લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૧૬

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૫ પિતામહ
પ્રકરણ ૧૬
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૭ →






૧૬
 

ઘણાં ઘણાં પ્રયત્નો પછી પિતામહ સ્વસ્થતા મેળવી શક્યા હતા. સમય પસાર થતો હતો. પાંડવોની વનવાસની દિનચર્યા વિષે જાણવા તેઓ સદા આતુર હતા. કુંતી પણ વિદુરની સાથે તેમની પાસે આવી. હૈયાની દારુણવેદના ઠાલવતાં પ્રાર્થતી, ‘પિતામહ, હવે હદ થાય છે. મારા પાંડવોને સંતાપવામાં દુર્યોધને પાછી પાની કરી નથી. હવે પાંડવો સુખથી રહે તે માટે કોઈ નવાં કરતૂતો કરતાં તમારે દુર્યોધનને અટકાવવો જોઈએ.’ અશ્રુભીના સ્વરે પૂછ્યું, ‘તમે રજા દેતા હો તો જેઠજી ધૃતરાષ્ટ્ર પાસે મારા દીકરાઓની રક્ષા માટે માંગણી કરવા હું જાતે જાઉં.’

કુંતીના દેહ પર વેદનાની આભા છવાઈ ગઈ હતી. પિતામહ પાંડુ સાથે વનમાં વિદાય થતી કુંતીનો તેજસ્વી ચહેરો વનના કપટો, કષ્ટોની જાણે તેને કોઈ પરવા જ નહોય એવી ભવ્યતા ભરી કુંતી અત્યારે જાણે નિસ્તેજ ભાંગી પડી હોય એવી દેખાતી હતી. તેની સામે જોતાં પિતામહનાં નેનાં પણ ભીના થયાં. કુંતીની આરજૂ પ્રત્યે તેમના દિલમાં સંપૂર્ણ દિલસોજી હતી.

તેમણે ગમભર્યા સ્વરે કુંતીને વિશ્વાસ દેતાં હોય એમ કહેવા માંડ્યું, ‘તારે ધૃતરાષ્ટ્ર પાસે જવાની જરૂર શી છે? હવે પાંડવોને કોઈ જફાં ન પહોંચે ને તેમનું રાજ્ય તેમને પાછું પ્રાપ્ત થાય એ માટે હું જાગ્રત છું. હવે પાંડવોને કોઈ અન્યાય નહિ થવા દઉં.’

પિતામહ પણ ગ‌દ્‌ગદ થઈ ગયા હતા. કુંતીને તેમણે દિલાસો દીધો પણ વિકર્ણના શબ્દોની સ્મૃતિ તાજી થતા તે પણ વિહ્‌વળ બની જતાં હતા.

‘કદાચ દુર્યોધન ન માને તો ?’ તેમના મનમાં શંકા જાગી ને પછી હતાશા ઠાલવતાં હોય એમ સ્વગત બબડ્યા. - ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ !’

થોડા સમયમાં જ કુંતીનો ભય શાંત પડતો જણાયો. તેર તેર વર્ષના વનવાસના આકરા તાપને બરદાસ કર્યા છતાં પણ યુધિષ્ઠિરના દિલમાં દુર્યોધન વિષે કોઈ દ્વેષભાવ વૈરવૃતિ જોવા મળતાં ન હતાં. તેણે પિતામહને વિનંતિ કરી, ‘પિતામહ, તમે જ કુરુવંશના વડીલ છો. તમે જ અમારા રાજ્યનો અડધો ભાગ પણ અપાવ્યો. તમારી સલાહથી વડીલકાકાને હસ્તે હું ગાદીનશીન થયો. કાકાની ઇચ્છાનું પાલન કરવા જુગાર જેવા અધર્મના માર્ગે હું ચાલ્યો ને જે કાંઈ ભોગવવાનું નસીબમાં લખાયું હતું તે ભોગવ્યું.’

યુધિષ્ઠિર પણ પશ્ચાત્તાપની આગમાં સળગતો હોય એમ દર્દભીના સ્વરે બોલ્યો, ‘મારા અધર્મના પાપે મારા નિર્દોષ ભાઈઓ પણ ભોગ બન્યા. દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રસંગ પણ અમે નીચી મૂંડીએ જોતાં રહ્યા.

‘બસ થયું. યુધિષ્ઠિર, હવે બધું ભૂલી જા.’ યુધિષ્ઠિરની દર્દભરી વાણીથી ભાંગી પડેલાં પિતામહે તેને અટકાવ્યો. ભૂતકાળ ભૂલી જઈ વર્તમાનને વફા રહેવાની સૂચના કરતાં કહ્યું, ‘તમે ઘણું જ સહન કર્યું છે. હવે તમે બધા શાંતિથી તમારું સંભાળો ને આ કલહને દફનાવી દો એમ હું ઇચ્છું છું.’

‘હું તમારી ઇચ્છાને આધીન થવા તૈયાર છું.’

‘મને તારે વિષે તો ખાતરી હતી જ.’ બોલતાં બોલતાં પિતામહ અટકી પડ્યા. હોઠ પરના શબ્દો તેઓ બહાર ફેંકી શક્યા નહિ.

યુધિષ્ઠિરના મનમાં પિતામહની મૂંઝવણ વિષે ખ્યાલ તો આવી જ ગયો હતો. પિતામહને યુધિષ્ઠિર વિષે જે ખાતરી હતી તેવી ખાતરી દુર્યોધન વિષે ન હોય એમ તેને લાગતું હતું. પોતે કાંઈ કહેવા માંગતો નહોતો એટલે તે પિતામહ સામે જિજ્ઞાસાભરી દૃષ્ટિ નાંખી શાંત બેસી રહ્યો.

પિતામહ જાણે કોઈ ઊંડાણમાંથી બહાર આવતાં હોય એમ બોલ્યા, ‘હું ધૃતરાષ્ટ્ર પાસે વાત મૂકું છું. તેઓ તમારું રાજ્ય અને સંપત્તિ પાછી દે તેમ જણાવવા માગું છું.’

‘તો પછી ઝઘડો જ ક્યાંથી હોય ?’ યુધિષ્ઠિરે કહ્યુ. પિતામહના વચનોથી યુધિષ્ઠિરને સંતોષ હતો. ખૂદ પિતામહના મનમાં શંકા હતી. ધૃતરાષ્ટ્રને કદાચ તે સમજાવી શકે પણ દુર્યોધન…

‘દુર્યોધનના જે સલાહકારો હતા તે પાંડવોને તેમનું રાજ્ય અને સંપત્તિ પાછી દેવા તૈયાર થવા દેશે ખરા?’ તેમના મનમાં શંકાનાં જાળાં હાલતાં હતાં. તેમની દૃષ્ટિ સમક્ષ મામો શકુનિ, કર્ણ, દુઃશાસન વિગેરેના ભયાનક ચહેરા ઊપસી રહ્યા. મામો શકુનિ જ પાંડવોને વનવાસમાં ધકેલવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે. કર્ણ તો અર્જુન પ્રત્યેના રોષભાવથી પિડાતો જ રહ્યો છે.

તેમની શંકા વધુ દૃઢ બનતી હતી. ધૃતરાષ્ટ્ર કદાચ વડીલની અદબ જાળવવા તેમની સલાહ માન્ય રાખે, પણ દુર્યોધન નહિ માને તો?

હૈયાની વેદના સ્વગત ઠાલવી રહ્યા, ‘તો વિનાશ સિવાય બીજું શું હશે?’

જેમતેમ કરી તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી ને ધૃતરાષ્ટ્ર પાસે પાંડવોનું રાજ્ય પાછું દઈ, સુલેહ શાંતિથી પાંડવો અને કૌરવો પોતપોતાનું ભોગવેને કુટુંબ કલહનો અંત લાવે તેવી સલાહ આપી. ધૃતરાષ્ટ્ર પિતામહની સલાહ સાથે સહમત હતો, પણ તે કાંઈ કરી શકવા અસમર્થ હતો. તેણે પિતામહને ગદ્‌ગદ સ્વરે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું, ‘પિતામહ, તમારી સલાહ સાવ સાચી છે, પણ હું શું કરું? હવે બધો જ વહીવટ દુર્યોધનના હાથમાં છે. તે મારી વાત માનતો પણ નથી. શું કરું ? દિલગીર છું છતાં તમે તેને સમજાવો, જો માને તો ?’

પિતામહ હવે પરિસ્થિતિ સમજી ગયા હતા. તેમણે દુર્યોધનને બોલાવવાની ના પાડી દેતાં કહ્યું, ‘ધૃતરાષ્ટ્ર, દુર્યોધન કુળ સંહારક ન બને તે જોજો.’

પિતામહ નિરાશ વદને વિદાય થયા. ધૃતરાષ્ટ્રને ગાંધારીના વચનોની યાદ આવી. દુર્યોધનના જન્મ પછી ગાંધારીએ ધૃતરાષ્ટ્રના હાથમાં તેને મૂકતાં કહ્યું હતું, ‘આને દરિયામાં પધરાવી દો. એ આપણા કુળનો વિનાશ કરશે.

જ્યારે ગાંધારી તેના દીકરાને દરિયામાં પધરાવી દેવાની સલાહ દેતી હતી, ત્યારે તેના હૈયામાં અપાર વેદના ભરી હતી. પણ જ્યોતિષોનાં વચનો તે ભૂલી શકતી નહોતી.

ગાંધારીની સલાહ સાંભળતાં ધૃતરાષ્ટ્ર બેચેન બન્યો હતો, પણ તેને હસ્તિનાપુરની ગાદીનો વારસ જોઈતો હતો. હસ્તિનાપુરની ગાદી પાંડુપુત્ર યુધિષ્ઠિરને મળે તે તેને ગમતું નહોતું. એટલે તેને દુર્યોધનને હૈયાસરસો દબાવતાં ગાંધારીને સંભળાવ્યું, ‘દેવી, તારો પુત્ર જ હસ્તિનાપુરનો મહારાજા બનશે. તેને દરિયામાં ફેંકી કેમ દેવાય ? પછી પેલા પાંડુપુત્રને મહારાજા બનવા દેવો છે?’

ધૃતરાષ્ટ્રને સમજાવવા અને દુર્યોધનને મનાવવા દ્રોણાચાર્યે ઘણાં પ્રયત્નો કર્યા, પણ દુર્યોધન તેના નિર્ણયમાં મક્કમ હતો. તેણે બંનેને સંભળાવી દીધું, ‘પાંડવોને હું કાંઈ જ દેવા માંગતો નથી. રમતમાં હું જીત્યો છું. કોઈ જીતેલો પ્રદેશ પાછો દેવા તૈયાર થાય ખરો ?’

‘પણ આ તો તારા ભાઈઓ છે.’ દ્રોણે કહ્યું. ‘શરત પ્રમાણે પાંડવો તેર વર્ષ વનવાસ પણ ભોગવી આવ્યા. હવે તેમને તેમનું રાજ્ય અને સંપત્તિ પાછી સુપ્રત કરવી એમાં ન્યાય છે.’

‘ન્યાયની વાત ન કરશો, ગુરુદેવ !’ દુર્યોધને દ્રોણાચાર્ય વધુ દલીલો કરે તે પહેલાં વિદાય લીધી.

ગુરુ દ્રોણ પણ દુર્યોધનની પાછળ આશ્ચર્યજનક દૃષ્ટિ નાંખતા ઊભા રહ્યા.

‘ભારે હઠીલો છે.’ ધૃતરાષ્ટ્રે કહ્યું.

‘તો તેનો વિનાશ પણ નક્કી છે.’ ગુસ્સાભરી વાણીમાં દ્રોણ બોલી રહ્યો, ‘ગુરુની મર્યાદા પણ સમજતો નથી!’

‘હવે કોઈ માર્ગ ન હતો.’ પિતામહે યુધિષ્ઠિરને લાચારીભર્યા શબ્દોમાં કહ્યું, ‘ભાઈ યુધિષ્ઠિર, દુર્યોધન ભારે હઠાગ્રહી છે. મારી વાત જવા દે, પણ ગુરુ દ્રોણ સાથેનું તેનું વર્તન કેવું બેઅદબીભર્યું હતું.’

‘તો હવે ?’ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો.

‘હવે તો શ્રીકૃષ્ણ સમજાવે તો ?’ પિતામહે સૂચન કર્યું, ‘શ્રીકૃષ્ણ તમારા બંનેના હિતસ્વી છે. તેમનો પ્રભાવ છે એટલે કદાચ તેમની વાત દુર્યોધન સમજે તો?’

‘દુર્યોધન સમજશે ખરો ?’ યુધિષ્ઠિરે ચિંતાભર્યા સ્વરે પૂછ્યું ને ઉમેર્યું, ‘જો દુર્યોધન હઠાગ્રહી જ હોય તો શ્રીકૃષ્ણને તસ્દી દેવાની જરૂર પણ શી છે ?’

‘તો હવે તમે શું કરશો ?’ પિતામહ પાંડવોની ભાવિ યોજના વિષે જાણવા માગતા હતા.

‘શું કરવાનું હોય હક્ક માટે. યુદ્ધ વિના બીજો કોઈ વિકલ્પ છે ખરો ?’ યુધિષ્ઠિરે સખેદ જણાવ્યું ને કહ્યું, ‘ભાઈ અર્જુન તો આ વિષ્ટિની વાત જ સ્વીકારવા તૈયાર ન હતો. અમારા વનવાસ દરમ્યાન પણ દુર્યોધને અમારો નાશ કરવા માટેના પ્રયાસો ઘણા કર્યા. અરે, દ્રૌપદીનું અપહરણ કરવા જયદ્રથને મોકલ્યો પણ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા એટલે વિષ્ટિ પણ નહીં. યુદ્ધ માટે ભીમ ને અર્જુન આગ્રહી છે. મા કુંતીને યુદ્ધ નથી જોઈતું. હું પણ એમ જ ઇચ્છું છું. જો દુર્યોધન અમારે માથે યુદ્ધ ઠોકી બેસાડવા માંગતો જ હોય તો અમે પણ ક્ષત્રિયો છીએ. પાંડુના પુત્રો છીએ.’

પિતામહ યુધિષ્ઠિર સામે નિગાહ માંડી રહ્યા તેમના દિલમાં યુધિષ્ઠિરની દલીલ આનંદ જગાડતી હતી. યુધિષ્ઠિરના નિર્ણયને ચકાસી જોવાના ઈરાદે પ્રશ્ન કર્યો.

‘તમે જાણો છો યુધિષ્ઠિર, દ્રોણ જેવા સમર્થ યોદ્ધાઓ દુર્યોધનના પડખે ઊભા હશે!’

‘જાણું છું પિતામહ, પણ હક્કની પ્રાપ્તિ માટે ન્યાયને ખાતર યુદ્ધ કરવું એ અનિવાર્ય ધર્મ છે. તેમાં જય-પરાજયનો કોઈ પ્રશ્ન મહત્ત્વનો નથી.’

‘શાબાશ !’ યુધિષ્ઠિરની પીઠ થાબડતાં પિતામહનો હર્ષોલ્લાસ ઊછળી પડ્યો.

‘છતાં આપની સૂચના પ્રમાણે શ્રીકૃષ્ણને અમારા દૂત તરીકે મોકલવાની મારી ઇચ્છા છે. બને ત્યાં સુધી ભાઈઓ સામે શસ્ત્રો ઉઠાવવાની મારી ને મા કુંતીની ઇચ્છા નથી. મા કુંતી પોતે ધૃતરાષ્ટ્ર સમક્ષ જવા ઉત્સુક છે. પાંડુની પત્ની ને પાંડવોની માતા ધૃતરાષ્ટ્ર સમક્ષ ખોળો પાથરવા જાય તો અમારા ક્ષાત્રત્વને લાંછન લાગે.’

‘સાચી વાત છે, યુધિષ્ઠિર.’ પિતામહ યુધિષ્ઠિરની દલીલ સાથે સહમત થતાં બોલ્યા, ‘કુંતીએ દયા માંગવા જવાની જરૂર શી છે? પાંડવો જેવા ધર્મનિષ્ઠ બળવાન સંતાનોને તેમના હક્ક માટે જરૂર પડ્યે યુદ્ધ માટે તેમણે ઉત્તેજવા જોઈએ.’

યુધિષ્ઠિરની વિદાય પછી પિતામહ કૃષ્ણના આગમનની પ્રતિક્ષા કરતા હતા. તેમના દિલમાં વિશ્વાસ જાગતો હતો. શ્રીકૃષ્ણની દરમ્યાનગીરીની સફળતા વિષે તેઓ ભારે આશાવાદી હતા ને સાથે જ કુરુવંશની સલામતી વિષેનો વિશ્વાસ પણ વધી પડ્યો હતો.

હવે શ્રીકૃષ્ણ પાંડવો વતી ન્યાય માંગવા હસ્તિનાપુર આવી રહ્યાની જાણ થતાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘કૃષ્ણ પુરુષોત્તમ અને પૂજ્ય છે. તેમનું સન્માન કરજે,’

દુર્યોધને અંધ પિતાની આજ્ઞાનો બરાબર અમલ કર્યો. શ્રીકૃષ્ણના સ્વાગતની તૈયારીઓ થઈ. હસ્તિનાપુરે પણ અજબનો શણગાર ધારણ કર્યો હતો. શ્રીકૃષ્ણનાં દર્શન માટે રાજમાર્ગો પર માનવ મહેરામણ ઊમટ્યો હતો.

શ્રીકૃષ્ણે હસ્તિનાપુરમાં પ્રવેશ કરતાં વિદુરના નિવાસસ્થાનની મુલાકાત લીધી, જ્યાં કુંતીએ પુત્રોના વિયોગના વસમા ચૌદ વર્ષ વિતાવ્યા હતાં. કુંતીની કાયા ક્ષીણ થઈ ગઈ હતી. કૃષ્ણને જોતાં જ ખર્યા પાન જેવી કુંતી તેમને વળગી રહી. તેની આંખમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં. કૃષ્ણે તેને આશ્વાસન દેતાં કહ્યું, ‘ફોઈબા, તમારા દીકરા પાંડવો નિંદા, ભય, ક્રોધ, હર્ષ, ભૂખ-તરસ, ઠંડી, ગરમી એ બધા પર વિજય મેળવીને અસાધારણ વીરપુરુષો થઈ ગયા છે. તમે ચિંતા ન કરો.’

વૃદ્ધાવસ્થામાં ભાંગેલા દેહે ઊભેલી કુંતી કૃષ્ણ સામે આશાભરી મીટ માંડી રહી હતી. પછી હળવેથી પૂછી રહી, ‘મારા પાંડવોના નસીબમાં દુઃખ જ લખાયું છે શું?’

‘પિતામહે રાજ્યનો અર્ધો ભાગ અપાવ્યો, પણ તેય દુર્યોધને યુધિષ્ઠિરને ભોળવી જુગારની કપટજાળમાં ફસાવી પડાવી લીધો. ચોદ-ચૌદ વર્ષ દીકરાઓના વિયોગમાં મેં કેવા દિવસો પસાર કર્યા છે તે વિદુર જાણે છે.’ બોલતાં બોલતાં કુંતીની આંખમાંથી શ્રાવણ-ભાદરવાનાં પાણી વહેતાં થયાં. પછી પ્રયત્નપૂર્વક સાડીના છેડે ભીની આંખો સાફ કરતાં પૂછ્યું, ‘હવે પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવા દુર્યોધન ના પાડે છે ખરું ને ? તેા હવે શું થશે ?’

શ્રીકૃષ્ણે હિંમત દેતાં કહ્યું, ‘ફોઈબા, પાંડવોને તેમનું અર્ધું રાજ્ય પાછું આપવા દુર્યોધનને સમજવવા હું આવ્યો છું.’

‘પણ નહિ સમજે દુર્યોધન તો શું?’

‘તો પાંડવોને યુદ્ધ આદરવું પડશે.’

‘એટલે કુરુવંશની બરબાદી એમ જ ને ?’

ફરી કુંતીની આંખો ભીની થઈ ને ધ્રૂજતાં સ્વરે બોલી રહી, ‘બિચારા પિતામહને તેમની જિંદગીના છેલ્લા આરે કુરુવંશનો નાશ થતો જોવો પડશે ?’

શ્રીકૃષ્ણે વધુ ચર્ચા કર્યા વિના વિદાય લીધી. દુર્યોધનના નિમંત્રણથી તેના મહેલે પહોંચ્યા. દુર્યોધને તેમનું સ્વાગત કરતાં કહ્યું, ‘યદુવંશ સાથે અમારા કુટુંબનો ઘણો જ જૂનો સંબંધ છે. એ રીતે પણ અમે આપનું પૂજન કરવાના અધિકારી છીએ.’

વિદુર શ્રીકૃષ્ણ સમક્ષ દર્યોધનની દુષ્ટતા અને ધૃતરાષ્ટ્રની નિર્બળતા, ખંધાઈ વિષે ગંભીરતાથી કહી રહ્યા હતા. તેમણે સ્પષ્ટપણે ભાવિ ભાખતાં કહ્યું, ‘તમારો પ્રયત્ન સફળ થવાનો નથી.’

વિદુરના મંતવ્યને જાણે પોતે પહેલેથી જ જાણી લીધું હોય તેમ શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘વિદુરજી, ભાવિ વિષે મને શંકા નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને સમજાવવા તેમ જ પાંડવોને ન્યાય મળે તે અર્થે હું અહીં ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવવા આવ્યો છું. સંધિ કરાવવા માટે હું બધા પ્રયત્નો કરીશ. મને સફળતા નહિ મળે તોપણ મને મારો ધર્મ અદા કર્યાનો આનંદ જ હશે.’

શ્રીકૃષ્ણના આગમનથી ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન પણ ચિંતીત હતા, છતાં તેમના નિર્ણયને વિષે મક્કમ હતા. કૃષ્ણને તેની કોઈ જાણ ન થાય એ માટે કૃષ્ણના સન્માન-સ્વાગતનો જબરો દંભ પણ કર્યો હતો. સભામંડપમાં શ્રીકૃષ્ણે પ્રવેશ કર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર અને તેના સાથીઓએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. તેમને માટે તૈયાર થયેલા સુવર્ણના સિંહાસન પર શ્રીકૃષ્ણે આસન લીધું.

હવે સૌની નજર શ્રીકૃષ્ણ પર હતી. શ્રીકૃષ્ણે પણ ગંભીરતાપૂર્વક સભામાં બેઠેલાં સૌના પ્રતિ દૃષ્ટિ ફેરવી રહ્યા. પછી ગંભીરતાથી તેમણે ધૃતરાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું, ‘રાજન ! હું કૌરવો અને પાંડવો બંને પક્ષોના શુભનો વિચાર કરીને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.’ એમ કહી તેમણે પાંડવોએ અત્યાર સુધી જે સહન કર્યું તેનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘આમ છતાં પાંડવોના દિલમાં કોઈ વેરભાવ નથી, બદલો લેવાની કોઈ ઈચ્છા પણ નથી.’

‘બદલો લેવા માંગે તોપણ લઈ શકે તેમ નથી. એનાથી પાંડવો અજ્ઞાત નથી.’ વચ્ચે જ દુર્યોધન બોલી ઊઠ્યો ને તાકાતનું દર્શન કરાવતો હોય એમ બોલ્યો, ‘પિતામહ, દ્રોણ જેવા સમર્થ અને કર્ણ જેવો કુશળ બાણાવળી અમારી પડખે છે તેની પાંડવોને જાણ છે.’ દુર્યોધનના આ મદાંધ વચનો સાંભળતાં સભાજનોના મનમાં ભય પેદા થયો. હમણાં શ્રીકૃષ્ણ દુર્યોધન પર તૂટી પડશે.

શ્રીકૃષ્ણ શાંત હતા. તેમણે કોઈ જ પ્રતિવાદ કરવાના બદલે પાંડવો વતી સંધિ, શાંતિ સ્થાપવા માટે દરખાસ્ત મૂકી. ‘પાંડવો યુદ્ધ કરવા માંગતા નથી. તેઓ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે એ માટે માત્ર પાંચ ગામ તમે દેશો તો પણ તેમને સંતોષ થશે. હું તેમને સમજાવીશ.’

શ્રીકૃષ્ણની દરખાસ્તમાં ઉદારતા ભારોભાર હતી. તેની અસર સભામાં હાજર રહેલા પરશુરામ, પિતામહ, દ્રોણ સૌના મન પર થઈ. તેમણે ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ધૃતરાષ્ટ્ર લાચાર હતો. તેણે કહ્યું, ‘કૃષ્ણ તમારી ઉદારતાથી હું પ્રભાવિત થયો છું. તમે જાણો છો કે મારો દુર્યોધન મને દાદ દેતો નથી. પછી હું શું કરી શકું ?’ ને ઉમેર્યું, ‘હમણાં તમને જે કહી રહ્યો તે જોયું ને ?’

શ્રીકૃષ્ણે દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને સફળતા મળી નહિ. પછી દ્રોણાચાર્યે પ્રયત્ન કર્યો. છેલ્લે પિતામહે પણ લાગણીસભર શબ્દોમાં દુર્યોધનને સમજાવતાં કહ્યું, ‘મારું મોત કુરુવંશનો નિકંદન જોવા ન પામે તેવી મારી લાગણી છે. કુરુવંશને વધતો રાખવા મેં ઘણાં ઘણાં પ્રયત્નો કર્યા છે. આજે પણ એ એક જ ઇચ્છાથી દુર્યોધનને કહુ છું. તું શ્રીકૃષ્ણની વાત માની જા, નહિ તો તારું અભિમાન તને જ ભરખી જશે.’

‘જે થવાનું હશે તે થશે પિતામહ, આપ ચિંતા ન કરો. હું જુગારમાં જે જીત્યો છું. તેમાંથી પાંચ ગામો પણ પાછા દેવા ઇચ્છતો નથી.’ દુર્યોધને તેનો નિર્ણય ફરીથી દોહરાવ્યો.

તેણે શ્રીકૃષ્ણ પ્રતિ દૃષ્ટિ કરતાં પૂછ્યું, ‘તમે મને શા માટે વગોવો છો?’ ને પછી ઉમેર્યું, ‘હું નાનો હતો ત્યારે મારા અંધ પિતાએ પિતામહની સલાહ પ્રમાણે મૂર્ખતાભર્યું પગલું ભરી પાંડવોને અર્ધું રાજ્ય આપી દીધું. હવે મારે કાંઈ જ પાછું દેવાનું નથી. હું એક તસુ જમીન આપવા તૈયાર નથી, પણ યુદ્ધમાં જીતીને ભલે બધું જ રાજ્ય મેળવી લે.’

દુર્યોધનનો નિર્ણય જાણતાં શ્રીકૃષ્ણ પણ ઉત્તેજિત બનીને તેને પૂછવા લાગ્યા, ‘પાંડવોનો વિનાશ કરવા તેં શું નથી કર્યું કહે તો ? ભીમને વારંવાર ઝેર દેનાર પણ તું જ હતો ને? પાંડવોને લાક્ષાગૃહમાં જીવતાં બાળી દેવાની દુષ્ટ યોજના પણ તારી જ હતી ને ? પાંડવોનું રાજ્ય પડાવી લેવા શકુનિના કાવતરાની કડી પણ તું જ છે ને? દ્રૌપદીને સ્વયંવરમાં પામવામાં નિષ્ફળ જનાર તું જ દ્રૌપદીને સભામાં ખેંચી લાવ્યો ને? તેને તારી ઉઘાડી જાંઘ બતાવનાર પણ તું જ છો ને?’

શ્રીકૃષ્ણ દુર્યોધનને તેના કાવતરાંની હકીકતો સંભળાવતાં હતા ત્યાં દુર્યોધન સભામાંનો ત્યાગ કરી ગયો. દુર્યોધનના આ વલણથી ધૃતરાષ્ટ્ર ઉદાસીન બન્યા. વિદુરને મોકલી તેને ફરી સભામાં લઈ આવ્યો. દરમ્યાન ગાંધારી પણ સભામાં ધૃતરાષ્ટ્રના બોલાવ્યાથી આવી પહોંચી.

ગાંધારીએ દુર્યોધનને સમજાવાના પ્રયત્ન કરતાં ધૃતરાષ્ટ્રને ગાદી કઈ રીતે મળી તેનો ઉલ્લેખ કરતાં પૂછ્યું, ‘હસ્તિનાપુરની ગાદી પર તું શાનો દાવો કરે છે કહે તો ખરો? રાજ્ય પાંડુનુ છે. તારો બાપ તો પાંડુની ગેરહાજરીમાં માત્ર વહીવટ સંભાળતો હતો. રાજા નહોતો એટલે હસ્તિનાપુરની ગાદી પર ખરો હક્ક તો યુધિષ્ઠિરનો છે, છતાં પિતામહની ઇચ્છાથી તને અર્ધું રાજ્ય મળ્યું. હવે પાંડવોને તેમનું રાજ્ય પાછું દેવામાં આડો કેમ આવે છે દીકરા ?’

દુર્યોધન તેના હઠાગ્રહમાં મક્કમ હતો. હવે શ્રીકૃષ્ણ પણ દુર્યોધનના હઠાગ્રહ પછી સંધિની કોઈ શક્યતા જોઈ શકતા નહોતા. એટલે તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું, ‘રાજાજી ! આપના પાપી પુત્રોનો તેવો જ નિર્ણય હોય તો ભલે તેમનો નિર્ણય તે અમલમાં મૂકે અને તેના પરિણામોનો પણ અનુભવ કરે. તેઓ અહંકારથી છકી ગયા છે. અત્યારે જ હું તેમના અભિમાનના ભુક્કા બોલાવી દઈ શકું, પણ મારે અહીં તેવું કાંઈ જ કરવું નથી.’

સભામાં પિતામહ પણ હાજર હતા. તેઓ દુર્યોધનના અભિમાનથી ચકિત થયા. શ્રીકૃષ્ણ ભાઈ-ભાઈઓ વચ્ચેનું ઘોર વિનાશક યુદ્ધ ટાળવા, પાંડવોને તેમનું રાજ્ય ભલે ન આપે. પણ તેમના જીવનનિર્વાહ માટે પાંચ ગામો દેવાની પણ જો દુર્યોધન ના પાડતો હોય તો તેનો વિનાશ જ નક્કી છે એમ તેમને લાગતું હતું. તેઓ અસહાય હતા. પોતે પણ સંધિ માટે પ્રયત્ન તો કર્યો જ હતો, પણ ધૃતરાષ્ટ્રે બે હાથ પહોળા કરી પોતાની લાચારી વ્યક્ત કરીને છૂટી પડ્યો. તેણે જ તેના દીકરાને સ્પષ્ટપણે પાંડવોનુ રાજ્ય અને તેમની સંપત્તિ પાછી દેવા સખ્ત થઈને કહેવું જોઈતું હતું. પણ તે છૂટી પડ્યો. જાણે દુર્યોધનના હઠાગ્રહને તેનું સમર્થન હોય એમ.

હતાશાભર્યા કૃષ્ણ ખાલી હાથે સભામાંથી વિદાય થયા. ધૃતરાષ્ટ્રે તેમને ભોજન માટે આગ્રહ કર્યો, પણ કૃષ્ણે સ્પષ્ટ ના ભણી ને વિદુર સાથે સભાત્યાગ કર્યો. પિતામહ પણ તેમની સાથે જોડાયા. કૃષ્ણ પિતામહની ઉદાસીનતા જોઈ શકતા હતા.

પિતામહે ખિન્ન વદને કહ્યું, ‘જે થયું તે સારું નથી થયું.’ અંતરના ઊંડાણમાંથી નિસાસો નાંખતા બોલ્યા, ‘જે કુરુવંશની રક્ષા કરવા મેં પ્રયત્નો કર્યા, ભાઈઓ એકબીજા સામે શસ્ત્રો ખખડાવતાં ઊભા ન થાય ને વિનાશ થતો અટકે તે માટે મે ઘણાં પ્રયત્નો કર્યા પણ...’

‘દુર્યોધન ભારે હઠાગ્રહી છે.’ વચ્ચે જ કૃષ્ણ બોલી રહ્યા. ને ઉમેર્યું, ‘દીકરાનો હઠાગ્રહ કૌરવોનો વિનાશ કરશે એ હકીકતથી ધૃતરાષ્ટ્ર અજ્ઞાત હતા ?’ તેમણે દીકરાને અળગો કરીને પાંડવોને તેમનું રાજ્ય પાછું દેવાની તૈયારી બતાવવી જોઈતી હતી.’

‘કમનસીબ એ છે, કૃષ્ણ !’ અફસોસ ઠાલવતાં પિતામહ બોલ્યા, ‘ભૂલ મારી છે. પાંડુ વનમાં ગયો ને મેં આંધળા ધૃતરાષ્ટ્રને ગાદી સોંપી. મને ખબર નહિ કે તેનું આવું ભયંકર પરિણામ આવશે.’

શ્રીકૃષ્ણ પણ પિતામહના દિલની અપાર વેદના જોઈ શકતા હતા. તેમણે ગંભીરતાથી પિતામહને પ્રશ્ન કર્યો, ‘તો આપ જ કહો મારે પાંડવોને શી સલાહ દેવી ?’ પછી વધુ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું, ‘યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થશે જ. તમે અને દ્રોણ જેવા સમર્થ યોદ્ધાઓ કૌરવાના પક્ષે જ હશો એટલે પાંડવો ને પણ ભારે ખુવારી વેઠવી જ પડશે. બીજો કોઈ ઉપાય છે ખરો, પિતામહ !’ જાણે પોતે પિતામહ પાસેથી સ્પષ્ટતા મેળવવા માંગતા હોય એમ પૂછી રહ્યા, ‘તમે દુર્યોધનના પક્ષે જ હશો ને?’

શ્રીકૃષ્ણનો પ્રશ્ન સાંભળી પિતામહ ગંભીર બની રહ્યા. કેટલીય ક્ષણો શ્રીકૃષ્ણની સામે દૃષ્ટિપાત કરી રહ્યા. તેમના મનમાં પણ કૃષ્ણના પ્રશ્ને ભારે દ્વિધા જમાવી હતી.

શ્રીકૃષ્ણે ફરી બીજો પ્રશ્ન કર્યો, ‘તમે જાણો છો કે દુર્યોધન પાંડવોને અન્યાય કરી રહ્યો છે. ન્યાય માટે પાંડવોને આખરી ઉપાય તરીકે કૌરવો સામે મેદાનમાં ઊતરવું પડે તેવી સ્થિતિમાં પણ તમે અન્યાયનું સમર્થન કરશો ? પાંડવોના વિનાશ માટેની દુર્યોધનની યોજનાને તમે પણ વૃદ્ધાવસ્થામાં શસ્ત્રો ધારણ કરી પોતાનો વંશનો જ ઉચ્છેદ કરવા તૈયાર થશો?’

શ્રીકૃષ્ણના પ્રશ્નોથી પિતામહ ઘવાતા હતા. તેમની મનોવેદના પણ વધી પડી હતી. શ્રીકૃષ્ણની દલીલોમાં તથ્ય છે તેની તેઓ અવગણના કરી શકે તેમ નહોતા; પણ જવાબ દેવો જ પડશે એવી સમજથી પિતામહે લાચારી વ્યક્ત કરતાં કહ્યું, ‘કૃષ્ણ, તમે જાણો છો કે મારી સ્થિતિ કેવી છે ? પાંડવોને દુર્યોધન અન્યાય કરી રહ્યો છે તે હું જાણું છું. તેમને ન્યાય મળે માટે મેં ઘણાં ઘણાં પ્રયત્નો કર્યાં. તમને મોકલવાની પણ મેં જ યુધિષ્ઠિરને સલાહ આપી હતી. જ્યારે તમે જાતે સંધિની દરખાસ્ત સાથે સભામાં હાજર થયા ત્યારે મારા મનમાં આશા હતી. તમારું કાર્ય સફળ થશે ને વિનાશનો વાયરો અટકી જશે. પણ —’ ગદ્‌ગદ સ્વરે બોલ્યા, ‘મારી આશા નિષ્ફળ ગઈ.’

‘હવે વિનાશક યુદ્ધ નિશ્ચિત્ત બન્યું છે.’ કૃષ્ણે ઉમેર્યું, ‘ત્યારે તમે ક્યાં હશો? એ પાંડવોને પણ જાણવા તો દો.’

‘એથી શું થશે ? પાંડવો પાછા વનમાં જશે ?’ પિતામહે પૂછ્યું. પોતાનો મત પ્રદર્શિત કરતાં હોય એમ બોલ્યા, ‘ના, પાંડવો નિર્બળ નથી. મહાપરાક્રમી પાંડુના પુત્રો ક્ષાત્રતેજ ગુમાવી બેઠા નથી. અન્યાયનો પ્રતીકાર કરવા જો યુદ્ધ અનિવાર્ય હોય તો પાંડવોએ તેનો સ્વીકાર કરવો જ જોઈએ.'

‘તમે તેમની સાથે રહેશો તો ખરા ને?’ શ્રીકૃષ્ણ જાણે પિતામહનો તેજોવેધ કરતાં હોય એમ પૂછતા હતા.

‘ના, કૃષ્ણ, એ શક્ય નથી.’

‘તો તમે કૌરવોના પક્ષે ઊભશો ? પાંડવોનો પરાજય કરશો ?’

‘પાંડવોનો પરાજય નહિ થાય એવો મારો વિશ્વાસ છે.’ પિતામહે કહ્યું ને ઉમેર્યું, ‘શ્રીકૃષ્ણ જેવા પાંડવોના પક્ષે હોય ત્યાં પાંડવોનો પરાજય કરવાની કોઈની તાકાત નથી.’

‘મારે તો પાંડવો ને કૌરવો બંને સરખા. બંનેની માંગણીને સંતોષવાનો મારો પ્રયત્ન હશે.’ કૃષ્ણે કહ્યું

પિતામહે પોતાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘કૃષ્ણ, તમે જાણો છો કે હું ધૃતરાષ્ટ અને દુર્યોધનના સહારે જીવું છું. તેમણે મારી ઘણી ઘણી કાળજી લીધી છે. સેવા પણ કરી છે. મારી કોઈ વાતની તેમણે અવગણના પણ કરી નથી. પાંડવોને અર્ધું રાજ્ય આપવાની મારી વાતનો ધૃતરાષ્ટ્રે તરત જ સ્વીકાર કર્યો. દુર્યોધનના વિરોધની પણ અવગણના કરીને પાંડવોને અર્ધું રાજ્ય દીધું.’

‘પાછું પડાવી પણ લીધું. હવે પાછું દેવા તૈયાર નથી એ પણ ખરું જ ને?’ કૃષ્ણે વચ્ચે જ પ્રશ્ન કર્યો.

‘હા, પડાવી લીધું. પણ યુધિષ્ઠિર ફરીથી જુગાર રમવા કેમ તૈયાર થયો?’ પિતામહે જવાબ દેતાં કહ્યું, ‘પ્રથમના જુગારમાં યુધિષ્ઠિર બધું જ હારી ગયો હતો. ધૃતરાષ્ટ્રે તેને પાછું પણ દીધું. એ વખતે જ યુધિષ્ઠિરે સભામાંથી વિદાય લેવી જોઈતી હતી, પણ દુર્યોધનની શરતે તે ફરીથી રમવા બેઠો.’

‘હાર્યો જુગારી બમણું રમે એમ જ ને ?’

‘હા, યુધિષ્ઠિરે દુર્યોધનની શરત સ્વીકારી ને ફરીથી રમત શરૂ કરીને પરાજય થયો.’ બોલતાં બોલતાં પિતામહનો કંઠ ભરાઈ ગયો. તેમની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો.

થોડીક ક્ષણો બંને વચ્ચે કરુણાભરી શાંતિ છવાઈ. પછી પિતામહે આર્દ સ્વરે કહ્યું, ‘કૃષ્ણ, દુર્યોધન ઈચ્છે તો મારે પાંડવો સામે મેદામનાં ઊભવું જ પડશે.’

‘તમે અર્જુનનો વધ કરી શકશો ને?’

‘ના, કૃષ્ણ, ના. હું પાંડવોનો જ વિજય ઈચ્છું છું. એટલે અર્જુનના હાથે મારો વધ થાય, તેના બાણોથી મારો દેહ વીંધાય તેવી આશા રાખું છું.’

પિતામહના આશાવાદમાં કૃષ્ણના પ્રશ્નોનો જવાબ પણ હતો. તેમણે પિતામહની આશાને બિરદાવતાં કહ્યું, ‘તમે ભલે અર્થના દાસ હશો, પણ તમારું દિલ અન્યાયની સામે છે તે જોઈ મને સંતોષ થાય છે.’

કૃષ્ણ પાછા ફર્યા.