પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
Appearance
ગંગાસતીના ભજનો ઝીલવો જ હોય તો રસ ગંગાસતી |
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે ... પરિપૂર્ણ.
નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે ... પરિપૂર્ણ.
સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ.
મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ.