લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૧૮

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૭ પિતામહ
પ્રકરણ ૧૮
પ્રહલાદ બ્રહ્મભટ્ટ






૧૮
 

અર્જુન સામે યુદ્ધ કરતાં કરતાં પિતામહ અર્જુનના બાણોથી વીંધાયા. લોહી નીગળતા દેહે રથમાંથી જમીન પર ઢળી પડ્યાના સમાચાર વાયુવેગે બન્ને સૈન્યમાં પ્રસરી જતાં ભારે સન્નાટો મચી ગયો. દુર્યોધન તો હતાશ થઈ ગયો. છેલ્લા બે દિવસથી પિતામહ જે રીતે પાંડવસૈન્યનો ખાત્મો બોલાવતા હતા, તે જોઈ તેના દિલમાં શ્રદ્ધા જાગી હતી. પિતામહના હાથે અર્જુનનો વધ થવાની આશા રાખતાં દુર્યોધનના દિલ પર જબ્બર ઘા થયો. પિતામહ જ્યાં ઢળી પડ્યા હતા ત્યાં એકદમ દોડી આવ્યો.

આખા શરીરે અર્જુનના બાણથી ઘવાયેલા પિતામહનો દેહ લોહીથી ભીનો થયો હતો. તેમના ચહેરા પર વેદના કે ખિન્નતા ન હતી પણ સંતોષની આભા પથરાઈ હતી.

‘દુર્યોધન !’ ધીમા શ્વાસે પિતામહે દુર્યોધન પ્રતિ નજર માંડતાં કહ્યુ, ‘તારું ઋણ મેં ચૂકવી દીધું. તેના સંતોષ સાથે હું વિદાય થઈશ.’ ને પછી બોલ્યા, હજી પણ મારી સલાહ છે કે તમે અહીંથી અટકી જાવ. પાંડવોને તેમનું રાજ્ય પાછું આપીને શાંતિથી તમે બધા ભાઈઓ જીવન પૂરું કરો.’ ને જાણે દુર્યોધન તેમની સલાહ કદી માનવાનો જ નથી તેની તેમને ખાતરી હોય તેમ અફસોસ કરતાં કહી રહ્યા, ‘કુરુવંશને જીવંત રાખવા મેં ઘણા પ્રયત્નો કર્યા. મા સત્યવતીની જ ઇચ્છાનું મેં પાલન ન કર્યું. કૌરવો-પાંડવો કુરુવંશના રખેવાળ બની રહેશે તેવી આશામાં હું જીવતો હતો. પણ આ દુર્દશા આજે કૌરવો-પાંડવો આપસમાં લડીને કુરુવંશનો જાણે અંત લાવી રહ્યા છે.’

પિતામહની વેદનાભરી વાણી દુર્યોધન સાંભળતો હતો, પણ તેમની સલાહ તેને ગમતી ન હતી એમ તના ચહેરા પરના ભાવો દેખાતા હતા. ‘દુર્યોધન, આ ધરતી પર મારો દેહ વધુ પીડા કરે છે. ધરતીનો સ્પર્શ મને પીડા આપે છે. મારે માટે બાણશૈય્યા તૈયાર કરાવ. તેના પર પડ્યો પડ્યો હું કુરુક્ષેત્ર પ્રતિ નજર રાખતાં દેહત્યાગ કરીશ.’

પિતામહ ઘવાયેલા દેહે રથમાંથી જમીન પર ઢળી પડ્યાના સમાચાર મળતાં યુધિષ્ઠિરે દેહ પરના બખ્તર ઉતારી દીધા. હાથમાંના શસ્ત્રો ફેંકી દીધા ને ગમભર્યા દિલે તે પિતામહ પાસે પહોંચ્યો. તેની પાછળ અર્જુન, ભીમ ને બીજા ભાઈઓ પણ પિતામહ પાસે પહોંચ્યા. સૌએ પિતામહને બે હાથ જોડી વંદન કર્યા. કૌરવસેનાના મહારથીઓ પણ આવી પહોંચ્યા હતા. યુદ્ધ બંધ પડ્યું હતું. સર્વત્ર સૂનકાર હતો. કુરુક્ષેત્રની લોહીભીની ધરતી પર પડેલા મૃતદેહોને હિંસક પશુઓ ને ગીધડાં ચૂંથતાં હતાં.

પિતામહના દેહમાં ઠામઠામ પડેલા ઘામાંથી સતત વહી રહેલાં લોહીની પીડાથી પીડાતા હતા. તેમની બન્ને બાજુ યુધિષ્ઠિર ને તેના ભાઈઓ, તો દુર્યોધન ને તેના મહારથીઓ નિસ્તબ્ધ ઊભા હતા. પિતામહે નેનાં ઉઘાડ્યાં. પોતાની બન્ને પડખે ઊભેલા પાંડવો ને કૌરવો પ્રતિ ઊડતી નજર નાંખી પછી બોલ્યા, ‘મારું માથું લટકી રહે છે, માટે તેને ટેકો દેવા ઓશીકાની જરૂર છે.’

દુર્યોધને તરત જ મુલાયમ ઓશીકાની વ્યવસ્થા કરી, પણ પિતામહને તેની જરૂર ન હતી. તેમણે કહ્યું, ‘આવા મુલાયમ ઓશીકા રાજમહેલમાંના પલંગ પર શોભે, અહીં બાણશૈય્યા પર નહિ.’ તેમણે અર્જુન પ્રતિ નજર કરતાં કહ્યું, ‘બેટા અર્જુન, મારી વીરશૈય્યાને યોગ્ય એવું ઓશીકું તૈયાર કરી દે.’

પિતામહ પ્રત્યેનો દુર્યોધનનો અવિશ્વાસ આથી વધી પડ્યો. જે અર્જુને તેમના દેહને ચાળણી જેવો બનાવી રથમાંથી જમીન પર ફેંકી દીધો, એ અર્જુનને જ ઓશીકું બનાવવા કહે છે. હજી પણ તેમના દિલમાં પાંડવો પ્રત્યે જ ભાવ છે. બાકી પોતાને પરાસ્ત કરનાર અર્જુનનું મોં જોવા પણ તૈયાર ન થાય. દુર્યોધનના દિલમાં દવ સળગતો હતો. તે અસહાય હતો. પિતામહ સામેનો રોષ પણ તે અહીં ઠાલવી શકતો ન હતો.

અર્જુન પિતામહની ઈચ્છા સમજી ગયો હોય એમ તેણે ત્રણ બાણ વડે પિતામહના મસ્તકને ઊંચકીને બાણના ઓશીકા પર ટેકવી દીધું.

‘હાશ !’ બાણના ઓશીકા પર માથું મૂકતાં પિતામહે નિરાંતનો દમ ખેંચ્યો, હવે તેમનુ માથું લટકતું ન હતું. ને પૂર્ણ સ્વસ્થતાથી બાણશૈય્યા પર પોઢ્યા હતા. તેમણે કહ્યું, ‘આવી બાણશૈય્યા પર પોઢવું એ ક્ષત્રિયો માટે યોગ્ય છે.’ ને પોતાનો નિર્ણય જણાવ્યો, ‘સૂર્ય પાછો ઉત્તરાણનો થાય ત્યાં સુધી હું બાણશૈય્યા પર જ પોઢીશ. ત્યાર પછી હું દેહત્યાગ કરીશ.’

ખૂબ શ્રમિત થયા હોય એમ પિતામહે પોપચાં ઢાળી દીધાં. ધીમો શ્વાસ ચાલતો હતો. તેમની બન્ને પડખે ઊભેલાંના ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. ક્યાંય સુધી સૌ મૂંગામૂંગા પિતામહના ચાળણી જેવા દેહ સામે અપલક નજર માંડતા ઊભા હતા. ક્યારેક એ નજર અશ્રુભીની પણ થતી હતી.

થોડી ક્ષણોના વિસામા પછી ફરી પિતામહે પોપચાં ઊંચાં કર્યાં. તેમણે મંદ સ્વરે બન્ને પક્ષે ઊભેલા મહારથીઓને વિનવણી કરતાં કહ્યું, ‘તમે હવે આપસના વેરાગ્નિને શાંત કરો. બન્ને ભાઈઓ સાથે ઊભા રહો ને સૌ સૌનું સંભાળતા બંધુભાવને વધારો.’

દુર્યોધન જાણે પિતામહની કોઈ સલાહ કાને ધરવા તૈયાર ન હોય એમ ત્યાંથી હઠી જઈને પિતામહના દેહ પરના ઘામાંથી વહી રહેલાં લોહીને બંધ કરવા ને ઘા રૂઝવવા માટેની તાત્કાલિક સારવાર કરવા વૈદને લઈ આવ્યો. પિતામહને કોઈ સારવારની જરૂર નહોતી. તેમણે કહ્યું, ‘દુર્યોધન, હવે મારે કોઈ સારવારની જરૂર નથી. આ બાણના જખ્મોથી મૃત્યુને શરણે થવું એ જ હવે મારું કર્તવ્ય છે. તમે વૈદને પાછા મોકલો.’

હવે પિતામહનો નિર્ધાર જાણ્યા પછી બધા ત્યાંથી ધીમે ધીમે વિખરાવા લાગ્યા. બાણશૈય્યાની ચારે બાજુ ખાઈ ખોદાવીને તેના રક્ષણ માટે પહેરેગીરની ગોઠવણ કરી. તેમની પ્રદક્ષિણા કરી તેમને વંદન કરી સૌ વિખરાયા.

બીજા દિવસે યુદ્ધનો શંખનાદ થાય તે પહેલાં પાંડવો ને કૌરવો બાણશૈય્યા પર પોઢેલા પિતામહના દર્શને આવ્યા ત્યારે સંખ્યાબંધ કુમારિકાઓ તેમનું પૂજન કરતી હતી. તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી. થોડી ક્ષણોમાં તપસ્વીઓ, ઋષિ મુનિઓ પણ તેમનાં દર્શને ઊમટ્યા હતા. પિતામહ શાંત આંખો બંધ કરીને પોઢ્યા હતા. હજી પણ તેમના દેહમાંથી લોહી ટપકતું હતું. ને ધરતી લોહીભીની બની રહી હતી.

ત્યાં પિતામહે નયનો ઉઘાડ્યા. યુધિષ્ઠિર ને દુર્યોધન સામે તેમણે નજર નાંખી. પછી હળવેથી બોલ્યા, ‘ખૂબ તૃષા લાગી છે, ગળું સુકાઈ જાય છે, જળપાન કરાવશો ?’

પિતામહની તૃષા વિષે જાણતાં કૌરવો તેમના માટે વિવિધ પ્રકારના ભોજન સાથે હાજર થયા. પિતામહે ભોજન પ્રતિ નજર કર્યા વિના જ બૂમ પાડી, ‘અરે, અર્જુન ક્યાં છે?’

અર્જુન તરત જ પિતામહ સમક્ષ બે હાથ જોડી દીનભાવે ઊભો. પિતામહે તેના પ્રતિ ભાવભરી નજર નાંખતા કહ્યું, ‘અર્જુન, તેં મારા આ દેહને બાણથી વીંધીને ચાળણી જેવો બનાવી દીધો છે. રક્તભીનો બની રહ્યો છે. તેની અસહ્ય વેદના પણ હું મૂંગા મૂંગા બરદાસ કરું છું તૃષાની તીવ્રતાથી મારું ગળું સુકાય છે. મને પાણી દે. મારો કંઠ સુકાય છે.’

દુર્યોધન ઊભો ઊભો પિતામહ ને અર્જુન વચ્ચેનો સંવાદ સાંભળતો હતો. તેના મનમાં પિતામહ વિષે કટુતા ઘૂંટાતી હતી.

અર્જુન પિતામહની બાણશૈય્યાની જમણી દિશા તરફ વળ્યો. બાણશૈય્યાની નજદિકની જમીનને બાણથી વીંધીને પૃથ્વીના ઊંડાણમાંથી નિર્મળ શીતળ જળનો ફુવારો ઉડતો કર્યો ને પિતામહને તે પાણીનું પાન કરાવ્યું.

દિવસોની તૃષા આમ શાંત થતાં જાણે તેમની ચેતના ફરી જાગ્રત થઈ હોય એમ તેમણે યુધિષ્ઠિરને કહેવા માંડ્યું, ‘યુધિષ્ઠિર, તમને ન્યાય દેવા માટે મેં દુર્યોધનને ઘણો સમજાવ્યો, પણ તેણે મારું સાંભળ્યું જ નહિ. હું જાણતો હતો કે દુર્યોધન કોઈની સલાહ કે શીખ સ્વીકારતો નથી. હવે ભીમના પરાક્રમે તેનો પરાજય થશે ને તે પોતે પણ મૃત્યુ પામશે.’

દુર્યોધન ત્યાં ઉપસ્થિત હતો. પિતામહ તે જાણતા પણ હતા. તેમના દિલની દારુણ વ્યથા વ્યક્ત કર્યા વિના રહી શક્યા નહિ. તેમણે દુર્યોધન પ્રતિ દૃષ્ટિપાત કરતાં કહ્યું, ‘દુર્યોધન, તને મારા વચનોથી દુઃખ થયું જ હશે, પણ શું કરું ભાઈ ! જે નિશ્ચિત્ત છે તેની જાણ કરવી એ મારી વડીલ તરીકે ફરજ છે. એટલે તને આ મૃત્યુશૈય્યા પર પડ્યો પડ્યો કહું છું. તું મારી વાતનો મર્મ બરાબર સમજી લે ભાઈ. પાંડવોની સાથે હજી પણ સુલેહ કરી લે. તેમનું જે હોય તે તેમને હવાલે કર.’ પછી નિઃશ્વાસ નાંખતા પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા હોય એમ બોલ્યા, ‘આ દેહ પડે તે પહેલાં તમે ભાઈઓ સાથે હો ને યુદ્ધની તબાહીનો અંત આવે એ જોવાની મારી ઈચ્છા છે.’

પિતામહ લાગણીનો ધોધ વહાવતા હતા, પણ દુર્યોધન જડશો ઊભો હતો. પિતામહના શબ્દો જાણે તેને સ્પર્શી જ શક્યા ન હોય એમ યથાવત મૂંગો મૂંગો ઉઘાડી આંખે જોતો હતો. પિતામહના શબ્દો તેના દિલની વેદનાને ઉત્તેજતા હતા.

તે સ્વગત બબડ્યો, ‘મરણ ક્ષણે પણ જેમના આશ્રયે જીવન સુખશાંતિમાં વહી ગયું તેને જ બેવફા થવાની જિંદગીની આદત હજી પણ જતી નથી. યુદ્ધમાં ભારે ખુવારી પછી મને સમાધાન કરવાની સલાહ દેતાં તેમને ખટકો પણ નથી થતો ?’

તે બબડ્યો, ‘મારે હવે સમાધાન શા માટે કરવું ? પિતામહ ઢળી પડ્યા એટલે હું નિર્બળ થઈ ગયો ? ના, એમ નથી. હજી યુદ્ધમાં અપરાજીત ગણાતા દ્રોણાચાર્ય મારી સાથે છે. મહાવીર કર્ણ તો પાંડવોનો ખુરદો બોલાવી દેવાની તમન્ના સાથે મારી પડખે છે, છતાં પિતામહ મને શરણાગતિ સ્વીકારવાની સલાહ આપતાં લજવાતાં કેમ નથી ? પાંડવોને રાજ્ય આપવાની હવે કોઈ વાત જ નથી. શા માટે પિતામહ મૃત્યુ ટાણે પણ તેમનું ગાણું ગાતા હશે ?’

દુર્યોધન અનુત્તર હતો. પિતામહ પણ આંખો બંધ કરી નિઃસ્તબ્ધ બની ગયા હતા. પાંડવો અને કૌરવો પણ હવે પિતામહને નમન કરી વિદાય થયા હતા. પિતામહના ચહેરા પર પરમ શાંતિ છવાઈ ગઈ હતી.

ત્યાં પિતામહ ઢળી પડ્યાના સમાચાર મળતાં કર્ણ દોડતો આવી પહોંચ્યો. છેલ્લા દિવસોમાં પિતામહ પાંડવસેના સામે જે ઝનૂનપૂર્વક લડ્યા હતા ને પાંડવસેનાનો ખુરદો બોલાવ્યો હતો. તેથી કર્ણના મનમાં પિતામહ વિષેનો કટુભાવ દૂર થયો હતો.

‘પિતામહ !’ શાંત બાણશૈય્યા પર પોઢેલા પિતામહ સમક્ષ વિનમ્રભાવે બે હાથ જોડી ઊભા રહેલા કર્ણે હળવેથી સાદ દીધો. પિતામહનાં નયનો ઊઘડ્યાં. કર્ણને પોતાની સમક્ષ ઊભેલો જોઈ તેમના સુક્કા હોઠ પર સ્મિતબિંદુ જામ્યા. કર્ણે બે હાથ જોડી વંદન કર્યા. પિતામહના દેહની હાલત જોતાં તે પણ દ્રવી ઊઠ્યો હતો.

‘આવ, મારી પાસે આવ, ભાઈ કર્ણ !’ ધીમા ભાંગેલા સ્વરે પિતામહે કર્ણને પોતાની પાસે બોલાવ્યો. કર્ણ ગદ્‌ગદિત થઈ ગયો. પિતામહે કર્ણ પ્રતિ પોતાના લોહીભીનો હાથ લંબાવ્યો. કર્ણે તે પકડી લીધો. તે સાથે જ તેની આંખમાંથી અશ્રુધારા વહેતી થઈ.

પિતામહે તેને આશ્વાસન દેતાં કહ્યુ, ‘દુર્યોધનના ઋણનો ભાર હળવો કરી હું અહીં પડ્યો છું. ભાઈ કર્ણ, મારે તને કેટલીક વાત કરવી છે. અત્યાર સુધી તારા મનમાં મારા વિષે જે ભાવ હતો તે હવે દૂર થયો જ હશે એટલે તને કહું છું. ભાઈ કર્ણ, તું સૂતપુત્ર નથી, પણ કુંતીનો પુત્ર છે. યુધિષ્ઠિરનો મોટો ભાઈ!

‘જાણું છું પિતામહ !’ કર્ણના સ્વરમાં પણ ખિન્નતા હતી. ‘છતાં મા જણ્યા ભાઈઓના સંહારનો માર્ગ તેં સ્વીકાર્યો !’ સાશ્ચર્ય પિતામહ પૂછી રહ્યા. તેને બિરાદાવતાં હોય એમ બેાલ્યા, ‘તારા સત્યનિષ્ઠા, વીર્ય, દાન પરાયણતા ને ધાર્મિકતાથી તારા માટે મને હંમેશા માન જ રહ્યું છે.’ પછી દ્રવિત સ્વરે બોલ્યા, ‘કુરુવંશનો વિનાશ થતો અટકાવવો જોઈએ. કર્ણ, તારે જ એ પરમ કર્તવ્ય હવે અદા કરવુ જોઈએ.’

પોતાની લાચારી વ્યક્ત કરતો હોય એમ કર્ણ દીનભાવે કહી રહ્યો, ‘હું અસમર્થ છું પિતામહ !’ ને ઉમેર્યું, ‘જો આપ ન અટકાવી શકો ને આપે પણ શસ્ત્ર ધારણ કર્યાં. તો કર્ણ કોણ ?’

‘હા. કર્ણ જ હવે આ વિનાશ અટકાવી શકે તેમ છે.’ પિતામહ તેમના ઇરાદાને દોહરાવતાં બોલ્યા, કે પોતાના ભાઈઓનો સંહાર કરવાની દુર્યોધનને ના પાડી દે, શસ્ત્રો હેઠા મૂકી દે, પછી દુર્યોધન પણ પાંડવો સાથે સમાધાન શોધવા તૈયાર થશે.’ ને સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો, ‘પાંડવો તો આજે પણ સમાધાન માટે તૈયાર છે.’

પિતામહની સલાહ સાંભળતાં કર્ણ હલબલી ઊઠ્યો. તેના મનોપ્રદેશમાં પ્રશ્નો ઊઠ્યા, જો પિતામહ દુર્યોધનના આશ્રિત હોવાના કારણે જ પાંડવો વિષે તેમના મનમાં ભારોભાર ભાવ હોવા છતાં દુર્યોધનના પક્ષે ઊભા ને પાંડવસેનાનો ઘાણ વાળી દીધો ને ઋણભાર હળવો કર્યો. તેઓ મને કેમ નિમકહલાલ થવાની સલાહ આપતા હશે ? તેણે પોતાના મનોભાવ છુપાવી રાખ્યા ને પિતામહને જવાબ દીધો : ‘પિતામહ, હું કુંતીનો પુત્ર છું એ જાણું છું, પણ મા કુંતી તેના દીકરાને મળવા આવી છે ખરી ? જે વાત આજે જાહેર થાય છે એ વાત કુંતીએ યુધિષ્ઠિરને કેમ ન જણાવી ?’ ને અફસોસ ઠાલવતાં બોલ્યો, ‘પિતામહ, તમે જેમ દુર્યોધનના આશ્રિત હતા ને આશ્રિત તરીકે દુર્યોધનની પડખે ઊભા રહી લડતાં લડતાં બાણશૈય્યા પર પોઢ્યા તેમ હું પણ દુર્યોધનનો આશ્રિત છું. આજ દિન સુધી મેં તેનું લૂણ ખાધું છે. તેના ઐશ્વર્યનો ભાગીદાર બન્યો છું. હવે તમે જ કહો આ કટોકટીની ક્ષણે મારાથી તેને છોડી કેમ દેવાય ? તેણે મારા પર જે અસંખ્ય ઉપકારો કર્યા છે તેનો બદલો વાળવાની મારા માટે તો આ પરમ સુભગ ઘડી છે.’

કર્ણ ઘણું ઘણું બોલી ગયો. હવે તે થંભ્યો હતો. થોડીક ક્ષણો શાંતિ છવાઈ રહી. પિતામહ પણ ગંભીરતાથી કર્ણને સાંભળતા હતા.

વળી પાછું કર્ણે કહ્યું, ‘આ યુદ્ધમાં ઘોર વિનાશ થવાનો છે એવું તો આપે તે દિવસે ભરી સભામાં જાહેર કર્યું જ હતું. પણ પિતામહ, હું નિરુપાય છું. મારે અર્જુન સાથે અનિવાર્યપણે યુદ્ધ કરવું જ પડશે. દુર્યોધનની ઇચ્છા મારે પૂર્ણ કરવી જ પડશે.’

થોડી ક્ષણો પિતામહ સામે દૃષ્ટિ ઠેરવી રહ્યા પછી દીનભાવે બોલ્યો, ‘હું તો આપની પાસે એટલું જ માગું છું કે, આપ મને અર્જુન સાથે યુદ્ધ કરવાની રજા આપો.’

બાણશૈય્યા પર પોઢેલા પિતામહ દેહની વેદનાથી તો પીડાતા હતા, પણ કર્ણના વચનો પછી તેમની માનસિક વ્યથા પણ વધી પડી હતી. કર્ણની દલીલો વ્યર્થ નહોતી. જે હકીકતો પોતાને વિષે સાચી હતી, તે જ હકીકતો કર્ણને વિષે પણ સાચી છે એમ તો તેઓ મનોમન સ્વીકારતા હતા. તેમના દિલની વેદના કુરુવંશના સંહાર વિષેની હતી એટલે તેમણે કર્ણને કહ્યું, ‘ભાઈ કર્ણ, તારી દલીલમાં જોર છે; પણ મારા દિલનો સંતાપ તને કેવી રીતે કહું ?’ ગમભર્યાં સ્વરે કહ્યું, ‘આસનદ્રોહ અત્યંત અપયશ અપાવનાર અને અધમતાનો ઉત્પાદ કરે છે. સર્વ પ્રકારના વિનાશનો સર્જક છે. તેમાંથી બન્ને પક્ષે ખુવારી થશે. જે જીતશે તે પણ ગમભર્યો હશે, પણ મારી આ વાત કોણ સાંભળે?’

વળી પાછા પિતામહ અટક્યા નેત્રો પર પડળ ઢાળી દીધા. કર્ણ ત્યાં મૂંઝવણ અનુભવતો ઊભો ઊભો પિતામહના ચહેરા પરના ભાવો વાંચવા પ્રયત્ન કરતો હતો.

ત્યાં હળવે હળવે પિતામહે પોપચાં ઉઘાડ્યાં ને કર્ણ પ્રત્યે સમભાવ ઠાલવતાં બોલ્યા, ‘ભાઈ કર્ણ, મોડું ઘણું જરૂર થયું છે. છતાં જો તું પાંડવો પ્રત્યેના વૈરભાવનો ત્યાગ કરી શકતો ન હોય તો ખુશીથી યુદ્ધ કરજે, એવું યુદ્ધ કરજે કે, જેથી દુર્યોધનની જીત થાય. જા, તને મારી રજા છે. હું પણ યુદ્ધનું પરિણામ શું આવે છે તે જોયા પહેલાં દેહત્યાગ નહિ કરું.’

જાણે તેમનું હૈયું વલોવાઈ જતું હોય એમ બોલ્યા, ‘આસનદ્રોહના મહાપાપથી ભારતવર્ષનો સર્વનાશ ન થાય તે સારું હું ઘણા વખતથી મારા બને તેટલા પ્રયત્નો કરતો રહ્યો છું, પણ મારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા !’ દુઃખદ સ્વરે કહ્યું. ને ઉમેર્યું, ‘ખરેખર ભારતવર્ષનો વિનાશ થશે ! ’

તેમની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો. કર્ણ દિગ્મૂઢ શો પિતામહના ચરણોને સ્પર્શ કરી વિદાય થયો.

કુરુક્ષેત્રમાં કૌરવો સાથેના યુદ્ધમાં પાંડવો વિજયી થયા. હસ્તિનાપુરની ગાદી પર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો, પણ યુધિષ્ઠિરના મનનો વિષાદ દૂર થતો નહોતો. વિજયનો આનંદ કે હસ્તિનાપુરની પોતાના પિતા પાંડુની ગાદી પોતાને પ્રાપ્ત થઈ તેનો રજમાત્ર ઉલ્લાસ પણ યુધિષ્ઠિરના મનમાં ન હતો.

યુધિષ્ઠિરની આવી હતાશા ભરેલી મનેાદશા જોઈને શ્રીકૃષ્ણે તેમને સલાહ આપતાં કહ્યું, ‘યુધિષ્ઠિર, તમારો વિષાદ વ્યર્થ છે. છતાં તમારા સમગ્ર કુળના પિતામહ ભીષ્મ હજી બાણશૈય્યા પર પોઢેલા છે. તેમના જીવતરના હવે માત્ર ત્રીસ દિવસ જ બાકી છે. ચાલો, આપણે તેમની પાસે જઈએ ને તમારા વિષાદનું નિવારણ કરીએ. પિતામહ માત્ર એક એવા પુરુષ છે જે શાસ્ત્રદૃષ્ટા સોળે કળાએ તમામ ધર્મોને યથાર્થ જાણે છે.’

શ્રીકૃષ્ણની સલાહ પ્રમાણે પાંડવો બાણશૈય્યા પર પોઢેલા પિતામહ સમક્ષ ઉપસ્થિત થયા. બાણશૈય્યા પર પોઢેલા પિતામહના ચહેરા પર વેદનાના, વ્યથાના કોઈ ચિહ્નો જણાતાં ન હતાં. છતાં એ મૂંગી પીડા પાછળ કોઈ નવા અવતારનું તેજ ઝળહળતું જણાતું હતું. શ્રીકૃષ્ણ અને પાંડવો તેમની સમક્ષ ઊભા એટલે તેમણે નેત્રો ઉઘાડીને સ્મિત રેલાવ્યું. સૌનાં વંદન ઝીલતા પિતામહે દર્દભર્યા સ્વરે પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં હોય એમ બોલ્યા, ‘હું તો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને કહેતો હતો. ધર્મનો વિજય થશે. પણ મદમાં છકેલો દુર્યોધન મારી વાત પર ધ્યાન દેવા તૈયાર ન હતો. તેને પિતામહ, દ્રોણ, કર્ણ વગેરેની શક્તિ પર ઘણો મદાર હતો. પરિણામ કેવું આવ્યું? આખરે ધર્મનો, સત્યનો જ જયકાર થયો ને?’

પિતામહ પોતાની લાગણી વ્યક્ત કરતાં હતા. ત્યાં જ નિસાસાભર્યા સ્વરે યુધિષ્ઠિરે કહ્યું, ‘ભાઈઓનાં લોહીથી પ્રાપ્ત થયેલો વિજય એ વિજય નથી. મને હસ્તિનાપુરની ગાદી જોઈતી નથી.’

ત્યાં શ્રીકૃષ્ણે કહ્યું, ‘યુધિષ્ઠિરનો આ વિષાદ દૂર થાય ને હસ્તિનાપુરની ગાદીનો પ્રભાવ વધે તેવી સલાહ તમે જ યુધિષ્ઠિરને આપો તો સારું.’ પછી કૃષ્ણે ઉમેર્યું, ‘તમારા જીવતરમાં પણ હવે માત્ર ત્રીસ દિવસ બાકી છે. તમારી વિદાય સાથે જ આર્યાવ્રતની સંસ્કૃતિ અને જ્ઞાનનો પણ લોપ થશે. આજે તમે જ બાણશૈય્યા પર સૂતા છો. ત્યાંથી આર્યાવ્રતની સંસ્કૃતિના સનાતન બીજ આ યુધિષ્ઠિરને દેતાં જાઓ કે જેથી જગતનું કલ્યાણ થાય તેવા માર્ગને અનુસરે. મહારાજ યુધિષ્ઠિરને તમારો જ્ઞાનભંડાર એક દિવસમાં આવી શકે તેમ પણ નથી. એટલે તે રોજ તમારી પાસે આવશે. તમે તમારા જ્ઞાનભંડારનો વારસો આપતા રહો એવી મારી માંગણીનો આપ સ્વીકાર કરો એવી પ્રાર્થના છે.’

પિતામહે શ્રીકૃષ્ણની માગણીનો જવાબ દેતાં કહ્યું, ‘આ બાણશૈય્યા મને પીડા કરે છે એટલે મારી પ્રતિભા કામ કરતી નથી, છતાં આપની આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. મારી જે શક્તિ મહાન છે તે આજે અંત સમયે આપના ચરણમાં મૂકવાનો જે અવસર મને પ્રાપ્ત થયો છે તેને હું મારું અહોભાગ્ય ગણું છું.’

પિતામહ સાથે શ્રીકૃષ્ણે કરેલી ગોઠવણ પ્રમાણે યુધિષ્ઠિર પોતાના મનનો વિષાદભાવ શાંત કરવા રોજ બાણશૈય્યા પર પોઢેલા પિતામહ પાસે ભક્તિભાવપૂર્વક બેસી પ્રશ્નો કરતા ને પિતામહ તેનો જવાબ દેતા હતા.

પિતામહ યુધિષ્ઠિરના મનનું સમાધાન કરતા હતા. દિવસો વ્યતીત થતા હતા. શ્રીકૃષ્ણે તેમના જીવતરના ત્રીસ દિવસો જ બાકી હોવાની વાત કર્યા પછી પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ દેવામાં પોતાના દેહની પીડા પણ ભૂલી જતા હતા.

આખરે વ્યાસે પિતામહને કહ્યું, ‘હવે યુધિષ્ઠિરને, પાંડવો ને જવાની રજા આપો.’

પિતામહે વ્યાસની સલાહ પછી યુધિષ્ઠિરની સામે જોઈને કહ્યું, ‘યુધિષ્ઠિર, હવે તું પાછો જા. તારો માનસિક સંતાપ દૂર થાઓ. તું શ્રદ્ધાપૂર્વક ક્ષત્રિય ધર્મનું પાલન કરજે. આજે તારી પાછળ ઉત્તરાયણનો સૂર્યોદય હું જોઈ રહ્યો છું.’ પિતામહે છેલ્લો શ્વાસ ખેંચતા કહ્યું, ભાઈ યુધિષ્ઠિર, તારા બાપદાદાએ ક્ષત્રિય ધર્મને ઉજ્જવળને યશસ્વી બનાવ્યો છે. તે સતત તારી નજર સમક્ષ રાખજે, મારા જેવાને છેલ્લે છેલ્લે જીવતર સાર્થક થવાનો સંતોષ મળે તે રીતે રાજ્યનો કારોબાર ચલાવજે. તારા કાર્યમાં પ્રભુની તને સહાયતા પણ પ્રાપ્ત થશે.’

પાંડવો પિતામહને વંદન કરી, તેમની પ્રદક્ષિણા કરીને તેમના આશિષ વચનો સાથે પાછા ફર્યા. યુધિષ્ઠિરના મનનો વિષાદભાવ શાંત થયો હતો. ક્ષાત્રતેજથી તેમનો ચહેરો દેદીપ્યમાન લાગતો હતો.

બીજા દિવસે સૂર્ય ઉત્તરાયણના થયા. પિતામહના નિર્ધાર પ્રમાણે હવે તેઓ દેહત્યાગ કરવા માટેની માનસિક તૈયારી કરતા હતા ત્યાં ધૃતરાષ્ટ્ર, કુંતી, ગાંધારી, યુધિષ્ઠિર, બ્રહ્મર્ષિઓ, રાજાઓ, પિતામહની બાણશૈય્યા આગળ જમા થયાં.

હળવે હળવે પિતામહ પ્રાણત્યાગની ક્રિયા કરતા હતા, પણ ધૃતરાષ્ટ્રને જોતાં તેમણે ક્રિયા થંભાવી અને ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહી રહ્યા, ‘હે ધૃતરાષ્ટ્ર, તું સર્વ ધર્મોનો જાણકાર છે. જે કાંઈ થઈ ગયું તેનો શોક હવે કરવો નકામો છે. આ પાંડવોનું તું સ્થિર બુદ્ધિ રાખીને રક્ષણ કરજે.’

પિતામહ હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેમના દેહમાંથી પ્રાણ હવે વિદાય લઈ રહ્યો હતો. તેમની ગતિ પણ શાંત પડતી હતી. ત્યારે તેમણે શ્રીકૃષ્ણ પ્રતિ બે હાથ જોડી વંદન કરતાં કહ્યું, ‘આપને મારા છેલ્લા નમસ્કાર ! હવે હું મારા આ દેહનો ત્યાગ કરું છું. મને આજ્ઞા આપો.’

પોતાની આસપાસ જમા થયેલા સૌને છેલ્લા નમસ્કાર કરતાં તેમણે કહ્યું, ‘હવે હું પ્રાણનો ત્યાગ કરું છું. તમે સૌ સત્યને જ વળગી રહેજો.’ પિતામહે તેમના પિતા રાજા શાન્તનુએ જે વરદાન દીધું હતું. તે પ્રમાણે તેમની ઇચ્છા પ્રમાણે જ તેમણે પ્રાણત્યાગ કર્યો.

● ● ●