પિતામહ/પ્રકરણ ૨
← પ્રકરણ ૧ | પિતામહ પ્રકરણ ૨ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
પ્રકરણ ૩ → |
મહારાજા શાન્તનુ પણ ચિંતિત હતો.
મહારાણીએ આઠમા પુત્રને જન્મ દીધા હોવાના સમાચાર જ્યારે તેને મળ્યા ત્યારે જ તેને મન સાથે નિશ્ચય કર્યો હતો.
તેની સમક્ષ ઊભેલા સેવકના ચહેરા પર ગંભીર ઉદાસીનતા હતી. તે જાણતો હતો આ બાળકને પણ મહારાણી જળસમાધિ લેવડાવશે. ને મનમાં પણ પ્રશ્નો ઊઠતા, ‘મહારાણી શા માટે નિજ સંતાનના જન્મ પછી તરત જ જળમાં ફેંકી દેતી હશે ?’ ને વળી પ્રશ્ન ઊઠતો, ‘મહારાજ પણ કેમ આ અધમ કૃત્યને શાંતિથી બરદાસ કરતા હશે?’
શાન્તનુ પોતાની સામે ગંભીર ઉદાસીન ચહેરે ઊભેલા સેવકની મનોવ્યથા સમજી ગયા હોય એમ તેને વિશ્વાસ દેતાં કહ્યું, ‘જા સૌ સારું થશે. ચિંતા કરવાની જરૂર નથી !’
માત્ર સેવકો જ નહિ પણ મંત્રીમંડળ પણ મહારાણીના અઘોર કૃત્યને શાંતિથી બરદાસ કરતાં મહારાજા વિષે ચિંતિત હતું. તેમણે શાન્તનુ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું પણ હતું, 'મહારાજ, આપ શાંતિથી મહારાણીના અઘોર કૃત્યને બરદાસ કરી રહ્યા છો ?’ ને પછી પ્રશ્ન કરતાં, ‘તો કુરુવંશ હવે અહીં જ સમાપ્ત થશે ને આ હસ્તિનાપુરની ગાદી પર કોણ બિરાજરો ? હસ્તિનાપુરની જનતાના ભાગ્ય સામે આપ આંખને બંધ રાખો એ કેમ ચાલશે, મહારાજ ?’
શાન્તનુ મંત્રીના વચનો ધ્યાનપૂર્વક સાંભળતો હોય એમ તેના ચહેરા સામે સ્થિર દૃષ્ટિ માંડી બેઠો હતો. મહારાણીએ સાત સાત સંતાનોને જળસમાધિ કરાવી તેની વેદના મંત્રીના ચહેરા પર અંકિત થયેલી હતી તો શાન્તનુ પણ ચિંતીત હતો.
મંત્રીએ નિસ્તબ્ધ બેઠેલા મહારાજ સામે તીવ્ર દૃષ્ટિપાત કરતાં પ્રશ્ન કર્યો, ‘પણ તમે આ બધું જાણવા છતાં શાન્ત કેમ છો? હવે આઠમા સંતાનને પણ મહારાણી જળસમાધિ કરાવે તે પણ તમે શાંતિથી બરદાસ કરી લેશો?’
પ્રત્યુત્તરમાં શાન્તનુ ગંભીર વદને બેઠો હતો. મંત્રીના પ્રશ્નોની જાણે તેના મન પર કોઈ જ અસર થવા પામી ન હોય તેટલો સ્તબ્ધ હતો.
શાન્તનુની આ સ્થિતિ જોતાં મંત્રી પણ વધુ લજ્જીત થતો હોય એમ કહી રહ્યો, ‘રાજન, તમે ભલે શાંત રહ્યા, પણ હવે આઠમા સંતાનને મહારાણી જળસમાધિ કરાવે તે ચલાવી લેવાશે નહિ.’
શાન્તનુએ પૂછ્યું, ‘તમે શું કરશો ?’
‘હા, જો તમે શાંત હશો, નિષ્ક્રિય હશો તો હસ્તિનાપુરની ગાદીના વારસને માટે મારે મારે રાજ્યધર્મ અદા કરવો પડશે.’ તેણે સંભળાવ્યું.
મંત્રીના જવાબમાં દૃઢતા હતી તે શાન્તનુ સ્પષ્ટપણે જોઈ શકતો હતો. મનોમન તેણે મંત્રીને તેની વફાદારી વિષે બિરદાવ્યો પણ ખરો.
હજી પણ શાન્તનુ શાંત હતો. તે માત્ર મંત્રીના ઉગ્ર ચહેરા સામે ટગર ટગર દૃષ્ટિપાત કરી રહ્યો હતો.
શાન્તનુનું શાંત વલણ મંત્રીને અકળાવતું હતું. તેણે તરત જ સેવકને મહારાજાના દેખતાં જ હુકમ કર્યો :
‘જા, મહારાણીના મહેલની દાસીઓને મારા નામે તાકીદ કર કે, મહારાણી મહેલની બાર નીકળે એટલે મને તેની ત્વરિત જાણ કરે.’
‘તમે શું કરશો, મંત્રીવર્ય?’ શાન્તનુ જાણે મંત્રીની યોજના વિષે જાણવા માંગતો હોય એમ પૂછી રહ્યો ને વધુ પ્રશ્નો કર્યા, ‘મહારાણીને તમે અટકાવશો ? એ રાજકીય અપરાધ નહિ ગણાય ?’
‘જરૂર !’ દૃઢતાપૂર્વક મંત્રી બોલ્યો, ‘મહારાણીને હસ્તિનાપુરના રાજકુમારને જળસમાધિ કરતાં અટકાવતાં મહારાજ જો મને દોષિત ગણી દંડ દેશે તો હું ખુશીથી એ દંડ ભોગવીશ, પણ હસ્તિનાપુરની જનતા ભાવિમાં નધણિયાતી બને તે જોવા હું તૈયાર નથી, મહારાજ !’ ને શીર નમાવી ફરી બોલ્યો, ‘બેઅદબી થતી હોય તો માફ કરશો.’
‘હવે કાંઈ બાકી છે, મંત્રીવર્ય ?’ શાન્તનુ પણ હવે વિચારચક્રાવે ચઢ્યો હતો. મંત્રીના વચનોએ તેના દિલમાં પણ અજંપો પેદા કર્યો હતો.
‘ના, રાજન્! વધુ પડતું બોલાયું હોય તો માફ કરશો.’ મંત્રીએ નમ્રતાથી જવાબ દીધો. બોલતાં બોલતાં તેની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેતો થયો. તેણે ગદ્ગદ કંઠે શાન્તનુને યાચતાં કહ્યું, ‘રાજન, આ શબ્દો મારા નથી. પ્રજામનનો હું પડઘો પાડી રહ્યો છું.’
શાન્તનુ પણ હલબલી ઊઠ્યો હતો. મંત્રીના વચનોને તે મનમાં વાગોળતો હતો, પણ તેનો પાસે કોઈ ઉપાય ન હતો. તેણે ગંગાની શરતનો સ્વીકાર કર્યો ત્યારે જ તેણે પરિણામોનો વિચાર કરવો જોઈતો હતો, પણ ત્યારે ગંગાના રૂપે મઢ્યા ને યૌવનનાં ફાગ ખેલતાં દેહને જ નજરમાં ભરી બેઠો હતા. તેને ભાવિ વિષે કોઈ કલ્પના પણ કરવાની જરૂર ન હતી. તે માત્ર ગંગાને જ ઇચ્છતો હતો, એટલે તેણે ગંગાની બધી શરતો માન્ય રાખી હતી. હવે તે શું કરી શકે તેમ હતો ? ગંગાના પ્રથમ પુત્રના જન્મ વખતે તેણે ગંગાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ગંગા તેના નિર્ણયમાં મક્કમ હતી ને પોતે પણ વચનબદ્ધ હતો. લાચારીથી તે પાછો ફર્યો હતો, ને ગંગાએ તેના સંતાનને જળસમાધિ કરાવી હતી. માત્ર એક જ નહિ, સાત સાત સંતાનને તેણે જળસમાધિ કરાવી હતી. પોતે તે જાણતો હતો. દરેક પ્રસંગે મહેલનો દાસીગણ મહારાજા પાસે આવી મહારાણીને અટકાવવા પ્રાર્થના પણ કરતો હતો પણ અસહાય મહારાજ શું કરે ?
ગમગીન વદને પોતાના કક્ષમાં ડગ દેતાં શાન્તનુનું મન બળવો પોકારતું હતું.
‘શા માટે પોતે આ ખૂની વ્યવહાર ચલાવી લે ? વચન દીધું છે, પણ આ ખૂની વ્યવહાર અવિરત, અખંડપણે ચાલ્યા જ કરે તે હસ્તિનાપુરના મહારાજને માટે લજજાસ્પદ નથી ? બીજાનાં મનમાં તેના વિષે કેવા ભાવ જાગતા હશે?’
જેમ જેમ શાન્તનુના મનમાં વિચારોની ઉગ્રતા વધતી ગઈ, તેમ તેમ તે કોઈ નિર્ણય પર આવવા મથામણ પણ કરતો હતો.
‘કુરુવંશનું પણ તારે નામોનિશાન મિટાવી દેવું છે શું?’ સામેની દીવાલમાંથી કોઈ તેને પૂછતું હતું. ‘તું છેલ્લો જ હશે. તારું રાજપાટ બીજાઓનાં હસ્તક જશે, તારી જિંદગીનાં પરાક્રમો પણ સાફ થયાં હશે, તને એ ગમશે ખરું ?’
‘બોલ, બોલ, તને આ ગમશે ?’ પ્રશ્નમાં જુસ્સો હતો. એક સ્ત્રીના સૌંદર્ય પાછળ શાન્તનુએ તેના વંશનું નિકંદન જવા દીધું એમ ઇતિહાસકાર નોંધશે એ તને ગમશે ?’
‘કહે, કહે, શો નિર્ણય છે તારો ?’ પ્રશ્ન વધુ ઉગ્ર સ્વરે પૂછાતો હતો ને શાન્તનુ શૂન્યચિત્ત બે હાથ વચ્ચે માથું દબાવી બેઠો હતો. તેના અંતરના ઊંડાણમાંથી જવાબ મળતો હતો, ‘પ્રશ્નો વાત્સવિક છે, તારે તેનો જવાબ દેવો જોઈએ.’
તેની નજર સમક્ષ દૃશ્ય ખડું થતું. ગંગાદેવી તેના હાથમાંના બાળકને નદીમાં જળસમાધિ કરાવવા તૈયારી કરતી હતી, વસ્રોનો કછોટો મારી બાળકને ઉઠાવીને પાણીના મધ્યભાગમાં જવા તત્પર હતી.
‘ઓહ !’ અચાનક જ તેણે નિસાસો નાખ્યો. તેની પોતાની જ અસહાયતા તેને ખટકવા લાગી. તેણે આ ભયંકર દૃશ્ય સામે બે હાથે આંખો બંધ કરી ને સ્વગત બબડ્યો, ‘ના, ના, મારો જ વારસ આમ વગર મોતે જળસમાધિ લે તે હું સહન કરી શકુ નહીં.’
‘બરાબર, પણ તું કેટલો નિર્બળ છો? આવા, સાત સાત તારા સંતાનોને ગંગાએ આમ જ જળસમાધિ કરાવી છતાં તું મૂંગો રહ્યો, નિર્બળની જેમ માત્ર જોતો જ રહ્યો.’ પ્રશ્નકારની વ્યથા જાણે ઉગ્ર બની હોય એમ બોલ્યો, ‘રણમેદાનમાં મોટામોટા વિજયો મેળવનાર શાન્તનુ એક નારીના હાથે પરાજીત થતો હતો.’
‘બસ કરો, હવે અટકી જાવ.’ જુસ્સાભેર ઊભા થતાં શાન્તનુ બોલ્યો.
‘કોણ અટકી જાય, રાજન્? તમે તો અટકી જ ગયા છો ને ?’ ગંગા તો અટકવાની નથી જ. તમે જાતે તેને અટકાવી પણ રાકવાના નથી. તેના ભીતરમાંથી તેને કોઈ ઢંઢોળતું હતું. તેની મર્દાનીને પડકારતું હતું.
તેણે વિહ્વળ દૃષ્ટિએ કક્ષમાં ચોપાસ નજર નાખી. તેને આવી તાતી ધારદાર વાણીમાં કોણ ઢંઢોળતું હતું તે જોવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં કોઈ ન હતું. જાણે તેનો પડછાયો જ તેને ઢંઢોળતો હતો.
તેણે આખરી નિર્ણય કર્યો, ‘ના, હવે મારા સંતાનને મહારાણી જળસમાધિ નહિ કરાવી શકે. હું જાતે જ તેને અટકાવીશ.’
પણ જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેનો નિર્ણય જાણે અદશ્ય થતો હતો. શાન્તનુ પોતે જ પોતાના નિર્ણય વિરુદ્ધ દલીલો કરતો હતો.
ગંગાદેવીનું યૌવન મઢ્યું શરીર તેની નજર સમક્ષ ઊપસી રહ્યું. ઘણાં ઘણાં પ્રયત્નો પછી ગંગાદેવી તેના જીવનની સહભાગી થઈ હતી. તેના સહવાસે તેના જીવનમાં પ્રફુલ્લતા પાંગરી રહી હતી, તેને નારાજ કેમ કરાય? પોતે તેના માર્ગમાં અવરોધક બનશે તો તે વિદાય થશે, પછી જીવનમાં કેવળ શુષ્કતા સિવાય બીજું શું હશે? જેમ જેમ શાન્તનુ વિચારવમળમાં ગોથાં ખાવા લાગ્યો તેમ તેમ ગંગાદેવી પ્રત્યેનો તેના અનુરાગ વધુ જોરદાર બન્યો. તેણે થોડીક ક્ષણૉ પહેલાં લીધેલેા નિર્ણય છોડી દીધો. ના, ના, ગંગાદેવીને ગુમાવવાની મારી ઇચ્છા નથી. સંતાન પ્રત્યેનો માતૃપ્રેમ ક્યારેક તો તેના દિલમાં જાગશે જ ને ? ત્યારે તે પોતે પણ પોતાના કૃત્ય બદલ પસ્તાવાની આગમાં સળગતી થશે.
ભલે એના હૈયામાં પડેલાં માતૃત્વને જાગ્રત થવા દો. શાન્તનુ શૈય્યામાં પડ્યો. મનને વિચારોના વમળમાંથી મુક્ત કરી, શાન્તનુ નિદ્રા માણવા પ્રયત્ન કરતો હતો, પણ ત્યાં મંત્રીજીની આકૃતિ તેની સમક્ષ ખડી થઈ. રોજનો ચહેરો આજે બદલાઈ ગયો હતો. શાન્તનુના બદલાયેલાં વલણથી જાણે રોષે ભરાયેલા હોય એમ મંત્રી શાન્તનુને તેનો નિર્ણય જણાવતો હતો.
‘બેઅદબી માફ કરો, મહારાજ ! પણ આજે મહારાણી રાજકુમારને જળસમાધિ કરાવવા જઈ શકશે નહિ. તેમના કક્ષની ચોપાસ મેં પાકો બદોબસ્ત કર્યો છે.’ ને પછી ઉમેર્યું, ‘આપને જણાવવાની મારી ફરજ અદા કરવા આવ્યો છું, મહારાજા.’
મંત્રીનો નિર્ણય જાણતાં શાન્તનુ એકદમ બેઠો થઈ ગયો, ને મંત્રી સામે ક્રોધભરી દૃષ્ટિ નાખતાં પૂછી રહ્યો,‘આ વ્યવસ્થા કરવાની તમને કોણે સૂચના કરી, મંત્રીજી?’
‘સૂચના !’ મંત્રી વિનમ્રતાથી જવાબ દેતો હતો, ‘રાજ્ય અને કુરુવંશના હિત ખાતર આ નિર્ણય મારે જાતે જ લેવો પડ્યો, રાજન્!’ ને પછી બોલ્યો, ‘મને ક્ષમા કરો, પણ સાતસાત રાજકુમારોની હત્યાની હકીકતથી રાજ્યની જનતા પણ હવે થાકી ગઈ છે.આપના શૌર્ય ને પ્રતાપને પણ ઝાંખપ લાગી છે. લોકો ગમેતેવી વાતો કરે છે.’ ને બોલતાં બોલતાં મંત્રીજીનો કંઠ ભરાઈ ગયો હોય એમ ગદ્ગદ કંઠે બોલ્યો, ‘હસ્તિનાપુરના મહાપ્રતાપી મહારાજા વિષે લોકો ગમે તેવી વાતો કરે એ હું હવે સહન કરી શકતો નથી.’
એકદમ આવેશ વધી પડતાં મંત્રી બોલ્યો, ‘મારા મહારાજા સત્વહીન નથી, મારા મહારાજા સૌંદર્યના ગુલામ નથી. સાત સાત રાજકુમારોની હત્યા પોતાની નજરે જોઈ રહેનાર રાજનના નયનો ખુલ્લા કરવા ને આઠમા રાજકુમારને જીવતદાન મળે, હસ્તિનાપુરનો યુવરાજ જીવન પામે એવાં મહારાજા પોતે જ પગલાં ભરશે એમ હું માનતો હતો. પણ હવે આજ રાત્રે જો યુવરાજને જળસમાધિ લેવાની હોય તો મારે જ રાજ્યના મંત્રી તરીકે તાકીદે પગલાં લેવાની મારી વફાદારી મને તાકીદ કરી રહી છે.’ ને પછી શાન્તનુ સમક્ષ શીર ઝુકાવી ઊભો રહ્યો, ‘આપ આપની તલવારથી આ ધડ પરથી માથું જુદું કરજો. હું તેનો પણ સહર્ષ સ્વીકાર કરીશ.’
શાન્તનુ મંત્રીના જોરદાર, ધારદાર પ્રવચનને સાંભળી રહ્યો હતો. પ્રારંભમાં મંત્રીનો નિણૅય જાણતા તે ગુસ્સે થયો હતો. પણ મંત્રીની વાણી જેમ જેમ જોરદાર બનીને વહી રહી, મંત્રીની રાજ્ય અને કુરુવંશ માટેની લાગણીનો તેને સ્પર્શ થયો તેમ તેમ શાન્તનુ પણ હલબલી ઊઠ્યો હતો. મંત્રીને દંડ દેવાની તેનામાં હિંમત પણ ન હતી. નિસ્તબ્ધ શાંત ગંભીર મુખમુદ્રા સાથે તે મંત્રી સામે દૃષ્ટિપાત કરી રહ્યો હતો.
મંત્રી પણ પોતાની વાણીનો મહારાજા પર જે પ્રભાવ પથરાતો હતો તેનો સંતોષ માણતો હતો.
‘પછી ?’ શાન્તનુ જાણે ઊંડા વિચારમાંથી જાગ્રત થતો હોય એમ મંત્રી સામે જોઈ પૂછી રહ્યો.
‘પછી શું ? મહારાણીની પાસેથી રાજકુમારનો હવાલો લઈશ ને તમારી સમક્ષ મૂકીશ.’
‘પણ, મહારાણી વિદાય થશે તો ?’ શાન્તનુના મનમાં જે ગડમથલ ચાલતી હતી તેનો પડઘો પાડતાં શાન્તનુએ પૂછ્યું, ‘એ અપરાધ જેવો તેવો હશે? તમે જ મહારાણીને રાજ્યમાંથી દૂર કરી એવું તહોમત તમારે શીરે મુકાશે તો ?’
‘ના, મહારાજા. મારે મહારાણીને વિદાય કરવાના જ ન હોય. મહારાણી પ્રત્યે પૂરતી અદબથી વર્તીશ.’
‘શું કરશો ?’
હા, મહારાજ, મહારાણી જ્યારે રાજકુમારને લઈ મહેલમાંથી બહાર આવશે ત્યારે હું તેમની સમક્ષ દીનભાવે ઊભો રહી, તેમના હાથમાંના રાજકુમારની માંગણી કરીશ.’
‘ના, મુમ્કીન મંત્રીજી, ગંગાદેવી એમ સરળતાથી તેના દીકરાનો હવાલો તમને નહિ દે!’
‘જાણુ છું, રાજન્, સાત સાત સંતાનોને જળસમાધિ કરાવનાર મહારાણી નારીત્વથી અલિપ્ત છે. નારીના દિલમાં માતૃત્વ હોય છે, ને કંગાલ સ્ત્રી પણ તેના માતૃત્વને ખાતર જીવનના દોહ્યલાં સંકટો પણ હસતાં મોંએ બરદાસ કરે છે, પણ સંતાનને વિમુખ થવા દેતી નથી.’ પણ મહારાણીના દિલમાં માતૃત્વની ભાવવાહી લાગણીઓ પર કોઈએ વજનદાર શીલા મૂકી દીધી છે, એટલે મારી નમ્ર પ્રાર્થના, દીનતાભરી માગણીનો મહારાણી ઉપહાસ જ કરશે ને તેનું કાર્ય પૂર્ણ કરવા જશે જ.’
શાન્તનુની જિજ્ઞાસા વધી પડી. મંત્રીજીની કલ્પના યથાર્થ હતી. એટલે તેણે પૂછ્યું, ‘તમે તેને શી રીતે બચાવશો?’ મહારાણી જળમાં મૂકી દેશે પછી તમે શું કરશો ? મહારાણી તેના સંતાનને જળસમાધિ કરાવે તે પહેલાં તમે તેના હાથમાંથી ઝૂંટવી તો નહિ જ લો ને ? એવો અત્યાચાર તો તમે કરો જ નહિ ને ?’
‘ખરુ’ છે, મહારાજ ! મહારાણીની લાગણી પણ દુભાય તેવું કોઈ જ કાર્ય મારાથી થાય પણ નહિ.’
‘તો પછી તમે યુવરાજને બચાવશો શી રીતે ? મહારાણીપદનું ગૌરવ પણ જાળવશો શી રીતે?’ શાન્તનુ પણ મંત્રીની યોજના વિષે જાણવા માગતો હતો. તેને એટલો તો વિશ્વાસ હતો જ કે મંત્રી મહારાણીને દુઃખ થાય તેવું કોઈ કદમ ઉઠાવશે નહિ.
‘તો પછી યુવરાજને તે બચાવે શી રીતે ?’
મંત્રી પણ હવે નિખાલસપણે મહારાજા સમક્ષ પોતાની યોજના વિષે સ્પષ્ટ થવા ઉત્સુક હતો. ગંગાદેવીના સ્વમાનને મહારાણી તરીકેના તેના મોભાને જરા પણ જફા પહોંચે નહિ, મહારાણીને પણ એવી કોઈ ફરિયાદ મહારાજા સમક્ષ કરવાની વેળા જ ઊભી ન થાય તેવી રીતની તેની યોજના વિષે હવે સ્પષ્ટ થવા તૈયારી કરતો હતો.
તેણે હળવેથી, જાણે દીવાલો પણ સાંભળે નહિ તેમ ચોપાસ ઝીણી નજરે અવલોકન કર્યાં પછી શાન્તનુની નજદિકમાં આવી ધીમેથી બોલ્યો, ‘મહારાજ, મહારાણી યુવરાજને જળમાં મૂકે તે પછીની બીજી ક્ષણે જ જળમાંથી યુવરાજને ઉઠાવી લેવા માટેની બધી વ્યવસ્થા આજ સાંજથી નદી પર કરવામાં આવી છે. મહારાણી તેમના સંતાનને જળમાં પધરાવે તેની બીજી જ ક્ષણે નજદિકમાં છુપાયેલા તરવૈયા બાળકને ઉઠાવી લેશે. મહારાણી જાણે તે પહેલાં તે વિદાય પણ થઈ જશે.’
મહારાજા શાન્તનુ મંત્રીની યોજના પર ખુશ થતાં બોલ્યો, ‘શાબાશ મંત્રીજી, તમારી વિચક્ષણ બુદ્ધિને ધન્યવાદ.’
‘નહિ, મહારાજા. હસ્તિનાપુરની ગાદીનો વારસ સલામત રહે તે જોવાની જ મારી ફરજ છે. એ ફરજ અદા કરતા આપ નારાજ થાવ ને મારું માથું ધડથી જુદું થાય એ મને મજૂર છે.’
મંત્રીની લાગણીથી શાન્તનુ પણ પ્રભાવિત થયો હતો. તેના મનમાં પણ તરંગો ઊઠતા હતા. થોડા સમય પહેલાં ગગાદેવીના પ્રેમભંગના ભયથી ધ્રુજતા તેમણે ગંગાદેવીના માર્ગમાં અંતરાયભૂત થવાનો વિચાર પડતો મૂક્યો હતો. એ વિચાર હવે ફરી જાગતો હતો. ‘જો મંત્રી આટલી હિંમત કરી શકતો હોય તો મારે શા માટે શાંત રહેવું જોઈએ ? સાત સાત સંતાનોને ગંગાદેવીએ જળસમાધિ કરાવી ત્યાં સુધી હું તેના માર્ગોમાં અંતરાયભૂત થયો નથી.’ મારી આ નિર્બળતા વિષે પ્રજાજનો પણુ ક્ષુબ્ધ બની મજાક કરે છે. મંત્રીને પોતાને પણ મારી નિર્બળતા સામે મક્કમ પગલાં ભરવા તૈયાર થવું પડે છે, ત્યારે પોતે શા માટે શાંત રહે? એમાં મારી નામેાશી નથી ?’ જેમ જેમ વિચારમાળાના મણકા ફરતા થયા તેમ તેમ શાન્તનુ પણ પોતાની નિર્બળતા વિષે શરમિંદો બની રહ્યો. જે ભગીરથ કાર્ય કરવા મંત્રી મેદાને પડે છે, તે પોતે શાંતિથી શા માટે ન પતાવે ?’
તેણે મંત્રીને આજ્ઞા દીધી, ‘તમારે કોઈ પગલું ભરવાનું નથી, મંત્રી !’
મંત્રી મહારાજાની આજ્ઞા સાંભળતાં વિસ્મય પામ્યો. મહારાજાના આ આદેશ પાછળનું રહસ્ય સમજવા તેણે મહારાજા સામે પ્રશ્નાર્થ દૃષ્ટિ માંડી.
શાન્તનુનું મન પણ હવે દૃઢ હતું. યુવરાજને જળસમાધિ કરાવવા જતાં ગંગાદેવીને રોકતા તનું જે પરિણામ આવે તે ભોગવવા પણ માનસિક રીતે તૈયાર થતો હતો.
‘હું બધું જ પતાવી દઈશ, મંત્રી. તમે નિરાંતે આરામ કરો.’ શાન્તનુએ કહ્યું ને તરત જ સેવકને બોલાવીને હુકમ દીધો, ‘મહારાણી પર બરાબર નજર રાખજે. તે મહેલમાંથી બહાર પગ મૂકે એટલે મને તરત જ જાણ કરજે.’
‘પછી તમે બાળકને લઈ જતાં મહારાણીને અટકાવશો ?’ મંત્રીએ જાણવા માગ્યું.
‘ના, મહેલમાં કોઈ જ કોલાહલ કરવો નથી.’ શાન્તનુએ જવાબ દીધો. તેને ભય પણ હતો. ગંગાદેવીને અટકાવવા જતાં ગંગાદેવીના આકરા શબ્દપ્રહારો તેને ઝીલવા પડશે. એ પોતે અસહાય બની, શાંતિથી એ શબ્દપ્રહારો સહન કરતો હોય એ સ્થિતિ મહેલમાં સેવકો ને દાસીઓ સમક્ષ ઊભી ન થવી જોઈએ.
‘તો તમે જળમાંથી ઉઠાવી લેશો ?’
‘ના, હું મારા બાળકને જળમાં મૂકવા નહિ દઉં.’ શાન્તનુએ કહ્યું. ‘ગંગાદેવી તેને જળમાં મૂકવા જશે, તે જ ક્ષણે તેને હું અટકાવીશ ને બાળક મારા હાથમાં લઈશ.’ ને પછી બોલ્યા, ‘ગંગાદેવીના આકરા, દાહક શબ્દો નદીના જળની ઠંડકથી હું શાંતિથી સહન કરી લઈશ. તેને પણ મારી કસોટી કરવી હોય તો ભલે કરે.’ ને મંત્રીને વિશ્વાસ દીધો, ‘તમે મને જાગ્રત કર્યો, મોહના પડળ તમે તોડી નાખ્યા, તમારા જેવા વફાદાર સાથી માટે મને આનંદ થાય છે.’
મંત્રી પણ પોતાના પ્રયાસોની સફળતાનો આનંદ માણતો વિદાય થયો. મહારાજા શાન્તનુ પણ મધરાત પછી ગંગાદેવી મહેલમાંથી બહાર નીકળે તેની પ્રતીક્ષા કરતા શય્યામાં પડ્યા હતા, પણ નજર બારણા તરફ હતી. સેવક તેને જાણ કરવા આવે તેની પ્રતીક્ષામાં સચિંત હતો. તેમને તેમનાં પગલાંના ભાવિ પરિણામનો પણ ખ્યાલ આવી જ ગયો હતો. ગંગાદેવી તેમને છોડીને ચાલી જશે એવો શક પણ હતો, ને તેઓ બેચેન પણ થતા હતા. ગંગાદેવી સાથેના વર્ષોના ઉલ્લાસભર્યા જીવનનાં અંતની કલ્પના તેમને ડરાવતી પણ હતી, ને ક્યારેક ગંગાદેવીને દીધેલા વચનનો ભંગ કરવાની ઇચ્છા પણ શાંત થતી હતી. પોતે એક ક્ષત્રિય તરીકે ગંગાદેવીને વચન દીધું હતું. એ વચનનો ભંગ કરવામાં તેમને ક્ષત્રિયપણું લજવાતું પણ જણાતું હતું.
તેઓ વળી નિરાશામાં ગરક થઈ જતા હતા. મન તર્કોવિતર્કોના તાર પર દોડતું હતું ને હતાશામાં પડી જતા હતા. બારણા તરફની નજર બીજી દિશામાં ફેરવતાં.
પણ ત્યાં બારણે સેવક ઊભો.
‘મહારાણીબા મહેલ છોડી રહ્યાં છે, મહારાજ?!’ સેવકે સમાચાર દીધા. શાન્તનુ એકદમ બેઠો થયો. પૂછ્યું, ‘એકલાં જ છે? સાથે કોઈ દાસી નથી ?’
‘ના, એકલાં જ છે. તેમના હાથમાં વસ્ત્રોમાં વીંટળાયેલું તેમનું નવજાત બાળક છે.’ સેવકે જવાબ દીધો.
તે સાથે જ બાળકને જળસમાધિમાંથી બચાવી લેવાના મક્કમ નિર્ધાર સાથે શાન્તનુ ઊભો થયો. મહારાણી ગંગાદેવીને મહેલમાંથી બહાર જવા દીધાં પછી તેણે મહારાણીનાં પગલાં દબાવ્યાં.
મધરાત્રીનો ચંદ્ર આભમાંથી ધરતી પર ધવલ પ્રકાશ પાથરી રહ્યો હતા. વૃક્ષો પણ ગંગાદેવીના કૃત્ય પ્રત્યે નારાજ હોય એમ શાન્ત હતાં, પવન પણ થંભી ગયો હતો. ચાપાસ નરી નિર્જનતા હતી. સૂના માર્ગો ને સૂનાં વાતાવરણમાં ગંગાદેવીનાં મજબૂત પગલાં ધરતી પર પડતાં હતાં. ક્યારેક હાથમાંના નવજાત બાળક પ્રતિ તેની નજર પણ જતી, પણ બાળક પણ જાણે તેના ભાવિ વિષે પૂર્વ પરિચિત હોય એમ આંખનાં પોપચાં બંધ કરી પડી રહ્યું હતું.
શાન્તનુ હળવે હળવે ગંગાનાં પગલાં દબાવતો તેની પાછળ પાછળ ચાલતો હતો. ગંગાને તેની જાણ થાય નહિ તેની પૂરતી કાળજી રાખતો હતો. સાથે કોઈ શસ્ત્ર ન હતાં. તે રાજવી નહિ પણ કોઈ સામાન્ય માનવીની જેમ ગંભીરતાથી પગલાં દેતો હતો.
ગંગા પૂર ઝડપે રસ્તો કાપતી હતી. તેને જાણે કામ પતાવી દેવાની ઉતાવળ હોય તેમ તે ક્યારેક ઉતાવળાં પગલાં દેતી ત્યારે પવન તેની સાડીના છેડામાં ભરાઈને તેનાં અંગો સાથે ચેડાં કરતો હતો.
આખરે ગંગા નદીના વિશાળ પટ પર પહોંચી. હાથમાંના વસ્ત્રોમાં વીંટાયેલા બાળકને જમીન પર મૂકી તેણે પાણીના મધ્ય ભાગમાં જવા વસ્ત્રોનો કછોટો દીધો ને હળવેથી જમીન પર પડેલાં બાળકને ઉઠાવી તેણે જળમાં જવા પગ દીધો ત્યારે આભમાંનો ચંદ્ર પણ શરમાઈ ગયો હોય એમ તે વાદળ પાછળ સંતાઈ ગયો.
ગંગાદેવી પૂર્વવત્ આ બાળકને પણ નદીના મધ્યભાગમાં જઈ વહેતો કરી દેવા માંગતી હતી.
‘થોભી જાવ, ગંગાદેવી !’ હજી કાંઠામાં જ ગંગા ઊભી છે, ત્યાં તેના કર્ણપટે અવાજ અથડાયો. એક ક્ષણભર તો તે ધ્રૂજી ઊઠી. સાત સાત બાળકોને તેણે આ પ્રમાણે જ જળસમાધિ કરાવી હતી, પણ આજે પહેલી જ વાર તેને કાને ‘થોભો’નો આદેશ અથડાયો હતો.
તે થોભી. પાછળ દૃષ્ટિપાત કરી ને શાન્તનુને જોતાં વિસ્મયતાથી પૂછી રહી, ‘તમે મારી પાછળ શા માટે આવ્યા છો?’
શાન્તનુ પણ હવે ગંગાની નજદીક જઈ પહોંચ્યો ને કહ્યું, ‘હવે આ બાળકને જળસમાધિ નહિ કરાવી શકો.’
‘તમે શું કહો છો. મહારાજ ? તમે દીધેલાં વચનો તો યાદ છે ને?’ શાન્તનુને આજ્ઞાનો પ્રતિભાવ કરતાં ગંગા પૂછી રહી, ‘તમે વચનભંગ કરવા માંગો છો?’
‘વચનનું પાલન તો સાત સાત બાળકોને તમે જળસમાધિ કરાવી ત્યાં સુધી મનને દબાવી, લાગણીઓ પર પથ્થર મૂકીને કર્યું જ છે ને ? પણ હજી તમે જો તમારો આ માર્ગ છોડવા તૈયાર ન હો તો આ નિર્દોષ બાળકના પિતા તરીકે તેને રક્ષણ આપવાનો મારો ધર્મ પણ મારે અદા કરવો જ જોઈએ ને?’
ગંગા શાન્તનુ સામે આશ્ચર્યભરી મીટ માંડી રહી હતી. તેના હાથમાંનાં વસ્ત્રોમાં વીંટાયેલું બાળક પણ સળવળાટ કરતું હતું.