લખાણ પર જાઓ

પાયાની કેળવણી/૩૧. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન

વિકિસ્રોતમાંથી
←  ૩૧. અંગમહેનત અને બુધ્ધિનો વિકાસ પાયાની કેળવણી
૩૨. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૩. ઉદ્યોગ દ્વારા કેળવણી →


૩૨
નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન

આશાદેવી પોતાના કાર્યમાં મશગૂલ રહે છે અને મારો સમય બચાવવા ઇચ્છે છે. છતાં તેણે એક દિવસ મારી પાસે પાંચ મિનિટ માગી. તેમણે પૂછ્યું કે, નવી તાલીમવાળાઓને થોડું દાક્તરી જ્ઞાન પણ આપવું જોઈએ, એટલે હું દાક્તરી શીખવવામાં ચારપાંચ વરસ આપું?

હું સમજી ગયો કે, ગમે તેટલી મહેનત કરવા છતાં જૂની કેળવણીની અસર હજી નાબૂદ નથી થઈ. તેમણે એમ.એ.ની ડિગ્રી તો અંગ્રેજોની બનાવેલી યુનિવર્સિટી પાસેથી જ મેળવી છે ને? મારી પાસે તો કોઈ ડિગ્રી નથી. હાઈસ્કૂલમાં જે થોડું જ્ઞાન મળેલું, તેની મારી દૃષ્ટિએ કશી કિંમત નહોતી. એક સમયે થોડી હતી, પણ તેયે વરસો પહેલાં જતી રહી.વળી કુદરતી ઉપચારનો રસ તો મેં ખૂબ પીધો છે. મેં તેને કહ્યું કે,

"તમે કહો છો કે, આપણાં બાળકોની પહેલી તાલીમ પોતાની તંદુરસ્તી સંભાળવામાં અને બધી જાતની સફાઈની તાલીમ લેવામાં છે. હું કહું છું કે, આમાં જ આપણી બધી દાક્તરી આવી ગઈ.આપણી તાલીમ ગામડાંના કરોડો લોકો માટે છે. તેમના કામની છે. તેઓ કુદરતની નજીક વધારે રહે ઃએ, છતાં કુદરતી જીવનના કાયદા જાણતા નથી. જેઓ જાણે છે,તે પાળતા નથી, તેથી, તેમનું જીવન નજર સામે રાખીને આપણે નવી તાલીમ શરૂ કરી. આ તાલીમનું જ્ઞાન આપણને પુસ્તકોમાંથી જ ઓછું મળે છે? જે મળે છેતે કુદરતના પુસ્તકમાંથી મળે છે. એ જ રીતે કુદરત પાસે આપણે દાક્તરી પણ શીખવાની છે. આનો સાર એ કે, આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ; તો આપણે પોતે આપણા દાક્તર બની ગયા. જે માણસ જીવવા માટે ખાય છે, પંચ મહાભૂતો એટલે કે માટી, પાણી, આકાશ, સૂર્ય અને વાયુનો મિત્ર બનીને તેમના સરજનહાર પ્રભુનો દાસ બનીને રહે છે, તે બીમાર નહીં પડે; પડે તોપણ ઈશ્વરને આધારે રહી શાંતિથી મરણને ભેટશે; પોતાના ગમતા ખેતરની કોઈ ઔષધી મળશે તો લેશે. કરોડો માણસો આમ જ જીવે છે અને મરે છે. તેમણે દાક્તરનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી, પછી મોઢું તો ક્યાંથી જ જોયું હોય? આપણે આવા બનીએ અને આપણી પછી ગામડાંના બાળકો તથા તેમના વડીલો આવે છે. તેમને પણ આમ જ રહેતાં શીખવીએ.દાક્તરો કહે છે કે, સોમાંથી નવ્વાણું જણ ગંદકીથી, ન ખાવાનું ખાવાથી, ખાવો જોઈએ તે ખોરાક ન મળવાથી અને ભૂખથી મરે છે. જો આ નવ્વાણુંને આપણે જીવનકળા શીખવીએ તો બાકીનાં એકને ભૂલી શકીએ. અને તેને ડૉક્ટર સુશીલા નાયર જેવાં કોઈ ડૉક્ટર જરૂર મળી રહેશે. તેની ફિકર આપણે કરવાની ન હોય. આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાંનો વિચાર કરીને યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ, તો કેટાલાયે યુગોનું કામ થયું સમજજો.તેનું જ્ઞાન મેળવાને માટે નથી જોઈતી ડિગ્રી, નથી કરોડો રૂપિયા જોઈતા; કેવળ ઈશ્વર ઉપર શ્રદ્ધા, સેવાની ધગશ, અને પંચ મહાભૂતોનો થોડો પરિચય તથા યુક્તાહાર અને જ્ઞાન જોઈએ. આટલું તો આપણે શાળા કૉલેજના શિક્ષણ કરતાં ઓછી મહેનત અને ઓછા સમયમાં મેળવી શકીએ."

ह०. ब०, ૧-૯-'૪૬