના ઘાટમાં ચૂકવીશ, જીવીશ તો પણ ને મરીશ તો પણ.’
(પણ બલુનો દેહ પડી ગયો. પાછળથી રાણાજીને દેવારીના ઘાટમાં જોધાણનાથે ઉતારેલ શાહી ફોજ સાથે ઘોર યુદ્ધ થયું.)
બલુ સુરાપરમાંથી આવ્યો. રાણાની ફતેહ વર્તી.
એનું બિરદ–કથાગીત એ ચારણે ઉતરાવ્યું હતું તેમાં પાઠશુદ્ધિ ન હોવા છતાં, એક અચ્છા મરોડદાર રાજસ્થાની મરસીઆ તરીકે હું એને પિછાની શકું છું, એમાંથી વીરતાનો તરઘાયો ઢોલ સંભળાય છે. પાઠશુદ્ધિને માટે તો કોઈક ચારણ વાચક પાસેથી વાટ જોઈશ—
આગમ કથમ જેસહર આખે,
પોહ દાખે ધ્રુવ મેર પ્રમાણ;
મોંને અસ રીઝ્યાં મોકલીઓ
તસ બદલો દેશું દહીવાણ!
જુગ પર વચન કહે જોધપર,
પતા મૂજને ખતા પરે,
દેહેવારી કાંકળવે જાગમ
ભાડો અસચો લીધ ભરે.
પ્રવાણે ગોપાળવત ઇંસી પર
રણ ચઢ ઘણાં મારથી રોધ,
ચડિજે દળ ઘાટી ચીતોડાં;
સાંકર ભર લીજે ચીતોડ.
ભિડ ખુરશાણ રાણદળ ભાગાં,
શત્રહાં ઘણાં બજાડે શાર;
ઈતરે થકાં અરક–રથ આયો
અસ લીધો કમધજ અસવાર.
ઘાટ નઘાટ અહાડા ઘડતાં
ઝાટ ખગાં રણથાર ગલુ.
ભાખ્યા વચન જકા નિરભાયા
બસીઆ સુરપર છે બલુ.
ભાવાર્થ — રીઝીને તમે મને અશ્વ મોકલ્યો. એનો બદલો, હે દેવાંશી રાણા, આપીશ દેવારીના કાંકળ (ઘાટ)માં. એ અશ્વનું ભાડું રાણાએ વસુલ કરી લીધું. જોધપુરના ઘણા મહારથીઓ રણે ચડ્યા, દેવારી ઘાટ રુંધ્યો; ખોરાસાની ( શહેનશાહનાં મુસ્લિમ) સૈન્યો જોધાણનાથ લાવ્યા તેની સાથે લડીને રાણાનાં દળકટક ભાગ્યાં, શત્રુઓ માર દેવા લાગ્યા. તેટલામાં તો અર્ક [સૂર્ય]નો રથ ગગનમાંથી ઊતર્યો, ને લીલા અશ્વ પર દેહધારી અસ્વાર દેખાયો. રણાંગણમાં એણે ખડ્ગની ઝીંક મચાવી. વચન બોલ્યો હતો તે નિભાવ્યું. ને પછી બલુ ચાંપાઉત પાછો સુરાપરે જઈ વસ્યો.
રાજસ્થાની વાતો, ચારણ-કાવ્યો, મરોડદાર દુહા, રાજસ્થાની સ્ત્રીગીતો, એનો આજે તો પરિચય વધ્યો છે. ’૨૬માં નજીવો હતો. એ સમસ્ત વાણી ગંભીર છે. પાર ન આવે તેટલી છે. રાજસ્થાન એ તો ગુજરાતનું સંસ્કારપિયર છે. આપણા ને એના એક શ્વાસ છે. પણ એક હાથ બધે પહોંચી શકતો નથી. બીજા હાથ નીકળતા નથી. યુનિવર્સિટીમાં કીડિયારાં ઉભરાય છે. શા ખપનાં ?
લાલજીનો ટુચકો
એ મારવાડી ચારણ પરથી પાનાં ફરે છે. બહારવટિયા-ગીતો અને વ્રતકથાઓ : શ્રમજીવી જનતાનું સાહિત્ય સમજી ટાંકતો ગયો છું. એક આંખમાં આંસુ ને બીજીમાં હાસ્ય ભરતાં મોંઘીબાનું સુરેખ ચિત્ર આંકતો ‘લાલજી’નો ટૂચકો મારા આ ટાંચણમાં પડ્યો છે. એક હતી કણબણ ને એક હતી બામણી. બેઉ પાડોશી. કણબણ વસ્તારી ને બામણી વિધવા.
કણબણના ઘરમાં-દીકરાના દીકરા, દીકરીની દીકરી, દુઝાણું ને વાઝાણું, ખેતર ને પાદર. પણ ધરમમાં જીવ. સવારમાં ઊઠીને નાઈ ધોઈ લ્યે ને કામકાજ કરતી રામરામ કહેતી જાય.
એક દાડે બામણી આવી: બેન, બેન, હું જાઉં છું ગામતરે, ને મારા આ લાલજીને ( બાળકૃષ્ણની મૂર્તિને ) તારા ટાંકામાં બેસારતી જાઉં છું. ભલી થઈને મારા લાલજીને રોજ ઘીનો દીવો કરજે, ને સાકરની કટકી ધરાવજે.
કણબણે તો સવાર પડ્યું એટલે ટાંકા આગળ જઈને લાલજીને કહ્યું કે ‘લાલિયા ! બેટા ! મારા છોકરા છે વઢકણ, તું તારે ખાઈ પીને ગોખલામાં ગરી જા. પછી કોઇ તારું નામ ન લ્યે બેટા.’
લાલજી નાના બાળક બની નીચે ઊતરી કણબણને કહ્યે ખાઈ પી લેતા ને પછી ટાંકામાં ચડી છાનામાના બેસી જતા.
બામણી ગામતરેથી પાછી વળી. લાલજીની મૂર્તિ પાછી લેવા આવી. પૂછ્યું ‘કાં બેન, સાકર ધરાવતી'તીને?’
કણબણ કહે કે ‘બેન ! તારો લાલજી તો બહુ ડાહ્યો. કહ્યા ભેળો રોજ હેઠે ઊતરી ખાઈ કરીને છાનોમાનો ગોખલામાં બેસી રહે.
બામણી તો સાંભળીને ઝંખવાણી પડી : કે બાઈ, મારી રંડવાળની મશ્કરી કરછ ?
કે બાપુ, મશ્કરી શાની ?
કે ત્યારે શું મારી મૂર્તિ ખાતી’તી ?
કે રૂડો રૂપાળો પેટ ભરી લે’તો બાપુ.
લે બાઈ ! ખવરાવ જોઉં !
કે’ લાલિયા, બેટા, હેઠો ઊતર ને ખાઈ લે.
મૂર્તિ ન ઊતરી. કણબણ ભોંઠી પડી ગઈ. અરે મને જૂઠી પાડી : અલ્યા મહિનો મહિનો ખાછ પીછ, ને આજ મા આવી છે એટલે મરડાછ ? ખાછ કે નહિ ? નહિ ખા તો માને ખબર શું પડે મેં ખવરાવ્યું’તું કે ભૂ રાખ્યો’તો ? ખાઈ લેછ કે નીકર લાકડી લઉં ?’
ને લાલજી પ્રત્યક્ષ થયા. બાળ ભગવાને ડાહ્યા ડમરા થઈ જમી લીધું.
નાની ને મોટી આવી કથાઓ દ્વારા એક જ સત્ય ઠસાવવા આપણી સંસ્કૃતિ મથી રહી છે, કે સાચી ઈશોપાસના શ્રમજીવન છે, શ્રમીને જ દેવ ત્રૂઠે છે, નર્યા દમીને નહિ. સંસારના ભાર ઉપાડવાની વૃત્તિ હમેશાં ધન્યવાદને પામી છે. દેવને ગમે છે પાર્થિવ જીવનમાં જ રચેલાં પચેલાં સરલહૃદયી શ્રદ્ધાળુ માનવોની વચ્ચે બેસણાં.
ભાદો કેમ કુટાય છે?
આ વિચારનું જ જાણે સમર્થન કરતું હોય તેમ એક ટાંચણ–પાનું આવી મળે છે. આજે મારા ઘર પાસેની શેરીઓમાં સાંજ પડે છે ને છોકરીઓ દેદો કૂટવાની રમતો રમે છે. મોળાકત વ્રત (અલૂણા વ્રત) નજીક આવી રહ્યું છે. આ દેદા–કૂટણ શું છે ? દેદાજી તે કોઈ ક્ષત્રિય વીર થઈ ગયા છે. પણ ભેળો ભાદો ભરવાડ પણ કુટાતો લાગે છે. ટાંચણ બોલે છે કે—
ભાદો હતો ભરવાડ.
એને ઘણી ગાયો.
એક દા'ડો ભાદો ચારીને આવ્યો. ગયો ઝોકમાં. ગ્રામ. વગડામાંથી ગાયું આવીયું, ભૂરાયું થઇયું થયું. ભાદાને કચરી નાખ્યો.
જીવ ન જાય, કારણ કે કુંવારો. પરણવામાં જીવ રહી ગયો છે.
શું કરીએ ?
જા ભાદા, જીવને ગતે કરજે. જેટલી કુંવારિયું છે ઇ માતર તને કૂટશે.
ભાદાએ ગત પામીને પ્રાણ છોડ્યા.
આજ વર્ષોવર્ષ કુંવારી કન્યાઓ વીર દેદાને અને વાંઢા ભાદાને કૂટે છે. ‘ભાઇ દેદા ! વોય વોય વોય.
‘કુણુકલા લાડા ! વોય વોય વોય.
‘કેસરીઆ લાડા ! ” ” ”
‘ગલાલિયા લાડા ! ” ” ”
‘કુંવારા લાડા ! ” ” ”
‘ઊપરણીની સોડે દેદા ! વોય.
‘કાચી કાતળિયે ભાદા ! વોય.
ભાદાદેદાના બારમાસી કૂટણને તમે અશિષ્ટ કહો, જંગલી કહો, કૂટનારીઓ પોતે પણ હસતી હસતી, રમૂજ રૂપે કૂટતી રાચે છે; પણ આ મુખ્ય વિચાર મને છોડતો નથી, કે માનવીના જાતીય પ્રશ્નની, આપણને જેવું આવડ્યું તેવે સ્વરૂપે માવજત કરવાનું આપણે ચૂક્યા નથી. કુંવારી દશામાં યુવાનનું અવસાન, એ આપણામાં એના વાસના-જીવનની સમસ્યા મૂકી જતું. સમાજ એનો વિચાર કરતો.