લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૫ પિતામહ
પ્રકરણ ૬
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૭ →








‘મા, ઓ મા, ક્યાં છો તમે ?’

માછીમારના ઝૂંપડા પાસે ઊભો ઊભો દેવવ્રત સાદ દેતો હતો. ‘મા, જલદી કરો. પિતાજીની તબિયત ખરાબ છે.’ તમને યાદ કરે છે. હું તમને લેવા આવ્યો છું, મા ઉતાવળા થાવ.’

કેટલીય વાર દેવવ્રત સાદ દેતા જ રહ્યો, પણ ઝૂંપડામાંથી કોઈ ડોકાતું જ ન હતું. દેવવ્રત ઝૂંપડામાં જવા ઇચ્છતો ન હતો.

શાન્તનુની તબિયત દિવસો થયા લથડતી જતી હોવાથી દેવવ્રતની ચિંતા વધી પડી હતી. પિતાની માંદગી આમ તો વૈદના જણાવ્યા પ્રમાણે નરી નજરે દેખાય તેવી ત હતી. કોઈ માનસિક આઘાતની અસર તેમના દેહ પર જણાતી હતી. આ માનસિક આઘાત વિષે જાણવા મંત્રીની સાથે તે પણ ઘણા ઘણા પ્રયત્નો કરતો હતો, પણ શાન્તનુ મત્સ્યગંધા વિષે કાંઈ કહેવા ઈચ્છતો ન હતો.

પણ મંત્રીના ઘણા પ્રયત્નો પછી શાન્તનુએ માછીમારની દીકરી મત્સ્યગંધાના પ્રેમમાં હોવાની અને મત્સ્યગંધાને પામવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે મંત્રી પણ થોડીક ક્ષણો શાન્તનુની વાસનાની તીવ્રતા જોતાં મનમાં સમસમી રહ્યો હતો.

શાન્તનુએ માછીમાર સાથેની વાત પણ કરી. દેવવ્રતના હક્કનો છેદ ઉડાડી મત્સ્યગંધાના દીકરાને ગાદીપતિ બનાવવાની વાતનો સ્વીકાર કરવા પોતે તૈયાર નથી તે પણ સ્પષ્ટપણે જણાવી દીધું. મંત્રી પોતે પણ માછીમાર પાસેથી નિરાશ થઈને પાછો ફર્યો હતો. દેવવ્રત પ્રશ્ન કરતો, ‘કહો તો ખરા, પિતાજીની મનોવ્યથા શાને આભારી છે?’

‘જાણીને શું કરશો યુવરાજ ?’

‘એનો ઉપચાર કરીશ.’

‘એ શક્ય નથી.’

‘શક્ય ન હોય તોપણ હું પ્રયત્ન કરીશ.’

‘પણ તમારા હક્કનો નાશ નોતરે એવી હકીકત છે. મહારાજાની મનોવ્યથા પણ તમારા હક્કની રક્ષા કાજે છે.’

‘મારા હક્કની મને ચિંંતા નથી. પિતાજીની તબિયત સુધરી જતી હોય તો પિતાજીને કહી દો કે, દેવવ્રત તેના હક્ક છોડી દેવા તૈયાર છે.’

‘તો. તમે ગાદી પરનો હક્ક છોડી દેવા તૈયાર થશો ખરા ?’ મંત્રી વિસ્મયતાથી દેવવ્રત સામે જોતાં પૂછી રહ્યો.

‘જરૂર, જો પિતાજીની મનોવ્યથાનો અંત આવતો હોય તો ગાદીની મને કોઈ જરૂર નથી.’ દેવવ્રત મક્કમતાથી કહેતો હતો ને પછી સહજભાવે પૂછ્યું, ‘પિતાજી ગાદીનો હક કોને દેવા માગે છે? મારે બીજો કોઈ ભાઈ તો છે નહિ. પછી ?’

દેવવ્રતની મક્કમતા જોઈ મંત્રી પણ મૂંઝાતો હતો. પણ હવે દેવવ્રત સમક્ષ બધી જ હકીકત સ્પષ્ટ કર્યાં સિવાય મંત્રી માટે બીજો માર્ગ પણ ન હતો. માછીમાર તેની વાતમાં નમતું જોખવા તૈયાર ન હતો. એટલે મંત્રીએ શાન્તનુના માછીમારની દીકરી મત્સ્યગંધા સાથેના પ્રેમની વાત કરી ને ઉમેર્યું, ‘માછીમારની શરત ભારે છે. તેનો સ્વીકાર મહારાજા પોતે કરવા તૈયાર નથી.’

‘શા માટે તૈયાર નથી ? પિતાની જિંદગી કરતાં માછીમારની માંગણીનું મહત્ત્વ વધુ છે શું?’

‘હા, માછીમારની માંગણીનું મહત્ત્વ ઘણું છે ને મહારાજા તેનો સ્વીકાર પણ કરી શકે તેમ નથી.’

‘ના, માછીમારની માંગણીનો સ્વીકાર કરીને પિતાજીની જિંંદગી બચાવવી જોઈએ.’ દેવવ્રતે પૂછ્યું.‘માછીમારની માંગણી શી છે એ તો કહો?’

‘શું કહું, યુવરાજ ! નાના મોંએ મોટી વાત વાત કરવા જેવી વાત છે.’ મંત્રી ગુમરાહ થઈ ગયો હોય એમ બોલ્યો.

‘માછીમાર તેની દીકરીને જે દીકરો થાય તે ગાદીપતિ થાય એવી શરત મૂકે છે. મહારાજ એવી શરત સ્વીકારવા તૈયાર નથી.’ ને ઉમેર્યું, ‘મહારાજ તેમના વડા પુત્ર દેવવ્રતના હક્કને છીનવી લેવા તૈયાર પણ કેમ થાય ?’

‘તો દીકરાના હક્કની રક્ષા કાજે મહારાજા પોતાનો જાન આપે તે પણ કેમ ચલાવી લેવાય ?’ દેવવ્રતે સામે પ્રશ્ન કર્યો.

‘તો શું થાય યુવરાજ ?’ નિરાશભર્યાં વદને મંત્રીએ પૂછ્યું.

‘હું હસ્તિનાપુરની ગાદી પરનો મારો હક્ક છોડી દેવા તૈયાર છું.’ દેવવ્રતે તેનો નિર્ણય જાહેર કર્યો.

‘પણ એ તો મહા ભારે અનર્થ ગણાય.’

‘નહિ, અનર્થ નથી. હું મારી સ્વેચ્છાથી મારો હક્ક જતો કરવા માગું છું. પિતાજી ક્યાં મારો હક છીનવી લે છે ?’

‘પણ તમે મહારાજા જે દરખાસ્ત સ્વીકારવા તૈયાર નથી એ દરખાસ્તને સ્વીકાર કરો તો મહારાજાને ગમશે?’

‘નહિ જ ગમે, એ હું જાણું છું.’ દેવવ્રત બોલ્યો, ‘પણ મારે હમણાં ક્યાં તેમને જણાવવું છે ? માછીમાર સમક્ષ જઈને તેની દરખાસ્ત સ્વીકારી લઈશ. માને લઈ પિતાજી સમક્ષ હાજર થઈશ ત્યારે ભલે જાણે, પણ પછી શું કરવાના હતા ?’

મંત્રી દેવત્રતના મહાત્યાગની વાત સાંભળતાં નવાઈ પામ્યો. જ્યારે હક્ક પ્રાપ્ત કરવા માટે ભાઈઓ આપસમાં લડે છે ત્યારે દેવવ્રત તેનો સ્વાભાવિક હક્ક છોડી દેવા તૈયાર થાય છે! તેને હવે અટકાવવાનું પણ સરળ ન હતું.

દેવવ્રતે દૃઢતાપૂર્વક પૂછ્યું, ‘મારા હક્ક ખાતર શા માટે મારા પિતા આટલા દુઃખી થાય ? તેમના પ્રેમ અને મમતાનું શું આવું જ પરિણામ આવ્યું…?’ ને ઉત્તેજિત સ્વરે કહ્યું, ‘ના, ના, મારા પિતાના પ્રેમ અને મમતાને ખાતર પણ મારે મારો હક્કને છોડી દેવો જોઈએ.’ તેણે માછીમાર વિષેની વિગતો મંત્રી પાસેથી મેળવી ને એકલો જ માછીમારના ઝૂંપડા પાસે પહોંચ્યો. ઝૂંપડાનું બારણું ખુલ્લું હતું. અંદરના ભાગમાં માછીમાર અને મત્સ્યગંધા હતાં.

શાન્તનુની તબિયત વિષેની જે માહિતી તેને મંત્રી દ્વારા પ્રાપ્ત થઈ હતી તેથી તે પણ ચિંતાતુર બની હતી. તે પોતે તેના બાપને સમજાવતી હતી. તેની મનોવેદના પણ અપાર હતી.

‘હું તમારી ઈચ્છા વિરુદ્ધ થઈને પણ મહારાજા પાસે પહોંચી જઈશ. મારા કારણે જ તેઓ પિડાતા હોય તો મારે તેમને પિડામુક્ત કરવા જ જોઈએ.’ મત્સ્યગંધા તેના પિતાને કહી રહી ને આક્રોશમય બની જતાં પૂછી રહી, ‘મારા દીકરા વિષે તમે શા માટે અત્યારથી ચિંતા કરો છો? તેનો બાપ તેની કાળજી નહિ લે?’

‘ખરું છે. દીકરી !’ મત્સ્યગંધાના આક્રોશને શાંત કરવા મથતા માછીમારે કહ્યું, ‘પણ તું જાણે છે કે તું માછીમારની દીકરી છે. મહારાજા જીવતા હશે ત્યાં સુધી તારાં માનપાન હશે, પણ મહારાજા ગત થયા પછી, તને – માછીમારની દીકરીને મહેલમાં કોઈ ઊભા રહેવા પણ નહિ દે એ ભૂલતી ના!’ માછીમાર સમજાવતો હતો. ‘એટલે જ મારે આવી શરત કરવી પડે છે. તારો દીકરો જ જો હસ્તિનાપુરનો રાજા હોય તો તારાં માનપાન પણ જળવાઈ રહે. રાજમાતા તરીકે તને સૌ માન પણ દે—’

‘મારે રાજમાતા થવું નથી. મારે તો મારા કારણે બિછાનાવશ થયેલા મારા સ્વામીની જિંદગી બચાવવી છે.’ મસ્ત્યગંધાની આંખમાંથી આંસુનો ધોધ વહેતો હતો. તે બેઠી હતી ત્યાંથી ઊભી થઈ ગદ્‌ગદ સ્વરે કહી રહી, ‘મને જવા દો, બાપા મને અટકાવશો નહિ.’

માછીમાર મત્સ્યગંધાની હઠથી ગુસ્સે થયો. તેણે ઊભી થયેલી મત્સ્યગંધાનો હાથ પકડી તેને જમીન પર બેસાડતાં કહ્યું, ‘મૂર્ખ ન બન, જરા ધીરજ રાખ. મહારાજા જરૂર મારી વાત માનશે જ.’ ને હળવેથી કહ્યું, ‘જરા થોડી રાહ તો જો, પછી તારે જે કરવું હાય તે કરજે. જેવાં તારાં નસીબ.’

‘નસીબ તો રૂડાં છે, પણ તમે જ તેને ભૂંડાં બનાવવા માંગો છો ને ?’ ગુસ્સામાં મત્સ્યંગધા માછીમારને સંભળાવતી હતી. તે પુનઃ જમીન પર બેસી ગઈ.

ત્યાં બારણે ઊભેલા દેવવ્રતનો સાદ બંનેના કાને અથડાયો. હર્ષપુલકિત થતાં માછીમાર કહી રહ્યો, ‘જોયું ને ? માને સાદ દેતો દીકરો! માને લઈ જવા બારણે ઊભો છે.’ ને ઉત્સાહભર્યાં પગલે તે બારણે ઊભો. પોતાની સામે ઊભેલા દેવવ્રત પ્રતિ થોડીક ક્ષણો નજર માંડી તેને માપી લીધો. સ્વગત બબડ્યો, ‘નક્કી યુવરાજ દેવવ્રત લાગે છે.’ ને સાથે જ તેના મનનો આનંદ પણ છલકાઈ રહ્યો. યુવરાજ પોતે મત્સ્યગંધાને માનું સંબોધન કરે છે ને? પણ તેણે ચહેરા પર કડકાઈ દાખવતાં દેવવ્રતને ઊંચા સાદે પૂછી રહ્યો, ‘કોણ છે તું? તારી મા અહીં ક્યાંથી? જા, તપાસ કર બીજે, અહીં તારી મા નથી. સમજ્યો ?’

‘ના, મને ખબર છે. મારી મા અહીંં જ છે.’

‘આ ઝૂંપડામાં તારી મા ક્યાંથી હોય જુવાન ?’ માછીમાર તેને સમજાવતો હતો. ‘બીજે ક્યાંક હશે, જા આગળ તપાસ કર.’

‘બીજે ક્યાં તપાસ કરું! હા, કદાચ ગંગાના કાંઠે હોડકામાં કોઈ પ્રવાસીની રાહ જોતી હાથમાં હલેસું પકડી બેઠી હોય તો?’ દેવવ્રતે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘તો હું ત્યાં જઉં એમ જ ને?’

માછીમાર પણ હવે સમજી ગયો હતો. યુવરાજના મુખેથી મત્સ્યગંધાને થયેલા માતા સંબોધનને સાંભળતાં જાણે બધી બાજી જીતી ગયો હોય એમ આનંદમગ્ન બની રહ્યો. તેણે પૂછ્યું : ‘તમારી માનું નામ શું? તમે કોણ છો ?’

‘મારી માનું નામ મત્સ્યગંધા છે. હું મહારાજા શાન્તનુનો પુત્ર દેવવ્રત !’

‘દેવવ્રત ? ગંગાપુત્ર ?’

‘હા, ગંગાપુત્ર !’ દેવવ્રત પણ પોતે સફળતાના સીમાડે ઊભો હોવાની ખાતરી થતાં મલકી રહ્યો. ને કહ્યું, ‘માને જલદી મારી સાથે મેાકલો. પિતાજી બિછાનાવશ છે. તેમની દેહલતા કરમાઈ રહી છે.’

‘પણ એમ કાંઈ મોકલાય ? મહારાજાએ મારી શરત સ્વીકારી નથી. પછી શી રીતે મોકલું ?’ માછીમારે સ્પષ્ટતા કરી.

‘કઈ શરત ?’ દેવવ્રતે પૂછ્યું, ને ઉમેર્યું, ‘હું તમારી શરત સ્વીકારવા તૈયાર છું. કહો તો?’

‘તમે મારી શરત સ્વીકારશો ?’ આશ્ચર્ય વ્યક્ત કરતાં માછીમાર પૂછી રહ્યો ને કહ્યું, ‘મહારાજ તો તૈયાર ન હતા.’

‘મહારાજ ભલે તૈયાર ન હોય, પણ હું તૈયાર છું. કહો તમારી શરત શી છે ?’ દેવવ્રત ઉતાવળો થતો હતો.

‘મારી શરત છે કે મારી દીકરીનો દીકરો જ હસ્તિનાપુરની ગાદીનો વારસ બને.’ દેવવ્રત સામે ઝીણી નજર માંડતા માછીમારે પોતાની શરત પેશ કરતાં કહ્યું, ‘તમે જાણતા નથી, પણ મહારાજા આ શરત સ્વીકારવા તૈયાર નથી.’

‘ભલે મહારાજ ન સ્વીકારે, પણ ગાદીનો જે હક્કદાર છે તે પોતે જ તમારી શરતનો સ્વીકાર કરતો હોય તો ?’

‘એટલે તમે જ યુવરાજ દેવવ્રત છો ?’

‘હા, યુવરાજ નહિ દેવવ્રત કહો.’ દેવવ્રતે કહ્યું, ‘હવે હું આ ક્ષણથી યુવરાજ રહેતો નથી. યુવરાજના આગમનની પ્રતીક્ષા કરવી રહી.’

‘તમે જાતે થઈને ગાદી પરનો તમારો હક્ક છોડી દેવા તૈયાર છો?’

‘હા, સૂર્ય, ચંદ્ર, આકાશ ને ગંગાના પુનિત જળની સાક્ષીએ હું પ્રતિજ્ઞા લઉં છું કે હસ્તિનાપુરની ગાદી પર હવે પછી મારો કોઈ જ અધિકાર નથી રહેતો. હું તેનો સ્વેચ્છાએ ત્યાગ કરું છું.’

‘શાબાશ !’ દેવવ્રતની પ્રતિજ્ઞાથી પ્રસન્નતા અનુભવતો માછીમાર બોલી ઊઠ્યો.

‘હવે માને મોકલો, પિતાજી તેના દર્શનની ઝંખના કરે છે. ક્ષણે ક્ષણે તેમની તબિયત બગડતી જાય છે, વિલંબ ન કરો. તમારી શરત પૂર્ણ થઈને?’ દેવવ્રત દર્દભર્યાં અવાજે આગ્રહ કરતો હતો.

‘યુવરાજ, તમે તો ગાદીનો હક્ક છોડી દેવાની પ્રતિજ્ઞા કરી પણ—’ માછીમાર બોલતો હતો. તેને વચ્ચે જ અટકાવી દેવવ્રતે કહ્યું, ‘યુવરાજ ન કહો, દેવવ્રત યુવરાજ નથી.’ ને પછી પ્રશ્ન કર્યો, ‘પણ શું? તમે માંગી એ વાત મેં માન્ય રાખી. હવે બીજી કોઈ વાત બાકી છે?’

‘બાકી તો ઠીક, પણ તમે તો ગાદી પરનો હક્ક છોડી દીધો. પણ ભવિષ્યમાં ઝઘડો થાય તો ભાણાને ગાદી છોડવી પડે એવી સ્થિતિ પેદા થવી ન જોઈએ. ખરું ને ?’

‘ભવિષ્યમાં એવી સ્થિતિ પેદા થવાની સંભાવના જ ક્યાં છે?’

‘સંભાવના નહિ, પણ શકયતા તો છે જ !’ માછીમાર બોલ્યો.

‘કઈ શકયતા ?’ દેવવ્રત આશ્ચર્યથી પૂછતો હતો, ‘માનો દીકરો ગાદી પર હોય પછી તેને ઉઠાડી મૂકવાની તાકાત કોની હોય ?’ તેણે કહ્યું ને વિશ્વાસ દીધા. ‘દેવવ્રત જીવતો હોય ત્યાં સુધી તો કોઈ આંગળી પણ ઊંચી કરી શકે તેમ નથી.’

‘સાચી વાત છે તમારી, તમે ગાદી પરનો હક્ક જવા દીધો પણ તમારા સંતાનો તો તેના બાપના હક્કને ભોગવવા અવાજ ઉઠાવે જ ને ?’ માછીમારે ભાવિનો ભય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘તમે પ્રતિજ્ઞા લીધી પણ તમારા સંતાનો તેનો હક્ક માગે જ ને ?’

દેવવ્રત માછીમાર સાથે લાંબી ચર્ચા કરવા માંગતો ન હતો. તેને પિતાજીની તબિયતની ચિંતા હતી. મત્સ્યગંધાને પિતાજીની નજર સમક્ષ મૂકી તમની સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરવાની ઉતાવળ હતી, એટલે તેણે સીધો પ્રશ્ન કર્યો :

‘તમે શું કહેવા માંગો છો?’

‘તમારાં સંતાનોનો ભય ખરો ને?’

‘તો સાંભળો, તમારો ભય નાબૂદ કરવા હું પ્રતિજ્ઞા કરું છુ. હું લગ્ન કરીશ નહિ, જીવનપર્યંત બ્રહ્મચર્ય પાળીશ.’ ને પૂછ્યું, ‘હવે સંતોષ થયો ને?’ ફરી આગ્રહ કર્યો, ‘હવે માને મોકલો. રથ તૈયાર છે. હવે વિલંબ ન કરો.’

માછીમાર દેવવ્રતની પ્રતિજ્ઞાથી પ્રભાવિત થયો હતો. પોતાની માંગણી વિષે શાન્તનુ તૈયાર ન હતો, પણ તેનો દીકરો તો પોતાનો હક્ક જતો કરે છે એટલું જ નહિ, પણ ભવિષ્યમાં તેના સંતાનો કોઈ જ ઉપદ્રવ ન કરે તે માટે લગ્નજીવનનો જ ત્યાગ કરે છે. ને સ્વગત બબડ્યો, ‘ધન્ય ધન્ય દેવવ્રત, ધન્ય છે તને!’

ઝૂંપડાના અંદરના ભાગમાં ઊભેલી મત્સ્યગંધા પિતાની દલીલો પર અકળાતી હતી. માત્ર પોતાની દીકરીના જ સુખવૈભવનો વિચાર કરે છે ને દેવવ્રતને લગ્નજીવન પણ ભોગવવા દેતો નથી. એ તે કેવી વાહિયાત વાત છે ?’ પણ દેવવ્રતે ક્ષણનોય વિલંબ વિના બાપની દરખાસ્ત પણ સ્વીકારી લીધી. આજીવન બ્રહ્મચર્ય પામવાની પ્રતિજ્ઞા લીધી. તે મનોમન દેવવ્રત વિષેનો અહોભાવ વ્યક્ત કરતાં બોલી, ‘કેવો પિતૃભક્ત છે? પિતાના સુખ ખાતર તેણે પોતાના સુખનો ત્યાગ કર્યો.’

‘મા હવે ઉતાવળા થાવ. પિતાજી—’ અકળામણ અનુભવતાં દેવવ્રતે મત્સ્યગંધાને કહ્યું, ‘તમારા પિતાની બધી જ માંગણીઓનો મેં સ્વીકાર કર્યો છે. હવે વિલંબ ન કરો. મા!’

મત્સ્યગંધા પણ શાન્તનુને સમર્પણ થવા ઉતાવળી થઈ હતી. માછીમારની શરતનો દેવવ્રતે જરા પણ ખચકાટ વિના સ્વીકાર કરતાં તે ઉતાવળા પગલે બહાર આવીને દેવવ્રતને કહ્યું, ‘ચાલો, હું તૈયાર છું.’

દેવવ્રત મત્સ્યગંધાના ચરણોમાં શિર ઝુકાવી તેનો આદરસત્કાર કરતો હતો. મત્સ્યગંધાએ તેને બે હાથે ઊભો કરી ને ઉમળકાભેર બોલી, ‘તમે ભારે ત્યાગ કર્યો છે!’

‘ત્યાગ નથી મા!’ દેવવ્રતે કહ્યું, ‘પિતાજીની હાલત જોતાં જરૂર પડે તેમને ખાતર પ્રાણ દેવા પણ હું તૈયાર છું.’ બોલતાં બોલતાં તેની આંખ આંસુથી છલકાઈ રહી ને મત્સ્યગંધા સામે જોતાં બોલ્યો, ‘ઝટ કરો મા ! રથમાં ગોઠવાઈ જાવ. પિતાજી રાહ જોતા હશે.’

મત્સ્યગંધા દેવવ્રતના રથમાં ગોઠવાઈ ને દેવવ્રતે રથ ચલાવ્યો. ઝૂંપડાના બારણે ઊભેલો માછીમાર પોતાની દીકરીને તેના સ્વામી પાસે જતાં આનંદભેર જોઈ રહ્યો. રથ તેની નજરમાંથી દૂર થતાં તે ઝૂંપડામાં પાછો ફર્યો. તેના મનનો આનંદ ઉછાળા મારતો હતો. ‘બડી ભાગ્યશાળી મારી દીકરી.’ તે સ્વગત મત્સ્યગંધાના ભાગ્યની પ્રશંસા કરતો હતો. મહારાજ કદી પણ તેની શરત સ્વીકારવા તૈયાર ન થાત. કદાચ તેમને ખ્યાલ પણ નહિ હોય કે, દેવવ્રત શરતો સ્વીકારશે. સહસા દેવવ્રત વિષેનો અહોભાવ ઢળી પડ્યો, ‘ધન્ય ધન્ય દીકરા હો તો આવા જ હજો. બાપની જિંદગી સુખી બનાવવા માટે પોતાની આખી જિંદગી બરબાદ કરવા કયો દીકરો તૈયાર થાય ?’ ને આનંદમગ્ન બની તે ખાટલીમાં પડ્યો.

દેવવ્રત મત્સ્યગંધાને લઈને આવી પહોંચ્યો છે એમ જાણતાં લોકો કુતૂહલવશ રાજમહેલ નજદિક જમા થયા. મંત્રી અને દરબારીઓ પણ દેવવ્રતની સફળતાની પ્રશંસા કરતા જમા થયા હતા. દેવવ્રતે રથ થોભાવ્યો. તેને રથમાંથી ઊતરતી મત્સ્યગંધાનો હાથ પકડીને શાન્તનુના ભવન પ્રતિ દોરી જતાં મંત્રી અને દરબારીઓએ તેને આવકાર દીધો.

‘મા આવી પહોંચી, હવે પિતાજી સ્વસ્થ થશે જ.’ પોતાના હૈયાનો ઉમળકો ઠાલવતા હોય એમ દેવવ્રત મંત્રી અને દરબારીઓને કહી રહ્યો. તેમણે મત્સ્યગંધાનું અભિવાદન કરતાં કહ્યું, ‘મહારાજા તમારી ઝંખના કરે છે. તેમની હાલત પણ ખરાબ થઈ છે, પણ હવે ઝડપથી સ્વસ્થ થશે.’

મત્સ્યગંધા પણ તેના પ્રિયતમને મળવા ઉતાવળી હતી. ક્ષણનો વિલંબ પણ હવે તેને અસહ્ય લાગતો હતો.

‘ચાલો, જલદી કરો. મહારાજ પાસે પહોંચી જઈએ પછી નિરાંતે વાતો કરીશું.’ મત્સ્યગંધાએ દેવવ્રતનો હાથ પકડીને તેને ખેંચી જવા માંડ્યો. મત્સ્યગંધાને સાથે લઈ દેવવ્રત આવ્યો તેનું સૌને આશ્ચર્ય હતુ. માછીમારની શરત વિષે જેઓ જાણતા હતા. તેઓ દેવવ્રતની સિદ્ધિ વિષે વિશેષ જાણવા માંગતા હતા.

‘માછીમાર તેની શરતમાંથી પીછેહઠ કરે તેવો નથી જ.’ મંત્રી મનોમન દેવવ્રતની સિદ્ધિ વિષે વિચારતો હતો. પોતે કેટલા પ્રયત્નો કર્યા છતાં માછીમાર તેની વાત છોડવા તૈયાર ન હતો. તેની દીકરી પણ મહારાજની યાદમાં તરફડતી હતી. માછીમારને તેની પણ ચિંતા ન હતી. આવા દૃઢ નિશ્ચયવાળા માછીમારને પીગળાવવાનું કામ આસાન નથી, એટલે જ દેવવ્રતની સિદ્ધિ સૌને માટે મૂંઝવણ ભરી હતી.

દેવવ્રતે માછીમારની શરત સ્વીકારી લીધી હશે ? પોતે જાતે થઈને પોતાના હક્કનો ત્યાગ કર્યો હશે? હવે માછી કન્યાનો દીકરો હસ્તિનાપુરની ગાદી પર આવશે? આવા કેટલાંય તરંગો મંત્રીના મનમાં ઊઠતા હતા, ને તેનો જવાબ મેળવવા દેવવ્રતને મળવા ઉત્સુક હતા.

બિછાનાવશ શાન્તનુ જાણતો હતો કે માછીમારને સમજાવવામાં મંત્રી નિષ્ફળ ગયા પછી દેવવ્રત જાતે તેને સમજાવવા ગયો છે. શાન્તનુ પાસેથી વિદાય થતાં તેણે વિશ્વાસ દીધો હતો કે હું તમારા દર્દનો સફળતાપૂર્વક ઉપચાર કરીશ.’ ને પછી બોલ્યો, ‘માને હું જરૂર લઈ આવીશ.’

દેવવ્રતના આશાવાદથી શાન્તનુ ગંભીર બની રહ્યો. તેણે ઉત્સાહભર્યા દેવવ્રતને પ્રશ્ન કર્યો, ‘માછીમારની શરત તું જાણે છે ? એવી વાહિયત શરતનો હું સ્વીકાર કેમ કરું ?’

‘તમે તો ન જ કરો.’

‘તો તું સ્વીકારીશ ?’ ચિંતાભર્યાં સ્વરે શાન્તનુએ પૂછ્યું ને તરત જ બોલી ઊઠ્યો, ‘ના, ના, કોઈપણ સંજોગામાં તેની શરત સ્વીકારી શકાય તેમ નથી.’

‘જાણું છું પિતાજી, આપ કોઈ પણ સંજોગામાં તેની શરતનો સ્વીકાર કરો જ નહિ.’

‘તો તું શા માટે જાય છે? મંત્રી નિષ્ફળ ગયા ત્યાં તું શી રીતે એ જિદ્દી માછીમારને જીતી શકવાનો હતો ?’

‘જીતવાનો પ્રશ્ન જ નથી, પિતાજી.’

‘તો ત્યાં જવાની જરૂર પણ શી છે?’ દૈવવ્રત માછીમાર પાસે જવાની તૈયારી કરે છે એવી વાત મહારાજને મંત્રીએ કહી ત્યારથી શાન્તનુ બેચેન હતો. તેના મનમાં ભય હતો. જુવાન દેવવ્રત કદાચ માછીમારની શરત આવેગમાં આવીને સ્વીકારી લેશે તો ? તો હું એ વાત માનવાનો નથી ને વચનભંગનો દોષ કુરુવંશ પર લાગશે.

એટલે દેવવ્રતને શાન્તનુ માછીમાર પાસે નહિ જવા સમજાવતો હતો. પિતાની બેહાલતથી દ્રવી ઊઠેલો દેવવ્રત શાન્તનુની સલાહનો સ્વીકાર કરવા તૈયાર ન હતો.

પણ જ્યારે દેવવ્રત મત્સ્યગંધાને લઈને આવી રહ્યો છે એવા સમાચાર શાન્તનુને મળ્યા ત્યારે તેનું મન તત્ક્ષણ તો પ્રફુલ્લિત થયું. તેની નજર સમક્ષ મત્સ્યગંધાની તસ્વીર ઉપસ્થિત થઈ. શાન્તનુ જાણે ઘણા લાંબા વખતે તે પોતાની પ્રિયતમાને જોતાં તેને હૈયે વળગાડવા ઉત્સુક બન્યો, પણ ત્યાં મત્સ્યગંધા ન હતી. તેની કલ્પનાતીત મૂર્તિ હતી, પણ તરત જ બીજી ક્ષણે તેનો જ આનંદ શોકમાં પલટાયો. દૈવત્રતે માછીમારની શરત સ્વીકારી જ હશે. માછીસાર તે સિવાય તેની દીકરીને મોકલવા કદી પણ તૈયાર થાય જ નહિ. ભારે હઠીલો ને જિદ્દી છે. તેને મારા વચનો પર જાણે વિશ્વાસ જ ન હતો.

શાન્તનુના ચહેરા પર ખિન્નતા પ્રસરી ગઈ. લાંબા વખત પછી મત્સ્યગંધાને આલિંંગન દેવાની જે ક્ષણો ઊભી થઈ છે તેનો આનંદ-ઉત્સાહ પણ ઓસરી ગયા.

ખિન્નતાપૂર્વક શાન્તનુ બિછાનામાં પડ્યો, ચિંતાતુર નજરે બારણા પ્રતિ દૃષ્ટિપાત કરતો હતો. મનમાં ભાવ હતો. મત્સ્યગંધાને હૈયામાં સમાવી દેવા જ્યારે તેણે જાણ્યું કે દેવવ્રત મત્સ્યગંધાને પોતાના રથમાં લઈ ઝડપથી રાજમહેલ પ્રતિ આવી રહ્યો છે ત્યારે તેના રામ રામ આનંદથી પુલકિત બની રહ્યા. આ સમાચાર મળતાં તેની દિવસોની માંદગી પણ જાણે વિદાય લઈ રહી હતી.

બિછાનામાંથી બેઠા થઈ તેમણે મત્સ્યગંધાની પ્રતિક્ષા કરતાં ભવનમાં આંટા મારવા માંડ્યા ને અધિરાઈ વધી પડતાં બારીએ ઊભા રહી દેવવ્રતના રથના આગમનની રાહ જોતા હતા.

‘પિતાજી, આપની ઇચ્છા પૂર્ણ થઈ. હું માને લઈ આવ્યો છું.’ શાન્તનુના આવાસમાં પગ દેતાં દેવવ્રત કહી રહ્યો ને પોતાની સાથે જ કદમ દેતી મત્સ્યગંધાને આગળ ધરતાં કહ્યું, ‘મા, પિતાજી આપની રાહ જુએ છે. તે દિવસો થયા બિછાનાવશ છે, અશક્તિ પણ ખૂબ છે એટલે હવે તમે જ તેમની સેવા-શુશ્રૂષા કરો.’ ને બોલ્યો, ‘મને વિશ્વાસ છે કે હવે પિતાજી ઝડપથી પુનઃસ્વસ્થતા પ્રાપ્ત કરશે.’

દેવવ્રતના શબ્દો સાંભળતાં બારી પાસે ઊભેલા શાન્તનુએ મોં ફેરવ્યું ને મત્સ્યગંધા નજરે પડતાં તેનો ઉમળકો, પ્રેમનો હિલોળો ઊછળી પડ્યો.

‘આવો, દેવી સત્યવતી !’ શાન્તનુએ મત્સ્યગંધાને આવકાર દેતાં નવું નામ દીધું ને પછી સ્પષ્ટતા કરતાં બોલ્યો, ‘દેવી મત્સ્યગંધા તો તેના માછીમાર બાપ સાથે ભલે રહી, પણ તમે સત્યવતી સદા મારી પાસે રહેજો.’

પણ બીજી ક્ષણે મૂંગા મૂંગા પિતા-માતાના સુભગ મિલનનો આનંદ માણી રહેલા દેવવ્રત પર નજર પડી ને જાણે ક્ષણ પહેલાં હૈયાના મનોપ્રદેશમાં ઉછાળા મારતાં આનંદનાં પૂર ઓસરી ગયાં હોય એમ ખિન્ન સ્વરે બોલ્યો, ‘દેવવ્રત, તેં આ શું કર્યું ? માછીમારની શરત મેં ધ્રુત્કારી કાઢી હતી. મંત્રી પણ તેનાથી દૂર રહ્યા હતા. એ શરતો તેં હૈયે વળગાડી.’ આંખ આંસુથી છલકાઈ પણ દેવવ્રતના યહેરા પર પોતાનાં પગલાં વિષે કોઈ ઉદાસીનતા ન હતી. પિતાની સ્વસ્થતાનો આંખોમાં આનંદ હતો.

તેણે જ સહજ સરળતાથી જવાબ દીધો : ‘પિતાજીનું આજનું રૂપ જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ તેની આગળ માછીમારની શરતોની કોઈ જ ગણતરી નથી. તમે પુનઃ આનંદભર્યું જીવન પામો એ જ મારી ઝંખના હતી અને એ ઝંખના સિદ્ધ કરવા આડેના અંતરાયોને દૂર કરવા જે કાંઈ કરવું ઘટે તે કરવાની મારી ફરજ હતી.’ ને મુસ્કાન કરતાં બોલ્યો, ‘મારી ફરજ અદા કર્યાંનો મને ઘણો જ આનંદ છે.’

દેવવ્રતના રોમરોમ ખીલી ઊઠ્યાં હતાં. સત્યવતી પણ આભારની નજરે તેને જોઈ રહી હતી. ‘સાચે જ દેવવ્રત તમે ઘણો ભોગ દીધો છે.’ તેણે કહ્યું.

‘મા, દીકરાને વાત્સલ્યભાવે એકવચનમાં સંબોધન કરે છે,’ ને પછી ઉમેર્યુ, ‘તમે પણ મને એકવચન, તું કહીને સંબોધન કરો.’ પોતે પણ જાણે હર્ષોન્વિત બન્યો હોય એમ બોલ્યો, ‘વર્ષો પછી માનું વાત્સલ્ય મને પ્રાપ્ત થયું છે તેનો મને ખૂબ આનંદ છે.’

હૈયાના ભાવોને ઠાલવતાં બોલ્યો, ‘મા, મા! ને સત્યવતીના ચરણોમાં શિર ઝુકાવી દીધું. સત્યવતી પણ દેવવ્રતની પ્રતિજ્ઞાઓથી પ્રભાવિત તો થઈ જ હતી, પણ તેની ઊર્મિઓ અને પોતાના પ્રત્યેની લાગણી જોતાં તે ગદ્‌ગદ બની ગઈ. તેણે માતૃવાત્સલ્યભાવે દેવવ્રતનો હાથ પકડીને પોતાની પડખે ખેંચતા કહી રહી, ‘દેવવ્રત, તું મારો દીકરો છે, બેટા!’

શાન્તનુ મા-દીકરાના વાત્સલ્ય-ભક્તિભાવભર્યાં દૃશ્યને ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો. સત્યવતીના આગમનથી દેવવ્રત દુભાશે, કદાચ બન્ને વચ્ચે મૂંગા વિગ્રહ પણ જાગશે એવા ભયસ્થાનો આ દૃશ્યો પછી નાબૂદ થયાં હતાં.

દેવવ્રતને શાન્તનુએ પૂછ્યું, ‘માછીમારે બીજી શી શરત મૂકી હતી ?’ ને બોલ્યો, ‘ભારે મુત્સદ્દી લાગે છે. મારી સમક્ષ તો તેણે એક જ શરત મૂકી હતી.’

‘હા, પણ પહેલી શરતના અનુસંધાનમાં તેણે બીજી શરત મૂકી.’ દેવવ્રતે કહ્યું, ‘તમારી હાલત જોતાં માને સત્વરે આપની સમક્ષ ઉપસ્થિત કરવાની જરૂર હતી.’

‘એટલે બીજી શરતનો પણ તેં સ્વીકાર કર્યાં ?’ અજાયબી વ્યક્ત કરતાં શાન્તનુ પૂછી રહ્યો.

‘હા.’ દેવવ્રતે કહ્યું, ‘બીજી શું ત્રીજી શરત પણ તેણે મૂકી હોત તો તેનો પણ સ્વીકાર કરત. તમારી ખુશી, તમારા આનંદ ને તમારા સ્વાસ્થ્ય કરતાં વિશ્વની કોઈ પણ ચીજ અને વહાલી નથી.’ બોલતાં બોલતાં ભાવવિભોર બનતાં દેવવ્રતની આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યાં. તેણે અશ્રુભીની આંખો સાફ કરતાં કહ્યું, ‘તમારી આનંદભરી જિંદગી એ જ મારું સર્વસ્વ છે.’

‘બીજી શરત શી હતી ?’

‘પહેલી શરત પ્રમાણે હસ્તિનાપુરની ગાદી પરથી હું મારો હક્કદાવો ઉઠાવી લઉં છું ને માના પેટે જે સંતાન અવતરે તેને જ હસ્તિનાપુરની ગાદી મળે એ શરતનો મેં સ્વીકાર કર્યો ને પ્રતિજ્ઞા પણ લીધી.’

‘પછી બીજું શું જોઈએ ?’

‘પ્રથમની શરતના અનુસંધાનમાં બીજી શરત મૂકી. તેને ભય એ હતો કે દેવવ્રત ભલે ગાદીત્યાગ કરે પણ દેવવ્રતનાં સંતાનો તેના પિતાના હકને આગળ ધરીને ગાદી માટેનો હક્કદાવો આગળ ધરી, સંગ્રામ કરે તો તેના ભાણાને ગાદી છોડવી જ પડે ને?’

વચ્ચે જ શાન્તનુ પોતાની અજાયબી વ્યક્ત કરતાં બોલી ઊઠ્યો, ‘વાહ ! આ તે કોઈ વાત છે?’ ને પૂછ્યું, ‘પછી તેં શો જવાબ દીધો?’

‘મારે માટે તો માને ઉતાવળે તમારી સમક્ષ ઉપસ્થિત કરવાનો જ પ્રશ્ન મહત્ત્વનો હતો. એટલે માછીમારને જેટલી શરત મૂકવી હોય તેટલી મૂકે. દેવવ્રતના માથાની પણ માંગણી કરે તો માથું દેવા પણ હું તૈયાર હતો. એટલે તેની બીજી શરતનો સ્વીકાર કરી તેને નિર્ભય બનાવવા માટે મારે પ્રતિજ્ઞા લેવી પડી કે હું લગ્ન કરીશ નહિ, એટલે દેવવ્રતનાં સંતાનો વિષેની તેની ભીતિ દૂર થઈ ને માને મોકલી દીધી.’

દેવવ્રતે લીધેલી પ્રતિજ્ઞાથી શાન્તનું ખિન્ન તો થયો, પણ હવે પ્રતિજ્ઞાપાલન સિવાય બીજો વિકલ્પ જ ન હતો. એટલે મનના ગમને દૂર કરીને શાન્તનુએ દેવવ્રતને કહ્યું, ‘તારી પ્રતિજ્ઞા ભીષ્મ જેવી છે. હું તને ભીષ્મ જ કહીશ.’ પછી વરદાન દીધું, ‘તારી પોતાની દેહત્યાગ કરવાની ઇચ્છા હશે ત્યારે જ તારું મરણ થશે, એ સિવાય તારૂં મૃત્યુ નહિ થાય.’ ‘ભીષ્મે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું.