લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૧૭

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૬ પિતામહ
પ્રકરણ ૧૭
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૮ →






૧૭
 

‘આખરે યુદ્ધ અનિવાર્ય બની રહ્યું ખરું ને ?’ પિતામહ વ્યથિત દિલે ધૃતરાષ્ટ્રને પૂછતા હતા.

પિતામહ ધૃતરાષ્ટ્ર સમક્ષ તેમના દિલની વેદના ઠાલવતા હતા. ધૃતરાષ્ટ્ર શાંતિથી પિતામહના ઉદ્વેગભર્યાં વચનો સાંભળતો બેઠો હતો. પિતામહની વ્યથા વધતી હતી. તેઓ હજી પણ યુદ્ધ અટકાવવા ઇચ્છતા હતા. તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યું, ‘ધૃતરાષ્ટ્ર, આ યુદ્ધમાં હું ભારે વિનાશ જોઈ રહ્યો છું. હજી પણ સમય છે. તમે જો થોડા ઉદાર થઈ શકતા હો, દુર્યોધનને સમજાવી શકતા હો તો પાંડવોને સમજાવવા હું તૈયાર છું. પાંડવોની વાત સાફ છે. કૃષ્ણે પાંડવો માટે માત્ર પાંચ જ ગામની માગણી કરી, પણ દુર્યોધને તેનોય સ્વીકાર ન કર્યો. ત્યારે તમે તો વડીલ છો. પાંડુપુત્રો તમારા જ પુત્રો જેવા છે. ત્યારે તમે દુર્યોધનને સમજાવ્યો કેમ નહિ ? ધૃતરાષ્ટ્ર, કુરુવંશના વિનાશ માટે તમારી કુટિલનીતિ જ જવાબદાર હશે.’

પિતામહનાં અંગો ધ્રૂજતાં હતાં.

‘કહો, હજી પણ સમય છે. તમે શ્રીકૃષ્ણની માંગણી સ્વીકારવા દુર્યોધનને સમજાવવા તૈયાર છો ?’ પિતામહે ધૃતરાષ્ટ્રના મૌનને પડકાર દીધો ને ઉમેર્યું, ‘પાંડુપુત્રો નબળા કે નિર્માલ્ય નથી. તમારી પડખે ઘણી મોટી તાકાત છે, તો પાંડવોના પડખે પણ ઘણી તાકાત છે. આ શ્રીકૃષ્ણની તાકાત ઓછી ન ગણશો? માટે જ કહું છું હજી પણ સમય છે. તમે દુર્યોધનને સમજાવો.’

હવે ધૃતરાષ્ટ્રને મૌન રહેવુ પડ્યું. પિતામહની વ્યગ્રતા ને ઉત્તેજના તેની મનઃશાંતિને હચમચાવી ગઈ હતી.

‘પિતામહ !’ ધૃતરાષ્ટ્ર ખિન્ન સ્વરે બોલી રહ્યો, ‘તમારી મનોવેદના હું જાણું છું પણ હવે શું થાય ? કુરુક્ષેત્રના મેદાનપર બન્ને ભાઈઓ સામસામા ગોઠવાયા છે. બન્ને યુદ્ધની નોબતો ઠોકે છે. ત્યારે દુર્યોધનને પીછેહઠ કરવાની સલાહ પણ કેમ આપી શકાય ?’

પિતામહે ગંભીરતા ધારણ કરતાં કહ્યું, ‘ધૃતરાષ્ટ્ર, હવે અસહાય બનવાની જરૂર નથી. ભાવિ જે નિર્માણ થયું છે તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી.’ ઊંડો નિસાસો નાખતાં બોલ્યા, ‘મારું જીવનકાર્ય નિષ્ફળ જાય છે તેનો જ મને અફસોસ છે, ધૃતરાષ્ટ્ર! પહેલાંથી જ દુર્યોધન પર અંકુશ રાખ્યો હોત, પાંડવો સાથેનો વ્યવહાર સદ્ભાવપૂર્ણ હોત તો કુરુવંશનું ગૌરવ વધુ પ્રભાવશાળી હોત, વિનાશકાળે વિપરિત બુદ્ધિ તે આનું નામ. આપ શાંતિથી દીકરાની કપટલીલા જોતાં રહ્યા.’

ધૃતરાષ્ટ્ર પિતામહને વિષે જાણવા ઉત્સુક હતો. દુર્યોધનને પણ પિતામહ અને દ્રોણની તાકાત પર ઘણી મોટી આશા હતી, પણ કર્ણે તેના મનમાં શંકાનાં જાળાં પાથર્યાં હતાં. તેણે દુર્યોધનને કહ્યું હતું : ‘પિતામહનો કોઈ વિશ્વાસ કરવો ન જોઈએ. પિતામહ પાંડવોના પક્ષે હશે.’

દુર્યોધનની આ શંકાજાળ તોડવા ધૃતરાષ્ટ્ર પિતામહને શ્રીમુખે જ તેમના વલણ વિષે સ્પષ્ટતા કરવા ઇચ્છતો હતો. ધૃતરાષ્ટ્રે હળવેથી પૂછ્યું, ‘પિતામહ, એક પ્રશ્ન પૂછું માઠું તો નહિ લાગે ને ?’

‘ભલે પૂછ !’ પિતામહે અનુમતિ દેતાં કહ્યું, ‘માઠું શા માટે લાગે? શું પૂછવું છે તારે ?’

‘હવે કૌરવો અને પાંડવો વચ્ચેનો સંગ્રામ નિશ્ચિત છે. ત્યારે તમે ક્યાં હશો ?’ ધૃતરાષ્ટ્રે ડરતાં ડરતાં પ્રશ્ન કર્યો. હમણાં જ પિતામહના ક્રોધની જ્વાલા ભભૂકી ઊઠશે એવા ભયથી તે ધ્રૂજતો હતો.

‘કેવો વિચિત્ર પ્રશ્ન છે, ધૃતરાષ્ટ્ર ?’ પિતામહે આશ્ચર્ય વ્યક્ત કર્યું ને વળતો પ્રશ્ન કર્યો, ‘કેમ, તને મારા વિષે કોઈ શંકા છે ?’ પછી તરત જ સ્પષ્ટતા કરી, ‘ધૃતરાષ્ટ્ર, માણસ અર્થનો દાસ છે. અર્થ માણસનો દાસ નથી. એટલે હું તમારો આશ્રિત છું પછી પાંડવોના પક્ષે જવાની શંકા તમને કેમ જાગી ?’

પિતામહના સ્પષ્ટ જવાબથી ધૃતરાષ્ટ્ર છોભીલો પડી ગયો. તે કાંઈ પણ સ્પષ્ટતા કરે તે પહેલાં પિતામહે વધુ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું, ‘ધૃતરાષ્ટ્ર, પાંડવો પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. તેમણે ઘણું ઘણું વેઠ્યું છે. દુર્યોધને તેમને ખતમ કરવા ઓછા પેંતરા રચ્યા નથી, છતાં પાંડવોના દિલમાં દુર્યોધન પ્રત્યે કોઈ રોષભાવ નથી. તેમણે માત્ર પાંચ ગામની જ વાત મૂકી. દુર્યોધને એ વાતનો પણ સ્વીકાર કર્યો નહિ ને મહાભયંકર વિનાશક યુદ્ધ નોતર્યું. તેનો મને અફસોસ જરૂર છે, પણ તેથી હું તમને દગો દઈને પાંડવોના પક્ષે દુર્યોધન સામે લડવા જાઉં એવો નાદાન તો નથી જ.’

શ્વાસ શાંત કરવા થોડી ક્ષણ મૌન રહ્યા. પછી તેમણે વધુમાં ઉમેર્યું, ‘પણ વિજય તો પાંડવોનો જ હશે.’

‘પાંડવોનો વિજય હશે ? શું કહો છો પિતામહ ?’ ધૃતરાષ્ટ્ર રાડ પાડી ઊઠ્યો હોય એમ બોલ્યો ને ઉશ્કેરાટમાં કડવા વેણ ઓકી નાંખ્યા, ‘આશ્રિત થઈને તમે પાંડવોનો વિજય ઇચ્છો છો ?’

‘ના, માત્ર ઇચ્છતો નથી પણ હકીકત છે. સત્ય, ન્યાય પાંડવોના પક્ષે છે. વિજય હંમેશા ધર્મનો, સત્યનો જ હોય છે.’

ધૃતરાષ્ટ્ર હવે કોઈ દલીલબાજીમાં ઊતરવા ઇચ્છતો નહોતો. તેને જે જાણવું હતું તે જાણી લીધું. પિતામહ ભલે પાંડવોના વિજય વિષે બકવાસ કરે પણ તેઓ પાંડવો સામે જ દુર્યોધનના પક્ષે ઊભા રહેશે. પછી પાંડવોનો વિજય શી રીતે કલ્પી શકે? તેઓ પોતે નિર્બળ પુરવાર કેમ થઈ શકે ?

આખરે પિતામહ કૌરવસૈન્યની સાથે જોડાયા, તેનો પાંડવોના દિલ પર જબરો આઘાત થયો. અર્જુન પિતામહ સામે યુદ્ધ કરવા તૈયાર ન હતો, પણ શ્રીકૃષ્ણે સલાહ આપી, ‘યુધિષ્ઠિર, પિતામહ આપણા વડીલ છે એટલે યુદ્ધના પ્રારંભે તેમના આશિષ લેવા જોઈએ. તમે બધા તેમની પાસે જાવ ને આશિષ માંગો.’

કૃષ્ણની સલાહથી બધા વિમૂઢ બન્યા. પિતામહ કૌરવોના પક્ષે પાંડવોનો સંહાર કરવા મેદાનમાં આવ્યા છે તે પિતામહ પાંડવોને કેવા આશીર્વાદ દેશે ? તેની સૌને શંકા હતી. છતાં કૃષ્ણની સલાહનો સ્વીકાર કરવા યુધિષ્ઠિર તૈયાર થયા. તેમણે બખ્તરો દૂર કર્યા ને પિતામહની છાવણી તરફ પાંચે ભાઈઓએ ડગ દીધા.

પિતામહ જ્યાં ઊભા હતા ત્યાં પહોંચતા યુધિષ્ઠિર બે હાથે પિતામહના બે ચરણો પકડ્યા ને પ્રાર્થના કરી, ‘પિતામહ આપની સાથે યુદ્ધ કરવાની અમને રજા દો ને આશીર્વાદ આપો.’

યુધિષ્ઠિર રણમેદાનમાં તેની સામે પોતે ઊભો હોવા છતાં અહીં તેમના આશીર્વાદ લેવા આવ્યો તેથી પિતામહને પણ વિસ્મય તો થયું જ, પણ યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠતા તેમના દિલને સ્પર્શી ગઈ. તેમણે પોતાનો આનંદ વ્યક્ત કરતાં યુદ્ધ કરવાની રજા આપી, ‘તમે મારી સાથે ખુશીથી યુદ્ધ કરજો. પૂરી તાકાત તમે કામે લગાડજો. મારી તમને રજા છે ને તમારો જય થાઓ તેવા મારા આશીર્વાદ છે.’ પોતાની સ્થિતિ વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘કૌરવોના અર્થ વડે હું બંધાઈ ચૂક્યો છું, તેથી નાછૂટકે મારે તેમના પક્ષે રહી મારી શક્તિ પ્રમાણે યુદ્ધ તો કરવું જ પડશે.’

પાંડવોને પણ પિતામહના ઉદારતાભર્યાં સૌજન્યથી આનંદ થયો. તેઓ ત્યાંથી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય પાસે ગયા. તેમને વંદન કરી યુદ્ધ માટે તેમની પણ અનુમતિ મેળવી લીધી.

યુદ્ધનો પ્રારંભ થયો. દુર્યોધન પિતામહની તાકાત, યુદ્ધચાતુર્ય ને તેમના કૌશલ્ય પર મુસ્તાક હતો. પિતામહ જ્યારે કૌરવસેનામાં જોડાયા ત્યારે દુર્યોધન વિજયનાં સ્વપ્નાં રમાડતો હતો. પિતામહ રણમેદાનમાં પોતાના યુદ્ધ કૌશલ્યનો જાણે પરિચય દેતા હોય એમ પાંડવસેનાનો કચ્ચરઘાણ વાળતા હતા. તો બીજી બાજુ ભીમ તેની તમામ તાકાતથી કૌરવસેના પર તૂડી પડ્યો હતો. દુર્યોધન ભીમને ઝડપથી કૌરવસેનાની ખુવારી કરતો હતો તે જોઈ ગભરાઈ ગયો. આમ તો થોડા સમયમાં કૌરવસેનાનો ખાત્મો થઈ જાય.

યુદ્ધ ગણતરીના દિવસોમાં જ પૂરુ કરી વિજયપતાકા લહેરાવવાની દુર્યોધનની આશા હતી. યુદ્ધ લંબાતું જ હતું. આઠ-આઠ દિવસો થયા છતાં કૌરવસૈન્યની તબાહી અટકી નહોતી. દુર્યોધનની ચિંતા હજાર ગણી વધી પડી. કર્ણે તેને સલાહ આપી, ‘પિતામહને યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જવા દે. પછી તો હું પાંડવસૈન્યને ધૂળ ભેગું કરી દેવા તૈયાર છું. પિતામહ જ્યાં સુધી લડતાં હોય ત્યાં સુધી હું કેમ પરાક્રમ બતાવું.’

હતાશ થયેલા દુર્યોધનના દિલમાં કર્ણની સલાહ પછી વિશ્વાસ જાગ્યો. તેણે પિતામહને મેદાનમાંથી હઠી જવાની સલાહ આપતાં કડવા દાહક શબ્દોના મારો ચલાવ્યો, ‘બહુ થયું. હવે પિતામહ ! આપ વૃદ્ધ થયા છો એટલે આપ પૂરી તાકાતથી લડતા નથી. પાંડવો કૌરવસેનાની ભારે ખુવારી કરી રહ્યા છે, છતાં તમે અર્જુનને પરાસ્ત કરી શક્યા નથી.’ પછી કટાક્ષ કર્યો, ‘કદાચ આપના દિલમાં પાંડવો પ્રત્યેનો જ પક્ષપાત છે. તેના કારણે આપ અર્જુનને હણવા ઈચ્છતા પણ ન હો.’

દુર્યોધનના વચનો સાંભળતાં પિતામહ એકદમ બેઠા થયા. ક્રોધથી તેમનાં અંગો કાંપતાં હતાં. તેમણે જાણે દુશ્મન પર પૂરી તાકાતથી તૂટી પડતાં હોય એમ દુર્યોધનને પ્રશ્ન કર્યો, ‘એટલે તું શું કહેવા માંગે છે ? હું જાણી જોઈને અર્જુનને હણતો નથી. એમ તું કહે છે?’ ને પછી હળવાસથી કહ્યું, ‘દુર્યોધન, અર્જુનને હણવો સહેલો નથી. તું જાણે છે કે શ્રીકૃષ્ણ તેના સારથી છે. મારા ગમે તેવા બાણને તે કુશળતાપૂર્વક રથનું પાલન કરીને નિષ્ફળ બનાવે છે. હા, કૌરવસેનાનો નાશ થઈ રહ્યો છે તો પાંડવોને પણ ક્યાં ઓછું સહન કરવું પડ્યું છે ?’

‘પણ હવે તમે જો હઠી જાવ તો?’

‘શું બોલ્યો. દુર્યોધન ? ક્ષત્રિય બચ્ચો નામોશીભરી પીછેહટ કદી કરતો નથી. કાં વિજય કાં મૃત્યુ જ તેને મેદાનમાંથી દૂર કરે છે તે જાણે છે ને ? પિતામહ પોતાની પૂરી તાકાતથી પાંડવો સામે લડે છે. પાંડવો પ્રત્યેનો સમભાવ રણમેદાન પર દેખાતો નથી. રણમેદાન પર તો દુશ્મનોનો સંહાર એ એક જ ભાવ હોય છે.’

દુર્યોધન તો ઈચ્છતો હતો કે પિતામહ હવે નિવૃત્ત થાય. મહાવીર કર્ણને મોકો આપે, પણ પિતામહના ક્રોધાગ્નિ જેવા શબ્દો તેને છેલ્લી ઇચ્છા વ્યક્ત કરતાં અટકાવતા હતા.

ત્યારે પિતામહનો ક્રોધાગ્નિ શાંત થયો હતો. તેમણે શાંતિથી દુર્યોધનની શંકાનુ નિવારણ કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘જો દુર્યોધન, હું વૃદ્ધ થયો છું પણ આ કાંડાં બાવડાં નબળાં પડ્યાં નથી. હું મારી તમામ તાકાતથી યુદ્ધ કરું છું. તું શા માટે આવા કડવા વેણ મને સંભળાવે છે? મેં તને પહેલાં જ કહ્યું હતું કે પાંડવોને જીતવાનું કામ સરળ નથી.’ બોલતાં બોલતાં એકદમ ઉશ્કેરાટ વધી જતાં તેમણે ઉગ્ર સ્વરે કહ્યું, ‘આવતી કાલનું મારું યુદ્ધ એવું હશે કે પૃથ્વીના અંત સુધી લોકો તને યાદ કરતાં રહેશે.’

દુર્યોધનને પણ સંતોષ થયો.

બીજા દિવસે પિતામહે એવા અદ્ભુત પરાક્રમ અને વીરત્વનાં દર્શન કરાવ્યા. પાંડવસૈન્યનો કચ્ચરઘાણ વાળી દીધો. પિતામહના પરાક્રમ સામે પાંડવો હતાશ થયા. તેમણે વિજયની આશા છોડી દીધી. જ્યાં સુધી પિતામહ મેદાન પર હશે ત્યાં સુધી પાંડવોનો વિજય અશક્ય જ હશે એવી જ પ્રતીતિ પાંડવોને થવા લાગી.

હતાશામાં ઘેરાયેલા યુધિષ્ઠિરે તો નિરાશાવાદ વ્યક્ત કરતાં કહ્યું પણ ખરું: ‘આપણામાંથી કોઈ પિતામહને હરાવી શકે તેવો નથી. તેમનો પરાજય ન થાય તો આપણે યુદ્ધ જીતવાની આશા છોડી દેવી જોઈએ.’

આ ઘોર નિરાશામાંથી પાંડવોને બહાર કાઢવા કૃષ્ણ તૈયાર થયા. તેમણે સલાહ આપી, ‘પિતામહને પાંડવો પ્રત્યે અપાર લાગણી છે, છતાં તેઓ અર્થના દાસ હોવાથી કૌરવ પક્ષે મેદાનમાં ઊતર્યા છે, પણ તેથી પાંડવો પ્રત્યેની તેમની લાગણી શાંત થઈ નથી.’ પછી સલાહ દીધી, ‘તમે જ પિતામહ પાસે જઈને માર્ગદર્શન મેળવો.’

‘પિતામહ પરાજય માટેનું માર્ગદર્શન દેવા તૈયાર થાય ખરા?’

‘હા. જરૂર. તેમને દુર્યોધનના મેણામાંથી મુક્ત થવું છે. ને પાંડવોનો વિજય પણ ઇચ્છે છે, એટલે તેઓ જરૂર તમને માર્ગદર્શન આપશે જ.’ કૃષ્ણે વિશ્વાસ દીધો.

અંધારી રાત્રે પાંડવો કૌરવસેનાની છાવણી વચ્ચેથી ચૂપચાપ પિતામહની પાસે પહોંચ્યા.

પિતામહ પાંડવોને જોતાં વિસ્મય પામ્યા. તેમની કુશળતાના સમાચાર પૂછ્યા.

યુધિષ્ઠિરે લાગણીભર્યા શબ્દોમાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું, ‘પિતામહ, આપે આજે જે અદ્ભુત પરાક્રમ બતાવ્યું તે જોઈ અમને તો અમારા પરાજયની ખાતરી થઈ છે. આપની સામે ઊભો રહે તેવો કોઈ યોદ્ધો જગતમાં મળે તેમ તથી, આપે જે સ્નેહ અને મમતાથી અમારું લાલનપાલન કર્યું છે તે અમારાથી પ્રાણાન્તે ભૂલી શકાય તેમ નથી. આપના ઉપર ઘા કરતાં અમારા હાથે ધ્રૂજે છે.’

પિતામહ પૂર્ણ શાંતિથી યુધિષ્ઠિરને સાંભળતાં હતા પણ તેમના મનમાં તો દિવસ દરમ્યાન પોતે જે પરાક્રમ બતાવ્યું તેના ભયથી પાંડવો પીડાતા હતા તેવો વિશ્વાસ હતો. તેમણે પણ પાંડવોને જણાવી દીધું, ‘યુધિષ્ઠિર, જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી હું મારી પૂરી તાકાતથી યુદ્ધ કરવાનો જ. અને હું જીવતો હોઉં ત્યાં સુધી તમારા વિજયની કોઈ આશા પણ રાખો નહિ.’ પછી ઉમેર્યું, ‘માટે સૌથી પહેલાં મને હણવાનો પ્રયત્ન કરો. મારા પર ઘા કરતાં તમારે અટકવું શા માટે જોઈએ ? મેદાનમાં આપણે દુશ્મનો છીએ એ જ રીતે આપણે વર્તવું જોઈએ. લાગ આવે દુશ્મનને હણતાં અચકાવું જોઈએ નહીં. ને ઉત્તેજનાપૂર્ણ સ્વરે કહ્યું, ‘મારા પર ઘા કરવાની તમને રજા છે. પિતામહ નહિ પણ મને દુશ્મન ગણી ને હણી નાખો. મને જરાપણ દુઃખ નહિ થાય. મને હણશો એટલે વિજય તમારો નિશ્ચિત બનશે.’

‘પિતામહને હણવાનું પાતક અમારાથી કેમ થાય, પિતામહ ?’ દર્દભર્યા સ્વરે યુધિષ્ઠિર બોલ્યા.

પિતામહ માત્ર હસતાં જ હતા. તેમણે પ્રશ્ન કર્યો : ‘કેમ ન થાય ? દુશ્મનને હણવામાં જ વીરતા છે.’

‘દુશ્મન ? ’યુધિષ્ઠિરે સાશ્ચર્ય પ્રશ્ન કર્યો ને ઉમેર્યું, ‘ના પિતામહ, તમે ભલે કૌરવપક્ષે લડો, અમારો નાશ કરો પણ તમે પિતામહ છો એ હકીકત અમે કદી ભૂલી શકીએ તેમ નથી.’

પિતામહ પાંડવોના પોતાના વિષેના ભક્તિભાવથી દ્રવિત થયા. તે પાંડવોના વિજયની જ ઈચ્છા રાખતા હતા. સાથે પોતાના પરાક્રમની પાંડવસેના પર જે અસર પડી હતી તેનાથી પાંડવો હતાશ થયા હતા.

તેમણે સ્મિત કરતાં પૂછ્યું, ‘તમે હતાશ કેમ છો ?’ પછી તરત જ ઉમેર્યું, ‘તમારા પક્ષે શિખંડી તો છે ને ? એક તો તે યુદ્ધમાં અપરાજિત છે. તેને મારી સામે લડવા મોકલો. તે પુરુષ નથી, પણ સ્ત્રી છે એ હું પહેલેથી જ જાણું છું. એટલે હું તેના પર ઘા કરી શકીશ નહિ.’ પછી અર્જુન પ્રતિ દૃષ્ટિપાત કરતાં તેને સલાહ દેવા માંડી : ‘અર્જુન, તું શિખંડીને આગળ રાખી પાછળથી મારા પર બાણવર્ષા કરવા માંડજે. હું અસહાય હાલતમાં ઊભો ઊભો તારા જ બાણોથી મારા દેહને વીંધાવા દઈશ.’

પિતામહે તો પોતાના પરાજયનો માર્ગ બતાવ્યો, પણ અર્જુન તેને માટે તૈયાર નહોતો. તેણે યુધિષ્ઠિર સમક્ષ પોતાની મનોવ્યથા ઠાલવતાં કહ્યું, ‘ના, પિતામહનો એમ ઘાત કરવા હું તૈયાર નથી. તેમણે મને લાડકોડથી ઉછેર્યો. તેમણે દ્રોણાચાર્ય ને મારા માટે ખાસ ભલામણ કરી હતી એટલે દ્રોણ મારી વધુ કાળજી લેતા હતા.

અર્જુનની મનોવેદના એટલી બધી વધી પડી હતી કે તે લગભગ ભાંગી પડ્યા જેવો થઈ ગયો હતો. ને બોલતો હતો, ‘પિતામહને હું વીધી નાંખીશ નહિ. ભલે આપણો પરાજય થાય. યુધિષ્ઠિર હતાશ થયેલા અર્જુનને સમજાવતો હતો, પણ અર્જુનનો ઠરી ગયેલો ઉત્સાહ જાગતો નહોતો. ‘ના, પિતામહે મને વાત્સલ્યભાવથી ઊછેર્યો, તેમના ખોળામાં બેસીને લાડ કરતો. તેમણે જ મને કહ્યું હતું, “બેટા, અર્જુન, હું તારો બાપ નથી પણ તારા બાપનો બાપ એટલે પિતામહ છું.” ત્યારથી હું તેમને પિતામહ કહું છું. તેમના પર હું બાણ કેમ ચલાવી શકું?’

અર્જુનના હઠાગ્રહ આગળ યુધિષ્ઠિર શાંત થયો. શ્રીકૃષ્ણ પણ ચિંતામાં હતા. કૌરવોના વિજયની શક્યતા તેમને પણ અકળાવતી હતી.

આમ રાત્રિ પૂરી થઈ. બીજા દિવસે યુદ્ધનો પ્રારંભ થયો. પિતામહે દુર્યોધનના કડવા મહેણાનો જાણે જવાબ દેવા માંગતા હોય એમ પાંડવસૈન્યની ભારે ખુવારી કરવા માંડી. પિતામહના ધસારા સામે ઊભવાની કોઈની તાકાત ન હતી. તેમણે દુર્યોધનના મનમાં તેમના વિષે જે શંકા હતી તે નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘આજ સુધી મેં તારું અન્ન ખાધું છે તેનું ઋણ હું પૂરેપૂરું ચૂકવી દઈશ. આજે કાં તો પાંડવો યમલોકમાં હશે અથવા કાં તો લડતાં લડતાં પિતામહ માર્યા જશે. તું ચિંતા ન કરતો.’

તેમણે ઝનૂનપૂર્વક પાંડવસેનાનો સંહાર કરવા માંડ્યો. પિતામહના ઝનૂનના દર્શન પછી અર્જુનનો મોહ દૂર થયો. તેણે શસ્ત્રો ઉઠાવ્યા. પિતામહે ગઈ રાત્રે આપેલી સલાહ પ્રમાણે અપરાજિત ગણાતા શિખંડીને, અર્જુનના રથના આગળના ભાગમાં ઊભો રાખી પિતામહ ઉપર જોરદાર બાણનો ધસારો કર્યો. અર્જુનના જોરદાર ધસારાએ પાંડવસેનામાં પણ ચેતના પ્રગટી. પિતામહે પાંડવસેનામાં જે હાહાકાર ફેલાવ્યો હતો તેના કારણે પાંડવસેનામાં ઘોર નિરાશા ફેલાઈ હતી. સેના વેરવિખેર થતી હતી, પણ અર્જુનના પિતામહ પરના જોરદાર ધસારાથી સેના ફરીથી સજ્જ થઈ. કૌરવસેના પર જોરદાર આક્રમણ શરૂ કર્યું. પિતામહ શિખંડીને રથના આગળના ભાગમાં ઊભો રાખી અર્જુન પોતાની તરફ પવનવેગે ધસી રહ્યો છે તે જોતાં મનમાં મલકી ઊઠ્યા. તેમણે દુર્યોધનને જે વિશ્વાસ દીધો હતો તેનો તેમણે અમલ પણ કર્યો હતો. પાંડવોના પરાજયની કલ્પનાથી તે ધ્રૂજતા હતા. આટઆટલા સંહાર છતાં અર્જુન દેખાતો ન હતો, તેથી તેઓ ચિંતિત પણ હતા. ક્ષણેક્ષણે હાંક દેતાં : ‘ક્યાં છે અર્જુન ? ક્યાં સંતાયો છે ?’

હવે અર્જુન તેમની પર પવનવેગે ધસી રહ્યો હતો એ જોઈ તેમણે નિરાંત અનુભવી. પોતે દુર્યોધનને વચન દીધા પ્રમાણે અર્જુનના હાથે જ ઘવાઈને જમીન પર પડે એમ તેઓ ઇચ્છતા હતા.

તેમની કલ્પના પ્રમાણે જ અર્જુને પણ જોરથી તેમના પર બાણવર્ષા શરૂ કરી. તેમના દેહમાં ઠામઠામ અર્જુનના બાણથી લોહી વહેતું થયું. પિતામહ વળતો પ્રહાર કરવા પ્રયત્ન કરતા હતા. શિખંડીની પાછળ ઊભા ઊભા પોતાના પર બાણવર્ષા કરતા અર્જુનને વીંધવા તેઓ ધનુષ્યના ટંકાર કરતા. ત્યાં જ શિખંડીના બાણ તેમના દેહ પર ઘા કરતા હતા.

‘શિખંડી પર પ્રહાર કેમ થાય ?’ તેઓ જાણતા હતા કે શિખંડી સ્ત્રી છે. સ્ત્રી પર આક્રમણ થઈ શકે નહિ. શિખંડીને જોતાં તેમને ભૂતકાળનું સ્મરણ થયું ને બોલી ઊઠ્યા, ‘કોણ ? કાશીરાજની પુત્રી અંબા કે? હા, તું મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ મારી પ્રતિજ્ઞાના કારણે તારી દરખાસ્તનો હું સ્વીકાર કરી શકતો ન હતો એટલે તું વેરથી આગમાં શેકાતી બદલો લેવાની ધમકી દઈને વિદાય થઈ હતી.’ મનમાં ઊઠેલા ભૂતકાળને વાગોળતાં પૂછી રહ્યા, ‘કોણ ? અંબા તું વૈરવૃત્તિનો આસ્વાદ માણવા અર્જુનના રથપર ઊભી ઊભી મને વીંધી રહી છે, ખરું ને ? હા, તારું વેર જો સંતોષનું હોય તો ભલે !’ ત્યાં પિતામહની છાતી વીંધી નાંખવાના ઇરાદે શિખંડીએ બાણ છોડ્યું, પણ પિતામહે તેનું નિશાન ચૂકવ્યું.

શિખંડી પણ તેના નિશાનની નિષ્ફળતાથી ખૂબ વ્યગ્ર બન્યો હોય એમ બાણ ઉઠાવતાં પિતામહને કહી રહ્યો, ‘અંબાનું તો અવસાન થયું છે, પિતામહ ! આ અંબા નથી, પણ શિખંડી છે, અંબાના વેરની તૃપ્તિ માટે જ તે અત્યાર સુધી આથડતી હતી. આજે એ તક મળી. મહાપરાક્રમી અર્જુનની પડખે ઊભો ઊભો શિખંડી તેના વેરની તૃપ્તિ માણે છે.

શિખંડી પર પિતામહ પ્રહાર કરી શકતા ન હતા એટલે તેને કોઈ ઈજા થઈ ન હતી, ત્યારે તે પિતામહના દેહને વીંધી રહ્યો હતો. પિતામહની આવી વિષમ સ્થિતિ જોઈને કૌરવસેનાના મહારથીઓ તેમની મદદે દોડી આવ્યા. પિતામહને સલામત રીતે ખસી જવા જણાવતા અર્જુન અને શિખંડી સામે પ્રહારો પણ કરતા હતા.

પિતામહ તેમના નિર્ણયમાં મક્કમ હતા. તેમણે મેદાનમાંથી હઠી જવાનો ઇનકાર કરતાં જુસ્સાપૂર્વક કહ્યું, ‘અર્જુનની સામે પૂંઠ ફેરવવાની સલાહ ન દેશો. અર્જુનનો ખાત્મો બોલાવીશ અથવા તેના બાણે હું જમીન પર ઢળી પડીશ. અર્જુનને પૂંઠ બતાવવા જેવો કાયર થવા તૈયાર નથી.’

આમ, પિતામહ અર્જુન સામે બાણવર્ષા કરતા હતા. અર્જુને અને શિખંડીએ તેમના દેહને છીદ્રોથી ચાળણી જેવો બનાવી દીધો હતો. લોહીની અસંખ્ય ધારા તેમના દેહમાંથી વહી જતી હતી છતાં તેમનો જુસ્સો ને ઝનૂન સલામત હતા. તેમણે અર્જુનને ઘાયલ કર્યો હતો. અર્જુનના દેહમાં પણ પિતામહના બાણ ઘૂસી જતાં હતાં.

પિતામહ અને અર્જુન ઝનૂનપૂર્વક એકબીજા સામે બાણવર્ષા કરતા હતા. આખરે અર્જુને પિતામહના ધનુષ્યના જ ટુકડા કરી નાખ્યા. પિતામહે અર્જુનની આ કાબેલિયતથી ઝંખવાણા પડ્યા વગર તરત જ બીજું ધનુષ્ય ઉઠાવવા માંડ્યું. પણ અર્જુન પર બાણવર્ષા કરે તે પહેલાં અર્જુને તે બાણના પણ ટુકડા કરી નાખ્યા. તે સાથે જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પિતામહના દેહને વીંધતાં અસંખ્ય બાણોની વર્ષા શરૂ કરી. અર્જુનના અભિજિત ગાંડીવ ધનુષ્યની પણછનો ધ્વનિ સતત ગાજતો જ રહ્યો. ત્યારે પિતામહ પણ અતિશ્રમથી દેહમાંના અસંખ્ય ઘામાંથી સતત વહેતાં રુધિરથી નિર્બળ બનતા ગયા. વેદના પણ તેઓ હવે બરદાસ કરવા જેટલી સ્વસ્થતા કેળવી શકતા નહોતા.

તેમણે દશ દિવસ સુધી યુદ્ધમાં તેમના જેવા વીર શિરોમણી જેટલી હદ સુધી બળ, વીર્ય, શૌર્ય ને પરાક્રમ બતાવી શકે તેટલા સંપૂર્ણપણે બતાવ્યા પછી આખા શરીરે વીંધાઈ જતાં હતાશ થયા વિના અર્જુનનો મુકાબલો કરતાં જ રહ્યા. હવે તેઓ ટકી શકે તેમ નહોતા. તેમની શક્તિ ખતમ થઈ હતી. તેમના મનોબળની દૃઢતા યથાવત હતી. તેઓ અર્જુન પર ક્રોધવર્ષા કરવા પણ તૈયાર નહોતા. આખરે તેઓ અર્જુનનો મુકાબલો કરતાં કરતાં રથમાંથી ઢળી પડ્યા. તે સાથે જ દુર્યોધન ચિત્કાર પાડી ઊઠ્યો. ઝડપથી પિતામહ પાસે પહોંચ્યો ને કૌરવસેનામાં ગભરાટ ફેલાયો.

દુર્યોધનને પોતાની પાસે ઊભેલો જોતાં પિતામહે પ્રયત્નપૂર્વક તેને કહ્યું, ‘દુર્યોધન, તારું ઋણ અદા કર્યું છે. હવે મારા માટે બાણશૈય્યા તૈયાર કરો. તેના પર પડ્યો પડ્યો હું યુદ્ધ જોતાં જોતાં વિરમી જઈશ.