લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૫

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૪ પિતામહ
પ્રકરણ ૫
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૬ →








દિવસો થયા શાન્તનુ બિછાનાવશ હતો. તેના વદન પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. ભાગ્યે જ વાત પણ કરતો, શૂન્યમન્સક તે પડી રહેતો હતો. શિકારેથી પાછા ફર્યાં પછી તેની આ હાલત જોતાં મંત્રીના મનમાં શંકાનાં વમળો ઊઠવા લાગ્યાં. તેના દેહપર તો કોઈ વનપશુના આક્રમણના કોઈ ચિહ્નો જોવા મળતાં ન હતા. રાજવૈદ પણ શાન્તનુની હાલત વિષે કોઈ નિર્ણય પર આવી શકતા ન હતા, એટલે મંત્રીને શક હતો. કોઈ ભયંકર વનપશુનો શિકાર કરવાનો મહારાજાએ પ્રયત્ન કર્યો હોય અને વનપશુ મહારાજના બાણથી ઘવાયો ન હોય. તે પણ રોષે ભરાયો હોય ને પોતાને મૃત્યુ દેવા આવેલા મહારાજ સામે આક્રમણ કરવા ધસી ગયો હોય. મહારાજા પણ પોતાની જિંદગી માટે ભય જોતાં ધ્રૂજી ઊઠ્યા હોય. ગમેતેમ કરીને જીવ બચાવી નાઠા હોય ને તેના ભયની મહારાજાના મન પર વિપરિત અસર થવા પામી હોય તો ?

પણ મહારાજની શિકાર વિષેની નિપૂણતાથી મંત્રી અજ્ઞાત ન હતો, એટલે બીજી ક્ષણે આ કલ્પનાને તે જાતે જ હસી કાઢતો. ના, મહારાજ એમ કાંઈ ભય પામે નહિ. શિકાર તો તેમને માટે સાવ આસાન બાબત છે. ના, ના, મહારાજા ભયથી પિડાતા નથી. તે પણ નિશ્ચયપૂર્વક કહેતો.

તો મહારાજા શાન્તનુ આમ શૂન્યમનસ્ક, ચેતનવિહીન કેમ બની ગયા છે? આ પ્રશ્ન સૌને ચિંતા કરાવતો હતો.

દેવવ્રત પિતાની સેવામાં હાજર હતો. વૈદ દવા દેતા ને દેવવ્રત્ત શાન્તનુની સારવાર કરતો, પણ શાન્તનુની ઠરી ગયેલી ચેતના જાણે જાગ્રત થતી જ ન હતી.

‘મહારાજા !’ ચિત્તશૂન્ય પડી રહેલા શાન્તનુને મંત્રી પૂછતો, રાજકુમારને યુવરાજપદે સ્થાપવા વિષે આપે શો નિર્ણય લીધો ? સમય નક્કી કર્યો છે?’ ને પછી કહેતો, ‘હવે આપની તબિયત બરાબર રહેતી નથી એટલે રાજકુમાર યુવરાજપદે હોય તો થોડો બોજો તેઓ પણ ઉઠાવી શકે. આપને પરેશાન થવું ન પડે.' થોડા દિવસો પહેલાં જ રાજકુમાર દેવવ્રતને યુવરાજપદે સ્થાપવાનો મહારાજએ નિર્ણય કર્યો હતો, તેમનો નિર્ણય સૌને ગમ્યો હતો. મંત્રીએ નિર્ણય અમલમાં મૂકવા મહારાજાને સલાહ દેતા હતા ને મહારાજાએ પણ શિકારેથી પાછા ફર્યાં પછી નિશ્ચિત સમય વિષે નક્કી કરવા જણાવ્યું હતું, પણ મહારાજા શિકારથી ચેતના ગુમાવી. દીધેલા ચિત્તશૂન્ય જેવી હાલતમાં પાછા ફર્યાં હતા. તત્કાળ તેમને સારવારની જરૂર હોવાથી યુવરાજપદનો પ્રશ્ન મંત્રીએ ઊભો કર્યો ન હતો, પણ મહારાજા દિવસો થયા બિછાનામાં હતા. તત્કાળ કોઈ નિર્ણય લઈ શકે તેમ ન હતા. રાજ્યના ઘણાં મહત્ત્વના પ્રશ્નો વિષે મંત્રી પણ મૂંઝવણ અનુભવતો હતો, એટલે તેણે મહારાજા સમક્ષ વાત મૂકી.

શાન્તનુ પણ દ્વિધામાં હતો. તેની દૃષ્ટિ સમક્ષ મત્સ્યગંધાની પ્રતિમા રમતી હતી. પોતે જેને દિલના દાન દઈ દીધા છે, મનથી જેને પોતે સમર્પણ થઈ છે એવા તેના પ્રિયતમને તે જાણે શાંત્વન દેતી હતી, ‘તમે બાપની શરતો સ્વીકારો, પણ હું તેનો અમલ કરવા તૈયાર નથી. હજી તો કેટલાં વર્ષો જશે, ત્યાં સુધી બાપ તેમને દીધેલા વચનોનું તમે પાલન કરો છો કે નહિ તે જોવા હાજર પણ નહિ હોય !’ ને શાન્તનુની નજીક જઈ તેનો હાથ પકડી તેને ઊભો કરવાનો પ્રયત્ન કરતાં કહી રહી, ‘ઊઠો. આમ હતાશ કેમ થઈ ગયા છો.?’

શાન્તનુ મત્સ્યગંધાના સહારે જાણે બિછાનામાંથી પ્રયત્નપૂર્વક ઊભો થવા પ્રયત્ન કરતો.

મંત્રી આ દૃશ્ય જોઈ રહ્યો હતો. તેનું મન આનંદથી ભરાઈ ગયું. પોતાના પ્રશ્ન વિષે નિર્ણય કરવા જાણે શાન્તનુ ઊઠતો હતો. કદાચ પોતાની સાથે ચર્ચા કરવાની પણ ઇચ્છા હશે તેવી કલ્પના કરતો, ઊભા થવાનો પ્રયત્ન કરતો શાન્તનુને ટેકો દેવા, તેના હાથ પકડવા આગળ વધ્યો પણ શાન્તનુની કલ્પનાની મત્સ્યગંધા ત્યાં નજરે પડતી ન હતી, એટલે હતાશ થતા પુનઃ બિછાનામાં પડ્યો.

મંત્રી પણ હતાશ થયો. શાન્તનુ બિછાનામાં પડ્યો પડ્યો મંત્રી સામે જોતા લાચારી અનુભવતો હતો.

દેવવ્રત પૂછતો, ‘આપની તબિયત વિષે મને ખૂબ ચિંતા થાય છે. જરા સ્પષ્ટપણે કહો તો ખરા શું થાય છે ? આપ આમ ચિત્તશૂન્ય કેમ બની ગયા છો ?’ પ્રત્યુત્તરમાં શાન્તનુ દેવવ્રત પ્રતિ લાગણીભરી નજર નાખતો કેટલીય ક્ષણો દેવવ્રત સામે મીટ માંડવા પછી તે હૈયાના ઊંડાણમાંથી નિસાસો નાખતો ને પડખું બદલી દેતો.

દેવવ્રત પણ હતાશ થતો.

વર્ષો પહેલાં શાન્તનુની આવી જ હાલત થઈ હતી. ગંગાદેવી તેનાથી વિખૂટી પડી ત્યારે શાન્તનુ જાણે જીવન હારી બેઠો હોય એમ ભાંગી પડ્યો હતો. ક્ષણે ક્ષણે તે ગંગાનું જ રટણ કરતો હતો. રાજકાજમાં તે કોઈ રસ પણ લેતો ન હતો.

પણ ત્યારે તેની મનોવ્યથાને સૌ સમજતા હતા. ગંગા પ્રત્યેનો તેનો પ્રેમ એટલો બધો હતો કે, ગંગાના ભવનમાંથી તે ભાગ્યે જ બહાર ડોકાતો. રાજકાજની પોતાની ફરજો પ્રત્યે પણ તે ઉદાસીન હતો. ઘણી વખત અનિવાર્ય પણે તેની મંજૂરીની કે સલાહની જરૂર પડતી ત્યારે મંત્રી પોતે ગંગાના ભવનના દ્વારે ઊભો રહેતો ને શાન્તનુને સંદેશો મોકલતો. તમારી અનુમતિની જરૂર છે. વા, તમારી સલાહની જરૂર છે. મંત્રી મળવા માંગે છે પણ જ્યારે સેવક ગંગાના પ્રેમરસના ઘૂંટડા ભરતા શાન્તનુને સંદેશ દેતા ત્યારે શાન્તનુ ખિજાઈ પડતો પણ મંત્રીને મળ્યા વિના તેનો છૂટકો જ ન હતો એટલે તે મંત્રીને અંદર લઈ આવવા સેવકને આજ્ઞા દેતો.

મંત્રી રાજ્યના મહત્ત્વના પ્રશ્ન અંગે શાન્તનુની સલાહ માંગતો હતો. હમણાં જ તેને જાણ થઈ હતી. હસ્તિનાપુર પર આક્રમણનો ભય હતો. હસ્તિનાપુરનો રાજવી ગંગાના પ્રેમમાં મશગૂલ હોઈ રાજકાજમાંથી તેણે નિવૃત્તિ લીધી હોવાથી હસ્તિનાપુરને જીતવાનું કામ હવે ઘણું આસાન જણાતું હતું. ને આક્રમણની તૈયારી પણ કરતો હતો.

આવી મહત્ત્વની બાબત વિષે મંત્રીમંડળ કોઈ નિર્ણય લઈ શકે નહિ. મહારાજાએ જ તેને વિષે મંત્રીમંડળ સાથે વિચારવિનિમય કરી નિર્ણય લેવો જોઈએ. તેમ જ આક્રમણનો સામનો કરવા લશ્કરને પણ તેમણે જ તૈયાર થવાનો આદેશ દેવો જોઈએ, એટલે મંત્રી શાન્તનુના ક્રોધની પરવા કર્યા વિના શાન્તનુ સમક્ષ ઉપસ્થિત થયો હતો.

‘આવી બાબતોમાં મને શા માટે પરેશાન કરો છો મંત્રી ?’ મંત્રી પાસેથી બધી હકીકત જાણ્યા પછી શાન્તનુએ ઠપકાભરી નજરે પ્રશ્ન કર્યો, ‘તમે જ નિર્ણય લઈ શકો છો.’ મંત્રીએ નમ્રતાથી જવાબ દીધો, ‘ના મહારાજા, આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે, તેને વિષેનો નિર્ણય તો આપે જ કરવો જોઈએ.’

‘પણ તમારે આક્રમણનો પ્રતિકાર તો કરવો જ જોઈએ એમ માનતા નથી ?’

‘માનું છું. તે માટેની તત્કાલ તૈયારી થઈ શકે તે માટે આપની મંજૂરી માટે તો અહીં આવ્યો છું.’

‘તો તૈયારી કરો !’

‘પણ આપની હાજરી વિના એ શક્ય છે ખરું?’

‘મારી હાજરીની શી જરૂર છે?’ શાન્તનુ બોલ્યો અને સ્મિત કરતાં કહી રહ્યો, ‘મારો મંત્રી નિર્માલ્ય નથી. તેની શક્તિ, સૂઝ-સમજમાં મને વિશ્વાસ છે.’

‘વિશ્વાસ માટે આપનો આભાર, મહારાજા !’ મંત્રીએ જવાબ દીધો, ‘પણ આવી કટોકટીભરી સ્થિતિ વખતે આપની સતત હાજરી જરૂરી છે. મંત્રી કરતાં મહારાજાનો પ્રભાવ ઘણો હોય, લશ્કરને તૈયાર કરવા, જરૂર પડે આપ મેદાન પર ક્યાં નથી દોડી જતાં ? એટલે કદાચ એવી સ્થિતિ ઊભી થાય ત્યારે આપ હાજર હો તો કોઈ નિર્ણય લઈ શકાય ને મહારાજા ?’

મંત્રી શાન્તનુને ગંગાના બંધનમાંથી મુક્ત કરી બહાર લાવવાનો પ્રયત્ન કરતો હતો. તેણે દૃઢતાપૂર્વક કહ્યું, ‘આપની હાજરી અનિવાર્ય છે.’

શાન્તનુને મંત્રીની દલીલ ગમતી ન હતી. ગંગાના સાંનિધ્યમાંથી થોડીક ક્ષણો પણ વિખૂટા પડવાની તેની ઈચ્છા ન હતી. તેની દૃષ્ટિમાં ગંગા જ હતી. મંત્રી સામે નિરાશાભરી દૃષ્ટિ નાખતાં શાન્તનુ બેઠો રહ્યો. મંત્રીને જવાબ દેવાની પણ તેમનામાં તાકાત ન હતી.

મંત્રી પણ તેના નિશ્ચયમાં મક્કમ હતો, એટલે તે શાન્તનુને નમ્રતાથી કહેતો હતો: ‘હસ્તિનાપુરનો પરાજય થાય તો મહારાજા તેનો અપયશ તમને જ મળશે, લોકો પણ તમારી નિંદા કરશે.’ પછી શાંતિથી શાન્તનુને સમજાવી રહ્યો.

‘થોડો સમય આપ રાજકાજમાં સક્રિય રહો તો આક્રમણખોર પણ સમજી જશે કે મહારાજા શાન્તનુની તાકાતનો મુકાબલો કરવાનું તેને માટે અશક્ય છે. કદાચ આક્રમણ કરવાની તેની વૃત્તિ પણ શાંત થશે.’

જાણે પ્રાર્થના કરતો હોય તેમ બે હાથ જોડી મંત્રી શાન્તનુને પ્રાર્થી રહ્યો, ‘આપ આટલું તો કરો જ.’ કેટકેટલા પ્રયત્નો પછી શાન્તનુ ગંગાદેવીના બાહુપાશમાંથી મુક્ત થઈ બહાર આવ્યો હતો. બહારની દુનિયામાં અનેક પ્રશ્નો હતા. શાન્તનુ સમક્ષ બે પ્રશ્નો રજૂ થતાં પણ શાન્તનુના મનોપ્રદેશ પર ગંગા રમતી હતી. ગંગાની કાજળભરી તોફાની આંખો તેની સામે મંડાતી, મૂંગા રહીને પણ તેના પ્રિયતમને ઈજન દેતી : ‘તમારી ગંગા વિરહવેદનામાં સળગી રહી છે. તમે તેની નજદિક પણ આવતા નથી?’

શાન્તનુ વિહ્‌વળ બનતો. મંત્રીએ તેની સમક્ષ પેશ કરેલા મહત્ત્વના પ્રશ્ન પ્રતિ ઉદાસીન રહેતો.

પણ એ પ્રસંગ પછી ગંગાની વિદાય પછી શાન્તનુ ધીમે ધીમે સ્વસ્થતા ધારણ કરતો હતો. દેવવ્રતની પુનઃપ્રાપ્તિ પછી તો શાન્તનુ મૂળ સ્વરૂપે રાજકાજની ધૂરા બરાબર સાંભળતો હતો. ત્યાં એકાએક આવું થયું ? સૌને તેનું અચરજ હતું, પણ મંત્રીની ચાણક્યબુદ્ધિમાં પ્રશ્ન ઊઠ્યો, ‘વળી ગંગાની યાદ વર્ષો પછી તાજી થઈ હશે ? ગંગાના પ્રેમની ભીનાશ વર્ષો પછી વળી પાછી મહારાજના મનોપ્રદેશ પર છવાઈ ગઈ હશે?’

મંત્રી તેની આ વિચારધારા પર સતત ચિંતન કરતો હતો. જેમ જેમ તેનું ચિંતન વધતું ગયુ. તેમ તેમ તેને પ્રતીતિ થવા લાગી કે મહારાજ શાન્તનુ ગંગાના નહિ પણ ગંગા જેવી જ કોઈ રૂપસૌંદર્ય મઢેલી કાયાવાળી જોબનિયા છલકાવતી નવયૌવનાના કામણથી ઘવાયા છે. તેમનુ સમગ્ર ચિત્ત કોઈ નવયૌવનામાં જ રમતું થયું છે. પણ પ્રશ્ન એ હતો કે, એ નવયૌવના કોણ હશે ? મહારાજાને ક્યાં મળી હશે? મહારાજાએ તેના સહવાસનુ સુખ માણ્યું હશે ? આ પ્રશ્નોના જવાબ તો મહારાજા સિવાય કોણ આપી શકે ? તે મહારાજા પાસેથી જવાબ શોધવા માંગતો હતો, પણ તેને શંકા હતી, મહારાજા તેના દિલની વાત મંત્રી સમક્ષ કરશે ખરા.

શાન્તનુ બેચેન હતો. જ્યારે તેણે માછીમારનું ઝૂંપડું છોડ્યું ત્યારે તેને વિશ્વાસ હતો કે, મત્સ્યગંધા પણ તેના બાપના પગલાંથી નિરાશ થઈ જ હશે. તેના દિલદિમાગ પર શાન્તનુની તસ્વીર પથરાઈ જ ગઈ છે. તે પણ શાન્તનુની જ ઝંખના કરતી બેચેન હશે. આખરે તે દોડતી તેના પ્રિયતમના બાથમાં ભીંસાઈ જવા અધીરી પણ થતી હશે, એટલે તે તેના બાપને છોડીને દોડતી અહીં આવી પહોંચશે.

આ આશાએ શાન્તનુની નજર હંમેશાં દ્વાર પર જ રહેતી. દ્વારપાળને પણ તેણે સૂચના દીધી હતી : ‘જો કોઈ યૌવના પોતાને મળવા આવે તો તેને અટકાવવી નહિ.’

પણ દિવસોની તેની પ્રતિક્ષા નિષ્ફળ જતી હતી. બેવશ બની દ્વાર પરથી નજર ફેરવી લઈ પડખું બદલતાં બબડતો, ‘તે પણ શું કરે ? તેના બાપે તને અટકાવી દીધી હશે? તેને તેની શરતનો સ્વીકાર કરાવવો છે, એટલે બન્ને જીવોને તરફડતા રાખવા માંગતો હશે.’ તે એક ઊંડો નિસાસો નાખતો હતો.

મંત્રી શાન્તનુ સમક્ષ તેની કલ્પનાને તર્કબદ્ધ બનાવવા પ્રશ્નો કરતો હતો, ‘ગંગાની યાદ પુનઃ તાજી થઈ લાગે છે, ખરું ને મહારાજ ?’

‘પણ હવે વર્ષો થયાં, ગંગા પણ આ પૃથ્વી પરથી વિદાય થઈ હશે. હવે તેની યાદમાં પરેશાન થવાનો કાઈ અર્થ ખરો?’ મહારાજને શાંત્વન દેતો હોય એમ મંત્રી કહેતો : ‘દેવવ્રત તમારી નજર સમક્ષ છે. તેને યુવરાજપદે સ્થાપિત કરીને ગંગાની ઇચ્છા પૂર્ણ કરો. આમ બેચેન બનીને પડી રહેવાનો કોઈ જ અર્થ નથી.’

શાન્તનુ શાંત હતો, પણ મંત્રીના પ્રશ્ને તેના દિલમાં હલચલ મચાવી દીધી હતી. પોતે ગંગાને ભૂલી ગયો હતો. વર્ષો થયાં પોતે સંપૂર્ણ સ્વસ્થ પણ હતો. દેવવ્રત એ ગંગા સાથેના તેના પ્રણયનું પ્રતીક તેની સમક્ષ હતો, એટલે ગંગાની યાદ તેને પરેશાન કરી રહી છે એવી કોઈ કલ્પના મંત્રીની હોય તો તે સાચી નથી, પણ મંત્રીની હકીકતનો ઇન્કાર કરવા શાન્તનુ તૈયાર ન હતો. મૂંગો મૂગો તે મંત્રી સામે જોતો રહ્યો.

મંત્રી હવે શાંત રહી આ પરિસ્થિતિને વધુ વખત બરદાસ કરવા ઈચ્છતો ન હતો. રાજવૈદે કરેલાં નિરૂપણ પ્રમાણે શાન્તનુ દેહના કોઈપણ દર્દથી પિડાતો ન હતો. કોઈ બીમારી પણ ન હતી, માત્ર માનસિક અસ્વસ્થતાતી બીમારી હતી. આ માનસિક અસ્વસ્થતા કદાચ ગંગાની સ્મૃતિથી પેદા થાય તેવી મંત્રીની કલ્પના ખોટી પણ ન હતી.

રાજવૈદ પણ એવો જ અભિપ્રાય દેતા હતા : ‘મહારાજા કોઈ માનસિક આઘાતથી પિડાય છે.’ આ આઘાત શાને કારણે થયો તે જાણવા મંત્રી પ્રયત્ન કરતો હતો.

‘આપ કેમ કોઈ જવાબ દેતા નથી, મહારાજ ?’ મંત્રીએ પોતાના પ્રશ્નનો જવાબ દેવાના બદલે મૂંગા રહેલા શાન્તનુને પ્રશ્ન કર્યો ને વિશ્વાસ દીધો, ‘આપ જણાવો તો ખરા? તેનો ઉપાય પણ શોધી શકાશે.’

‘શક્ય નથી !’ આખરે શાન્તનુએ જબાન ખોલીને હતાશા ઠાલવતાં કહ્યું, ‘કોઈથી કાંઈ પણ થઈ શકે તેમ નથી.’

‘પણ હકીકત તો જણાવો, મહારાજ ?’

મહારાજાએ દિવસો પછી જબાન ખોલી તેથી ઉત્સાહીત થતાં મંત્રીએ બીજો પ્રશ્ન કર્યો, ‘સાચે જ…’ તેનો વિશ્વાસ પણ વધી પડ્યો.

‘ભારે હઠીલો છે. એ તેની વાતને સ્વીકાર કરાવ્યા સિવાય જરા પણ આગળ વધે તેમ નથી.’ અફસોસ કરતાં શાન્તનુ કહી રહ્યો.

શાન્તનુના જવાબ પછી મંત્રી એટલું તો સમજી ગયો કે મહારાજા વળી કોઈ યૌવનામાં ચિત્ત પરોવી બેઠા છે. એ યૌવના પણ મહા પહોંચેલી માયા હશે. ગંગાએ જેમ શરત મૂકી હતી, જે દેખીતી રીતે કોઈ પણ પુરુષ તેનો સ્વીકાર કરી શકે નહિ તેવી હતી, છતાં મહારાજા ગંગાના પ્રેમમાં એટલા તો તરબતર હતા કે જે શરત કોઈ મૂર્ખ પણ કદી સ્વીકારવા તૈયાર થાય નહિ, તેવી ગંગાની શરતનો તેમણે સ્વીકાર કર્યો હતો. ગંગાએ મહારાજના વંશનું નિકંદન જ કાઢવા માંડ્યું હતું. સાત સાત સંતાનોને જળસમાધિ કરાવી પણ મહારાજ કાંઈ કરી શક્યા નહિ.

‘કદાચ બીજી ગંગા જ મહારાજને રમાડતી હશે.’ મંત્રીની કલ્પનાનો દોર જેમ જેમ લંબાતો હતો, તેમ તેમ તેનો રોષ પણ ઉગ્ર બનતો હતો. હવે મહારાજાને મૂર્ખ નહિ બનવા દેવા જોઈએ.

‘પણ વાત તો કરો, બીજી ગંગા કોણ છે ? તેની શરતો શી છે?’ મંત્રી પૂછી રહ્યો.

‘બીજી ગંગા કોઈ શરત કરતી નથી. તેણે તો મને તેનું સમર્પણ કરી પણ દીધું છે.’

‘તો તમે તેને સાથે કેમ ન લાવ્યા ?’ વચ્ચે જ મંત્રીએ પ્રશ્ન કર્યો, ‘અહીં કોણ વિરોધ કરવાનું હતું? દેવવ્રતને તો સમજાવી લેવાત, પણ આમ દુઃખી થવાની શી જરૂર હતી?’

‘પણ તેનો બાપ શરતો મૂકે છે.’

‘એવી તે કેવી શરત હશે તેના બાપની?’ મંત્રીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું. ‘દીકરી મહારાણી બને એ હકીકત ઓછી મહત્ત્વની છે કે, વળી શરત મૂકે છે?’ ને પ્રશ્ન કર્યો : ‘આપ તેનો સ્વીકાર ન કરી શકો એવી તે કેવી શરત છે?’

‘મને ન પૂછો મંત્રીવર્ય !’ વ્યથાપૂર્ણ વદને શાન્તનુ બોલ્યો, ‘તેને જ પૂછો ને તમે જ નિર્ણય કરજો.’

‘તો તેનું નામ જણાવો.’

‘જાણીને શું કરશો ? તેની શરતને કોઈ પણ રીતે હું સ્વીકારી શકું તેમ નથી.’ ગમભર્યા સ્વરે શાન્તનુએ કહ્યું.

‘બરાબર. આપ તેની શરતનો સ્વીકાર ન કરી શકો, પણ હું તેને કોઈ બાલીશ શરત નહિ કરવાને, તેની સામાન્ય દીકરી હસ્તિનાપુરની મહારાણી બને છે તેને જ મહત્ત્વ આપવા સમજાવી શકું ને?’

‘સમજે તેવો નથી છતાં તમે જો સફળ થાવ તો ઘણું સારું.’ શાન્તનુએ મંત્રીને અનુમતિ દીધી ને હકીકતથી વાકેફ કર્યો.

‘ઓહો પધારો પધારો, મંત્રીવર્ય. આપનાં પુનિત પગલાં આ નાચીઝ માછીમારને ત્યાં?’

માછીમારના ઝૂંપડે ઊભેલા મંત્રીવર્યને જોતાં માછીમાર હર્ષ ઠાલવતો હોય એમ બોલ્યો, પણ મનોમન એ મત્સ્યગંધાને સંભળાવતો હતો, ‘જોયું ને દીકરી ? આખરે તારા બાપની શરતનો સ્વીકાર થઈ જ રહ્યો છે ને ? હું જાણું છું મહારાજની મોહાંધતા ! ગંગાની છોકરાં નદીમાં ફેંકી દેવાની શરત સ્વીકારનાર મહારાજ મારી શરતનો કદી અસ્વીકાર નહિ જ કરે, ભલે થોડું મોડું થાય !’

‘શું થાય ભાઈ!’ મંત્રી ધીમેથી માછીમારના ખભા પર હાથ મૂકતાં કહી રહ્યો, ‘સમય આવે ધૂળની પણ જરૂર પડે છે ને?’

‘હા, બાપજી !’ માછીમાર મંત્રીના પગમાં પડ્યો. ‘ધૂળ પણ આપના જેવા મોટા માણસના પગ તેના પર પડે તેથી ધન્ય બની જાય છે ને ?’ ને બોલ્યો, ‘હું ભલે ધૂળ હોઉં પણ આજે આપના પુનિત પગલાંથી હું ધન્ય બન્યો.’

મંત્રી માછીમારની વાણીથી ખુશ થતાં વિચારી રહ્યો, ‘બુદ્ધિશાળી છે માટે જ મહારાજ સમક્ષ શરત મૂકી ને ?’

‘કહો, શી સેવા કરું ?’ માછીમાર પૂછી રહ્યો.

‘સેવા ?’

‘હા, આપની સેવા કરવાનું મારું ગજું નથી. હું તો પામર, ગરીબ માછીમાર છું.’

મંત્રી માછીમારના જવાબથી મનમાં બબડ્યો, ‘પામર, ગરીબ ખરો, પણ ફાળ મોટી ભરે તેવો હોશિયાર છે.’

પોતાની સમક્ષ બે હાથ જોડી નમ્રતાથી ઊભેલા માછીમારના ચહેરા પર નજર ટેકવી ને તેનું અવલોકન કરી લીધું.

‘ગરીબ પાસે પણ ઘણી વખત એવી ઉપયોગી વસ્તુ હોય છે, કે જેને પ્રાપ્ત કરવા રાજા-મહારાજાઓને પણ તેનાં બારણાં પાસે ઊભવું પડે.’ મંત્રી બોલ્યો.

‘ના, ના, એવી વાત ન કરો બાપા !’ માથા પરનું ફાળિયું ઉતારી મંત્રીના પગ પાસે મૂકતાં માછીમાર બોલ્યો, ‘મારી પાસે આ ફાળિયું છે. આપને તેની શી જરૂર હોય બાપા? કહો તો હું દઈ દઉં. ઉઘાડા માથે ફરીશ.’

મંત્રીના મોં પર મલકાટ હતો. માછીમાર કેવી અદાથી વાત કરતો હતો ! જાણે કોઈ શરત કરવા ઈચ્છતો જ ન હોય એમ તે પોતાનું ફાળિયું આપી રહ્યો હતો.

‘ના, તને ઉઘાડા માથે કરવા માંગતો નથી.’

‘તેા બીજું શું છે? મારી પાસેથી શું તમને દઉં?’

‘ઘણું છે.’

‘તો માંગો.’

‘હું તારી પુત્રી મત્સ્યગંધાને મહારાજા માટે માંગવા આવ્યો છું.’ આખરે મંત્રીએ તેની વાત મૂકી. પોતાની માંગણી પરત્વે માછીમારનો પ્રત્યાઘાત જાણવા તેના ચહેરા સામે જોઈ રહ્યો.

માછીમાર તો! મંત્રીના આગમન સાથે જ જાણી ગયો હતો. તો પણ મંત્રીની વાત સાંભળતાં મલકાટ કરતો હોય એમ બોલ્યો, ‘મત્સ્યગંધાના ધન્યભાગ્ય ! માછીમાર જેવા નાચીઝ માનવીની દીકરી હસ્તિનાપુરની મહારાણી થાય એ તો તેનાં સદ્ભાગ્ય કહેવાય પણ…’

‘સદ્ભાગ્ય પણ ક્યાં આવ્યું ?’ માછીમારને બોલતો અટકાવી મંત્રી પૂછી રહ્યો, ‘સદ્ભાગ્યને બનવા દેવું જોઈએ.’

‘જાણું છું સદ્‌ભાગ્ય હંમેશ માટે સદ્‌ભાગ્ય જ રહે. તેની મને ચિંતા છે, મંત્રીવર્ય!’

‘એમાં વળી ચિંતા શી? સદ્‌ભાગ્ય હંમેશાં સદ્‌ભાગ્ય જ રહે છે.’

‘ના. બાપુ ના !’ માછીમાર બોલ્યો, ‘જનક વિદેહી સીતા અયોધ્યા પતિ રામને પરણ્યા એ એનું સદ્ભાગ્ય જ હતું ને? પણ રામે જ તેને વનમાં ધકેલી દીધી હતી ને?’ માછીમારે કહ્યું ને પૂછ્યું : ‘કહો, સીતાનું સદ્ભાગ્ય રામે દુર્ભાગ્ય ન બનાવ્યું ?’

પછી કહી રહ્યો, ‘એટલે જ મારી દીકરીનાં આજનાં સદ્ભાગ્ય ક્ચારેય પણ દુર્ભાગ્ય ન બને એની થોડી ચિંતા કરું છું.’

‘તારી ચિંંતા અકારણ છે.’

‘ના બાપા ના, મારી ચિંતા સકારણ છે.’ માછીમાર દલીલ કરતો હતો, ‘મહારાણી સીતા તો જનક રાજાની રાજકુમારી હતી, છતાં સદ્ભાગ્યમાં પથરો પડ્યો, તો મારી દીકરી તો એક માછીમારની દીકરી છે. તેના સદ્ભાગ્યમાં ગમે ત્યારે પથરો પડે!’ પછી દૃઢતાપૂર્વક કહી રહ્યો, ‘હું એવા દુર્ભાગ્યના દિવસો જોવા માંગતો નથી. ભલે તે કોઈ માછીમાર જુવાનને જ પરણે, મહેલમાં ન રહે, ઝૂંપડામાં રહે પણ એ સદ્ભાગ્ય કદી ઝૂંટવાઈ જવાનું તો નથી જ ને?’

માછીમારની દલીલો જોરદાર હતી. મંત્રીના મન પર પણ તેની અસર થતી હતી, પણ માછીમારની દરખાસ્તનો સ્વીકાર કરવા તે પણ તૈયાર ન હતો. દેવવ્રતના હક્ક પર તરાપ મારવા જેવી દરખાસ્ત મંત્રી કેમ સ્વીકારે ?

તેણે માછીમારને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘તારી દીકરીના સદ્ભાગ્ય માટે બીજી કોઈ શરત નથી ?’ મંત્રીએ પૂછ્યું.

‘બીજી શરત શી હોય ?’ માછીમાર પણ બરાબર સમજી ગયો હતો કે મહારાજા મત્સ્યગધામાં સંપૂર્ણપણે ખોવાઈ જ ગયા છે એટલે તો મંત્રી જાતે આવ્યા છે, એટલે તેની વાત પર મક્કમ હતો. તેણે તેની મૂળ વાતને દોહરાવતાં કહ્યું, ‘મારી દીકરીનો દીકરો ગાદીપતિ હોય તો જ દીકરીના માનપાન રહે. તેને કોઈ મુશ્કેલી ન પડે.’ ને દલીલના સમર્થનમાં બોલ્યો, ‘દેવવ્રત ગાદીપતિ હોય તો ભલે બધું જ સાચવે પણ રાજમહેલમાં દેવવ્રતની પત્નીનું જ સામ્રાજ્ય હોય ને ? મારી દીકરીને પણ તેની જ ઇચ્છા પ્રમાણે જીવવાનું ને? મારા ભાણાએ પણ દેવવ્રતની મરજી પ્રમાણે જ જીવી શકે ને ?’ ઉત્તેજીત સ્વરે બે હાથ લંબાવી મંત્રીને કહી રહ્યો, ‘ના બાપા ના, ભલે કોઈ ગરીબને પરણે, પણ જિંદગી નિરાંતભરી તો ખરી જ ને ?’

‘આ બધી કલ્પના અર્થહીન છે, થોડી સમજ બતાવ !’ મંત્રીએ કહ્યુ ને ઉમેર્યું, ‘મહારાજા તેમની પ્રિયતમાના ભાવિ વિષે જોગવાઈ ન કરે એમ માનવાનું કોઈ કારણ નથી. મહારાજા તારી દીકરીને તેના દીકરાઓનાં સ્થાન, સુખ, સલામતી માટે બધી જરૂરી જોગવાઈ કર્યાં વગર રહે જ નહિ એટલો તો વિશ્વાસ રાખ ભલા.’

‘વિશ્વાસની વાત નથી બાપા !’ માછીમારે જવાબ દીધો ને પૂછ્યુંં, ‘જે કાલે કરવાની વાત છે તે આજે કેમ ન થાય ?’

‘આજે શું થાય ? દેવવ્રતના હક્ક પર ત્રાપ મારે ?’ મંત્રીના શબ્દોમાં પણ હવે રોષ હતો. તેણે કહ્યું, ‘દેવવ્રત કાલે યુવરાજ બનશે. મોટો દીકરો જ ગાદીવારસ હોય, નાના દીકરાઓને પણ રાજકાજમાં યોગ્ય સ્થાન જરૂર મળે પણ તેઓ ગાદીપતિ તો ન જ થઈ શકે.’

‘તો કાંઈ નહિ બાપા !’ માછીમારે કહ્યું. ‘હું ક્યાં મહારાજ સાથે મારી દીકરી પરણાવવા તેમની પાસે પ્રાર્થના કરવા ગયો છું ? માગું તો મહારાજાએ કર્યું છે ને? તેમને મારી માગણી મંજૂર ન હોય તો ભલે મારી દીકરીના નસીબમાં હશે તે બધું જ મળી રહેશે.’

મંત્રી પણ લાચાર હતો. માછીમારના હઠાગ્રહ આગળ તે પણ શું કરી શકે ? જો માછીમારની વાતનો સ્વીકાર કરવા મહારાજ તૈયાર હોત તો તેમણે જ હા ભણી ન હોત, તો અત્યારની વ્યથાભરી સ્થિતિ પણ ન હોત ને?

પોતે પણ માછીમારની વાતનો સ્વીકાર કરી શકતો ન હતો. મનોમન તે શાન્તનુની વાસનાને પણ ફિટકારતો હતો. ગંગા જેવી દેવકન્યા સાથે વર્ષો સુધી સહજીવન ભોગવ્યા પછી આ માછીમાર જેવા નાચીઝની દીકરીના મોહપાશમાં કેમ લપેટાયા હશે ? ને આ તરંગ સાથે જ કલ્પના જાગી,‘માછીમારની દીકરીએ તો મહારાજને પ્રેમનાં પાન નહિ કરાવ્યાં હોય ? તેને મહારાજાએ કોઈ વચન તો નહિ દીધું હોય ? પણ આ કલ્પના સાથે જ તરંગ ઊઠ્યો, ‘જો એમ જ હોય તો મત્સ્યગંધા તેના બાપના ઠઠાગ્રહ સામે થઈને મહારાજાને પામવા દોડી આવી હોત !’

ગમેતેમ પણ મંત્રી નારાજ હતો. હવે માછીમાર સાથે વધુ દલીલ કરવાનો પણ અવકાશ ન હતો, છતાં મત્સ્યગંધાનું મન જાણવાની ઇચ્છા થઈ. જો મત્સ્યગંધાનો નિર્ણય અફર હોય તો તેને તેના બાપની ઈચ્છા વિરુદ્ધ લઈ જવાની વ્યવસ્થા વિચારી શકાય, પણ તે પહેલાં મત્સ્યગંધાનો વિચાર જણવો જરૂરી હતો.

‘તમારી દીકરીને મળું તો ?’

‘ભલે. તમે જરૂર મળો, પણ ખાતરી રાખજો કે તે પોતે મહારાજાને દિલ દઈ બેઠી હશે તોપણ તેના બાપની ઇચ્છા વિરુદ્ધ તે કાંઈ કરવાની નથી.’ માછીમારે કહ્યું.

‘ના, મારે પણ એવું કાંઈ જ કરવાનું નથી.’

‘ભલે, આ રહી મારી દીકરી. જાવ તેને મળો.’ માછીમારે અંદરના ભાગમાં બેઠી બેઠી બાપ ને મંત્રી વચ્ચેનો સંવાદ સાંભળતી ખિન્ન વદને બેઠેલી મત્સ્યગંધા પ્રતિ આંગળી કરી. મહારાજા પ્રત્યેના તેના પ્રેમને બરાબર સમજી ગયો. તેની આંખો ભીની હતી, બેચેન પણ હતી, પ્રિયતમને પામવાની તેની તત્પરતા પણ જોઈ શકાતી હતી.

‘હું શું કરું મહારાજ !’ મંત્રી ઉપસ્થિત થતાં મત્સ્યગંધા દર્દભર્યાં સ્વરે બોલી રહી. ‘બાપની મંજૂરી વિના તો હું કાંઈ પણ કરી શકું નહિ.’ પછી અશ્રુધારા વહાવતાં ગદ્‌ગદ કંઠે કહી રહી, ‘જેવા મારાં નસીબ ! બીજું શું કહું ?’ ને ઉમેર્યું, ‘બાપની મરજીની અવગણના પણ કેમ થાય ? આખરે મારા પિતા છે ને?’

મત્સ્યગંધાના સૌંદર્ય મઢ્યા દેહપર નજર પડતાં મંત્રી પણ સ્તબ્બ બન્યો. માછીમારની દીકરીને આવા સૌંદર્યથી મઢી દેવા માટે તે ભગવાનને ઠપકાવતો હતા, જે સૌંદર્ય સાચવી શકાય તેમ નથી, તડકામાં, નદીનાં પાણીમાં જ જેને જીવન જીવવાનું છે, તેના દેહને આવા અનુપમ સૌંદર્યથી મઢવાની ભૂલ કેમ કરી હશે? તે સ્વગત બબડયો ! થોડા વખતમાં જ સખ્ત તાપમાં કામ કરતા આ સૌંદર્ય ઝંખવાઈ જશે ને દેહ કાળા ધાબાથી ભરાઈ જશે.

‘પણ મહારાજને મોહ પમાડે તેવી તો છે જ, મત્સ્યગંધા.’ તે સ્વગત બબડ્યો.

મંત્રી નિરુત્તર સ્તબ્ધ ગંભીરતા ધારણ કરીને ઊભો હતો. મત્સ્યગંધા પણ પોતાની લાચારી વ્યક્ત કરી રહી હતી. આખરે તેણે મંત્રીને પૂછ્યું, ‘પ્રેમ દેવતાની ઉપાસના ભોગ માગે છે. ત્યાગ વિના ઉપાસના સિદ્ધ થઈ શકતી નથી એટલું મહારાજને કહેજો.’

‘પણ મહારાજ તેમના વડા પુત્ર દેવવ્રતના હક્કની અવગણના પણ કેમ કરી શકે?’ મંત્રીએ દલીલ કરતાં કહ્યું, ‘આ પ્રશ્ન જ બન્ને પ્રેમીઓનાં મિલનમાં અંતરાયભૂત છે. બીજી ગમે તેવી માગણીનો જવાબ આપી શકાય, પણ આ માગણીનો સ્વીકાર શકય નથી.’ ને ઉમેર્યું, ‘તમે તમારા બાપને કેમ સમજાવતાં નથી ? તમે પણ મહારાજાની જેમ વ્યથિત તો હશો જ ને?’

‘હા, વ્યથા જરૂર છે પણ પિતાજીની વાત પણ સાચી છે. પિતા તરીકે તેમની દીકરીના ભાવિની સલામતિની ઇચ્છા તો કરે જ ને?’ મત્સ્યગંધા તેના પિતાની પડખે હતી એ સ્પષ્ટ હતું.

તે ઊભી થઈ ને મંત્રીને વિદાય દેતાં કહી રહી, ‘પ્રેમ સંપૂર્ણ ત્યાગ માગે છે. પ્રેમની મસ્તી માણતો માનવી કોઈના ન્યાયઅન્યાયની વાત કરતો નથી. તેને તો ત્યાગ જ કરવાના છે.’ ને ઉમેર્યું, ‘જો મહારાજનો પ્રેમ સાચો હશે. તો તે બાપની માંગણીનો સ્વીકાર કરવા જાતે જ મને લેવા આવશે.’ તે વિદાય થઈ.

મંત્રી પણ હતાશાભર્યા હૈયે ત્યાંથી વિદાય થયો.