લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૪

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૩ પિતામહ
પ્રકરણ ૪
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૫ →








દૂર દૂર ઘોડો થોભાવી શાન્તનુ નદીના તટે લંગારેલી હોડીમાં બેઠેલી નવયૌવના પ્રતિ એકાગ્ર નજર માંડી બેઠો હતો. રૂપસૌંદર્ય અને જોબનના અમૃતપાન કરવા અધિર બન્યો હતો. ક્ષણે ક્ષણે તેની ઉત્તેજના વધતી હતી, મન સાથે તરંગો પણ ઊઠતા હતા.

‘કદાચ ગંગા જ નવા અવતારે ધરતી પર આવી હશે તો?’ શાન્તનુના મનમાં તરંગ ઊઠ્યો ને તેણે જવાબ દીધો. ‘કદાચ શાન્તનુનો પ્રેમ તેને ખેંચી લાવ્યો હશે. શાન્તનુએ તેને સતત પ્રેમથી ભીંજવી દીધી હતી ને ? એ પ્રેમ તેને દેવભૂમિમાં પણ સતાવતો હશે.’ એ પછી નિશ્ચયાત્મક સ્વરે બોલ્યો, ‘હા, હા, શાન્તનુનો પ્રેમ સમર્પણ તેને દેવભૂમિમાં પણ શાંતિથી રહેવા દેતું નહિ હોય એટલે તેણે નવા વેશે ધરતીપર પદાર્પણ કર્યા હશે.’

તરંગોમાં ગરક થઈ ગયેલા શાન્તનુના હૈયામાં આનંદનો ધોધ વહેતો હતો.

‘મારી પ્રતીક્ષા કરતી હશે !’ ઘોડા પરથી નીચે ઊતરતાં ઉલ્લાસભર્યો શાન્તનુ બબડ્યો, ‘મારે તેની પાસે જવું જોઈએ.’ જાણે નદીકાંઠે હોડીમાં બેઠેલી નવયૌવનાને આશ્વાસન દેતો હોય એમ બોલ્યો : ‘આવું છું. દેવી ગંગા તને હું જાણી ગયો હું. તું જેમ મારા વિના તલસતી હતી, તેમ વર્ષો થવા છતાં હું પણ તારા વિયોગની વેદના વેઠતો સતત તારું જ રટણ કરતો જીવતો રહ્યો છું.’

ઉત્સાહભેર તેણે કદમ ઉઠાવ્યા. નદીના કાંઠા પ્રતિ તે જેમ જેમ કદમ ઉપાડતો હતો, તેમ તેમ તેની ઊર્મિઓ નર્તન કરતી હતી. હૈયું હરખાઈ રહ્યું હતું.

આખરે નદીના કાંઠે પહોંચ્યો.

હોડીમાં બેઠેલી મત્સ્યગંધાએ હોડી માટે કોઈ મુસાફરનું આગમન થતું હોવાની કલ્પના સાથે સતેજ બની તેણે હલેસા પર હાથ મૂક્યો ને કાંઠા પાસે ઊભેલા શાન્તનુ પ્રતિ અપેક્ષાભરી દૃષ્ટિ નાખી રહી, પણ શાન્તનુ સ્તબ્ધ સ્થિર તેના પ્રતિ નજર નાખતો ઊભો હતો મત્સ્યગંધા પણ કાંઠે ઊભેલા શાન્તનુ પ્રતિ અજાણતાં પણ ખેંચાઈ હતી. તેણે શાંતિનો ભંગ કરતાં પૂછ્યું, ‘આપને સામે કાંઠે જવું છે? બેસી જાવ. હોડી તૈયાર છે.’ એમ બોલતાં તેણે હલેસાં ઉપાડ્યાં.

શાન્તનુની તાજુબી એ હતી કે, જોબનભરી આ નવયૌવનાના દેહસૌંદર્ય્ તેના પદ્મની પાંદડીઓ શો કોમળ ચહેરો ને મૃદુ વાણી જાણે સ્મિત કરતા જણાતા હતા.

‘ના, આ ગંગાદેવીનો પુનરાવતાર નથી.’ તે સ્વગત બબડ્યો. ને સાથે જ શંકા જાગી, ‘તો કોણ હશે?’ ને મત્સ્યગંધાનો પરિચય જાણવા તેણે જ તેની સાથે વાત કરવાનો પ્રારંભ કર્યો.

‘તમે અહીં હોડીમાં કેમ બેઠાં છો?’ શાન્તનુએ પૂછ્યું, ‘તમે કોણ છો?’

‘હું મત્સ્યગંધા, માછીમારની દીકરી. પ્રવાસીઓને સામે કાંઠે લઈ જવા હોડી હંકારું છું.’ મત્સ્યગંધાએ જવાબ દીધો. તેણે પણ કેટલીય ક્ષણોથી પોતાની સામે મીટ માંડી રહેલા શાન્તનુનો પરિચય મેળવવા વળતો પ્રશ્ન કર્યો, ‘આપ મહાનુભાવ કોણ છો? ઘણા વખતથી આપ ઊભા ઊભા મારું નિરીક્ષણ કરી રહ્યા છો શા માટે?’

‘હું હસ્તિનાપુરનો મહારાજ શાન્તનુ છું.’ શાન્તનુએ પોતાની પિછાન દેતાં કહ્યું ને ઉમેર્યું, ‘મારી સામે બેઠેલી સૌંદર્યમૂર્તિનું અવલોકન કરી રહ્યો છું.’ પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં બોલ્યો, ‘આવું માદક, મોહક ને અનુપમ સૌંદર્ય આમ વેડફાઈ જતું કેમ હશે? તેનો વિચાર કરું છું.’

શાન્તનુની પિછાનને તેણે પોતાના વિષે વ્યક્ત કરેલાં મનોભાવથી મત્સ્યગંધા પણ ઉત્તેજીત બની. તેનાં રોમેરોમ ખીલી ઊઠ્યાં.

‘માછીમારની દીકરી જળ પર હોડી ચલાવી પોતાની આજિવિકા મેળવે નહિ તો શું કરે?’ મત્સ્યગંધાએ જવાબ દીધો.

‘પણ આ રૂપ, આ સૌંદર્ય, આ માદકતા આમ વેડફી કેમ દેવાય ?’ શાન્તનુ પૂછતો હતો.

‘તો શું કરું? ક્યાં મૂકું ? તેને સાચવું પણ શી રીતે ?’ મત્સ્યગંધા શાન્તનુના મનોભાવ બરાબર સમજી ગઈ હોય એમ બોલી રહી, રૂપસૌંદર્યને નજાકતના જતન તો રાજમહેલમાં થઈ શકે. અહીં નદીના જળમાં આભમાંથી વરસતાં તાપમાં તો થઈ શકે જ નહિ ને?’

‘તો રાજમહેલમાં કેમ પહોંચી જતી નથી?’

‘રાજમહેલ?’ ખડખડાટ હાસ્ય વેરતી મત્સ્યગંધા પૂછી રહી, ‘માછીમારની દીકરીને ભગવાને સૌંદર્ય દીધું, યૌવનનો ઉલ્લાસ પણ દીધો, પણ તેના જતન માટે તેની માવજત થઈ શકે તે માટે તેને મહેલમાં મૂકવાની કોઈ જોગવાઈ જ કરી નથી. એટલે તો અહીંં તાપમાં તેનાં સૌંદર્યને શેકાઈ જવા દેવું પડે છે.’

‘સાચી વાત છે. ભગવાને ભલે કોઈ જોગવાઈ ન કરી, પણ હું જોગવાઈ કરું તો?’ શાન્તનુ પૂછી રહ્યો.

‘તમે?’ આશ્ચર્ય ભરી આંખ શાન્તનુ સામે માંડતા મત્સ્યગંધા પૂછી રહી, ‘તમે હસ્તિનાપુરના મહારાજ, તમે વળી મત્સ્યગંધા જેવી નાચીઝ નારીના દેહ સૌંદર્યના જતન કરવા તેને રાજમહેલમાં લઈ જવા તૈયાર છો?’

મત્સ્યગંધા પણ શાન્તનુ પ્રતિ ખેંચાતી હતી. તેના સૌંદર્ય મઢ્યા દેહને વિષે ક્યારેય કદી પણ કોઈએ શાન્તનુ જેવી હમદર્દી બતાવી જ ન હતી. શાન્તનુ જ પહેલો પુરુષ હતો ને તે મહારાજા હતો એટલે તે પણ શાન્તનુ પ્રતિ ખેંચાતી હતી.

શાન્તનુ હળવે હળવે આગળ વધ્યો ને કાંઠા પરની મત્સ્યગંધાની હોડીમાં બેઠક જમાવતાં પૂછી રહ્યો, ‘બોલો, તમે તૈયાર છો ?’ ને પ્રલોભન દેવા માંડ્યું, ‘હસ્તિનાપુરની મહારાણી બનશો ? મહારાજા શાન્તનુના પ્રેમથી સતત ભીજાતાં રહેશો?’ મત્સ્યગંધાના હાથમાંના હલેસાંને ખેંચી લઈ તેને જળસમાધિ કરાવતાં બોલ્યો, ‘આ હલેસાં તમારે માટે નથી.’

‘પણ પિતાજીની મંજૂરી તો જોઈએ ને?’ મત્સ્યગંધાએ દરખાસ્ત મૂકી, ‘તમે પિતાજી સમક્ષ વાત મૂકો.’

પણ શાન્તનુ દબાતાં સ્વરે પૂછતો હતો, ‘તારા પિતા તૈયાર થશે?’

‘શા માટે તૈયાર નહિ થાય ?’ મત્સ્યગંધાએ પૂછ્યું ને ઉમેર્યું, ‘પોતાની દીકરી રાજરાણી થાય, એ હકીકતથી કયા બાપનું દિલ આનંદથી છલકાઈ ન ઊઠે ?’ ને વિશ્વાસ દીધો, ‘જરૂર મારો બાપ મહારાજા શાન્તનુની દરખાસ્તનો ઉમળકાભેર સ્વીકાર કરશે.’

પોતાના મનની શંકા વ્યક્ત કરતાં બોલી, ‘પણ તમે લોકલાજ, ટિકા ને બદબોઈના ભયથી પછી મને માછીમારની દીકરી, હલકાવર્ણની દીકરી રાજરાણી થઈ શકે નહિ એમ કહી હડસેલો તો નહિ દો ને?’ ને ટિકા કરી, ‘હા, પુરુષ જાતનો ભરાસો નહિ. તેમાં પણ તમે તો રાજા-મહારાજા.’

મત્સ્યગંધાની આંખમાં તરવરાટ હતો. તે પણ શાન્તનુના પ્રેમરસના આચમન કરવા ઉત્સુક હતી.

તેણે શાન્તનુને વિશ્વાસ દીધો, ‘બાપ તેમની દીકરીના આવા પરમ સૌભાગ્યનો કોઈપણ અનાદર કરશે નહિ, ઊલટા ખુશખુશાલ બનતાં પોતાનાં પરમ સૌભાગ્યનો આનંદ માણતા હશે.’

‘તો ચાલો!’ શાન્તનુ ઉતાવળો થયો હતો. હોડીમાંથી ઝડપથી ઊભો થતો હતો, ત્યાં મત્સ્યગંધાએ હાથમાંનાં હલેસાંને જળમાં ઘુમાવ્યું. સ્થગીત હોડીમાં જાણે પ્રાણ પુરાયો હોય તેમ જળસપાટી પર દોડવાનો પ્રારંભ કર્યો.

‘આપણે નિરાંતે થોડો નિરાંતનો, મિલનનો, મધુરો આનંદ માણવા સામા કાંઠે જઈએ છીએ.’ હોડીને ગતિ મળતાં સાશ્રર્ય પોતાની સામે જોઈ રહેલા શાન્તનુને મત્સ્યગંધાએ જવાબ દીધો ને મુખ મલકાતાં પ્રશ્ન કર્યો, ‘પ્રેમના સ્વપ્નનો આનંદ પણ માણવો જોઈએ ને?’

શાન્તનુનો વિશ્વાસ હવે વધી પડ્યો હતો. મત્સ્યગંધાએ પોતે જ હવે તેના પ્રેમમાં તરબતર બનતી હતી. તે પણ મત્સ્યગંધાને હૈયાના આસન પર સ્થાપી ચૂક્યો હતો. બંને પ્રેમદેવતાની ઉપાસના કરતાં હોડીમાં બેઠાં બેઠાં ભાવિના શમણાં શોધતાં હતાં.

મત્સ્યગંધાનો આનંદ અપાર હતો. પોતે હસ્તિનાપુરની મહારાણી બનશે એવી કલ્પનાથી તેનું હૈયું આનંદથી છલકાતું હતું. તેનાં માનપાન, વૈભવ, પ્રભાવ વિષે પણ તેની આંખોમાં નશો હતો.

હોડી કાંઠા નજદીક હતી. મત્સ્યગંધા પહેલી ઊતરીને શાન્તનુનો હાથ પકડી, તેને હોડીમાંથી કાંઠા પર પગ દેવામાં સહાયભૂત બની રહી.

‘હવે આ હાથ છોડી દેવાશે નહિ !’ હોડીમાંથી કાંઠાની જમીન પર પગ દેતાં પોતાનો હાથ પકડી તેને સલામત રીતે ઊતરી જવામાં સહાયભૂત થયેલી મત્સ્યગંધા પ્રતિ હાસ્ય વેરતાં શાન્તનુએ કહ્યું.

પ્રત્યુત્તરમાં મત્સ્યગંધાએ મલકાતા મુખડે કહ્યું, ‘હજી મારો હાથ મારા બાપાએ તમારા હાથમાં મૂક્યો નથી ત્યાં સુધી તમે અધિકારની વાત કેમ કરી શકો?’

‘તમારા પિતાજી ના ભણશે જ નહિ.’ શાન્તનુએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો ને સહાસ્ય બોલ્યો, ‘પોતાની પુત્રી હસ્તિનાપુરની મહારાણી બને, ઝૂંપડામાંથી રાજમહેલમાં મહાલતી થાય એ કયા પિતાને ન ગમે ?’ અને નિશ્ચયાત્મકભાવે ઉમેર્યું, ‘તમારા પિતા પણ ના ભણશે જ નહિ.’

કલાકો બંને નદીના બીજા તટ પરની વનરાજીમાં પ્રણયગોષ્ઠિ કરતાં રહ્યાં. ગોષ્ઠિનો દોર જેમ જેમ લંબાતો ગયો, તેમ તેમ બંને નજદીક આવતાં ગયાં. શાન્તનુ તો મત્સ્યગંધાના યૌવન છલકાવતાં દેહને સૌંદર્યથી મઢેલું જોઈ મુગ્ધ બની ગયો હતો. મત્સ્યગંધાને હૈયાસરસી જકડી લેવા અધિર બન્યો હતો, પણ મત્સ્યગંધા તેને દાદ દેતી ન હતી. ક્યારેક શાન્તનુની અવળચંડાઈથી બચવા તેનાથી દૂર પણ થતી હતી.

‘ક્યાં સુધી દૂર રહેશો?’ પોતાની પાસે ખેંચવા મત્સ્યગંધા પ્રતિ હાથ લંબાવી શાન્તનુ મોં મલકાવતાં પૂછતો ને ઉમેરતો, ‘એકાદ ક્ષણનો વિયોગ પણ મારાથી બરદાસ થઈ શકે તેમ નથી.’

‘જાણું છું, મહારાજા’ શાન્તનુની જેમ મત્સ્યગંધા પણ શાન્તનુમાં સમાઈ જવા તત્પર હતી, પણ તેના બાપની ઈચ્છા સર્વોપરી હતી, એટલે તે તેના બાપની મંજૂરી વિના પોતાના દિલમાં જ નહિ, પણ રોમેરોમ વ્યાપી રહેલા શાન્તનુની ઇચ્છાને દાદ દેતી ન હતી. શાન્તનુ મત્સ્યગંધાના સૌદર્યમાં એટલો બધો મોહાંધ બન્યો હતો કે તે હવે વિલંબ બરદાસ કરવા તૈયાર ન હતો. તેણે મત્સ્યગંધાને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, ‘પુખ્તવયનાં જુવાનો પોતાની ઇચ્છા પ્રમાણે લગ્ન કરે તેમાં માબાપ અવરોધક બને જ નહિ. તું અકારણ તારા બાપથી ડરે છે. તારા બાપ મહારાજા શાન્તનુને તેની દીકરી પોતાનું સમર્પણ કરે તેમાં અવરોધક બનશે જ નહિ.’

‘તમે જે કહો છો તે તમારા સમાજ માટે હશે, અમારા સમાજમાં તો પિતાની પસંદગીવાળા જુવાનને જ તેની દીકરીને લગ્ન કરવાં પડે. દીકરા-દીકરીને સ્વેચ્છાએ કોઈ વ્યવહાર કરવાની છૂટ નથી.’ મત્સ્યગંધા પોતાના સમાજની રીત સમજાવતી હતી ને પછી ઉમેર્યુંં, ‘એટલે બાપની મંજૂરી જરૂરી છે.’

મત્સ્યગંધાની વાત શાન્તનુને વિચિત્ર જણાઈ. ગંગાએ તો આવી કોઈ દલીલ કરી જ ન હતી. તેણે તો તરત જ મારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો. હા, થોડીક શરતો જરૂર મૂકી હતી, એટલે તેને મત્સ્યગંધાની દલીલ સમજાતી ન હતી. પણ હવે જ્યારે મત્સ્યગંધા પોતે તો સમર્પણ થવા તૈયાર છે, પણ તેના બાપની મંજૂરીનું મહત્ત્વ જો તેને હોય તો એ મંજૂરી મેળવવામાં વિલંબ પણ કરવાની જરૂર શી છે? તેને વિશ્વાસ હતો કે મત્સ્યગંધાનો બાપ, માછીમારની દીકરીને હસ્તિનાપુરના મહારાજા શાન્તનુ પોતાની રાણી બનાવવા પસંદ કરે તે જાણીને હર્ષઘેલો બની જશે ને તરત જ અનુમતિ પણ દઈ દેશે.

વિશ્વાસની તાકાતે શાન્તનુ ઘોડા પર બેઠો. તેણે મત્સ્યગંધાને પણ પોતાની સાથે ઘોડા પર લેવા પ્રયત્ન કર્યો, પણ મત્સ્યગંધા તૈયાર ન હતી.

‘મોડા પડશો !’ શાન્તનુ સમજાવતો હતો.

‘ભલે મોડું થાય, મારે કોઈ ઉતાવળ નથી.’ મત્સ્યગંધાએ જવાબ દીધો ને કહ્યું, ‘તમે ઊપડો. તમને ઉતાવળ પણ છે, ને મહારાજા પગે ચાલે એ ઠીક પણ નહિ ગણાય.’

સ્મિત વેરતી મત્સ્યગંધાએ તેનો માર્ગ પકડ્યો, શાન્તનુ ઘોડાપર ગોઠવાઈને માછીમારના ઝૂંપડા તરફ ઘોડાને દોડાવ્યો. ઘોડાની ઝડપ વધી પડી. શિકાર તેની નજરમાંથી દૂર થાય નહિ, એ માટે શિકારની પાછળ દોડવાની ઘોડાની તાકાત જબરી હતી. કદાચ ઘોડો પણ શાન્તનુની ઉતાવળને સમજતો હશે એટલે તેણે પૂર ઝડપે માર્ગ કાપવા માંડ્યો ને જોતજોતામાં શાન્તનુ મત્સ્યગંધાના પિતા સમક્ષ ઊભો.

માછીમારને પણ આશ્ચર્ય થયું. હસ્તિનાપુરના મહારાજા શાન્તનુને તે જાણતો હતો. ઘણી વખત તેમનાં દર્શન પણ તેણે કર્યાં હતાં એટલે શાન્તનુને તે જાણતો હતો. તેને પોતાના ઝૂંપડે જોઈ નવાઈ પામ્યો. બેઠેલ હતો ત્યાંથી ઊભા થઈને હાથ જોડી નમ્રતાથી પૂછી રહ્યો, ‘મહારાજા, માર્ગ ભૂલ્યા કે શું ? આપ અમારા જેવા માછીમારોના ઝૂંપડે ક્યાંથી ? કહો, આપ ક્યાં જવા માંગો છો, કહો તો માર્ગ બતાવું?’

‘ના, હું તમારી પાસે જ આવ્યો છું.’ ઘોડા પરથી ઊતરતાં શાન્તનુએ કહ્યું.

‘મારી પાસે દીન, ગરીબ, માછીમાર પાસે હસ્તિનાપુરના મહારાજ પધારે એતો મારા અહોભાગ્ય કહેવાય?’ પોતાની દીનતા ગરીબાઈથી વ્યથિત માછીમાર મહારાજને બેસવા માટેનું આસન શોધતો હતો પણ પોતાની ખાટલી સિવાય બીજુ કોઈ આસન ન હતું. ખાટલી પરની ગોદડી પણ કેટલી ગંધાતી હતી ? માછલાંની બદબોથી ભરીભરી એ ગોદડી પર મહારાજને આસન પણ કેમ દેવાય ? માછીમાર ત્યારે વિમાસણમાં હતો.

પણ શાન્તનુને તેની કોઈ જરૂર ન હતી.

‘હું તમારી પાસે માંગવા આવ્યો છું.’ શાન્તનુ મૂળ વાત પર આવતા બોલ્યો, ‘દેશો ને ? નારાજ તો નહિ કરો ને ?’ માછીમારની મૂંઝવણ અપાર હતી. પોતાની પાસે માંગવા મહારાજા પોતે આવે એ ઘટના જ વિચિત્ર જણાતી હતી. મહારાજા હુકમ કરી શકે છે. એ હુકમના અમલ માટે મહારાજાના સેવકો ક્યાં નથી ? મહારાજા માંગવા શા માટે સામે પગલે જાય ?

ગદ્‌ગદ કંઠે માછીમાર બોલ્યો, ‘મારા જેવા ગરીબ માછીમાર પાસે આપને દેવા જેવું શું હોય તે આપું ?’ ને ઝૂંપડામાં ચોમેર દૃષ્ટિપાત કરતાં બોલ્યો, ‘આ ઝૂંપડું ને આ દુર્ગંધભરી ખાટલી સિવાય બીજું કાંઈ નથી, બાપુ !’ તેનુ હૈયું ભરાઈ આવ્યું હોય એમ તે કહી રહ્યો, ‘મારી પાસે આપને દેવા જેવું કાંઈ છે, એ વાત આપને કોઈએ સાવ જૂઠી કહી હોય એમ લાગે છે.’ માછીમાર શાન્તનુના પગમાં પડ્યો.

શાન્તનુએ પોતાના ચરણોમાં પડેલા માછીમારને બે હાથે ઊભો કર્યો, ને તેની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરતો હોય એમ બોલ્યો, ‘તમારી પાસે જે છે તે બીજા પાસે નથી! મને તેની ખૂબ આવશ્યકતા છે.’ ને ઉમેર્યું, ‘તે મેળવવા આવ્યો છું.’

શાન્તનુ બોલતો હતો, પણ હજી માછીમાર કાંઈ સમજી શકતો ન હતો. તેણે જવાબ દીધો, ‘તમને જરૂર હોય એવી કોઈ ચીજવસ્તુ જો મારી પાસે હોય તો તમે જરૂર લઈ જાવ. તમે મહારાજા છો, મહારાજાની ઇચ્છાની અવગણના કેમ થાય, બાપુ ?’

‘બરાબર. હું પણ તમારી પાસેથી આવા જ જવાબની આશા રાખતો હતો.’

‘તો કહો ક્ઈ વસ્તુની આપને જરૂર છે, જે મારી પાસે છે.’ માછીમાર હવે સ્પષ્ટપણે જાણવા માંગતો હતો. શાન્તનુ ભલે કહે પણ તે પોતે તે જાણતો જ હતો કે પોતાની પાસે એવી કોઈ વસ્તુ નથી કે જે મહારાજાને અપર્ણ કરી શકે.

શાન્તનુના હૈયાનો વિશ્વાસ પ્રબળ હતો. માછીમારના જવાબ પછી તે જાણે અર્ધી બાજી જીતી ગયો હોય એમ તેને માંગણીના સ્વીકાર્ય વિષે પૂરતો વિશ્વાસ હતો.

‘તો ! સાંભળો !’ શાન્તનુ પણ હવે સ્પષ્ટ માંગણી કરવા તૈયાર થયો.

‘હા, કહો બાપુ !’ બે હાથ જોડી નમ્રતાથી ઊભેલા માછીમારે જવાબ દીધો ને કહ્યું, ‘તમારી માગણીની અવગણના તો હું નહિ જ કરું.’

‘મને ખાતરી છે!’

‘તો કહો, આપને શું જોઈએ ?’

‘આપની પુત્રી મત્સ્યગંધાનો હાથ માંગવા તમારી પાસે આવ્યો છું.’ શાન્તનુએ સ્પષ્ટતા કરતાં પૂછ્યું, ‘આપશો ને?’

મહારાજાની દરખાસ્તે થોડી ક્ષણો માટે માછીમારના રોમ રોમ હર્ષપુલકિત થઈ ગયા.

‘મત્સ્યગંધાની મંજૂરી મને મળી ગઈ છે, માત્ર તેના પિતા તરીકે તમારી મંજૂરી મેળવવા તેનો આગ્રહ છે. એટલે અહીં તમારી પાસે આવ્યો છું.’

શાન્તનુની દરખાસ્ત સ્વીકારવા માછીમાર પણ ઉત્સુક હતો. મત્સ્યગંધાના ભાગ્ય ઊઘડી ગયા તેનો તેને અનહદ આનંદ પણ હતો, પણ તે ઉતાવળો થવા માંગતો ન હતો. તે જાણતો હતો કે મહારાજા ગંગાદેવીના પ્રેમમાં હતા, ને પછીની બધી જ ઘટના તેના સ્મરણપટ પર રમતી થઈ.

‘શો વિચાર કરો છો ?’ શાંત ચિત્તશૂન્ય ઊભેલા માછીમારને શાન્તનુ પૂછી રહ્યો.

‘વિચાર તો શો હોય મહારાજા, પણ…’

‘પણને વચ્ચે લાવવાની જરૂર નથી.’

‘ખરું પણ બીજાના હક્કનો પણ વિચાર તો કરવો જ જોઈએ ને ?’ માછીમાર ડરતાં ડરતાં બોલતો હતો. ને પછી પ્રશ્ન કર્યો, ‘આપને પુત્ર તો હશે જ ને?’

‘હા દેવવ્રત મારો તેજસ્વી પુત્ર!’ શાન્તનુએ જવાબ દીધો ને પૂછ્યું, ‘પણ તેનું શું છે?’

‘કહું, મહારાજ !’ દીનભાવે ઊભેલો માછીમાર હવે વધુ સ્વસ્થ, વધુ દૃઢ બન્યો હતો. તેણે કહ્યું, મત્સ્યગંધા હસ્તિનાપુરની મહારાણી બને તેનો આનંદ ઘણો છે, પણ તે ભવિષ્યમાં રાજમાતા પણ બને તે જોવાની મારી ઇચ્છા છે.’

‘એટલે?’ શાન્તનુ માછીમારની ઇચ્છા જાણતાં સહેજ અસ્વસ્થ બનતો હોય એમ પૂછી રહ્યો.

‘બાપુ ! આપ તો શાણા છો. અણસારે આપ બધું પામી જાવ તેવા શક્તિશાળી છો.’ સાવ નમ્ર બન્યો હોય એમ બે હાથ જોડીને વંદન કરતાં માછીમાર કહી રહ્યો, ‘આપને એક રાજકુમાર છે, એટલે મત્સ્યગંધાના સંતાન વિષે પણ વિચારવું તો જોઈએ ને ?’

‘પણ તેનું અત્યારે શું છે ?’ શાન્તનુ ગુસ્સામાં હતો.

‘અત્યારે જ છે, મહારાજ !’ માછીમાર પણ મક્કમ હોય એમ બોલ્યો, ‘ભવિષ્યમાં કોઈ બખેડા થાય ને મહારાણીને આંસુ વહેતાં કરવાં ન પડે એ માટે જે કાંઈ હોય તે અત્યારે જ સ્પષ્ટ થઈ જવું જોઈએ. ભવિષ્યમાં મહારાણીનું કોણ હોય ?’

‘શું સ્પષ્ટ કરવા માંગો છો તમે ?’

‘જુઓ મહારાજ વાત સ્પષ્ટ છે. મત્સ્યગંધાના પેટે દીકરો જન્મે તો હસ્તિનાપુરનો ગાદીનો વારસ બને તેવું તમારે સ્વીકારવું જોઈએ. હા, મારી એ શરત ગણો તો શરત છે!’

મહારાજા શાન્તનુ તો માછીમારની શરત સાંભળતાં સ્તબ્ધ થઈ ગયો. ‘નાચીઝ માછીમારની આ હિંમત ?’ તે સક્રોધ સ્વગત બબડ્યો.

તેની નજર સમક્ષ દેવવ્રત ઊભો હતો. હજી હમણાં જ તેના યુવરાજપદ માટેની મંત્રીની માંગણી વિષે વિચારતો હતો, ત્યાં તેનો છેદ ઉડાડવાની માછીમારની દરખાસ્તથી તે સળગી ઊઠ્યો. તેણે તરત જ પાછા ડગ દેતાં કહ્યું, ‘મત્સ્યગંધાને જો તેના ભાવિ વિષે કોઈ શંકા ન હોય તો તમે શા માટે શંકા કરી અઘટિત માંગણી કરો છો? તમે જાણો છો કે દેવવ્રત હસ્તિનાપુરની ગાદીનો હક્કદાર છે. તે હક્ક છીનવી લેવાની વાત મને મંજૂર નથી.’

‘તો! મને પણ મારા ભાણજા, તમારી ગેરહાજરીમાં અનાથ બની દેવવ્રતના આશ્રિત તરીકે જીવે એ વાત મંજૂર નથી.’ માછીમારે શાન્તનુની દલીલનો વળતો જવાબ દેતાં કહ્યું, ‘મત્સ્યગંધાના સંતાનો માછીમારની સંતતિ તરીકે અવગણનાને પાત્ર થાય એ હકીકત મને મંજૂર નથી.’

‘ખોટી વાત છે. કેવળ કલ્પનાનો તુક્કો જ છે.’ ઉશ્કેરાટમાં આવી જતાં શાન્તનુએ કહ્યું, ‘મત્સ્યગંધાના સંતાનોને માછીમારના નહિ પણ મહારાજા શાન્તનુના સંતાનો હશે ને દેવવ્રત જેટલાં જ તેમના પણ માનપાન હશે, ઉપરાંત તેમના માટેની ખાસ વ્યવસ્થા પણ હશે.’

માછીમાર શાન્તનુની મોહાંધ દૃષ્ટિ પામી ગયો હતો. તેને ખાતરી હતી કે મહારાજા મત્સ્યગંધાના સૌંદર્ય પર મોહાંધ થયા છે, એટલે તેની દરખાસ્તને તેઓ અવશ્ય સ્વીકારશે જ એટલે તે મક્કમ હતો.

‘આપ ગમે તે કહો પણ મને વિશ્વાસ આવવો જોઈએ. એટલા માટે દીકરીનો હાથ તમારા હાથમાં મૂકું તે પહેલાં ભાવિ વિષે ખાતરી મળવી જોઈએ.’ માછીમાર કહી રહ્યો, ‘તમે વચન આપો એટલે મત્સ્યગંધાનો હાથ તમારા હાથમાં મૂકી દઉં.’

શાન્તનુ ગંભીર હતો. દેવવ્રતના હક્કની અવગણના કરવા તે તૈયાર ન હતો, તો મત્સ્યગંધાના મોહમાંથી મુક્ત પણ થઈ શકતો ન હતો.

ગમગીન ચહેરે શાન્તનુ માછીમારના ઝૂંપડેથી પાછો ફર્યો. મન ખિન્નતાથી ભરાઈ ગયું હતું. તેની દૃષ્ટિ સમક્ષ સતત મત્સ્યગંધા રમતી હતી. મત્સ્યગંધાને પામવા દેવવ્રતના હક્કને ફગાવી દેવાની તેની ઈચ્છા પણ ન હતી. મત્સ્યગંધાના સહવાસની તેની ઝંખના એટલી તો પ્રબળ હતી કે ઘોડા પર બેઠા બેઠા પણ તેના વિચારમાં ગરક હતો.

મત્સ્યગંધા શાન્તનુ સમક્ષ તેના પિતાએ મૂકેલી દરખાસ્તથી થોડી હરખપદુડી જરૂર બની હતી પણ શાન્તનુના પ્રત્યાઘાતો મત્સ્યગંધાના સંતાનો વિષેની તેની ખાતરીભરી સ્પષ્ટતા પછી બાપાએ હઠ કરવાની જરૂર ન હતી એમ તેને લાગતું હતું. તે પણ શાન્તનુના પ્રેમમાં મસ્ત હતી. શાન્તનુ સાથે જે થોડો સમય તેણે ગુજાર્યો તે પછી તેને પણ શાન્તનુના પ્રેમમાં વિશ્વાસ હતો. શાન્તનુ તેના દિલના દ્વાર પર ટકોરા દેતો હતો, અને મત્સ્યગંધા પ્રિયતમને હૈયાના આસને સ્થાપવા ઉત્સુક હતી. દિલના દ્વાર ઉઘાડવા તે તત્પર હતી, પણ બાપા તેના માર્ગમાં ઊભા હતા.

‘ખોટો હઠાગ્રહ છે, બાપા !’ તેણે તેના દિલની વ્યથા માછીમાર સમક્ષ ઠાલવતાં કહ્યું’, ‘માછીની કન્યા રાજ્યની મહારાણી બને, રાજમહેલના વૈભવ ભોગવે, સુખચેનની જિંદગી જીવે એ ઓછું સદ્‌ભાગ્ય છે કે, આવી શરતો મૂકીને દીકરીના નસીબના ઊઘડવા મથતા પાંદડાને તમે બીડી દો છો?’

માછીમાર પિતા કેટલીય ક્ષણો પોતાની દીકરી સામે વિસ્મયતાથી જોતો રહ્યો, ‘મત્સ્યગંધા તેની દીકરી તેને આ શબ્દો સંભળાવે છે શું ?’ તેના મનમાં પ્રશ્ન ઊઠતો હતો. તેની નજર સમક્ષ મત્સ્યગંધાની ભૂતકાળની ભૂલ રમતી હતી. એ ભૂલને સુધારવા તેને પોતાને કેટલો શ્રમ વેઠવો પડ્યો હતો ? પરાશરનો શાપ તેને લાગે નહિ તે માટે તેને કેટલી કરામત કરવી પડી હતી ?

મત્સ્યગંધા જાણે એ ભૂતકાળ ભૂલી જઈને રાજમહેલના વૈભવો માણવાના ઉત્સાહમાં ભાવિ વિષે વિચારવા જ માંગતી નથી. દૃઢતાપૂર્વક બબડ્યો, ‘ગમેતેમ પણ મત્સ્યગંધા આખરે સ્ત્રી જાતની નબળાઈથી મુક્ત શી રીતે હોય ? તે ભૂતકાળના પુનરાવર્તનની કલ્પના ન કરી શકે, ને મોહમાં ગરક બની ફરી ભૂલ કરવા તૈયાર થાય, પણ હું કેમ ભૂલ કરવા દઉં ?’ ને ઉમેર્યું, ‘શાન્તનુ આખરે તો પુરુષ જ છે ને ? વળી રાજા છે. એટલે જેમ પરાશરે કર્યું તેમ રાજા પણ તેના પરના મોહના પડળ શાંત થાય ને માછીની દીકરી સાથે લગ્ન કરવા માટે લોકો તેની ટિકા કરે, એટલે મત્સ્યગંધાને ધકેલી દે ને આંસુ વહાવતી દીકરી પુનઃ બાપાના ઝૂંપડે આવે.’

‘ના, ના, મારી દીકરીને હવે હું એવી કોઈ સ્થિતિમાં મૂકવા માંગતો નથી.’ માછીમારે તેના નિર્ણયને દોહરાવતાં કહ્યું, ‘રાજાની ઇચ્છા હોય તો ભલે આવે, પણ મારી શરત સાફ છે. મત્સ્યગંધાનો દીકરો જ હસ્તિનાપુરની ગાદીનો વારસ થવો જોઈએ.’ ને ઉમેર્યું, ‘દેવવ્રત માટે ભલે તમે ગમે તે જોગવાઈ કરો, પણ હસ્તિનાપુરની ગાદી તો મારા ભાણાની જ હોય, બીજું કોઈ નહિ.’

જ્યારે માછીમાર તેના નિર્ણયમાં મક્કમ હતો, શાન્તનુ પાસે તેણે મૂકેલી વાતનો સ્વીકાર થવો જ જોઈએ. તેને જો મત્સ્યગંધાનો પ્રેમ પામવો હોય, તેના સૌંદર્યના પાન કરવા હોય તો તેણે મારી વાતનો સ્વીકાર કરવો જ જોઈએ એમ માનતો હતો. ત્યારે મત્સ્યગંધાની હાલત જુદી હતી. તે રાજા શાન્તનુના સ્વપ્નામાં રમતી હતી. તેના રામરોમમાં શાન્તનુ છવાઈ ગયો હતો.

‘બાપાની મંજૂરીની વાત જ મારે કરવી જોઈતી ન હતી, નદી કાંઠાપર હોડી મૂકી મારે શાન્તનુ સાથે ઘોડા પર બેસી જવું જોઈતું હતું. બાપા પછી શું કરવાના હતા? રાજા સામે માથું ઊંચું કરવાની કોનામાં હામ છે?’ મત્સ્યગંધાના મનમાં વિચાર દોડતા હતા. તેને આ પરિસ્થિતિ માટે પોતાની ભૂલ જ જવાબદાર જણાતી હતી.

હવે શું? ગમે તેમ પણ શાન્તનુ રાજા છે. તે પોતે પણ રાજવંશના નિયમો-રિવાજોનો ત્યાગ કેમ કરી શકે? તે પોતે કદાચ મત્સ્યગંધાના પ્રેમમાં ભાન ભૂલી બાપની શરત મંજૂર પણ કરે, પણ પછી ? તેના મંત્રી, તેના આપ્તજનો તેની વાતનો વિરોધ કરે તો, અરે દેવવ્રત પણ હવે ક્યાં નાનો છે ? તેનું યુવરાજપદ હવે જાહેર થવાનું છે, એટલે તે પોતે પણ તેના પિતાની વાતનો સ્વીકાર કરવા તૈયાર ન થાય તો ?

મત્સ્યગંધાના મનોપ્રદેશ પર તરંગો જોરજોરથી અથડાતા હતા, ‘અરે હજી મારે ખોળે દીકરો રમવા તો દો, તેને મોટો તો થવા દો. એ દરમ્યાન મહારાજાને કાંઈ થયું તો ? પછી દેવવ્રત તેનો હક્ક છોડવા કેમ તૈયાર થાય ? તેના પિતાએ ભલે વચન દીધું પણ તેને શું?’

મત્સ્યગંધા જેમ જેમ વિચાર ચક્રાવે ઘૂમતી હતી, તેમ તેમ તેના ભાવિની ઉજ્જવળતા પર અંધકારના પડદા નાખી દેવા માટે બાપ પર ગુસ્સે ભરાતી હતી. તેના રોમેરોમ સળગી રહ્યાં હતાં.

‘જેનું કોઈ અસ્તિત્વ નિશ્ચિત નથી, તેના નામે વર્તમાનને અંધકારભર્યો બનાવવાની મૂર્ખતા તેના બાપે શા માટે કરવી જોઈએ?’ તેનો મનોદ્વેગ વધી પડ્યો હતો. દિવસ દરમ્યાન તે બાપ સાથે નદીકાંઠે હોડી ચલાવવા જવા ઇચ્છતી ન હતી. બધો વખત શૂન્યચિત્તે તે ઝૂંપડાની દીવાલો પાછળ બેસી રહેતી. તેની આંખમાં શાન્તનુના પ્રેમનાં સ્વપ્નાં રમતાં હતાં.

માછીમાર પણ દીકરીની મનોવ્યથાથી અજ્ઞાત ન હતો. તે મત્સ્યગંધા સમક્ષ દલીલ કરતો ને પોતાની દરખાસ્તનું સમર્થન કરતાં કહેતો, ‘આ તો રાજા, વાજા ને વાંદરા કહેવાય. ગાંડી કાલ તને હાંકી કાઢે તો તું અને તારાં બાળકો ક્યાં જશો? રસ્તા પર રખડતાં થઈ જશો.’ ને પછી ગંભીરતા ધારણ કરતાં કહ્યું, ‘એટલે આપણા જેવાએ મોટાનો વિશ્વાસ કરવો નહિ. જે હોય તે પહેલેથી બધું જ નક્કી કરવું જોઈએ.’

‘શું નક્કી કરવું છે?’ ગુસ્સામાં મત્સ્યગંધા પૂછી રહી. અને ઉમેર્યું, ‘હજી લગ્ન થયા નથી, ત્યાં સંતાનનો પ્રશ્ન ક્યાં આવ્યો ?’ ને પૂછી રહી, ‘સંતાનો તમારી દીકરીના જ હશે, રાજા તેનો બાપ નહિ હોય ? તને પોતાના સંતાનો પ્રત્યે પ્રેમ નહિ હોય ? ગમે તેટલા સંતાનો હોય પણ માબાપ તેમની જરૂરતોને સંતોષવા પ્રયત્નશીલ હોય છે જ.’ મત્સ્યગંધાનો ચહેરો ઉશ્કેરાટથી લાલઘૂમ બની ગયો હતો. તેની આંખોમાં ઘોર નિરાશા હતી. આવેશમાં આવી તેણે બે હાથે પોતાનું માથું કૂટતાં કહ્યું, ‘તમે જ તમારી દીકરીના સુખીજીવનમાં આગ ચાંપી રહ્યા છો. હવે મહારાજા પાછા નહિ આવે ને મારે નસીબે તો હોડી હાંકવાની જ છે!’

ઉશ્કેરાયેલી દીકરીને શાંત્વન દેતાં બાપ બોલ્યો, ‘બેટી ! જરા ધીરજ તો રાખ. હું બરાબર સમજી ગયો છું કે રાજા તારા પર એટલા બધા મોહિત છે કે તને મેળવવા ગમે તેવી આકરી શરતો હશે તોપણ તેનો સ્વીકાર કરશે. જરા શાંત થા!’

‘શાંત જ છું ને?’ બાપની દલીલ સામે અણગમો વ્યક્ત કરતાં મત્સ્યગંધા બોલી. ‘ગરીબના નસીબ ગરીબ જ હોય છે. હોઠે આવેલો અમૃતનો પ્યાલો ફેંકી દીધા પછી ફરી અમૃતપાન ક્યાંથી થાય?’

માછીમાર શાંત હતો. દીકરીના ઉકળાટ સામે દલીલ કરવાની તેની ઇચ્છા ન હતી, પણ તેનો વિશ્વાસ હતો, મહારાજા શાન્તનુ મત્સ્યગંધાના સહવાસ વિના જીવી શકશે નહિ એટલે કોઈ માર્ગ જરૂર શોધશે. હા, ત્યાં સુધી ધીરજ રાખવી પડશે.