લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૭

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૬ પિતામહ
પ્રકરણ ૭
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૮ →






 


હમણાં હમણાં સત્યવતીના ચહેરા પર ગહરી ઉદાસીનતા જોવા મળતી હતી જાણે કોઈ ચિંતામાં તે સળગતી હતી.

દેવવ્રત પૂછતો, ‘મા, તમે હમણાં હમણાં ઉદાસીન કેમ રહો છો ? ચિત્રાંગદને ગાદી પર ગાઠવ્યો. મેં પ્રતીજ્ઞાનું પાલન કર્યું છે છતાં તમને કોઈ ઊણપ જણાતી હોય તો મને કહો. મારી ક્ષતિ હશે તો હું તરત જ સુધારી લઈશ.’ પણ સત્યવતી કોઈ જવાબ દેતી ન હતી માત્ર એટલું જ કહેતી, ‘દેવવ્રત, તારી પ્રતિજ્ઞાના પાલનમાં કોઈ જ ક્ષતિ નથી, તે ચિત્રાંગદનો રાજ્યાભિષેક પણ ધામધૂમથી કર્યો ને મારુ ચિત્ત પ્રસન્નતાથી ભર્યું ભર્યું બની રહ્યું.’

‘છતાં તમારા ચહેરા પર ઉદાસીનતા કેમ છે? કોઈ પ્રશ્ન મૂંઝવે છે, મા?’

‘ના, બેટા ના. તારા વિષે કોઈ પ્રશ્ન હોય જ નહિ.’ સત્યવતી બોલી.

તે દેવવ્રતની નિષ્ઠાને ઝીણવટથી જોતી હતી. તેનો દીકરો ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો પણ રાજનીતિ પ્રશ્નોની સમજ ને રાજ્યની પ્રજાને સંતોષવાની કોઈ સમજ તેનામાં ન હતી. સત્યવતી પણ આ જાણતી હતી એટલે જ્યારે ચિત્રાંગદને રાજ્યાભિષેક કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે સત્યવતીની મૂંઝવણ અપાર હતી. શાન્તનુનું રાજ્ય બરાબર સચવાઈ રહે, પ્રજાને સંતોષ થાય તેવો વહીવટ થવો જોઈએ. ચિત્રાંગદ બીન અનુભવી છે. તેને મંત્રીની સલાહ મુજબ વર્તવાનું રહે તો કોઈક વખત મુશ્કેલી પણ થાય. આ સંજોગોમાં વહીવટ દેવવ્રતે સંભાળવો જોઈએ. ચિત્રાંગદના રાજ્યની સર્વત્ર પ્રસંશા થવી જોઈએ એવો વહીવટ દેવવ્રત કરી શકે તેમ છે તેવો તેનો વિશ્વાસ હતો.

પણ દેવવ્રતને કહેવાય કેમ ? ગાદીપરનો તેનો હક તો છીનવાઈ ગયો ને ચિત્રાંગદ ગાદી પર બેઠો. હા, દેવવ્રતે જ તને ગાદીપર બેસાડ્યો હતો પણ તેને યશ અપાવવાની જવાબદારી તો દેવવ્રતની નથી જ ને? પોતે કહે તો તે વહીવટની જવાબદારી લેવા ના પણ કહી શકે ને ? ત્યારે પોતાને માઠું પણ લાગે ને?

એટલે દેવવ્રત સમક્ષ તેની ચિંંતા વ્યક્ત કરી શકતી ન હતી. મનમાં જ તે અદીઠ સળગતી હતી પણ દેવવ્રત જાણતો હતો. તેને મન ચિત્રાંગદ કરતાં તેના પિતાના રાજ્યની વિશેષ ચિંતા હતી. ચિત્રાંગદ રાજા હોય કે દેવવ્રત હોય એથી કોઈ ફેર પડતો નથી, પણ પ્રજાને વહીવટથી સંતોષ હોવો જોઈએ તો જ શાન્તનુના રાજ્યની લોકો પ્રસંશા કરે. ઉપરાંત દેવવ્રત એ પણ જાણતો હતો કે, શાન્તનુની હાક જબરી હતી, એટલે જ કોઈ હસ્તિનાપુર સામે નજર કરવાની હિંમત પણ કરતું ન હતું. ચિત્રાંગદની કોઈ હાક ન હોય તો ગમે ત્યારે કોઈનું આક્રમણ પણ થઈ શકે. ચિત્રાંગદ પાસે કોઈ તાલીમ ન હતી. એ સંજોગોમાં હસ્તિનાપુરની હસ્તી પણ ભયમાં આવી પડે.

‘ના, ના, એમ કાંઈ પિતાના રાજ્ય પરનું આક્રમણ કેમ બરદાસ થાય ? ચિત્રાંગદનો પરાજય એ કાંઈ મહત્ત્વની ઘટના નથી, પણ મહારાજા શાન્તનુના હસ્તિનાપુરનો પરાજય એ મહત્ત્વની ઘટના છે. એવી ઘટના પેદા થવી ન જોઈએ.’

દેવવ્રતના મનમાં તરંગો ઊઠતા હતા, ‘પિતાની પ્રબળ વાસનાવૃત્તિએ કેવી વિષમ સ્થિતિ સર્જી છે? પોતે પણ એ માટે ઓછો જવાબદાર છે?’ પિતાની વાસનાવૃત્તિને સંતોષવા ગાદી પરનો પોતાનો હક્કનો ત્યાગ કરવાની પ્રતીજ્ઞા લઈને મહારાજાને ભલે સંતોષ દીધો, પણ હસ્તિનાપુરની પ્રજાને તો દગો જ દીધો છે ને?’

‘પણ હવે શું? ભૂતકાળની ક્ષતિઓને યાદ કરવાથી વર્તમાન સુધરી શકતું નથી. હવે વર્તમાનનો જ વિચાર થવો જોઈએ.’

દેવવ્રતે નિશ્ચય કર્યો, પોતે ગાદીપતિ નથી, ને વહીવટીધુરા ઉપાડવાની પોતાને કોઈ વાત પણ કરી નથી, છતાં પોતે જાતે થઈને વહીવટી જવાબદારી ઉપાડવા તૈયાર થયો. તેણે જ ચિત્રાંગદને કહ્યું, ‘રાજન્ ! તમે નવા છો. રાજ્યના પ્રશ્નોથી પણ તમે ઘણાં ભાગે અજ્ઞાત પણ છો, એટલે આપણા પિતાનું રાજ્ય સલામત રહે, પ્રજા સંતોષપૂર્વક શાંતિથી રહે, ને કોઈ આક્રમણખોર તેની દુષ્ટ નજર હસ્તિનાપુર પર નાખી શકે નહિ તે માટે વહીવટની જવાબદારી હું સંભાળું તો ?’

ચિત્રાંગદ દેવત્રતની તત્પરતાથી પ્રસન્ન થયો. તેણે દેવવ્રતની માંગણીનો સ્વીકાર કરતાં કહ્યું, ‘મોટાભાઈની સહાયતા ને પીઠબળ મને જરૂરી છે. તમારી સલાહ પણ અનિવાર્ય છે. હું જાતે જ તમને પ્રાર્થના કરવાનો હતો, પણ તમે જાતે થઈને જવાબદારી સંભાળવાની તત્પરતા બતાવી એથી મારો મનોબોજ હળવો થયો.’

જ્યારે સત્યવતીએ આ વાત જાણી ત્યારે તેના હૈયાનો ઉમળકો વધી પડ્યો. તેણે દેવવ્રતને બોલાવીને ગદ્‌ગદ કંઠે કહ્યું, ‘દેવવ્રત ! તારા જેવો પુત્ર મેળવીને હું ધન્ય બની છું. તેં મારો ઘણો જ ભાર હળવો કર્યો છે.’

દેવવ્રત પૂછી રહ્યો, ‘મા, શી હકીકત છે?’

‘વાહ, તું જાણતો નથી ?’ અજાયબી વ્યક્ત કરતાં સત્યવતી પૂછી રહી, ‘ચિત્રાંગદના વહીવટને યશસ્વી બનાવવાની તારી ચિંંતા ને તત્પરતાથી હું પ્રસન્ન થઈ. મારી પણ એ જ ચિંંતા હતી, ને તેં બોજ ઉઠાવી દૂર કરી.’

‘મા, મેં મારી ફરજ માત્ર બજાવી છે, વિશેષ કાંઈ જ કર્યું નથી.’ દેવવ્રતે જવાબ દીધો.

હસ્તિનાપુરના મહારાજા ભલે ચિત્રાંગદ હોય, પણ વહીવટ દેવવ્રતનો હતો, એટલે લોકો તા દેવવ્રતને જ રાજા માનતા હતા. ચિત્રાંગદનું રાજ્ય વ્યવસ્થિતપણે ચાલતું હતું. કોઈ જ પ્રશ્નો ઊઠતા ન હતા. દેવવ્રત બધો સમય વહીવટ પાછળ દેતો હતો.

હવે સત્યવતીના હૈયામાં બીજી ચિંતા હતી. પોતાના બંને દીકરા વયસ્ક થયા હતા, પણ તેમને દીકરી દેવા કોઈ દોડતું તેની પાસે આવતું ન હતું. ત્યારે આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લેનાર દેવવ્રત માટે માગણીઓ આવતી હતી. દેવવ્રત તેની પ્રતિજ્ઞામાં મક્કમ હતો. લગ્ન માટેની તમામ ઓફરોનો તે દૃઢતાપૂર્વક અસ્વીકાર કરતો.

‘કૃપા કરી મને મારી પ્રતિજ્ઞામાંથી ચલિત કરવાનો કોઈ જ પ્રયત્ન કરતા ના!’ દેવવ્રત સૌને જવાબ દેતો. તો સત્યવતીની ચિંંતા પણ એ જ હતી. સૌ જાણે છે કે દેવવ્રતે આજીવન બ્રહ્મચર્ય રહેવાની પ્રતીજ્ઞા લીધી છે. તેને તેની પ્રતિજ્ઞામાંથી ચલિત કરવાની કોઈની તાકાત નથી, છતાં તને માટે રાજવીઓ દોડે છે પણ તેમના પોતાના બંને પુત્રો માટે કોઈ પૂછવા પણ આવતું નથી.

તે પોતાની જાતને જ પૂછતી, ‘તારો પુત્ર ક્ષત્રિય છે ! ભલે તારો પુત્ર રાજા હોય, પણ તે માછણનો દીકરો છે ને ? તેને કયો ક્ષત્રિય પોતાની દીકરી દેવા તૈયાર થાય ?’

‘અહા, અહા કેટલા રાજાઓ દેવવ્રતને પોતાની દીકરી દેવા દાડી આવ્યા ? કેવા મહાપ્રતાપી રાજાઓ હતા ? દેવવ્રતને તેઓ કેટલું સમજાવતા હતા ? પ્રતિજ્ઞાનું મહત્ત્વ પણ કેટલું ઓછું આંકતાં હતા.

‘હવે શું બાકી છે ?’ દેવવ્રતને સમજાવવા એક રાજવી પૂછતો હતો. તેની દલીલ હતી, ‘તમે ગાદીપરનો તમારો હક્ક છોડી દીધા પછી તમારા વારસો એ હક્ક માટે દાવો કરી જ ન શકે એટલે જ માછીમારનો ભય અસ્થાને હતો. તમે પિતૃભક્તિમાં તરબતર હતા એટલે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી, પણ એ ઉતાવળો નિર્ણય હતો. તેને વળગી રહી જિંદગીને વેરાન બનાવવાની જરૂર નથી. તમે લગ્ન કરી જીવન સુખાનંદ માણો.’

દેવવ્રત જાણે કોઈ પોતાની સમક્ષ અકારણ બકવાસ કરી રહ્યું છે એવા ભાવ સાથે ગંભીરતાથી બેઠો હતો. કોઈ ભાવને વ્યક્ત કરવા માંગતો જ ન હતો.

દેવવ્રતના મૌનથી બકવાસ કરનાર પણ મૂંઝાતો હતો. પોતે દેવવ્રતના હિતની કેટલી વાતો કરી પણ દેવવ્રતે તેનો કોઈ પ્રતિભાવ દીધો જ નહિ એટલે તેનો ઉત્સાહ પણ ઠંડો પડતો હતો.

‘કેમ કાંઈ બોલતા નથી ?’ તેણે પ્રશ્ન કર્યો. ‘શું બોલું? તમારો બકવાસ સાંભળું છું.’ દેવવ્રતે જવાબ દીધો.

‘બકવાસ છે આ ? તમારા હિતની વાતને તમે બકવાસ કહો છો?’ થોડી ઉત્તેજનાથી બકવાસ કરનાર પૂછી રહ્યો, ‘હું તમને તમારી ભૂલ સમજવતો હતો. ભૂલ સુધારવાની તક દેવા માંગતો હતો.’

‘મારી ભૂલ નથી રાજન્‌ !’ દેવવ્રતે જવાબ દીધો, ‘મેં સત્યવતીના પિતા સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે. એ પ્રતિજ્ઞા મેં સમજપૂર્વક લીધી છે. તેનો અમલ પણ કરી રહ્યો છું.’

‘જાણું છું ભીષ્મ !’ બકવાસ કરનાર રાજને દેવવ્રતને ભીષ્મનું સંબોધન કર્યું ને કહ્યું, ‘તમે ગાદીત્યાગની પ્રતિજ્ઞાનું પાલન કરીને તમે ઘણો ભોગ દીધો, પણ લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞાનું પાલન કરવાની કોઈ જરૂર નથી. તમારા પોતાના સુખચેનને આમ છીનવી પણ લેવાય નહિ. માછીમારે એ સમજવું જોઈતું હતું, પણ તે ન સમજ્યો. પિતાના સ્વાસ્થ્ય માટે મત્સ્યગંધાને લઈ જવાની જરૂર હોવાથી તમે તત્કાલ એક જ ઉપાય અજમાવ્યો, પણ હવે એના બંધનની કોઈ જ જરૂર નથી.’ ને સલાહ દીધી, ‘જરૂર હોય તો સત્યવતીને પણ પૂછી જુઓ.’

‘મારે કાંઈ પૂછવું નથી. મેં જો ભૂલ કરી હોય તો એ ભૂલ પણ મને કબૂલ મંજૂર છે.’ દેવવ્રતે છેલ્લો જવાબ દીધો ને ઊભો થતાં બોલ્યો, ‘આપ જઈ શકો છો.’

સત્યવતીની દૃષ્ટિ સમક્ષ દેવવ્રતની અડગતાનાં દશ્યો રમતાં હતાં, દેવવ્રત તેની પ્રતિજ્ઞાના પાલનમાં મક્કમ છે. તેની મક્કમતા સત્યવતીને માટે ઘણા મેાટાં આશ્વાસનસમ હતી, પણ તેની ચિંંતા પોતાના વયસ્ક દીકરાઓને માટે કોઈ જ માગું આવતું ન હતું તેને અંગેની હતી.

એક વખત દેવવ્રતની પડખે જ બે ભાઈઓ બેઠા હતા. દેવવ્રત પોતાની પ્રતિજ્ઞાને મક્કમતાથી દોહરાવતો હતો, પણ પેલાની નજર બે ભાઈઓમાંથી કોઈની ઉપર પડતી જ ન હતી.

દેવવ્રતે કહ્યું પણ ખરું, ‘આ બંને મારા ભાઈઓ છે.’ પણ પેલો તો દેવવ્રતને જ ગળે પડતો હતો. આખરે દેવવ્રતના જવાબ પછી તે નિરાશ થઈ પાછો ફર્યો, પણ ચિત્રાંગદ કે વિચિત્રવીર્ય સામે નજર પણ નાખી નહિ. દેવવ્રતના શબ્દોને તેણે કોઈ વજુદ પણ દીધું નહિ.

સત્યવતી નિસાસા નાખતી હતી. માછી કન્યાના સંતાનોને ક્ષત્રિય કુળમાંથી કન્યા મળવાની કોઈ શક્યતા પણ તેને જણાતી ન હતી. ભલે તે હસ્તિનાપુરની ગાદી પર આવ્યો, પણ દીકરા તો માછણનો જ ને? આવા શબ્દ પણ તેના કાને પડ્યા હતા, એટલે પોતાના દીકરાઓ વગર પ્રતિજ્ઞાએ પણ જીવનભર બ્રહ્મચારી જ રહેશે એવી કલ્પનાથી તે ધ્રૂજતી હતી.

‘ગાદીને શું કરવાની ? જો ગાદીપતિને કોઈ દીકરી દેવા તૈયાર ન હોય તો ?’ હૈયાના ઊંડાણમાંથી નિસાસા નાખતા સત્યવતી બબડતી હતી.

દેવવ્રત પણ સત્યવતીની ઉદાસીનતાથી વ્યગ્ર હતો. તે પોતાની જાતને તપાસતો હતો. સત્યવતીના દિલને દુઃખ થાય તેવું કોઈ કદમ પોતે તો ઉઠાવ્યું નથી ને? તેને ખાતરી હતી કે પોતે એવું કોઈ જ કદમ ઉઠાવ્યું નથી કે જેથી સત્યવતીના દિલને દુઃખ થાય. ‘ત્યારે સત્યવતી કયા દુઃખના ભારથી હતાશા અનુભવે છે?’ તે પોતાની જાતને પૂછતો હતો, પણ કોઈ જવાબ મળતો ન હતો.

આખરે તેણે જ સત્યવતીને પૂછ્યું : ‘મા, તમારા ચહેરા પર હમણાં હમણાં ગહરી ઉદાસીનતા કેમ જોવા મળે છે? કોઈ કારણ છે ?’ પ્રશ્ન કર્યો, ‘મારો કોઈ અપરાધ તો નથી ને? મેં કોઈ ભૂલ તો કરી નથી ને? એની કોઈ ચિંતાથી તમે પિડાતા નથી ને ?’

દેવવ્રતના પ્રશ્નો સાંભળતાં સત્યવતી ધ્રૂજી ઊઠી. તેણે પ્રયત્નપૂર્વક ચહેરા પર સ્મિત રેલાવતાં કહ્યું, ‘નહિ રે, દીકરા! તારી કોઈ ભૂલ નથી થઈ. તારો કોઈ અપરાધ પણ નથી.’

‘તો તમે આમ ઉદાસીન કેમ છો?’

‘ઉદાસીન મારા પોતાના કારણે બની રહી છું,ભીષ્મ !’ હતાશાભર્યા શબ્દોમાં ઉદાસીનતાનું કારણ જણાવતાં કહ્યું, ‘મહારાજાના પ્રેમના અમૃતનું પાન કરીને હું ઉલ્લાસ માણતી હતી ત્યારે ભાવિની કોઈ કલ્પના જ ન હતી. આજે એ ભાવિની વિમાસણમાં અટવાઈ રહી છું.’ ને ગમગીન સ્વરે બોલી, ‘મને કોઈ માર્ગ પણ જડતો નથી. શું કરું તે પણ સૂઝતું નથી. ક્ષણભર માટે મહારાજા સાથે લગ્ન કર્યાં તે જાણે મારી ભૂલ હોય એમ મને લાગે છે.’

સત્યવતીની આંખો ભીની બની રહી.

દેવવ્રત સત્યવતીની મનોવેદનાથી દ્રવી ઊઠ્યો. તેણે પ્રશ્ન કર્યો, ‘મા, મને તો જણાવો, પિતાજી સાથેના લગ્ન માટે હવે તમને પસ્તાવો કેમ થાય છે?’

‘શું જણાવું ભીષ્મ ?’

‘જણાવો, શક્ય હશે તો તમારો ભીષ્મ તમારી મનોવેદના દૂર કરવા પ્રયત્ન કરશે.’

‘પણ તારો પ્રયત્ન સફળ નહિ થાય.’ વ્યથાપૂર્ણ સ્વરે સત્યવતીએ કહ્યું ને ઉમેર્યું, ‘મારી ભૂલનું પરિણામ આજે મારા દીકરાઓને ભોગવવું પડે છે !’

‘ના. મા, ના !’ સત્યવતીની ભારોભાર વ્યથાને શાંત કરવા પ્રયત્ન કરતાં ભીષ્મ બોલ્યો, ‘તમે મને ભીષ્મ કહો છો ને મા ? તો તમારા ભીષ્મ પર પણ તમને વિશ્વાસ નથી? તો મારા ભાઈઓ શું ભોગવી રહ્યા છે કહો તો ખરાં ?’

‘શું કહું ભીષ્મ ?’ મનોવ્યથાની વેદનાને શાંત કરવાનો પ્રયત્ન કરતી સત્યવતી બોલી, ‘ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય બન્ને પુખ્ત વયના છે. ચિત્રાંગદ ગાદી પર બેઠો છે, છતાં તેમનું જાણે કોઈ સ્થાન ન હોય, કોઈ મહત્ત્વ ન હોય એવો જ વ્યવહાર હું જોઈ રહી છું. તેની વ્યથાથી સતત પિડાઉ છું.’ ને પૂછ્યું, ‘ભીષ્મ, તેમાં તમે શું કરી શકો ? જેવા તેમનાં નસીબ!’

‘મા, આવું ન બોલો !’ દેવવ્રત પણ સત્યવતીની વેદનાભરી વાણીથી દ્રવી ઊઠ્યો હતો. તેણે કહ્યું, ‘ભાઈઓના નસીબમાં ઊણપ શી છે એ તો કહો ?’

‘તમે શું કરી શકશો ? તમારા પ્રયત્નો પણ ક્યાં સફળ થયા હતા ?’ સત્યવતી હવે હળવે હળવે દેવવ્રત સમક્ષ દિલના દ્વાર ઉઘાડી પોતાની મનોવ્યથાને વાચા આપવાના પ્રયત્ન કરતી હતી ને પૂછ્યું, ‘પેલો રાજન્‌ તમારી સમક્ષ તેની દીકરી માટે માગું કરવા આવ્યો હતો ને તમે નિશ્ચયપૂર્વક ના ભણતાં પડખે બેઠેલા બે ભાઈઓ વિષે નિર્દેશ કર્યો હતો, પણ પેલેા રાજન્, તમારો જવાબ સાંભળ્યા પછી ઊભો થયો પણ તમારા ભાઈઓ પ્રતિ દૃષ્ટિપાત ફેંકી નહિ.’ ને દિલનો બળાપો ઠાલવી રહી, ‘તેણે તેમને જોયા જ ન હોય એમ ચૂપચાપ વિદાય થયો.’

‘જેવી તેની ઇચ્છા, મા ! આપણે શું?’ દેવવ્રતે આખીય ઘટનાને હળવાશભરી વાણીમાં કહ્યું.

‘ના, આપણે જ ઘણું છે.’ ઉગ્રતાથી સત્યવતી બોલી ને પૂછ્યું, ‘તમારા બંને ભાઈઓની આવી ઘોર અવગણના બરદાસ કેમ થાય ?’ સત્યવતી જાણે દેવવ્રતનો જવાબ માંગતી હોય એમ બોલી.

‘તો વિદાય થતાં રાજનનું કાંડું પકડીને કહેવું જોઈતું હતું કે, આ મારા ભાઈઓ પ્રતિ નજર નાખ્યા વિના ક્યાં જવું છે? એમ કહો છો. મા?’ દેવવ્રતે જવાબ દીધો. એના શબ્દોમાં સત્યવતીના પ્રશ્ને જગાવેલા દુઃખનો ભાવ પણ હતો.

સત્યવતીને તરત જ પોતાની ભૂલ સમજાઈ. તેણે સિફતપૂર્વક ભૂલ સુધારવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘ના, ભીષ્મ ના, તમે શા માટે તેનું કાંડું પકડો, પણ તમે જ્યારે નન્નો ભણતા હતા ને તમારા બે ભાઈઓ વિષે તેને જણાવ્યું ત્યારે તેણે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય વિષે તપાસ તો કરવી જોઈએ ને ? આખરે તેઓ પણ ભીષ્મના બાંધવો તો છે ને ? શાન્તનુના જ બાળકો છે ને?’

‘ખરું, પણ તેની મૂર્ખતા વિષે આપણે શા માટે બળાપો કાઢવો જોઈએ, મા ?’ દેવવ્રતે આશ્વાસન દેતાં કહ્યું, ‘જેવી તેની બુદ્ધિ ! આપણે શું કરવાના હતા ?’ ને પછી ઉમેર્યું, ‘તેને સાત વાર ગરજ હોય તો આવે નહિ તો જાય તેને ઘેર. આપણે શું?’

‘ના, ભીષ્મ ના. તેને ગરજ ખરી પણ સાથે આપણેય ગરજ તો છે જ ને ?’ સત્યવતી કહી રહી ને ઉમેર્યું, ‘ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય હવે જુવાન થયા છે. તેમના લગ્નનો પ્રશ્ન પણ આપણા માટે આવશ્યક તો છે જ ને?’

હવે માની મનોવ્યથાનો તાળો ભીષ્મ પામી રહ્યો. સત્યવતીની ચિંંતા ઉદાસીનતાનું કારણ પણ તને હવે બરાબર સમજાયું. તેને માટે માંગણી કરતાં નિરાશાથી પાછા ફરતાં પણ ચિત્રાંગદ કે વિચિત્રવીર્યને કોઈ પૂછતું પણ ન હતું. એ હકીકત પણ હવે તેને બરાબર સમજાઈ.

‘મા, આટલી વાતમાં તમે દુઃખી શા માટે થાવ છો ?’ દેવવ્રત બોલ્યો.

‘તો. શું કરું ભીષ્મ ?’

‘ભીષ્મ બેઠો છે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રશ્ન પરત્વે ચિંતા કરવાની જરૂર નથી, મા !’

‘પણ આ વાત તમને શી રીતે કહેવાય ?’

‘કેમ ન કહેવાય ? મારા બંને ભાઈઓના લગ્ન થાય તેને વિષે મારે પણ વિચારવું તો જોઈએ જ ને ? હું તેમનો મોટોભાઈ નથી ?’

‘મોટાભાઈ તો ખરા જ ને ? પણ કાંઈ કોઈના બારણે તમારા ભાઈ માટે કન્યાની ભિક્ષા માંગવા જવાના હતા ?’

‘ભિક્ષા શા માટે માંગવી પડે, મા ?’

‘તો તમારા માટે આવનારા, તમારો નન્નો સાંભળીને પાછા ફરે છે. તમારા બે ભાઈઓ છે તે તેઓ જાણતા તો હશે જ ને? જો કુરુવંશમાં તેમની દીકરી દેવી હોય તો તમારા ભાઈને માટે માંગણી ન કરે?’ સત્યવતીના શબ્દોમાં પોતાના દીકરાઓની થઈ રહેલી અવગણના માટે ભારે દુઃખ હતું. તેણે દિલની વેદના ઠાલવતાં કહ્યું, ‘તમે ગંગામાના દીકરા ને આ બે ભાઈઓ માછણના પેટે જન્મ્યા છે એટલે તેમના પ્રતિ નજર નાખતાં લોકો અચકાય છે ને!’

‘ના, મા, ના. આવા હલકા વિચારો શા માટે કરો છો? હું શાન્તનુનો દીકરો છું તો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય શાન્તનુના દીકરા નથી? પછી ભેદભાવ કેમ હોઈ શકે ?’

‘તમે કહો છો ને ? બીજા તો એમ જ માને છે ને ? માટે અહીં આવ્યા પછી એ ભાઈઓ પ્રતિ નજર નાખ્યા વિના જ લોકો પાછા ફરે છે ને?’

‘તો હવે ?’

‘હવે શું ? જેવા એમના નસીબ !’ સત્યવતી દુઃખના બોજ નીચે દટાઈ ગઈ હોય એમ બોલી રહી, ‘કોઈ માછી કન્યાની જરૂરત હોત તો તરત જ વ્યવસ્થા કરું પણ કુરુવંશનું એવું ઘોર અપમાન મારાથી કેમ થાય ?’ સત્યવતી સાડીના પાલવડે ભીની આંખો સાફ્ કરતાં કહી રહી, ‘કુરુવંશની વેલ પાંગરશે જ નહિ તેની પણ ચિંતા તો થાય જ ને?’

કુરુવંશની વેલ અટકી પડવાની સત્યવતીએ વ્યક્ત કરેલી ભીતિ દેવવ્રતના દિલને પણ સ્પર્શી ગઈ હતી.

‘તમે તો લગ્ન કરવાના નહિ ને તમારા બે ભાઈઓને કોઈ દીકરી દેવા તૈયાર નથી પછી કુરુવંશનું શું?’ વિચાર ચકરાવે ઘૂમતાં દેવવ્રતના મનોપ્રદેશમાં સત્યવતીએ પ્રશ્ન મૂક્યો.

દેવવ્રત ગંભીર વિચારણામાં ગરક હતો.

હજી પણ સત્યવતી તેને સંભળાવતી, ‘તમે પણ જવાબદાર તો ખરા જ ને ? હું તો જવાબદાર છું જ. મહારાજા સાથે મારે લગ્ન કરવા જોઈતા ન હતા, પણ ત્યારે પ્રેમમાં અમે બન્ને ભાવિ વિષે કાંઈ વિચારી શકતાં ન હતાં. પ્રેમમાં પાગલ બનેલાઓ ભાવિની કોઈ જ ચિંંતા કરતા નથી. પણ તમે ? તમે શા માટે મારા બાપની માંગણીનો સ્વીકાર કર્યો? તમે જો મહારાજાની જેમ મારા બાપની માંગણીનો સ્વીકાર ન કર્યો હોત તો આજની સ્થિતિ પેદા થઈ ન હોત.’

‘તો મારા પિતા પ્રાણત્યાગ કરત !’ દેવવ્રતે જવાબ દીધો ને ઉમેર્યું, ‘પિતા પ્રાણત્યાગ કરે તેના કરતાં દેવવ્રત તમારા બાપની માંગણીનો સ્વીકાર કરે એ વધુ આવશ્યક હતું ને જે આવશ્યક હતું તેનો મેં અમલ કર્યો.’

‘એટલે તમે પિતૃભક્તિ અમલમાં મૂકી, મહારાજાને મનગમતી યૌવના મળી, માત્ર મને જ ચિંંતા મળી એમ જ ને’ સત્યવતીની માનસિક પીડા અસહ્ય હતી.

‘પણ તમે ચિંંતા શા માટે કરો છો કહો તો ખરાં મા?’ દેવવ્રત ગમભર્યાં સ્વરે પૂછતો હતો, ‘તમારી ચિંતા દૂર કરવા હું તૈયાર છું. ગમે તે જોખમ હશે તેની પરવા નથી.’

‘ચિંંતા તો આ બે ભાઈઓની છે. બંને મોટા થયા છે. તારા માટે કન્યાના પિતાઓ દોડતા આવે છે પણ મારા દીકરાના કોઈ ભાવ પણ પૂછતા નથી.’ આખરે સત્યવતીએ સ્પષ્ટતા કરતાં પૂછ્યું, ‘તમે શું કહો ? જ્યાં કન્યાના બાપ જ નજર માંડતા ન હોય ત્યાં ? તમે તો બે ભાઈઓ વિષે ઈશારો પણ કર્યો હતો.’ બોલતાં સત્યવતી દ્રવી ઊઠી. તેની આંખ ભીની થઈ. માની મનોવેદના જાણતાં દેવવ્રત પણ ગમગીન બન્યો. તેને પણ માની ચિંતા સકારણ લાગતી હતી, પણ માની કલ્પના તેને ગમતી ન હતી. મા ભલે માછીમારની દીકરી હોય પણ તે મહારાજા શાન્તનુની પત્ની જ છે. તેનું મહત્ત્વ એ રીતે જ સમાજમાં હોવુ જોઈએ. દેવવ્રત વિચારતો હતો ને તેણે મનોમન સત્યવતીની ચિંતા દૂર કરવાનો નિર્ણય કર્યોં.

‘મા, તમે હવે સંપૂર્ણપણે ચિંતામુક્ત થાવ. હવે મારા બે ભાઈઓના લગ્નની જવાબદારી મારા માથે.’ તેણે જ સત્યવતીને વિશ્વાસ દેતાં કહ્યું.

‘તમે શું કરશો ? દીકરીઓના બાપને ત્યાં ટહેલ નાખશો?’ સત્યવતી પૂછી રહી ને ગંભીરતાપૂર્વક બોલી, ‘ના, હસ્તિનાપુરનો રાજવી સામા પગલે કોઈને ત્યાં એની દીકરીનું માગું કરવા જાય એ બરાબર નથી.’

‘માગું કરવા શા માટે જાઉં?’ દેવવ્રતે પૂછ્યું,

‘તો શું કરશો ?’ સત્યવતી જાણવા માગતી હતી. તેને અત્યાર સુધીના અનુભવે એટલું તો સમજાઈ ગયું હતું કે કોઈ રાજવી ચિત્રાંગદ કે વિચિત્રવીર્યને તેની દીકરી દેવા તૈયાર નહિ જ થાય. ને અફસોસ કરતાં બોલી, ‘આખરે તેમની મા માછીમારની દીકરી છે ને ?’

સત્યવતીના મનની નિરાશા દૂર કરવા દેવવ્રતે જુસ્સાપૂર્વક જવાબ દીધો : ‘મા, દેવવ્રતના કાંડા-બાવડામાં તાકાત છે. હસ્તિનાપુરની પ્રતિષ્ઠા પણ છે, એટલે આ દેવવ્રત તેના કાંડા-બાવડાની તાકાતથી તેના બે ભાઈઓ માટે યૌવનાઓ મેળવી લેશે. તમે વિશ્વાસ રાખો, મા!’

‘વિશ્વાસ તો છે, ભીષ્મ.’

‘તો હવે નિરાંતે આરામ કરો !’

‘ખરું, પણ જરા મને કહેતો ખરો કે તું શું વિચારે છે ?’

દેવવ્રતે સત્યવતીને વિશ્વાસ દેવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘જુઓ મા વર્ષો પહેલાં કાશીરાજ તેની દીકરી દેવવ્રતને દેવા પિતા પાસે આવ્યા હતા, પણ ત્યારે કાશીરાજે હસ્તિનાપુરની તુલનામાં ઊભા રહે તેમ ન હતું. પિતાજી તેમના સમોડિયાની શોધમાં હતા એટલે કાશીરાજને તેમણે ના ભણી—’

વચ્ચે જ સત્યવતી બોલી ઊઠી, ‘તો હવે ? હવે શું?’

દેવવ્રતે જવાબ દીધો, ‘હમણાં કાશીરાજે તેની ત્રણ દીકરીઓનો સ્વયંવર રચ્યો છે. તે માટેનું કોઈ આમંત્રણ કાશીરાજે હસ્તિનાપુરને દીધું નથી.’ બોલતાં બોલતાં દેવવ્રત ઉશ્કેરાટમાં આવી ગયો ને જુસ્સાભરી વાણીમાં હાથ વીંઝતા બોલ્યો : ‘હસ્તિનાપુરના આ અપમાનનો બદલો લેવા હું ક્યારનો વિચારતો હતો.’ પછી વિસ્તૃતપણે પોતાની યોજના સમજાવતાં બોલ્યો, ‘આમ તો કાશીરાજના અપમાનનો બદલો લેવા તેના પર હુમલો કરવા વિચારતો હતો. ચિત્રાંગદ સાથે વાત કરવા માંગતો હતો, પણ હવે હુમલાનો ખ્યાલ પડતો મૂકું છું.’

‘એટલે તમે બદલો લેવાની વાત મૂકી દીધી ?’

‘ના મા, ના! હસ્તિનાપુરનું અપમાન હું કદી પણ બરદાસ કરી શકું તેમ નથી, પણ હવે લશ્કરી તાકાતથી બદલો લેવાની જરૂર જણાતી નથી.’

‘તો શું કરશો?’

‘કાશીરાજે યોજેલા તેની દીકરીઓનાં સ્વયંવરમાં હું જાતે જઈશ.’

‘વગર નિમંત્રણે ?’

‘હા, પણ મારું પરાક્રમ શોભી ઊઠશે, મા !’

‘શું કહો છો કાંઈ સમજાતુ નથી.’

‘જુઓ મા, સ્વયંવરમાં તેની ત્રણે રાજકુમારીઓ ઉપસ્થિત હશે, ને લગ્નોત્સુક રાજકુમારો પણ હશે. બરાબર એ જ વખતે હું ત્રણે રાજકુમારીઓનું અપહરણ કરીશ. મારા સાથીઓ સ્વયંવરમાંથી ત્રણે રાજકુમારીને ઉઠાવી જશે, ને હું સૌનો મુકાબલો કરતો ઊભો રહીશ. ત્રણે રાજકુમારી સલામત રીતે હસ્તિનાપુર પહોંચી જશે પછી હું પાછો ફરીશ.’

દેવવ્રતની યોજના વિષે સાંભળતા સત્યવતી તો ક્ષણભર આશ્ચર્યમાં ડૂબી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. દેવવ્રતની પ્રચંડશક્તિની મનોમન પ્રશંસા પણ કરી રહી.

‘ધન્ય, ગંગાપુત્ર ધન્ય.’ એકદમ ઊભી થઈ દેવવ્રતનો હાથ પકડી તેને ચૂમી લેતાં સત્યવતી બોલી, ‘ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને તમારા જેવો ભાઈ મળ્યો એ તેમનું કેટલું સદ્ભાગ્ય ?’ ને હર્ષ ઘેલી બની રહી.

‘હવે વિશ્વાસ બેઠો મા ?’ સત્યવતીના ચહેરા પરની હંમેશની ગહરી ઉદાસીનતા અદૃશ્ય થઈ, એ જોઈ દેવવ્રતે પણ સંતોષપૂર્વક પ્રશ્ન કર્યો.

‘હા, ભીષ્મ. તારા વિશ્વાસે તો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય ઊભા છે. ગાદી પર ભલે મારો ચિત્રાંગદ હોય પણ રાજ્યની ધૂરા તમારે હાથ છે ને ભાઈ? પછી મને વિશ્વાસ કેમ ન હોય.’ પણ

સાથે જ ચિંતાભર્યો પ્રશ્ન કર્યો.

‘તમને કાંઈ થાય નહિ તે જોજો.’

‘મા, મને કાંઈ થવાનું નથી તેની ખાતરી રાખજો.’ દેવવ્રતે સત્યવતીની ચિંતા દૂર કરવાના પ્રયત્ન કરતાં કહ્યું. ‘સ્વયંવરમાં ઉપસ્થિત રાજકુમારો યુદ્ધની તૈયારી સાથે તો નહિ જ આવ્યા હોય ને? રાજકુમારી પોતાને પસંદ કરે તેવી ઉમેદથી આવ્યા હશે, ઠાઠમાઠથી બેઠા હશે, ત્યારે દેવવ્રતના પરાક્રમ સામે તેઓ કઈ રીતે ઊભવાના હતા? એમની પાસે શસ્ત્રો પણ કેટલાં હશે ? કાશીરાજ પણ શું કરવાનો હતો ? તેની લશ્કરી તાકાત જમા થાય તે પડકારે તે પહેલાં તો તેની રાજકુમારીઓ હસ્તિનાપુર પહોંચી પણ ગઈ હશે.’

દેવવ્રત જેમ જેમ જુસ્સાભરી વાણીમાં પોતાની યોજના સત્યવતી સમક્ષ પેશ કરતો હતો, તેમ તેમ સત્યવતીના હૈયામાંનો હરખ છલકાતો હતો. એના રોમેરોમ ઉત્તેજના અનુભવતા હતા.

‘શાબાશ, ભીષ્મ શાબાશ.’ સત્યવતી બોલી ઊઠી. ‘હસ્તિનાપુરની તાકાતનું પણ એમાં દર્શન જ હશે ને?’

‘હા, મા. હસ્તિનાપુરની અવગણના કરનારને કેવી સજા થાય છે તે પણ લોકો ભલે જુએ.‘ દેવવ્રત પણ પુલકિત હૈયે બોલતો હતો. ગૌરવથી તેની ગરદન ઊંચી થઈ ગઈ હતી.

દેવવ્રત વિદાય થયો ને સત્યવતી તેની પૂંઠ પાછળ આશાભરી નજર નાખી રહી. તેની દૃષ્ટિમર્યાદામાંથી દેવવ્રત દૂર થતાં તેનો મનોવ્યાપાર વધી પડ્યો.

દેવવ્રત વિષે જ તે વિચાર રમણે ચઢી હતી. ગંગાપુત્રની પિતૃભક્તિ, પિતાના સુખ માટે પોતાના હક્કોનો ત્યાગ, પોતાના જીવન સુખનો પણ ત્યાગ કર્યો. તેના માટે સર્વસ્વના વિનાશનું કારણ બનનારી માછીમારની દીકરીના સંતાનો પ્રત્યે પણ ઉદાર વલણની તે મનોમન મુક્ત હૈયે પ્રશંસા કરતી હતી. તેને યાદ આવ્યું જ્યારે ગંગાએ દેવવ્રતનો હવાલો તેના પિતાને સુપ્રત કર્યો ત્યારે તેણે દેવવ્રત વિષે જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે જાણે અક્ષરે અક્ષર સાચી પડતી હતી.

ગંગાએ શાન્તનુને કહ્યું હતું, ‘રાજન્, આ મારો દીકરો કુરુવંશની પ્રતિષ્ઠા વધારશે એટલું જ નહિ તે અમર બની જશે.’

સત્યવતી પણ ઉલ્લાસભર્યાં વદને બોલી ઊઠી, ‘જરૂર ભીષ્મ અમર બની જશે.’