લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૧૭. એક ડગલું આગળ

વિકિસ્રોતમાંથી
← ૧૬. વર્ધા શિક્ષણ પરિષદ પાયાની કેળવણી
૧૭. એક ડગલું આગળ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૮. "પશ્ચિમની આયાત નથી" →


૧૭
એક ડગલું આગળ

વર્ધામાં ગયે અઠવાડિયે મળેલી શિક્ષણ પરિષદે કરેલા કામકાજનો હેવાલ ( ઉપર પ્ર. ૧૬માં) આપેલો છે. પ્રજા અને મહાસભાના પ્રધાનોની આગળ મારી યોજના રજૂ કરવાના કાર્યમાં આ પરિષદથી એક નવું અને અગત્યનું પ્રકરણ શરૂ થાય છે.એટલા બધા પ્રધાનો પરિષદમાં હાજર હતા એ શુભ ચિહ્ન હતું. પરિષદમાં મુખ્યત્વે જે વાંધા લેવાયા ને ટીકા થઈ તે શિક્ષણ સ્વાવલંબી હોવું જોઈએ એ વિચાર - મેં રજૂ કરેલા સંકુચિત રૂપમાં પણ - ની સામે હતાં. એટલે પરિષદે જે ઠરાવ કર્યા છે એમાં બહુ સાવચેતી રાખેલી છે. પરિષદને અજાણ્યા સમુદ્રમાં નાવ હંકારવાનું હતું એ વિષે તો કશી શંકા નથી. એની નજર આગળ અગાઉનું એકે સંપૂર્ણ દૃષ્ટાંત ન હતું. મેં રજૂ કરેલો વિચાર જો સાચો હશે તો તેનો વ્યવહારમાં અમલ જરૂર કરી શકાશે.આખરે તો તેમને સ્વાવલંબન્વાળા ભાગ પર શ્રધ્ધા હોય તેમણે એ વિચાર પ્રમાણે નિશાળો ચલાવીને એ વિચારનું સંગીનપણું પુરવાર કરી બતાવવાનું છે.

માધ્યમિક અભ્યાસક્રમમાંથી અંગ્રેજી બાદ કરીને બાકીના શિક્ષણ સહિતની પૂરી પ્રાથમિક કેળવણી કોઈ પણ ઉદ્યોગ દ્વારા અપાવી જોઈએ એ પ્રશ્ન વિષે તો આશ્ચર્યકારક એકમતી હતી. છોકરા અને છોકરીઓમાં રહેલા પૂર્ણ પુરુષત્વ કે સ્ત્રીત્વનો વિકાસ ઉદ્યોગ દ્વારા સાધવાનો છે, એ હકીકત આપોઆપ નિશાળોને કારખાનાં બનાવતી અટકાવે છે, કેમ કે છોકરા છોકરીઓને જે ઉદ્યોગનું શિક્ષણ મળે તેમાં તેઓ અમુક અંશે નિષ્ણાત થાય, તે ઉપરાંત તેમને જે વિષયો શીખવાના હશે તેમાં પણ એટલી જ આવડત બતાવવાની રહેશે.

આ યોજનાનો વ્યવહારમાં અમલ કેમ થઈ શકે અને છોકરા છોકરીઓને એક પછી એક વરસે શું શું શીખવાનું રહેશે, એ ડૉ. ઝાકિર હસેનની સમિતિના પરિશ્રમ પરથી આપણે જાણી શકીશું.

એક વાંધો એવો ઉઠાવવામાં આવ્યો છે કે, પરિષદમાં શા ઠરાવો થવાના છે તે તો અગાઉથી નક્કી થઈ ચૂકેલું જ હતું. આ વાંધો છેક જ વજૂદ વિનાનો છે. આખા દેશમાંથી કેળવણીકારોને ગમે તેમ પસંદ કરીને બોલાવવા અને તેમને મન જે યોજના બેશક ક્રાંતિકારક હતી તેના પર તેમને એકાએક મત પ્રદર્શિત કરવાનું કહેવું, એ વસ્તુતઃ અશ્ક્ય હતું. એટલે જેમણે શિક્ષક તરીકે ઉદ્યોગશિક્ષણનો કંઈકે અનુભવ લીધેલો એવાઓને જ નિમંત્રણો મોકલવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રીય શિક્ષણનું કાર્ય કરનારા સાથીઓ આ નવી કલ્પનાને સમભાવપૂર્વક ઝીલી લેશે એવો ખ્યાલ મને પોતાને જ નહોતો. આ યોજના જ્યારે ઝાકિર હુસેન સમિતિ મારફતે મૂર્ત અને વધારે પૂર્ણ રૂપે પ્રજાની આગળ આવશે, ત્યારે કેળવણીકારોના વિશાળ વર્ગને એના પર વિચાર કરવાનું નિમંત્રણ જરૂર અપાશે. જે કેળવણીકારો પાસે મદદગાર થઈ પડે એવી સૂચનાઓ હોય તેમને મારી વિનંતિ છે કે, તેઓ એ સૂચનાઓ સમિતિના મંત્રી શ્રી આર્યનાયકમને વર્ધાને સરનામે મોકલી આપે.

પરિષદમાં એક વક્તાએ ભાર દઈને કહ્યું કે, નાનાં છોકરા છોકરીઓને શિક્ષણ આપવાનું કામ પુરુષો કરતાં સારી રીતે સ્ત્રીઓ કરી શકે; અને કુમારિકાઓ કરતાં સારી રીતે માતાઓ કરી શકે. બીજી દૃષ્ટિએ પણ, અધ્યાપક શાહની ફરજિયાત સેવાની યોજનામાં ભળવાની અનુકૂળતા એમને વધારે છે. જે દેશપ્રેમી મહિલાઓની પાસે ફુરસદનો વખત હોય તેમને આ એક સૌથી મોટા સત્કાર્યમાં પોતાની સેવા અર્પણ કરવાની આ સરસ તક છે, એમાં શંકા નથી. પણ તેઓ જો તૈયાર થાય તો તેમણે પૂરતી પ્રાથમિક તાલીમ લેવી પડશે. આજીવિકાની ખોળમાં પડેલી ગરજવાન બહેનો, જે આ પ્રવૃત્તિને એક ધંધો માનીને તેમાં જોડાવાનો વિચાર કરતી હોય, તેમનાથી કશો અર્થ નહીં સરે. તેઓ જો યોજનામાં ભળે તો તેમણે શુધ્ધ સેવાભાવથી એમાં પડવું જોઈએ ને ને પોતાનું જીવનકાર્ય બનાવવું જોઈએ. તેઓ જો સ્વાર્થી વૃત્તિથી એમાં પડશે તો તેઓ ધાર્યું કામ નહીં આપી શકે ને અતિશય નિરાશ થશે. જો ભારતવર્ષની સંસ્કારી મહિલાઓ ગાંમડાંની પ્રજા સાથે - અને તે પણ તેમનાંબાળકો મારફતે - એકતા સાધે, તો તેઓ ભારતવર્ષનાં ગામડાંના જીવનને શાંત અને ભવ્ય એવી ક્રાંતિ કરાવશે. તેઓ એને માટે તત્પર થશે ખરાં?

ह૦ बं૦, ૩૧-૧૦-'૩૭