લખાણ પર જાઓ

પામર નર ન ભજ્યો ભગવાન

વિકિસ્રોતમાંથી
પામર નર ન ભજ્યો ભગવાન
દેવાનંદ સ્વામી



પામર નર ન ભજ્યો ભગવાન

પામર નર ન ભજ્યો ભગવાન
મરણ આવ્યું ઢૂંકડું, કાલ્ય આવશે કાળ અજાન... ટેક

અણ સમજ્યા ઔષધ કરે રે, રતિ એક રોગ ન જાય;
લોકવાણી ઉરમાં ધરી રે, ગોળી જળમાં ઘોળી ઘોળી પાય... મરણ ૧

અન્ન ગળે નવ ઊતરે રે, ખાતાં ઊલટી થાય;
અતિ વ્યાધિ દુઃખ દેહમાં રે, ખાંસી શૂળ આવે ન ખમાય... મરણ ૨

સગાંસંબંધી સહુ મળી રે, બેસે ઘરને બા'ર;
અઢાર દિવસથી અન્ન મેલ્યું રે, ડોસો તન તજવા થયો ત્યાર... મરણ ૩

ઇન્દ્રિના દેવ ઊઠી ગયા રે, વૈખરી વાણી બોલાય;
દેવાનંદ કહે હરિ વિમુખનો રે, તોય પાપી પ્રાણ ન જાય... મરણ ૪