લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨ પિતામહ
પ્રકરણ ૩
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૪ →






 

‘હવે હું આપની વિદાય લઉં છું, રાજન્ !’ પોતાના હાથમાં વસ્ત્રોમાં વીંટાળેલા બાળકને હૈયાસરસો દબાવતાં ગંગા બોલી, ‘તમે વચનભંગ કર્યાં છે, ખરું ને ?’ ને ઉમેર્યું, ‘એટલે આપણી શરત પ્રમાણે આપણા લગ્નજીવનનો અહીં અંત આવે છે. હું વિદાય લઉં છું.’

ગંગા વિદાય થવા પગ ઉપાડતી હતી ત્યાં શાન્તનુએ તેનો હાથ પકડ્યો. તેને અટકાવીને તેની નજરમાં પોતાની નજર ખૂંચાવતાં દર્દભર્યા સ્વરે પૂછી રહ્યો, ‘તમે આપણા સાત સાત સંતાનોને જળસમાધિ કરાવી ત્યારે મારા અમાત્યો, હસ્તિનાપુરની પ્રજા મારી નિંદા કરતાં હતાં. ગંગાના રૂપ લાવણ્યમાં મોહાંધ બનેલો શાન્તનુ કુરુવંશનો અંત લાવી રહ્યો છે. હસ્તિનાપુરની ગાદીના વારસને ઈચ્છતો નથી, માત્ર ગંગાના રૂપ લાવણ્યમાં સર્વસ્વનો નાશ કરી રહ્યો છે તેને કોણ સમજાવે? એવી ફરિયાદ પણ હતી.’ ખિન્ન સ્વરે શાન્તનુ કહી રહ્યો, ‘અમાત્યો ને પ્રજાની ભાવનાથી હું અજ્ઞાત ન હતો. તેમનાં કડવાં વચનો હું સાંભળતો ત્યારે હું ઉશ્કેરાટના સ્થાને તમારી જ પ્રતિમા મારી નજર સમક્ષ રહેતી હતી.’

‘એમાં નવાઈ શી હતી, રાજન્!’ ગંગાએ ટોણો દેતાં કહ્યું, ‘દીધા વચન પાળવા એ તો ક્ષત્રિયાનો વીરોનો ધર્મ છે.’ આંખમાં છલકાતાં પ્રેમના સ્થાને રોષ ભરતાં પૂછી રહી, ‘હવે વચનભંગ કેમ કરો છો?’ ને કટાક્ષ કર્યો, ‘ગંગાના દેહ લાવણ્ય ઝાંખાં તો પડ્ચા નથી ને ? ગંગાના નયનોમાં સતત તૂફાન કરતા પ્રેમના તૂફાનો શાંત થયા નથી ને? કે તમે પોતે ગંગાના દેહ લાવણ્યનો તેના પ્રેમનો પૂરતો ઉપયોગ કર્યાં પછી હવે શાંત થયા છો? હવે તમને ગંગાની જરૂર નથી એટલે તમે તમારા અમાત્યો જે તમારી પ્રજાને શાંત કરવા કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદીના વારસ માટે મને દીધેલા વચનને ભંગ કરી રહ્યા છો?’

ગંગાના લાવણ્યમય ચહેરા પર રોજનો ઉલ્લાસ કે પ્રેમનો આવેગ ન હતો. તેના સ્થાને રોષની રેખાઓ જામી હતી.

‘ના પ્રિયે, હું ગંગાથી અલગ થવા ઇચ્છતો નથી. એટલે તો તમે સાત સાત પુત્રોની હત્યા કરી છતાં હું શાંત રહ્યો પણ હવે—’

‘હા, હા, કહો, તમે આઠમા પુત્રની હત્યા કેમ થવા દેતા નથી ?’ ગંગા ભ્રૂકુટિ ચડાવી પૂછી રહી ને પછી સ્પષ્ટતા કરતાં બોલી, ‘રાજન્‌, તમે કહો છો કે લોકો જાણે છે તે પ્રમાણે મેં આપણા સાત પુત્રોની હત્યા નથી કરી, પણ તેમને મુક્તિ દીધી છે, મારું એ કર્તવ્ય હતું.’

‘મુક્તિ ?’ શાન્તનુ ખડખડાટ હસી પડ્યો ને બીજી ક્ષણે શાંત ગંભીર થતાં બોલ્યો, ‘તરતના જન્મેલાં બાળકને જળસમાધિ કરાવી તે હત્યા નહિ, પણ મુક્તિ અપાવી કહો છો તમે?’ ને પ્રશ્ન કર્યો, ‘કોની મુક્તિ? નવજાત શિશુનો શો અપરાધ હતો કે તેને શિક્ષા કરવા જળસમાધિ કરાવી ?’

‘અપરાધ હતો. રાજન્, તમે જાણતા નથી પણ આ સાત અપરાધીઓને તેમને થયેલી શિક્ષા ભોગવ્યા પછી તેમને મુક્ત કરવાની મારી જવાબદારી હતી. મેં તેમને જળસમાધિ કરાવીને શાપમાંથી મુક્ત કર્યા !’ ગંગા જબાન ખોલતી હતી. જ્યારે તેણે શાન્તનુ પાસેથી વચન લીધું ને શાન્તનુના મહેલમાં વર્ષોં સુધી રહી, શાન્તનુના પ્રેમની તૃષા છિપાવતી રહી, ત્યારે પણ જે હકીકત તે શાન્તનુને કહેવા ઇચ્છતી ન હતી, જ્યારે પહેલાં બાળકને જળસમાધિ લેવડાવવા તે વિદાય થતી હતી ત્યારે શાંન્તનુની વેદનાભરી આજીજી અશ્રુભીના નયનોએ હસ્તિનાપુરના ગાદીવારસને જળસમાધિ નહિ કરાવવા શાન્તનુ પ્રાર્થના કરતો હતો, ત્યારે પણ જળસમાધિ માટેના ઇતિહાસને તે વ્યક્ત કરવા ઇચ્છતી ન હતી.સાત સાત સંતાનોને પોતે જળસમાધિ કરાવતી હતી ત્યારે શાન્તનુની વ્યથા, વેદના ને દિલ પર થતાં આઘાતથી અજ્ઞાત ન હતી, છતાં પણ મહારાજા શાન્તનુ સમક્ષ કોઈ જબાન ખોલવા ઈચ્છતી ન હતી તે જબાન અત્યારે તે ખોલતી હતી.’

શાન્તનુની જિજ્ઞાસાને સંતાષવા જ નહિ પણ પોતે સાત સાત બાળકોની હત્યા કરી છે, એવા શાન્તનુના મનોભાવને સાફ કરવા ગંગા ભૂતકાળના ઇતિહાસને પેશ કરતી હતી.

‘રાજન્! જે સાત બાળકોને મેં જળસમાધિ લેવડાવી એ આપણાં બાળકો ન હતાં કે હસ્તિનાપુરની ગાદીના વારસો પણ ન હતા.’

‘શુ કહો છો તમે ? તમે જે બાળકોને જળસમાધિ લેવડાવી એ બાળકો આપણાં ન હતાં? તો કોણ હતાં ? તમે તેમના જનેતા પણ ન હતાં ?’ શાન્તનુ આશ્ચર્યથી મોં પહોળું કરતાં પૂછતો હતો.

‘હા. દેખીતી રીતે તમે કહો છો તે સાચું છે, પણ હકીકત જુદી છે.’ ગંગા શાન્તનુના આશ્ચર્યને શાંત કરવા પ્રયત્ન કરતી હતી.

‘જુદી હકીકત શી હોય ?’

‘હોય, ખુદ ગંગાનો જન્મ પણ તેનુ કર્તવ્ય પૂરું કરવા જ થયો છે. શાન્તનુ સાથેનો પ્રેમભર્યો વ્યવહાર પણ ગંગાની ફરજ અદા કરવા માટેના જ હતો.’

ગંગા હજી પણ સ્પષ્ટતા કરતી ન હતી, એથી શાન્તનુ પણ ઉત્તેજના અનુભવતો હતો.

‘મને આ બધી ભ્રમજાળમાં નાખવાની કોઈ જરૂર નથી, ગંગાદેવી.’ શાન્તનુ બોલ્યો ને ગંગાના હાથમાંનું બાળક લેવા હાથ લંબાવીને કહી રહ્યો, ‘લાવો આ બાળક.’

‘ના, હવે આ બાળક મારી પાસે જ રહેશે.’ ગંગા બોલી.

‘પણ તમે એને જળસમાધિ દેવડાવશો ?’

‘ના. હવે આ બાળકને આપણા વિચ્છેદ પછી જળસમાધિ લેવડાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું તેને મારી સાથે રાખીશ, આભ અને ધરતી વચ્ચે તેના જેવો કોઈ પેદા ન થાય તેવી તાલીમથી તેને નિપૂર્ણ બનાવીશ.’ બોલતાં બોલતાં ગંગાના હૈયામાંનું માતૃત્વ જાણે ઊછળી પડ્યું હોય એમ બાળકને હૈયાસરસો દબાવતાં બોલી, ‘મારો દેવવ્રત !’ પછી કહી રહી. ‘મારી વિદાય વેળા નજદીક આવતાં દેવવ્રત તમને સુપ્રત કરીશ, ત્યારે તે તમામ વિદ્યામાં નિપૂર્ણ હશે.’ ને સ્મિત વેરતાં પૂછી રહીં, ‘તમને વિશ્વાસ નથી આવતો ખરું ને, રાજન્?’ ને ઉમેયું; ‘સાત સાત બાળકોને જળસમાધિ કરાવી તે મારું કર્તવ્ય હતું જે પૂર્ણ કર્યું.’

‘કર્તવ્ય?’ શાન્તનુ પૂછી રહ્યો.

‘હા, રાજન્‌. મારું કર્તવ્ય મેં પૂર્ણ કર્યુ.’ ગંગા હવે જબાન ખોલતી હતી. તેણે કહ્યું : ‘એ સાત વાસુ વશિષ્ઠના ગુનેગાર હતા. વશિષ્ઠે તેમને શાપ દીધો, ને વાસુઓની પ્રાર્થનાથી વશિષ્ઠ તેમની મુક્તિ માટે મને ધરતી પર જવા કહ્યું. હું ધરતી પર આવી. વાસુઓની જનેતા બનીને જન્મતાં જ તેમને જળસમાધિ લેવડાવી. શાપમાંથી મુક્ત કર્યાં ને ફરી હાથમાંના દેવવ્રત તરફ નજર કરતાં બોલી, ‘દેવવ્રતને તો આ ધરતી પર જ રહેવાનું છે, એટલે તમે મને અટકાવી.’

ગંગાદેવી શાન્તનુ સમક્ષ હવે વિદાયની વેળાએ ભૂતકાળનો ઉલ્લેખ કરતી હતી.

‘તમને મારી વાતોથી આશ્ચર્ય થતું હશે નહિ ?’ ગંગાએ પૂછ્યું. ‘હા, આ બધી વાતો નવાઈ ભરી તો છે જ.’ શાન્તનુએ ગંગાના પ્રશ્નનો જવાબ દેતાં પૂછ્યું, ‘વાસુઓ વશિષ્ઠની ગાય નંદીનીને ચોરવા જાય, વશિષ્ટ તેમને શાપ દે, ને વળી તમને તેમની મુક્તિ અર્થે ધરતી પર મોકલે, રૂપના અંબાર દેહમાં ભરી તમે શાન્તનુને જીતો ને શાન્તનુ પણ તમારા મોહપાશમાં જકડાઈને તેના સાત સાત પુત્રોને જળમાં હોમી દેવાની ગંગાની પ્રક્રિયા સામે લાચાર બની મૂંગો રહે એ બધું નવાઈભર્યું નથી શું ?’

‘તમને નવાઈભર્યું લાગે તે સ્વાભાવિક છે, રાજન્, પણ આ હકીકત છે.’ ગંગાએ વિશ્વાસ દેવા માંડ્યો. પછી હકીકત પેશ કરતાં બોલી, ‘વશિષ્ઠની ગાય નંદિની પર માત્ર વાસુઓ જ નહિ, પણ દેવો પણ નજર માંડી બેઠા હતા. સૌ નંદિનીને ઇચ્છતા હતા, પણ નંદિની વશિષ્ઠથી દૂર થવા માંગતી ન હતી.’

‘એમ ? એવું તે શું હતું નંદિનીમાં ! માત્ર ગાય જ હતી ને?’ શાન્તનુએ પ્રશ્ન કર્યો.

‘હા, નંદિની હતી તો ગાય પણ દેવાંશી કોઈ તત્ત્વ, કોઈના ક્રોધનો ભોગ બની ગાય બની હોય એમ લાગતું હતું.’ ગંગાએ કહ્યું. ‘પણ વશિષ્ઠ તેને બરાબર સમજતા હતા એટલે તેને ગાય નામના પ્રાણી તરીકે નહિ, પણ દેવાંશી તરીકે સાચવતા, તેનું ગૌરવ પણ કરતા હતા. નંદિનીની આ સ્થિતિ વાસુઓ માટે ઈર્ષ્યા સમાન હતી. વશિષ્ઠ પાસેથી નંદિનીને વિખૂટી પાડવાનાં તેમણે ઘણાં ઘણાં કપટો કર્યાં. નંદિનીને ચરાવવા માટે ગયા ને પછી તેને ભુલભુલામણીમાં નાખી વિશિષ્ટથી દૂર કરવાના પ્રયત્નો પણ કર્યાં. ત્રણ-ચાર દિવસ સુધી નંદિની પાછી નહિ ફરતાં વશિષ્ઠ પણ બેચેન બની ગયા. તેને ચરાવવા લઈ જનાર વાસુને તેમણે પૂછ્યું પણ ખરું, ‘નંદિની દિવસો થયા કેમ આવી નથી ? મને તેની ખૂબ જ ચિંંતા છે. જરા તપાસ તો કરો?’

વાસુ વિશ્વાસ દેતો. તે પણ પોતાની બીજી ગાયોના જૂથથી નંદિની ક્યારે વિખૂટી પડી; ક્યાં ગઈ તેને વિષે પોતાની અજ્ઞાનતા વ્યક્ત કરતાં કહેતો : ‘મને તો વિશ્વાસ હતો કે નંદિની આશ્રમમાં પહોંચી જ હશે, પણ અહીંં નથી આવી તેથી મને પણ ચિંતા થાય છે. ને પછી વ્યથાપૂર્ણ સ્વરે બોલ્યો, ‘કદાચ કોઈ હિંસક પ્રાણીનો ભોગ બની હશે ?’

‘ના, ના, નંદિની કોઈનો ભોગ બને તેમ નથી.’ વશિષ્ઠ નંદિની વિષેનો પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં ગમભર્યાં સ્વરે પોતાની શંકા વ્યક્ત કરતા કહી રહ્યા, ‘કોઈ તેને ઉઠાવી ગયું હશે.’

‘પણ કોણ ઉઠાવી જાય ?’

‘કોઈ દેવતા !’ નિસાસો નાખતા વશિષ્ઠે પોતાની શંકા વ્યક્ત કરતાં કહ્યું, ‘પણ નંદિની ગમે ત્યાં હો, પણ અહીં પાછી ફર્યાં વિના રહેશે જ નહિ.’

‘ને થયું પણ તેમ જ.’ ગંગા કહી રહી. હતાશાભર્યા વશિષ્ઠ જ્યારે પ્રાતઃકર્મ માટે તૈયારી કરતા હતા ત્યારે તેમની સમક્ષ નંદિની ઊભી હતી. વશિષ્ઠ ઘેલા થઈ નંદિની પાસે દોડી ગયા. તેની પીઠ પર હાથ ફેરવતાં પૂછી રહ્યા, ‘કોણ તને ઉઠાવી ગયું હતું?’

નંદિની જવાબ દઈ શકી નહિ. ગૌરવભેર માથું ઊંચું કર્યું. વશિષ્ઠે પણ આનંદ પ્રદર્શિત કરતા કહ્યું, ‘મને તારો પૂરતો ભરોસો છે, નંદિની ! તું મારા માટે જીવનધાત્રી છો. તું કદી પણ મારાથી અલગ થઈ શકે જ નહિ.’ ને પૂછ્યું, ‘ખરું છે ને નંદિની ?’

નંદિની પણ વશિષ્ઠના વિશ્વાસનું સમર્થન કરતી હોય એમ ડોક હલાવી હકાર ભણતી હતી.

‘છતાં વાસુઓ તેને ઉઠાવી જવા તૈયાર થયા.’ શાન્તનુએ શંકા વ્યક્ત કરી.

‘હા, નંદિનીનો પ્રભાવ જ એવો હતો. બધા જાણતા હતા કે વશિષ્ઠનું જીવન નંદિની છે. એ નંદિની જેની સાથે હોય તેને જીવનની કોઈ હતાશાનો કદી પણ અનુભવ થાય જ નહિ. સદા સુખી જ હોય, એટલે દેવો તો તેને ઉઠાવી જવાની હિંમત કરી શકે નહિ. તેઓ વશિષ્ઠના પ્રભાવ ને પ્રતાપથી પરિચિત હતા. વશિષ્ઠના શાપથી તે ડરતા હતા. એટલે દેવોમાંથી કોઈ પણ દેવ નંદિનીને વશિષ્ઠના આશ્રમમાંથી ઉઠાવી જવાની હિંમત કરતા ન હતા.

‘જે હિંમત દેવો કરી શક્યા નહિ, તે હિંંમત વાસુઓએ કરી?’ રાજને પ્રશ્ન કર્યો.

‘હિંંમત શું હોય ? પણ કોઈ દેવતાના પીઠબળે તેમણે આવું સાહસ કર્યુ હશે.’ ગંગાએ કલ્પના કરીને ઉમેર્યું, ‘પણ જ્યારે વાસુઓ વશિષ્ઠના શાપનો ભોગ બન્યા ત્યારે કોઈ દેવતા તેની મદદે આવી શક્યા નહિ. વાસુઓ પણ વશિષ્ઠનો શાપ સાંભળતાં ધ્રૂજી ઊઠ્યા ને જે દેવતાના પીઠબળે નંદિનીને ઉઠાવી જવાની હિંમત કરી હતી. તે દેવતા તેમની મદદે આવી, ને વશિષ્ઠના શાપમાંથી તેમને મુક્ત કરાવશે એવી આશામાં તેમણે દેવના આગમનની પ્રતીક્ષા કરી. પણ દેવતાનું આગમન થયુ નહિ એટલે વાસુઓ વશિષ્ઠના પગમાં પડ્યા. અશ્રુથી તેમનાં ચરણો ભીંજવ્યાં.’

‘દયા કરો, કૃપા કરો, ગુનો માફ કરો, ગુરુદેવ !’ વાસુઓ વશિષ્ઠના પગમાં પડી દયાની ભીખ માંગતા હતા.

નંદિનીએ તેને બળપૂર્વક લઈ જતાં વાસુઓનો મુકાબલો તો કર્યો જ હતો, પણ જ્યારે તેને બંધનમાં નાખીને જમીન પર ઘસડી જવાનો પ્રયત્ન થયો, ત્યારે તેણે વશિષ્ઠની નિંદ્રા તૂટે એવો જોરદાર અવાજ કર્યો. વશિષ્ઠની નિંદ્રા તૂટી તેવો નંદિનીનો ભયભીત અવાજ પારખી ગયા, ને સફાળા બહાર દોડી આવ્યા. ત્યારે વાસુઓ નંદિનીને ઘસડી જવા માટે પોતાની તમામ તાકાત જમાવતા હતા.

પણ વશિષ્ઠને જોતાં તેમના હાજા ગગડી ગયા. નંદિનીને બંધન અવસ્થામાં મૂકી તેઓ ભાગવા લાગ્યા, પણ વશિષ્ઠે તેમને અટકાવ્યા. ‘ઊભા રહો, નહિ તો જીવતા સળગાવી દઈશ.’ તેમણે ધમકી દીધી.

વાસુઓ વશિષ્ઠની તાકાત, પ્રભાવ ને તેમની સિદ્ધિઓથી સારી પેઠે પરિચિત હતા એટલે તેઓ અટકી ગયા. તેમના ચહેરા પર ભયની રેખા પણ ઊપસી રહી હતી.

નંદિની હવે સ્વસ્થ હતી. વશિષ્ઠે તેને બંધનમુક્ત કરીને તેની પડખે ઊભા રહ્યા. વાસુઓ સામે ક્રોધ દૃષ્ટિ માંડી રહ્યા. વાસુઓને જાણે તેમના જીવનનો અંત આવતો જણાતો હતો. જેની હિંમત, શક્તિ ને વિશ્વાસે તેમણે આ અપરાધ કરવાની હિંમત બતાવી, તેના તો ક્યાંય દર્શન પણ થતાં ન હતાં.

શાંંતિથી ગંગાની કથની સાંભળી રહેલાં રાજને પ્રશ્ન કર્યો, ‘તમે ત્યાં ક્ચાંથી ?’

ગંગાએ સ્પષ્ટતા કરી, ‘હું વાસુઓનાં આક્રંદથી જાગી ઊઠીને શું થયું છે તે જોવા બહાર આવી. ત્યાં વાસુઓ વશિષ્ઠના ચરણોમાં માથાં ઝુકાવી અશ્રુની સરિતા વહાવતા હતા.’

વશિષ્ટ મક્કમ હતા. વાસુઓના આક્રંદ આંસુ કે આજીજીની તેમના મન પર કોઈ અસર જણાતી ન હતી. તેઓ પણ વાસુઓને પાઠ ભણાવવા માગતા હતા.

‘ક્ષમા કરો। ગુરુદેવ!’ વશિષ્ઠના ચરણો પાસે ઝુકાવેલું મસ્તક પ્રયત્નપૂર્વક ઊંચું કરી, વાસુઓનો મુખી બે હાથ જોડી દીનભાવે ક્ષમા યાચતો હતો.

પણ ગુરુદેવના ચહેરા પરની સખ્તાઈની રેખા વધુ તંગ બનતી હતી.

‘આખરે તેમણે શાપ દીધો.’

‘શાપ દીધો ? કેવો શાપ હતો?’

‘ધરતી પર માનવ બનીને હડધૂત જીવન પામો.’ વશિષ્ઠના શાપથી વાસુઓ ધ્રૂજી ઊઠ્યા. ધરતી પર જવાની કલ્પના જ તેમને ભય પમાડતી હતી. તેમણે ફરી આક્રંદ શરૂ કર્યું.’

‘દયા કરો હવે ગુરુદેવ !’ મુખી વિનવતો હતો ને ઉકેલ શોધતો હતો, ‘શાપમાંથી મુક્તિ અપાવો ગુરુદેવ !’

‘કોણ જાણે કેમ પણ ગુરુદેવનું હૈયું પીગળી રહ્યું, ‘મુક્તિ ? શાપમાંથી મુક્તિ જોઈએ છીએ તમને ?’ તેઓ બોલ્યા.

‘હા, ગુરુદેવ !’

‘શાપ તો પાછો ખેંચી શકાય નહિ, પણ હા, મુક્તિનો માર્ગ જરૂર શોધી શકાય !’ ગુરુદેવ સંચિત મૌન થયા. તેમની નજર કોઈ ઉકેલ શોધતી હતી.

ત્યાં તેમની નજર દૂર ઊભેલી પ્રભાવશાળી નારી પર પડી. વશિષ્ઠ તેને જાણતા હતા. આશ્રમમાં રહેતી એ તપસ્વિની હતી. ગુરુદેવે તેને બોલાવી. તપસ્વિની ગુરુદેવ સમક્ષ વિનમ્રતાથી ઊભી.

‘આજ્ઞા ગુરુદેવ !’ તપસ્વિની પૂછી રહી.

‘તારે એક કામ કરવું પડશે. થશે ?’ વશિષ્ઠે પૂછ્યું.

‘આપની આજ્ઞાની અવગણના કેમ થઈ શકે, ગુરુદેવ?’

‘આજ્ઞા નથી, પણ ઇચ્છા ખરી !’

‘આપની ઇચ્છા એ મારા માટે તો આજ્ઞા સમાન છે, ગુરુદેવ !’ તપસ્વિની કહી રહી.’

‘આ અપરાધીઓને મેં શાપ તો દીધો જ છે, પણ હવે થોડી દયા પણ આવે છે.’ વશિષ્ઠ બોલી રહ્યા. ‘આખરે તેઓ પણ આ ભૂમિના જ છે ને? તેમને મનુષ્ય લોકમાં જવાનો મારો શાપ મિથ્યા તો થઈ શકે તેમ નથી. પણ તેમને તારી મદદ હોય તો માનવ જન્મનો તત્કાળ અંત આવે ને તે પાછા આ ભૂમિ પર આવી શકે!’ પછી તપસ્વિની સામે આશાભરી દૃષ્ટિ માંડતા પૂછી રહ્યા, ‘તમે તેમને સહાયભૂત થશો?’

‘આપની આજ્ઞા હોય તો મારે આપની ઇચ્છાનો અમલ કરવો જ જોઈએ ને?’

‘પણ એ માટે તમારે પૃથ્વી પર જવું પડશે,’

‘જઈશ, પછી ?’

‘પછી તમારે પ્રસૂતા થવું પડશે.’

‘એટલે મારે પૃથ્વી પરના માનવી સાથે લગ્નપણ કરવાં પડશે?’

‘હા, અનિવાર્યપણે.’ વશિષ્ઠે જણાવ્યું. ‘પ્રસૂતા થયા પછી જન્મેલા બાળકને તારે જાતે જ તેને જળસમાધિ પણ કરાવવી પડશે.’

‘એટલે મારી કૂખે જન્મેલાં સંતાનને મારે જ હાથે જળસમાધિ કરાવવી એમ ?’ બોલતાં બોલતાં તપસ્વિનીની આંખો પહોળી થઈ, ‘મારે એવાં પાપકર્મ કરવા નથી, ગુરુદેવ.’ તેણે જણાવ્યું, ‘પાપકર્મ નથી, પુણ્યકર્મ છે.’

પુણ્ય શેનું ? બાળકને જળસમાધિ કરાવનાર માતા પણ પૃથ્વી લોકપર તિરસ્કારને પાત્ર બને. કદાચ આ અપરાધની તેને સજા પણ થાય.’

સજાનો ભય વ્યક્ત કરતી તપસ્વિની સામે મુક્તહાસ્ય વેરતા વશિષ્ઠ બોલ્યા, ‘તારે ક્યાં પૃથ્વી પર માનવલોકમાં લાંબો વખત રહેવું છે ? તારુ કામ પતી જાય પછી તું પણ પાછી ફરીશ ને ?’

‘પણ લોકનિંદા !’

‘હા, એ ભય ખરો, પણ તું જેની સાથે લગ્ન કરે તેની સાથે શરત કરજે, તારા માર્ગમાં તે અંતરાયભૂત ન બને. ’

‘એવી શરત કોણ સ્વીકારે, ગુરુદેવ ?’

‘સ્વીકારનારો મળી જ રહેશે, તપસ્વિની! તારાં રૂપસૌંદર્યમાં મોહાંધ બનીને પુરુષ તારી શરત અચૂક સ્વીકારશે ને તું નિરાંતે તારા પુત્રને જળસમાધિ કરાવી શકશે’ વશિષ્ઠે વિશ્વાસ દેતાં પૂછ્યું. ‘એ બધી વ્યવસ્થા થઈ શકશે.’

તપસ્વિની પણ આ તપ માટે તૈયાર થઈ. તેને માટે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે જીવવાનું એ એક તપ જ હતું. તેને પણ પૃથ્વી અને માનવ વિષે જોવું હતું, જાણવું પણ હતું.

‘એટલે તમે વશિષ્ઠ ગુરુની ઇચ્છા પ્રમાણે જ ગંગા બની નિર્જન સ્થાને રહેવા લાગ્યા એમ જ ને?’ શાન્તનુ વચ્ચે જ પ્રશ્ન કરી રહ્યો.

‘હા, તમારા આગમનની પ્રતીક્ષા પણ કરતી હતી.’ ગંગા બોલી.

‘મારા આગમનની ?’ સાશ્ચર્ય શાન્તનુ પૂછી રહ્યો.

‘હા, સ્ત્રીના દેહ લાલિત્ય પર પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર રાજવી તને નજરમાં ભરશે ને તારી ગમે તેવી શરતનો તે સ્વીકાર કરશે. પોતાના વંશના ગાદીવારસનો તારે હાથે નાશ થવા છતાં પણ તારા માર્ગમાં તે કદી અવરોધક બનશે નહિ. ગુરુદેવે મને અહીંં આવતાં પહેલાં વિશ્વાસ દીધો હતો એટલે તમારી પ્રતીક્ષા કરતી હતી.’

હવે સમજાયું કે તમે વૃક્ષ નીચે વિશ્રામ કરતા શાન્તનુ માટે જળપાનની વ્યવસ્થા કેમ કરી હતી?’ શાન્તનુએ જવાબ દીધો.

‘કહો, હવે કાંઈ પૂછ્યું છે રાજન્ ?’ ગંગા શાન્તનુને પૂછી રહી.

‘હવે આ દેવવ્રતને તમે રાખશો તો મારા વચનભંગનો શો અર્થ ? વચનભંગના કારણે તમને તો ગુમાવી દીધાં, પણ જેને માટે વચનભંગ કર્યો તે દેવવ્રતને પણ તમે જ લઈ જાવ છો ? પછી મારું શુંં?’

ગંગાએ શાન્તનુની ચિંતાનો જવાબ દેતાં કહ્યું, ‘આ દેવવ્રતને હું જળસમાધિ કરાવવા માંગતી ન હતી માત્ર દેખાવ હતો. પેલા સાત અપરાધી વાસુઓને તો માનવદેહમાંથી મુક્તિ આપવાની હતી, એટલે તેમને જળસમાધિ કરાવી. પણ પ્રભાસ નામના આઠમા વાસુને તો પૃથ્વી પર લાંબા સમય સુધી રહેવાનું જ હતું. સાતે વાસુઓએ એને પોતાનો અંશ સમર્પિત કર્યો છે. વંશવેલો નહિ વધારવા તકની શરતે તેણે પૃથ્વી પર રહેવું એમ પણ નક્કી થયું છે, એટલે દેવવ્રત વિષે આમ કોઈ જ ચિંતા ન કરશો. યોગ્ય સમયે દેવવ્રત તમારે હવાલે થશે જ. આભ અને પૃથ્વીની વચ્ચે જ તે અમરત્વ પામશે.’

ગંગા દેવવ્રતને લઈ વિદાય થઈ. ઝડપથી પવનના વાવાઝોડાંની ગતિથી ચાલતી ગંગાની પીઠ પ્રતિ ક્યાંય સુધી દૃષ્ટિ માંડી રહેલો શાન્તનુ ગંગાની પીઠ દેખાતી બંધ થઈ ત્યારે તે ભાનમાં આવ્યો. હૈયાના ઊંડાણમાંથી એક નિસાસો નાખતાં બબડ્યો, ‘ગંગા ગઈ. જીવનનો ઉજાસ પણ સાથે લેતી ગઈ. હવે અંધારામાં બાથોડિયાં ભરતાં જીવન પૂરું કરવાનું.’

હતાશાભર્યો શાન્તનુ જ્યારે મહેલમાં પાછા ફર્યો ત્યારે સૂના મહેલની દીવાલો જાણે હમદર્દ બની. ગંગા સાથેના પ્રણયના ફાગ ખેલતાં દૃશ્યો રજૂ કરતી હતી.

ગંગાની વિદાય પછી શાન્તનુ મનની બેચેની દૂર કરવા શિકારે જતો હતો. શિકાર પાછળ દોડતાં તે મનની બેચેની જ ભૂલવા મથતો હતો. શિકારે જવાનો તેનો રોજનો ક્રમ થઈ પડ્યો હતો. ક્યારેક તે ગંગા જ્યાં રહેતી હતી, ને જ્યાંથી બન્ને પ્રેમગ્રંથિએ બંધાયા હતાં, એ વનમાં પણ જતો ને ગંગાનાં દર્શન કરવાની ખેવના પણ કરતો, પણ ગંગા ત્યાં ન હતી. ગંગાનું આવાસ સ્થાન પણ ન હતું. નિરાશ થઈ શાન્તનુ પાછો ફરતો.

પણ આ વખતે બે બાળકો તેની નજર સમક્ષ જણાયા – ગૌતમ ઋષિ અને જાતયજ્ઞ નામની દેવ કન્યા. એ બે બાળકોને કેટલીય ક્ષણો અપલક દૃષ્ટિથી શાન્તનુ જોઈ રહ્યો. તેના દિલમાં દેવવ્રતની યાદ તાજી થઈ. આ બાળકો પ્રત્યે વાસલ્ય ભાવના ઝરણાં વહેતાં થયાં. દેવવ્રતને તો ગંગા તેની સાથે લઈ ગઈ હતી, પણ વિશ્વાસ દેતી ગઈ હતી, ‘રાજન્‌, આ તમારી થાપણ યથા સમયે તમને પરત કરીશ જ. પણ તેનો ઉછેર, તેની તાલીમ મારી નજર હેઠળ થાય તેવી મારી ઇચ્છા છે.’

શાન્તનુ અનુત્તર હતો. ગંગાના હાથમાંના નાના બાળકને ઝૂંટવી લેવાની વૃત્તિ જાણે તેના દિલમાં જાગતી જ ન હતી.

દેવવ્રતને ગંગા પાછો આપી દેશે જ એવો વિશ્વાસ તો શાન્તનુને હતો જ પણ તત્કાળ તેનો વાત્સલ્યભાવ, આ બે બાળકો પર ઢળતો થયો ને તેણે બંને બાળકોનો કબજો લીધો. રાજમહેલમાં લાવ્યા પછી બંને માસૂમ બાળકોના ઉછેરની સારસંભાળ માટે વ્યવસ્થા કરી. તેમની કૃપાથી ઉછરેલાં આ બે બાળકોનાં નામ કૃપ અને કૃપિ તરીકે જાણીતા થયાં. શાન્તનુ કલાકો સુધી તેમની સાથે રહેતો. તેના મનનો વિષાદ પણ તેમના સહવાસે શાંત થતો.

સમય વીતતો હતો, કૃપ પાછળથી કૃપાચાર્ય તરીકે જાણીતા થયા, વનમાં શિકાર પાછળ દોડતાં શાન્તનુની સામે ગંગા દેવવ્રત સાથે ઊભેલી જણાઈને શાન્તનુનું હૈયું હરખી રહ્યું. વર્ષો પછી નજર સમક્ષ ઊભેલી ગંગાના દેહ પરના યૌવનનો ઉન્માદ તેજ હવે ઝાંખાં પડતાં હતાં. ચહેરા પરની તેજસ્વીતા પણ ઝંખવાઈ ગઈ હતી ! છતાં શાન્તનુના દિલનો ઉન્માદ શાંત થયો ન હતો.

દેવવ્રત હવે કિશોરાવસ્થામાં હતો, એટલે ગંગાને બે હાથમાં ભીંસી દેવાની શાન્તનુની ઈચ્છાનો અમલ થઈ શક્યો નહિ. ગંગા પણ મલકાતી હતી. તેનો મલકાટ શાન્તનુની ઈચ્છા અધૂરી રહી તેને વિષેનો હતો.

‘રાજન્ !’ બન્ને ઘણો સમય અવાક એકબીજાનું અવલોકન કરતાં મૂંગા ઊભાં હતાં, ત્યાં ગંગાએ શાન્તનુને જાગ્રતાવસ્થામાં લાવવાનો પ્રયત્ન કર્યો.

શાન્તનુ જાગ્રતાવસ્થામાં આવતો હોય એમ બોલ્યો, ‘હા કહો, ગંગાદેવી ?’

‘આપની થાપણ આપને પાછી દેવા આવી છું.’ ગંગાએ કહ્યું ને પડખે ઊભેલા દેવવ્રતને આજ્ઞા દીધી, ‘બેટા, આ તારા પિતાજીને પ્રણામ કર.’ દેવવ્રત દેખાવે તેજસ્વી હતો. તેમની કીકીઓમાં પણ તેજ હતું. માતાની આજ્ઞા થતાં તેણે શાન્તનુના ચરણોમાં મસ્તક ઝુકાવી દીધુ. ‘પ્રણામ પિતાજી !’ તે બોલ્યો.

શાન્તનુ પણ ગંગા સાથે ઊભેલા દેવવ્રત સામે દૃષ્ટિપાત કરી રહ્યો હતો. તેના મનમાં પણ ભાવ જાગતો હતો, દેવવ્રત જ હશે, ને હૈયું હરખાઈ ઊઠ્યું. સ્વગત બબડ્યો, ‘મારો દેવવ્રત !’

પોતાના ચરણોમાં ગરદન ઝુકાવી રહેલા દેવવ્રતને બે હાથે ઊભો કરી, હૈયાસરસો દબાવતાં ગદ્‌ગદ સ્વરે તેનો મનોભાવ ઠાલવી રહ્યો. ‘મારો દેવવ્રત !’ ને પછી તેની ચિબુક પકડી તેની નજરમાં નજર મિલાવતાં ભાવવાહી સ્વરે બોલ્યો, ‘કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદી માટેનું રત્ન !’

ગંગા સામે આભારવશ દૃષ્ટિપાત કરતાં શાન્તનુ બોલ્યો : ‘તમે વચન પાળ્યું ખરું.’

‘હા, રાજન્!’ દેવવ્રત ક્ષાત્રતેજનો તેજસ્વી પૂંજ બની રહે, તેના પિતાજીનું નામ રોશન કરે એટલું જ નહિ. પણ ગંગા પુત્ર તરીકે સૌ તેને સન્માને. એ રીતે તેને બધા પ્રકારની તાલીમ આપી છે. શસ્ત્રવિદ્યા જ નહિ પણ તપ અને ત્યાગની વિદ્યામાં પણ તે નિપૂર્ણ છે. ગંગા પડખે ઊભેલા દેવવ્રતના માથા પર પ્રેમાળ હાથ મૂકતાં તેના દિલના ભાવો પણ તેના પ્રિતમ તેના સ્વામી શાન્તનુ સમક્ષ ઠાલવતાં ગદ્‌ગદ સ્વરે બોલી રહી : ‘ગંગા સાથેના સહજીવનની આ યાદ તમને દેતી જાઉં છું. હવે ગંગા પણ વિદાય થશે. તેનો સમય ને તેનું કર્તવ્ય પૂર્ણ થયાં. હવે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે દેવભૂમિમાં પાછી ફરીશ.’

તેણે શાન્તનુ પ્રત્યે પ્રેમ છલકાવતી આંખો માંડી તેનું દિલ લાગણીઓથી ભરાઈ આવ્યું. આંખમાંથી અશ્રુબિંદુ ટપકવા લાગ્યાં.

શાન્તનુની સ્થિતિ પણ ગંગા જેવી જ હતી. લાગણીભીના સ્વરે તે બોલ્યો, ‘તમે જશો ખરું ને ?’

‘હા, કર્તવ્ય પૂર્ણ થયું.’ જમીન સરસી દૃષ્ટિ ઠેરવતાં ગંગા બોલી, ‘તમે ગંગાને ભૂલી જ જજો. દેવવ્રતને ગંગાની ભેટ માની તેનું જતન કરજો.’ પછી દેવવ્રત વિષેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં બોલી, ‘દેવવ્રત તેના પિતાની આજ્ઞાનો કદી પણ અનાદર નહિ કરે.’ તેણે દેવવ્રતને કહ્યું, ‘બેટા, તારી તાલીમના દર્શન તો તારા પિતાને કરાવ !’ ને ઉમેર્યું, ‘તારા પિતા પણ ઘણા શક્તિશાળી ને પરાક્રમી છે. એમને તેમના દીકરાના પરાક્રમની જાણ થવા દે દેવવ્રત !’

માતાની આજ્ઞા થતાં દેવવ્રતે પાસે વહેતાં ગંગાનદીના જળપ્રવાહ સામે ધનુષ્ય ઉપાડ્યું ને બાણમાંથી છૂટતાં તીરો ગંગા નદીના વહેતા જળપ્રવાહના વેગને શાંત કરતા હતા. જેમ જેમ બાણવર્ષા વધતી રહી તેમ તેમ નદીનો ઉન્માદી જળપ્રવાહ શાંત થયો. નદીનાં જળ થંભી ગયા.

‘વાહ, દેવવ્રત વાહ !’ દેવવ્રતનું પરાક્રમ જોતાં શાન્તનુ પણ ઉત્તેજનાપૂર્ણ બની દેવવ્રતને હૈયે દબાવી બોલી ઊઠ્યો, ‘મારો દેવવ્રત મહાપરાક્રમી થશે જ.’

ગંગા પણ હર્ષાન્વિત થતાં બોલી, ‘રાજન્‌ ! દેવવ્રત બૃહસ્પતિ, પરશુરામ, શુક્રાચાર્ય જેવા મહાસમર્થ ગુરુદેવો પાસેથી વિવિધ વિદ્યાઓ અને શસ્ત્રતાલીમ પામ્યો છે. પિતાના સુખ માટે જરૂર જણાતા ત્યાગ પણ કરશે તેવો મારો વિશ્વાસ છે.

દેવવ્રત ભણી નજર કરતાં પૂછી રહી: ‘મારી શ્રદ્ધા સાચી છે ને દૈવવ્રત ?’

દેવવ્રતે ગંગાની શ્રદ્ધાનું સમર્થન કરતાં કહ્યું : ‘મા, તમારી શ્રદ્ધા સર્વથા સત્ય જ છે. પિતાજીના મનની શાંતિ કાજે ગમે તેવા બલિદાન દેતાં તારો દેવવ્રત પીછેહઠ નહિ જ કરે.’

દેવવ્રતનો જવાબ સાંભળતાં ગંગાના ચહેરા પર ખુશાલી ચમકી રહી. શાન્તનુ પણ ભાવિવભોર બનતાં દેવવ્રતને હૈયા સરસો દબાવી રહ્યો ને બોલ્યો, ‘મારો દેવવ્રત હવે હસ્તિનાપુરનો યુવરાજ બનશે. પછી હસ્તિનાપુરની ગાદી પર બિરાજશે ને મહારાજા બનશે.'

‘પણ એ દિવસો જોવા ગંગા હાજર નહિ હોય તેનું જ મને દુઃખ જરૂર હશે.’ વ્યથાપૂર્ણ સ્વરે શાન્તનુ કહી રહ્યો.

આખરે ગંગા અને શાન્તનુ વિખૂટા પડ્યાં. વર્ષો પછી બન્ને મળ્યાં. બન્નેના દિલના ભાવો રમણે ચઢ્યા, પણ બંનેએ સ્વસ્થતાપૂર્વક પરિસ્થિતિ સાચવી લીધી.

દેવવ્રતને લઈને શાન્તનુ હસ્તિનાપુરમાં પાછો ફર્યો ત્યારે મહારાજાની સાથે દેવવ્રતને જોતા તેના તેજપ્રભાવથી સૌ ચકિત થયા.

‘તમે ચિંતા કરતા હતા ને મંત્રીજી!’ આશ્ચર્યભરી નજરે દેવવ્રત પ્રતિ દૃષ્ટિપાત કરી રહેલાં મંત્રીજીને શાન્તનુ સંબોધન કરતો હતો. આ ગંગાપુત્ર દેવવ્રત. હવે હસ્તિનાપુરની ગાદી બીનવારસી નહિ રહે.’

પણ મંત્રી, તેના મનની મૂંઝવણ સાફ કરવા માંગતો હતો, જ્યારે ગંગા તેના આઠમા પુત્રને જળસમાધિ કરાવ્યા વિના પોતાની સાથે લઈ ગઈ ને સમય થતાં તેને પરત કરશે એવી વાત શાન્તનુએ મંત્રીને કરી ત્યારે મંત્રીના મનમાં શંકાનાં જાળાં હાલતાં હતાં. શાન્તનુ સમક્ષ સ્પષ્ટપણે તેના મનની શંકા વ્યક્ત કરી શકતો ન હતો, પણ તેને ગંગા વિષે વિશ્વાસ ન હતો. તે સ્વગત બબડ્યો હતો, ‘મહારાજાને શાંત કરવા ગંગાએ આવું નાટક કર્યું હશે. તેને જળસમાધિ જ કરાવી દેશે.’ પણ હવે તે જોઈ શકતો હતો કે, તેની શંકા અસ્થાને હતી. દેવવ્રતને જાણે હસ્તિનાપુરના યુવરાજ પદ માટે તૈયાર કરવા જ ગંગા તેને પોતાની સાથે લઈ ગઈ હતી એમ તેને સમજાયું હતું.

દૈવત્રતે મંત્રીજીને વંદન કર્યાં ને કહ્યું, ‘હવે પિતાજીનો ચિંતાભાર મારા માથે રહેશે, જરૂર હોય ત્યાં મને તમે કહેજો. હવે પિતાજીને સંપૂર્ણ શાંતિભર્યુ જીવન જીવવા દેજો.’

‘ધન્ય, ધન્ય.’ મંત્રી બોલી ઊઠ્યા.

શાન્તનુ દેવવ્રત સાથે રાજભવનમાં દાખલ થયો. હસ્તિનાપુરની ગાદીનો તેજસ્વી વારસ પ્રાપ્ત થયાના સમાચારે હસ્તિનાપુરની પ્રજા પણ આનંદોલ્લાસ માણવા લાગી.