લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૧૦. રચનાત્મક કાર્યકર્તાઓને

વિકિસ્રોતમાંથી
← ૯. રાષ્ટ્રીય શિક્ષકોને પાયાની કેળવણી
૧૦. રચનાત્મક કાર્યકર્તાઓને
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૧. રાષ્ટ્રીય કેળવણીકારોને →


૧૦
રચનાત્મક કાર્યકર્તાઓને

['સ્વાશ્રયી કેળવણી' એ લેખ]

સરકારી એટલે સાત પ્રાંતોમાં મહાસભા-સરકારી સમજવું જોઈએ. પણ મહાસભા-સરકાર થઈ એટલે જે માનસ મહાસભાવાદી લોકોનું ન હતું એ કાંઈ એકાએક થઈ જાય, એમ માનવું જરાયે કારણ નથી. જેમ મહાસભાનો રચનાત્મક કાર્યક્રમ ૧૯૨૦ના મહાપરિવર્તનકાળથી ચાલ્યો જ આવે છે, તોપણ એને વિષે મહાસભાવાદીઓમાં જીવતું વાતાવરણ પેદા થયું છે એમ નહીં કહી શકાય. પછી મહાસભાની બહારના વિષે પૂછવું જ શું? પણ જોકે ('સંહારક' એ વિશેષણ અહિંસક રચનાને વિષે વાપરવું અયોગ્ય ન હોય તો) સંહારક અથવા નિષેધાત્મક ક્રમ જેટલો લોકપ્રિય થઈ પડ્યો એટલો રચનાત્મક અથવા ઉત્પાદન કાર્યક્રમ ન થઈ શક્યો, તોપણ મહાસભા તેને ૧૯૨૦ની સાલથી સહન કરતી આવી છે. મહાસભાએ તેને કદી રદ્દ કર્યો નથી, અને ઠીક સંખ્યામાં મહાસભાવાદી લોકોએ તેને અપનાવી લીધો છે. તેથીએ ક્ષેત્રમાં જે કંઈ થઈ શક્યું છે, તે મહાસભાવાળાથી જ થઈ શક્યું છે. અને પ્રગતિ થવાની આશા પણ જ્યાં મહાસભા-સરકાર થઈ છે ત્યાં જ રાખી શકાય. પણ મહાસભા-સરકાર થઈ તેથી રચનાત્મક કાર્યમાં શ્રદ્ધા રાખનારાઓ મોળા ન પડે, ગફલતમાં ન રહે. મહાસભા-સરકાર થઈ એટલે તેઓનો ધર્મ વધારે જાગ્રત, વધારે ઉદ્યમી, વધારે અભ્યાસી થવાનો છે. અને એમ થાય તો જ મહાસભા-સરકારને વિષે આશા રખાયેલી હોય તે સફળ થાય. મહાસભા-સરકાર એટાલે લોકતંત્ર આજે ઉઠાવવા ઇચ્છે તો ઉઠાડી શકે છે. લોકતમ્ત્રની ઇચ્છા અને સત્તા ઉપર એ સરકાર નિર્ભર છે. એથી રચનાત્મક કાર્યક્રમનો સ્વીકાર અને અમલ પણ મહાસભાવાદી લોકો ધારે તો કરાવી શકે છે, અને તો જ થઈ શકે. સરકારની પાસે સ્વતંત્રબળ એટલે તલવારબળ નથી. તેનો મહાસભાએ ઇચ્છાપૂર્વક જ ત્યાગ કર્યો છે. એ બળ બ્રિટિશ સરકાર પાસે છે. જ્યારે મહાસભા-સરકારને બ્રિટિશ સત્તાનો એટલે કે તલવારબળનો ઉપયોગ કરવો પડે, ત્યારે ત્રિરંગી ઝંડો નીચે પડ્યો સમજવો; મહાસભા-સરકાર તે દિવસથી બંધ થઈ એમ સમજવું. પણ જો લોકો મહાસભાનું એટલે મહાસભા-સરકારનું ન માને અથવા તેઓમાં અહિંસાએ પ્રવેશ ન કર્યો હોય, તો આજે તેજસ્વી સરકાર કાલે નિસ્તેજ થઈ જશે.

એટલે રચનાત્મક કાર્યને વિષે શ્રદ્ધા રાખનારા મહાસભાવાદીઓ સાવધાન થઈ જાય. મેં રજૂ કરેલો શિક્ષણક્રમ પણ રચનાત્મક કાર્યનો મોટો અંશ છે. જે રૂપ તેને હું અત્યારે આપી રહ્યો છું, એ મહાસભાએ અપનાવ્યું છે, એમ કહેવાનો મારો આશય નથી. પણ હું જે લખી રહ્યો છું તે ૧૯૨૦થી રાષ્ત્રીય શાળાઓને વિષે જે કંઈ મેં કહ્યું છે ને લખ્યું છે તેના મૂળમાં છુપાયેલું જ હતું. એ મારી પાસે વખત આવ્યો એટાલે એકાએક પ્રગટ થયું છે, એવો મારો દૃઢ વિશ્વાસ છે. હવે નો પ્રાથમિક કેળવણી ઉદ્યોગ મારફતે જ આપવાની છે, તો એ કામ મુખ્યત્વે રેમ્ટિયા અને બીજા ગ્રામૌદ્યોગ વિષે જેને વિશ્વાસ છે તેઓનાથી જ અત્યારે તો થઈ શકવાનું છે; કેમ કે ગ્રામૌદ્યોગોમાં મુખ્ય વસ્તુ રેંટિયાના ઉદ્યોગમાં ચરખા સંઘે જ ઠીક માહિતી મેળવી છે ને બીજા ઉદ્યોગ માટે ગ્રામૌદ્યોગ સંઘ માહિતી મેળવી રહેલો છે. તેમ જે તાત્કાલિક રચના થઈ શકે એવી છે, તે રેંટિયો વગેરેના ઉપયોગ અમારફતે જ થાય એમ મને લાગે છે. પણ રેંટિયા વિષે જેમને શ્રદ્ધા છે એ બધાં કાંઈ શિક્ષક હોતાં નથી. દરેક સુતાર સુતારીકામનો શાસ્ત્રી તે ઉદ્યોગનું શાસ્ત્ર ન જાણે તે ઉદ્યોગને માટે સામાન્ય શિક્ષણ નહીં આપી શકે. તેથી જેઓને શિક્ષણશાસ્ત્રમાં રસ છે ને રેંટિયા ઇત્યાદિમાં રસ છે એવા જ માણસો પ્રાથમિક શિક્ષણમાં મેં સૂચવેલો ક્રમ દાખલ કરી શકે છે, એવા જે હોય તેવાને મદદ થઈ પડશે એમ માનીને નીચે શ્રી દિલખુશ દેવાનજીનો કાગળ જે મારા પર આવેલો છે તે અહીં રજૂ કરૂં છું:

"સ્વાશ્રય અને ઉદ્યોગ દ્વારા કેળવણી વિષે આપ हरिजन અને હરિજનબંધુમાં જે સુંદર વિચારો અને અનુભવો લખી રહ્યા છો તેથી મને મારા અહીંના એ દિશામાંના કાર્યમાં એટલું બધું પ્રોત્સાહન અને ઉત્તેજન મળ્યું છે કે આ પત્ર લખવા હું પ્રેરાયો છું અને આપની આખીયે યોજના કેટલી બધી યોગ્ય છે તે વિષેનો મારો ઉત્સાહ જણાવવાહું લલચાયો છું. બે વરસથી હું અહીં જે નાની ઉદ્યોગશાળા ચલાવી રહ્યો છું, એના અનુભવો આપના વિચારોને ખૂબ સંમત થતા જાય છે, એથી મને બહુ હર્ષ થાય છે. આથી આપ ક્રાંતિકારક વિચારો દર્શાવી રહ્યા છોતે હું સંપૂર્ણ રીતે વધાવી લઈ એમાં મારી સો ટકા સંમતિ આપી શકું છું. એ મારી અંધશ્રદ્ધાનું પરિણામ નથી, પરંતુ અનુભવજન્ય શ્રદ્ધાનું એ પ્રતીક છે. એમ આપ સમજી શકશો. આપ આખા દેશને ઉપયોગી થઈ પડે એવી શાસ્ત્રીય અને પૂર્ણ યોજના વિચારી રહ્યા છો. હું અહીં જે કાર્ય કરી શક્યો એમાં પૂર્ણતા અને શાસ્ત્રીયતાને પુષ્કળ અવકાશ છે. અને એ દિશામાં હું મથી રહ્યો છું. એમાં વધુ પૂર્ણ થવામાં ખૂબ જ હોંશ અને આનંદ મળે છે. પરંતુ બે વર્ષથી મને જે કંઈ ચિંતનો, વિચારો થઈ રહ્યાં છે, તે પરથી મને આપના સ્વાશ્રયી અને ઉદ્યોગી શિક્ષણના વિચારો બહુ જ યોગ્ય અને અનુભવસિદ્ધ થઈ શકે એવા લાગે છે. હું આપના વિચારોના મુદ્દાઓ સમજી શક્યો છું. એ પ્રમાણે મારો અનુભવ પણ એવો થતો જાય છે કે,

"૧. બધાજ પ્રકારની કેળવનીનું વાહન ઉદ્યોગ રાખવાથી સાચે જ વિદ્યાર્થીને સર્વોત્તમ કેળવણી મલી જ રહે છે. અને તેમાં પુરુષાર્થ અને ચારિત્રના સંસ્કારો તો આવા ઉદ્યોગમય શિક્ષણોની મહામોંઘી બક્ષિસ જ થઈ પડે છે. એટલે હિંદ જેવા ગરીબ દેશની કેળવણીને સ્વાશ્રયી બનાવવાની એમાં જે અપાર શક્તિ પડેલી છે એ સિવાય કેળવણીના શુદ્ધ શાસ્ત્રની દૃષ્ટિએ પણ ઉદ્યોગને કેળવણીનું વાહન કરવાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ બહુ જ સરળ થાય છે."

"૨.ઉદ્યોગને કેળવણીનું વાહન કરવાથી પ્રાથમિક કેળવણી જરૂર ખુશીથી સ્વાશ્રયી તઈ શકે છે. હિંદ જેવા ગરીબ દેશની કેળવણીનો પ્રશ્ન કેળવણીને સ્વાશ્રયી કરવાથી જ ઉકેલી શકાય. ઉપરાંત આપણી આર્ય સંસ્કૃતિને આ જ પદ્ધતિ અનુરૂપ થાય એમ છે. મને તો રેંટિયાનો ઉદ્યોગ ખૂબ જ ગમી ગયો છે. એ જ સર્વ વ્યાપક થઈ શકે એમ લાગે છે. એટલે મારા બે વર્ષના અનુભવમાં રેંટિયા ઉદ્યોગની પ્રાપ્તિનાજ આંકડા મારી પાસે પડ્યા છે. આપે વિચાર્યું છે એટાલું બધું વ્યવસ્થિત રૂપ મારા શિક્ષણકાર્યને હજુ નથી અપાયું. એટલે એમાં થયેલા અનુભવને પ્રગતિ માટે ખૂબ જ અવકાશ છે. એ આંકડાઓ અને તે વિષેની નોંધ આપની ઇચ્છા હોય તો મોકલીશ."

"૩. અંગેજી રદ્દ કરવાથી અને પ્રાથમિક કેળવણીને વધુ વ્યાપક દૃષ્ટિએ વિચારવાથી - અને વધુ સમય ઉદ્યોગમાં આપવા છતાં - આ પદ્ધતિથી થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓનો વધુ વિકાસ આપણે સાધી શકવાના છીએ, એ પણ મને તો બરાબર દેખાતું જાય છે. 'પંડિતાઈ', 'વિદ્વતા', 'કૌશલ્ય', વગેરેના કેળવણીના આજના અત્યંત ભ્રમ ભરેલા ખ્યાલો છોડીશું તો જ ઉદ્યોગકેળવણીમાં રહેલા સર્વગામી વિકાસની ઓળખ આપણૅ કરી શકીશું"

"૪. શાળાના કુલ સમયનો પોણાભાગનો સમય ઉદ્યોગને આપવાની ર્પથમ ક્રાંતિ કરી બીજી ક્રાંતિ કેળવણીની પદ્ધતિમાં એ કરવાની રહે છે કે, વાચનલેખન, સમયપત્રક, પરીક્ષા, વિષયવાર શિક્ષણ વગેરે આજનાં સાધનો દૂર કરી ઉદ્યોગકેળવણી માટે આ નીચેનાં સાધનો જ બહુ ઉપયોગી અને સરળ નીવડતાં જાય છે."

"(अ) શ્રુત શિક્ષણ : પુસ્તકો પર આધાર રાખવાને બદલે શિક્ષકજ એના વિદ્યાર્થીઓ આગળ જીવંત પુસ્તક થઈ બેસી જાય તો હાલતાં ચાલતાં વાતોમાં અને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ થોડા સમયમાં એટલું બધું મેળવતા જાય છે કે, શિક્ષકની હોંશ અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને પરિણામે એ જીવંત પુસ્તકમાં નિત્ય નવીન પ્રકરણો ઉમેરાતાં જાય છે. અને આવા શ્રુત શિક્ષણમાં પુસ્તકોના અર્થનો લગભગ છે દ જ ઊડી જાય છે."

"(आ) શિક્ષકનો સહવાસ : ઉદ્યોગકેળવણીનું આ તદ્દન અનિવાર્ય સાધન છે. શિક્ષકના અંતરમાંવિદ્યાર્થીઓ માટે પ્રેમ અને ઉત્સાહ ઊભરાતાં હશે, તો આ સહવાસ બહુ જ સરળ, રસિક અને પરસ્પર વિકાસસાધક નીવડે છે. આવો શિક્ષક શિક્ષક ઉપરાંત સનાતન વિદ્યાર્થી રહે છે."

"(इ) રાસ્ટ્રીય અને પ્રજાકીય પ્રવૃત્તિઓમાં સતત સહકાર આપવાનો ક્રમ ઉદ્યોગ દ્વારા તો બાળપણથી જ પ્રજા-સમાજ અને સરકારન વિદ્યાર્થી વર્ગ મદદ કરતો થઈ જાય છે. પરંતુ આપ લખો છો એમ દારૂનિષેધ જેવી, હરિજનસેવા અને ગામસફાઈ જેવી પ્રવૃત્તિમાં સતત સહકાર આપવાનો ક્રમ પોતાની શાળામાં દાખલ કરી કુશળ અને હોંશીલો શિક્ષક જીવનની શરૂઆત્માં જ વિદ્યાર્થીઓને સેવા અને સમાજ પરિચયની ઉત્તમ પ્રકારની વ્યવહારૂ અને જીવંત કેળવણી આપી દે છે. આપણી ઉદ્યોગકેળવણીનું આ નવું સાધન આખી કેળવણીને અત્યંત વ્યવહારૂ , જેવંત અને ફળદાયી બનાવી દે છે. આ વિષૅ હું વધુ ને વધુ વિચારું છું તેમ તેમ મને વધુ ને વધુ સ્પસ્ટ થતું જાય છે કે , સ્વરાજસાધના અને સ્વરાજ સંચાલનની ખાદી, ગ્રામૌદ્યોગ, દારૂનિષેધ, હરિજનસેવા અને ગ્રામસફાઈની આપણી પ્રાણ___ પ્રવૃત્તિઓને ઉદ્યોગપ્રધાન પ્રાથમિક શાળાઓ ખૂબ જ મદદરૂપ થઈ પડવાની છે. 'વિદ્યાર્થીઓ જ પ્રજાનું સાચું ઘડતર કરી શકે છે.' એ સૂત્રનો આમાં કેટલો સુંદર પ્રયોગ થઈ રહેવાનો છે!"

"(ई) માબાપ - વડીલો સાથે વધુ નિકટ -વધુ જીવંત સંબંધ આપણી નવી પ્રાથમિક કેળવણીનું આ સાધન ભારે શક્તિશાળી થઈ પડવાનું છે. આજની કેળવણી તો માબાપ ને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર વધાર્યા કરે છે. રજિસ્ટર પર સહી કરવી અને ફી આપવી એ સિવાય માબાપોને શાળાકેળવણીમાં કશો રસ નથી હોતો. શાળામાં મળતી કેળવણી પુસ્તકિયા હોવાથી ગૃહતંત્રના વહેવારથી દૂર જ ભાગે છે - કૌટુંબિક પ્રેમ તૂટતો જાય છે. વર્ણ વ્યવસ્થામાં રહેલી પરંપરાગત ખેતી ઉદ્યોગની સાંકડીઓની કળીઓ પુસ્તકિયા કેળવણીમાં ખોવાઈ, અટવાઈ જવાથી શુદ્ધ વર્ણવ્યવસ્થાનો લોપ થઈ રહ્યો છે. પરિણામે દેશની ખેતી અને ગ્રામોદ્યોગો સુકાતા જાય છે. આપણી કેળવણી ઉદ્યોગમે હશે, એટલે ગામડાંના જ ઉદ્યોગો એટલે કે માબાપના ધંધાઓ સાથે એને સીધો સંબંધા હશે. એટલે માબાપોને એમાં ખૂબ રસ પડશે. એમને ખાતરી હશે કે, દીકરો દીકરી ભણીને ઉદ્યોગ વિહોણાં ન થતાં ઘરકામમાં મદદરૂપ થશે. આમ પ્રાથમિક કેળવણીને ફરજિયાત બનાવવાનો કોયડો વધુ સરળ થશે. ફરજિયાત શિક્ષણ પાછળનું બાળ દંડ નહીં રહે. માબાપનો ઉત્સાહભર્યો સહકાર જ સાચે સાચું બળ થશે.

"(उ) પ્રાથમિક શિક્ષણના ખ્યાલને આપ વ્યાપક કરવા ઇચ્છો છો એ બહુ જ યોગ્ય છે. ગુજરાટી ચાર ધોરણ પછીના વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે. એમના અનુભવો એવા મળી રહ્યાં છે કે, ચાર ધોરણ પછીના ગામડાંના વિદ્યાર્થીઓનો આખોયા પ્રશ્ન નવીન અને ક્રાંતિકારી વિચારણા માંગી લે છે. અનુભવ તો એ થાય છે કે, ચાર ધોરણ પછી અંગ્રેજીના મોહેશહેરની શાળાઓ તરફ જ ગામડાંના વિદ્યાર્થીઓ આકર્ષાય છે. તે કેળવણી ખર્ચાળ હોવાથી ઘણાં માટે તેના દરવાજા બંધ રહે છે. તેમની કેળવણી અધવચમાં રાખડી પડે છે. જેઓ મહામહેનતે જાય છે તે વિલાસી, પરોપજીવી કેળવણી લઈ પોતાને, માબાપને તેમજ ગામનાં હિતને દગો જ દે છે. આ વર્ગને જો ગામડામાં ઉદ્યોગશાળા રાખી ભણાવી તો એમાં માબાપનું, વિદ્યાર્થીનું અને ગામનું પાર વિનાનું હિત થાય છે. વિદ્યાર્થીઓને વિનીત (મેટ્રિક) સુધીનું જ્ઞાન બહુ જ થોડા વખતમાં ચાર કલાક ઉદ્યોગ અને બે કલાક અભ્યાસની શાળામાં બહુ ખુશીથી આપી શકાય, એવો મારો અનુભવ દ્રઢ થતો જ જાય છે.”

ह. बं. ૧૭-૧૦-‘૩૭