લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૮

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૭ પિતામહ
પ્રકરણ ૮
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૯ →






 


‘મા, ઓ મા! તમે ક્યાં છો? આ તમારી પુત્રવધૂઓને વધાવી લો.’ ત્રણે રાજકુમારીઓને લઈને સત્યવતીના ભવનમાં પ્રવેશ કરતાં દેવવ્રતે સત્યવતીને ઉત્સાહભેર સાદ દીધો. તેને પાછા ફરવાની ઉતાવળ હતી. કાશીરાજે તેની ત્રણ રાજકુમારીઓ માટે યોજેલા સ્વયંવરમાંથી ત્રણેનું અપહરણ કરીને હસ્તિનાપુર તરફ પાછા ફરતાં તેની પાછળ શાલ્ય સૈન્ય સાથે દોડી રહ્યો છે, તેની જાણ થતાં ત્રણે રાજકુમારીઓ માને સુપ્રત કરી દેવાની ઉતાવળમાં હતો. શાલ્યનો સામનો કરવા પાછા ફરવાની ઉતાવળ હતી.

દેવવ્રતનો ઉત્સાહભર્યો સાદ સાંભળતાં સત્યવતી હર્ષભરી દોડી આવી. તેની સમક્ષ ત્રણ રાજકુમારીઓ ઊભી હતી. ત્રણે પ્રત્યે ઉલ્લાસભર્યો દૃષ્ટિપાત કરી રહેલી સત્યવતીને દેવવ્રત કહેતો હતો, ‘તમે હવે લગ્નની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું શાલ્યનો મુકાબલો કરી પાછો આવું છું.’

સત્યવતી કંઈ પણ કહે તે પહેલાં દેવવ્રત ઉતાવળા પગલે પાછો ફર્યો. શાલ્ય હવે આવી જ પહોંચ્યો હશે તેવી તેની ગણતરી હતી. તેણે પોતાના સૈન્યને તો શાલ્યનો સામનો કરવા પાછળ રહેવા દીધું હતું. શાલ્યને પોતાની તાકાત બતાવી દેવા દેવવ્રત પણ ઉત્સુક હતો. પોતાની તાલીમનો પહેલી જ વાર પરચો બતાવવાની તેને તક પ્રાપ્ત થઈ હતી.

માની તેના બે દીકરાના લગ્ન વિષેની ચિંંતાને શાંત કરવા દેવવ્રતે જ્યારે નિર્ણય કર્યો ત્યારે તેની નજર સમક્ષ કાશીરાજ હતો. કાશીરાજે હસ્તિનાપુરની જે અવગણના કરી હતી, તેના બદલો લેવા તેણે સ્વયંવરમાં ઊભેલી ત્રણેય રાજકુમારીઓને હિંમતપૂર્વક ઉઠાવી. દેવવ્રતના આ પરાક્રમથી સૌ ડરી ગયા હતા. પરિણામે દેવવ્રત ત્રણે રાજકુમારીઓને સલામત રીતે લઈને હસ્તિનાપુર પહોંચી ગયો હતો.

શાલ્ય રાજા દેવવ્રતને પડકારતો તેની પાછળ પડ્યો. શાલ્ય રાજાની ત્રણે રાજકુમારીઓ અંબા, અંબિકા અને અંબાલિકા પણ દેવવ્રતના આ પગલાંથી ધ્રૂજી ઊઠી હતી. તેમણે દેવવ્રતને સક્રોધ પ્રશ્ન કર્યો, ‘આપ અમને ક્યાં લઈ જાવ છો?’

ક્રોધાગ્નિમાં સળગતી રાજકુમારીઓને દેવવ્રત હૈયાધારણ દેતાં કહી રહ્યો, ‘તમે હસ્તિનાપુરની મહારાણી બનો છો. મારા ભાઈઓને તમારી જરૂર છે. તમારા ભાગ્યનો સિતારો ચમકી ઊઠશે.’

‘ના, મારે હસ્તિનાપુરની મહારાણી બનવું નથી.’ અંબા બોલી ઊઠી, ‘હું શાલ્ય રાજાના પ્રેમમાં છું ને સ્વયંવરમાં હું તેને જ વરમાળા આરોપવાની હતી.’

‘શાલ્ય રાજાના પ્રેમમાં છો તમે?’ દેવવ્રતે અંબા પ્રતિ ઝીણી નજર નાખતાં પૂછ્યું, ‘તમને હસ્તિનાપુરની મહારાણી થવું ગમતું નથી ખરું ને? શાલ્ય રાજાની રાણી થવું ગમે છે, પણ તેનું મહત્ત્વ શું છે? તમે જાણો છો?’

‘મારે જણવાની કોઈ જરૂર નથી.’ અંબાએ જવાબ દીધો.

દેવવ્રત હવે આ વિવાદને લંબાવવા માંગતો ન હતો, પણ અંબાના કથન પછી તેને ખાતરી હતી કે શાલ્ય રાજા તેની પ્રિયતમાને હાથ કરવા જરૂર પાછળ પડશે જ, એટલે તેણે પોતાના સાથીદારોને વચ્ચે જ થોભવા આજ્ઞા કરી. ત્રણ રાજકુમારીઓને હસ્તિનાપુર પહોંચાડવા રથ દોડાવ્યો. સાથીઓને હિંમત દેતાં કહ્યું, ‘હું તરત જ પાછો ફરું છું.’

અંબાને આશ્વાસન દેતાં દેવવ્રતે કહ્યું, ‘જો તમારી ઈચ્છા હસ્તિનાપુરની મહારાણી બનવાની ન હોય, ને શાલ્ય રાજાને જ પરણવા માંગતા હો તો મારાથી કાંઈ અવરોધ થવાનો હતો ? ભલે તમે શાલ્ય રાજા સાથે લગ્ન કરી શકશો.’

દેવવ્રતના વચનોથી અંબાના દિલમાં આશાનો સંચાર થયો. તેણે પૂછ્યું, ‘તમે મને શાલ્ય રાજા પાસે મૂકી દેશો?’

‘ના, એમ ન થાય. શાલ્ય રાજા તમને લેવા આવશે.’

‘એટલે શાલ્ય રાજા હસ્તિનાપુર આવીને મને લઈ જશે? તમે તેને સંદેશો મેાકલશો?’

‘સંદેશો! શા માટે ? હું જાતે જ તેને લઈ આવીશ.’ દેવવ્રતે જવાબ દીધો.

દેવવ્રતના જવાબથી અંબાના રોમેરોમ પુલકિત થયા. તેણે હર્ષભેર નેનાં નચાવતાં પૂછ્યું, ‘તમે જાતે જઈને તેડવા જશો?’

‘હા, તમારા પ્રેમને ખાતર મારે એટલું તો કરવું જ પડે ને?’ દેવવ્રતે વિશ્વાસ દીધો.

માત્ર અંબાના દિલમાં જ નહિ, પણ અંબિકા અને અંબાલિકાના દિલમાં પણ દેવવ્રત વિષે અહોભાવ જાગ્યો હતો. હસ્તિનાપુરની મહારાણી બનાવવા પોતાને લઈ જનાર દેવવ્રતને તેઓ મનોમન વંદન કરતાં હતાં.

દેવવ્રતે ત્રણે રાજકુમારીઓનો હવાલો સત્યવતીને સુપ્રત કર્યો પછી જ્યારે પાછો ફરી રહ્યો હતો, ત્યારે અંબાએ સહર્ષ પ્રશ્ન કર્યો હતો, ‘શાલ્ય રાજાને તેડી લાવવા જાવ છો?’

‘હા, શાલ્ય રાજાને હમણાં જ તમારી સમક્ષ લઈ આવું છું.’ ઉતાવળા પગલે વિદાય થતાં દેવવ્રતે અંબાના પ્રશ્નનો જવાબ દીધો.

સત્યવતી પણ આમ ઉતાવળા પાછા ફરી રહેલા દેવવ્રતના પગલાં વિષે વિચારતી હતી. તેને ઘણું ઘણું જાણવું હતું, પણ તે પહેલાં તો દેવવ્રત ત્યાંથી વિદાય થયો હતો.

સત્યવતી ત્રણે રાજકુમારીઓ સાથે મહેલમાં આગળ વધી. હવે તેને અંબિકા અને અંબાલિકા જ પોતાના દીકરાઓ માટે પસંદ કરવાની હતી. તેણે એ બંને પ્રતિ નેહભરી નજર નાખી. બંનેના દેહસૌંદર્યથી તે પ્રભાવિત થઈ હતી.

તેણે બંનેના મનોભાવ જાણવા મૂંગી મૂંગી બેઠેલી અંબિકા અને અંબાલિકાની સાથે વાતો કરવા માંડી.

‘તમને હસ્તિનાપુરની મહારાણી થવાનું ગમશે તો ખરું ને ?’ સત્યવતીએ પ્રશ્ન કર્યો. આ પ્રશ્નનો જવાબ આપવાનું બંને માટે આસાન પણ ન હતું. હસ્તિનાપુરમાં તેમણે પ્રવેશ કર્યો ત્યારથી જ તેમના મનોપ્રદેશ પર હસ્તિનાપુરનો પ્રભાવ પડ્યો હતો. સત્યવતીના મહેલના ઠાઠમાઠ અને વૈભવની પણ તેમના મન પર ભારે અસર હતી. જ્યારે સત્યવતીએ તેમની સાથે વાતો કરવા માંડી, ત્યારે તો સત્યવતીનો સ્નેહાળપણાનો ભાવ સ્પષ્ટ રીતે તેમને સ્પર્શી ગયો હતો.

બંને લજ્જાના ભારથી ગરદન જમીન સરસી ઝુકાવી શાંત હતાં, પણ સત્યવતી તેમના મનોઆનંદને જોઈ શકતી હતી. એટલું જ નહિ, પણ અંબા તો શાલ્ય રાજાના પ્રેમમાં હતી, ત્યારે આ બંને કોઈના પ્રેમમાં નથી એટલું પણ તે સમજી ગઈ હતી.

સત્યવતીના પ્રશ્નનો જવાબ દેવાને બદલે અંબિકાએ વળતો પ્રશ્ન કર્યો, ‘અમારું અપહરણ કરનાર દેવવ્રત યુવરાજ છે ને?’

‘ના. દેવવ્રતે યુવરાજપદનો અસ્વીકાર કર્યો હોવાથી તેનો નાનો ભાઈ ચિત્રાંગદ યુવરાજ છે.’ સત્યવતીએ જવાબ દીધો. પછી સ્મિત વેરતાં ઉમેર્યું, ‘તારા લગ્ન ચિત્રાંગદ સાથે થશે.’ ને પૂછ્યું, ‘તને ગમશે ને? કાલે તું મહારાણી બનીશ, તે ગાદી પર બેઠો છે.’

સત્યવતીનો ઉત્સાહ અપાર હતો. પોતાના દીકરા માછીમારની નારીના હોવાથી ક્ષત્રિય રાજા તેમના પ્રતિ દૃષ્ટિ પણ નાખતા નથી. જ્યારે દેવવ્રત ગંગાપુત્ર હોવાથી તે લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા છતાં પણ તેને પોતાની દીકરી દેવા રાજવીઓ દોડા કરે છે, તેનો જે અફસોસ હતો તે હવે દૂર થયો હતો. દેવવ્રત તેના પેટનો દીકરો નથી, પણ પોતાના સંતાનોની તે જે કાળજી રાખતો હતો તેનાથી તેના દિલમાં દેવવ્રત વિષે ભારે આદરભાવ જાગ્યો હતો. મનોમન તે દેવવ્રતની પ્રશંસા પણ કરતી હતી. પોતાના સંતાનોને પણ મોટાભાઈ પ્રત્યે આદરભાવ રાખવાની, તેમનું બહુમાન કરવાની અને તેમની સલાહની અવગણના કદી પણ નહિ કરવાની સલાહ દેતી હતી.

સત્યવતી પાસે બેઠેલી ત્રણ રાજકુમારીઓને જોવા ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની નજર અંબિકા અને અંબાલિકા તરફ જ હતી. તેઓ જાણતા હતા કે, અંબા તો શાલ્યરાજના પ્રેમમાં છે એટલે મોટાભાઈ તેનાં પ્રેમલગ્ન કરાવી દેવા શાલ્યરાજને લેવા ગયા છે.

સૌ શાલ્યરાજ સાથે દેવવ્રત આવી પહોંચે તેની આતુરતાભરી રાહ જોતા હતા. સત્યવતીએ લગ્નની પૂર્વ તૈયારી પણ કરી દીધી હતી.

હવે દેવવ્રત આવે એટલે કાશીરાજની ત્રણે રાજકુમારીઓના લગ્ન પતાવી દેવાના હતા.

‘હજી પણ દેવવ્રત ન આવ્યો ? કેટલો વખત થયો?’ જેમ સત્યવતીના મનમાં પ્રશ્ન ઊઠતો તેમ તેમ અંબાના મનમાં પણ પ્રશ્ન ઊઠતો હતો.

‘કદાચ દેવવ્રત જોડે આવવા શાલ્યરાજ તૈયાર ન પણ હોય, ને અંબાને તેને ત્યાં મૂકી જવા દબાણ કરતો હશે.’

‘પણ તે જાતે આવીને તેની પ્રિયતમાને લઈ જવાની ના કેમ ભણતો હશે?’ અંબાના મનમાં પ્રશ્નો ઊઠતા, ‘કે પછી અપહર્તા અંબા સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા નહિ હોય ?’

આ શંકા સાથે જ તેની વ્યથા વધી પડી. તેને બેચેન જોઈ અંબિકા તેને સમજાવતી હતી, ‘શાલ્યરાજ આવતા હશે. દૈવવ્રત જેવો મહારથી તેને લેવા સામા પગલે જાય ને તે આવવાની ના પાડે જ નહિ.’

‘પણ કેટલો બધા સમય થયો?’ અંબા ચિંતાભર્યા સ્વરે પૂછતી હતી.

તો સત્યવતીની ઉતાવળ પણ વધતી હતી. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય તો અંબિકા અને અંબાલિકા સાથે જ પ્રણયગોષ્ઠિ કરવામાં મશગૂલ હતા, પણ માતાની ઉપસ્થિતિમાં તેમના પ્રણયઉન્માદ પર અંકુશ મૂકવો પડતો હતો.

ચિત્રાંગદે સત્યવતીને પૂછ્યું, ‘હજી મોટાભાઈ ન આવ્યા, કદાચ કોઈ મુશીબત હશે.’ ને પૂછ્યું, ‘અમે અમારા કક્ષમાં જઈએ તો? મોટાભાઈ આવે એટલે અમને બોલાવજે. અહીં બેસી રહેવાનો શો અર્થ છે, મા?’

‘હવે આવતાં જ હશે, ભાઈ !’ સત્યવતી દીકરાઓની ઉતાવળને સમજતી હતી. તે પોતે પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મનોમન અકળાતી હતી, પણ તે લાચાર હતી. તેણે પોતાના કક્ષમાં જવાની ચિત્રાંગદની દરખાસ્તનો અસ્વીકાર કરતાં કહ્યું, ‘પછી અંબા એકલી જ પડે ને? તેને પણ સહવાસ તો જોઈએ ને ? તેની મનોવ્યથા ઘણી જ હશે પણુ શું થાય? જ્યાં સુધી મોટાભાઈ શાલ્યરાજને લઈને આવે નહિ ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ.’ ને બોલી, ‘થોડું મોડું થશે એટલું જ ને ?’

ત્યાં દેવવ્રત આવી પહોંચ્યો. તેની સાથે જ બંદીવાન હાલતમાં શાલ્યરાજ પણ હતો.

તેણે અંબાને કહ્યું, ‘આ તમારો પ્રિતમ.’ હવે તમે લગ્ન કરી લો.

શાલ્યરાજને બંદીવાન સ્થિતિમાં જોતાં અંબા બેભાન બની ગઈ.

ખૂદ સત્યવતી પણ શાલ્યરાજને બંદીવાન હાલતમાં જોતાં હલબલી ઊઠી હતી.

‘ભીષ્મ, શાલ્યરાજને આવી હાલતમાં કેમ લાવ્યા ?’ સત્યવતીએ પ્રશ્ન કર્યો, ‘અંબા સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા નથી, એટલે તમે તેને આમ પકડીને લઈ આવ્યા?’

‘ના, મા, ના! શાલ્યરાજ તો મારી પાછળ પડ્યો હતો. મારા કબજામાંથી કાશીરાજની રાજકુમારીઓને છોડાવી જવા લશ્કર સાથે મારો પીછો કરતો હતો, એટલે તેનો સામનો કરવા માટે પણ ત્રણે રાજકુમારીઓને તમારે હવાલે કરી. તે આગળ વધે એ પહેલાં મારે પહોંચી જવુ પડ્યું. ‘દેવવ્રતે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘પણ હું તેમને હવે મુક્ત કરું છું.’ શાલ્યરાજને બંધનમુક્ત કરતાં તેના ખભા પર મૈત્રીભર્યો હાથ મૂકતાં કહ્યું, ‘રાજન્! તમે હવે હસ્તિનાપુરના મિત્ર છો, નિરાંતે અમારી મહેમાનગતી માણો ને અંબા સાથે લગ્ન પણ કરો.’

બંધનદશામાંથી મુક્ત થતાં શાલ્યરાજને પણ હૈયાધારણ પ્રાપ્ત થઈ. જ્યારે યુદ્ધના મેદાન પર દેવવ્રતનાં પરાક્રમે પરાજીત થઈ, દેવવ્રતનો બંદીવાન બન્યો ત્યારે તેના મનમાં શંકાનાં વાવાઝોડાં ઊઠતાં હતાં. દેવવ્રતે પરાજીત શાલ્યરાજનો પીછો પકડીને તેને બંદીવાન બનાવ્યો હતો. હસ્તિનાપુર પ્રતિ કદમ ઉઠાવ્યા ત્યારે શાલ્યરાજને તેનું ભાવિ અંધકારમય જણાતું હતું. પણ તેની મુક્તિ પછી દેવવ્રતના મૈત્રીભાવથી તેની શંકા નાબૂદ થઈ. દેવવ્રત વિષે તેને ભારે માન પણ થયું.

સત્યવતી પણ દેવવ્રતતા ઉદાર વલણથી પ્રસન્નતા અનુભવતી હતી. તેણે શાલ્યરાજનું સ્વાગત કરતાં કહ્યું, ‘હવે થોડો વિસામો લો, દરમ્યાન ત્રણે બહનોનાં લગ્ન અંગેની વ્યવસ્થા થઈ રહી છે. અંબા સાથેના તમારા લગ્ન પણ અહીં જ થશે.’

શાલ્યરાજ મૂંઝાતો હતો. પોતાને બંદીવાન હાલતમાં જોતાં અંબા બેભાન બની તે જોતાં તેના મનમાં શંકા જાગતી હતી. હવે અંબા તેની સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય ? પોતાને બંદીવાન હાલતમાં જોતાં તેના દિલમાં શાલ્યરાજ પ્રત્યે અણગમો પેદા થયો હશે ? તેના આઘાતે જ તે બેભાન બની હશે.

બેભાન અંબાની તાત્કાલિક સારવાર માટે રાજવૈદને બોલાવ્યો. રાજવૈદ તેની સારવારમાં હતો. સત્યવતી પણ તેની પાસે જ હતી.

દેવવ્રત પણ આ બનાવથી થોડો ચિંંતિત હતો. તે જાણતો હતો કે પોતાના પ્રિતમને બંદીવાન હાલતમાં જોતાં અંબાના દિલ પર ભારે આઘાત થયો હશે, ને તેનાં કારણે જ તે બેભાન બની હશે.

ત્યાં શાલ્ય રાજાએ અંબા સાથેના લગ્નનો ઇન્કાર કરતાં કહ્યું, ‘હું અંબા સાથે લગ્ન કરવા ઈચ્છતો નથી.’ દેવવ્રત કે સત્યવતી તેનાં કારણો જાણવા માંગે તે પહેલાં જ તેણે સ્પષ્ટતા કરી. ‘અપહર્તા સાથે હું લગ્ન કરવા ઇચ્છતો નથી.’

શાલ્યરાજના નિર્ણયની જાહેરાતથી સત્યવતી ને દેવવ્રત જ નહિ, પણ અંબિકા અને અંબાલિકા પણ ધ્રૂજી ઊઠ્યાં. બંને બહેનોએ શાલ્યરાજના નિર્ણય માટે તેનો ઊધડો લેતાં કહ્યું, ‘તમે તો અંબાના પ્રેમમાં છે ને સ્વયંવરમાં પણ અંબાને પામવા જ આવ્યા હતા. તો હવે કેમ પીછેહઠ કરો છો?’

‘કારણ કે અપહર્તા અંબા હવે મને ખપતી નથી.’ શાલ્યરાજે જવાબ દીધો.

તેના જવાબથી દેવવ્રત ઉશ્કેરાઈ ગયો. અંબિકા અને અંબાલિકા સાથે અંબાને પણ ઉઠાવી લાવ્યો હતો, ત્યારે અંબાના શાલ્યરાજના પ્રેમથી તે અજ્ઞાત હતો. વળી પોતાના બે ભાઈઓને ત્રણમાંથી પસંદગી કરવાની તક મળે એ હેતુથી તે ત્રણેને ઉઠાવી લાવ્યો હતો, પણ તેથી તેમના ચારિત્રને કોઈ જફા પહોંચી નથી. તેમને પોતાની બહેનોની જેમ સાથે રાખી હતી, એટલે શાલ્યરાજના જવાબ પોતાની સામેના તોહમત જેવો લાગતો, તે એકદમ ગુસ્સે થઈ ગયો.

શાલ્યરાજ પણ પોતાના જવાબથી દેવવ્રતના ચહેરા પર રોષની જે છાયા પથરાઈ હતી તેથી ભયભીત બન્યો હતો. પોતે જાણતો હતો કે દેવવ્રત સાથેના યુદ્ધમાં પોતે પરાજીત થઈને બંદીવાન હાલતમાં તેને અહીં લઈ આવવામાં આવ્યો હતો, પણ દેવવ્રતની ઉદારતાએ તેને બંદીખાનામાં ધકેલી દઈ તેનું રાજ્ય લઈ લેવાના બદલે તેને મુક્ત કરીને મૈત્રીભાવથી બિરદાવ્યો હતો. પણ હવે કદાચ તેનું જ પુનરાવર્તન થવાની શક્યતા જોતાં તેણે હવે વધુ વાર થોભવાનું મુનાસબ ન માન્યું. દેવવ્રત પોતાની સામેના આક્ષેપનો જવાબ આપે તે પહેલાં પલાયન થવાનું મુનાસબ માન્યું.

દેવવ્રતની રજા લીધા વિના ઘોડેસ્વાર થઈને વિદાય થયો. દેવવ્રત શાલ્યરાજના આ પગલાંથી રોષે ભરાયો હતો, પણ તેનો પીછો કરવાની જરૂર જણાતી ન હતી.

‘તે હરામખોર અત્યાર સુધી પ્રેમનું નાટક જ કરતો હતો ?’ દેવવ્રત સ્વગત બબડ્યો.

અંબિકા અને અંબાલિકા પણ પલાયન થતાં શાલ્યરાજ પ્રતિ તિરસ્કારભરી નજર કરતાં ગર્જી ઊઠી, ‘માટીપગો’ કાયર, ભાગી ગયો!’

રાજવૈદની દવાની અસર ધીમે ધીમે વર્તાતી રહી. બેભાન હાલતમાં પડેલી અંબાનાં અંગોની હલનચલન જોવા મળતી હતી. સૌના મનમાં આશા રમતી થઈ. થોડા સમય પછી અંબા વધુ સ્વસ્થ થઈને બંદીવાન શાલ્યરાજને જોવા તેણે ચોતરફ નજર દોડાવી, પણ ત્યાં શાલ્યરાજ હતો નહિ. તેની આંખો પહોળી થઈ. એ તેની બહેનો પ્રતિ નજર માંડી રહી. એ નજરમાં પ્રશ્ન હતો, શાલ્યરાજ ક્યાં ? અંબિકા અને અંબાલિકા એ ગંભીર વદને, ખિન્ન સ્વરે કહ્યું, ‘દેવવ્રતે તો તેને મુક્ત કર્યો, મિત્ર બનાવ્યો ને તારી સાથે લગ્નની પણ તૈયારી કરવા માંડી. પણ તેણે હવે તારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી ચાલતી પકડી.’

અંબિકા અને અંબાલિકાના વચનોને અંબા વજુદ દેવા તૈયાર ન હોય એમ મોટા સાદે બોલી ઊઠી, ‘ના, ના, મારો પ્રિતમ લગ્ન કરવા કદી ઇન્કાર કરે જ નહિ.’ ને દલીલ કરી, ‘દેવવ્રતના પંજામાંથી મને મુક્ત કરવા તે દોડ્યો જ હશે, ને લડાઈમાં પકડાયો હશે. તેના પ્રેમને હું બરાબર જાણું છું.’

‘તું શું જાણે છે?’

‘તે અંબાને ચાહે છે, અંબા સાથે લગ્ન કરવા તે સ્વયંવરમાં આવ્યો હતો. જો દેવવ્રતે મારું પણ અપહરણ ન કર્યું હોત તો લગ્ન કરવા મને તેના રાજ્યમાં લઈ ગયો હોત.' અંબા શાલ્યરાજના તેના પ્રતિના પ્રેમનું વર્ણન કરતી હતી.

‘પણ તેણે જ તારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કેમ કર્યો, જાણે છે?’ અંબિકા પૂછી રહી.

‘જાણવાની જરૂર નથી, બહેન !’ અંબાએ જવાબમાં કહ્યું ને ઉમેર્યું, ‘તેના પ્રેમને હું બરાબર જાણું છું. તે કદી ના ભણે જ નહિ, પણ દેવવ્રતના ભયથી તે ભાગી ગયો હશે,’ અંબાએ કલ્પના દોડાવી.

‘જો અંબા, હકીકતમાં શાલ્યરાજે અપહર્તા અંબા સાથે હવે લગ્ન કરવાં નથી એવી જાહેરાત કરીને તે પલાયન થયો!’ અંબિકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું ને પોતાનો રોષ ઠાલવતાં બોલી, ‘માટીપગો, કાયર, ખોટા બહાનાં બતાવીને છટકી ગયો !’

અંબિકાની સ્પષ્ટતાથી અંબા થોડીક ક્ષણો વિમાસણમાં પડી હોય એમ ગંભીરતાથી જોઈ રહી.

‘હવે શું કરવા માંગે છે? પાછા જવું છે ? દેવવ્રત તને મૂકી જશે ?’ અંબાલિકાએ તેને સીધો પ્રશ્ન કર્યો.

‘પાછા જવાની હવે જરૂર નથી.’

‘તો તું શું વિચારે છે?’

‘મેં નિર્ણય કરી લીધો છે.’ અંબા બોલી, ‘હું પણ હવે તમારી સાથે જ હસ્તિનાપુરમાં રહીશ.’

‘અહીં કોને પરણીશ ? કોઈ ત્રીજો ઉમેદવાર નથી.’

‘ઉમેદવાર ભલે ન હોય, પણ હું તેને ફરજ પાડીશ.’

‘કોની વાત કરે છે તું?’

‘દેવવ્રતની !’ દંતાવલી વચ્ચે અધરોષ્ઠ દબાવતાં બોલી. બંને બહેનો હાસ્ય વેરી રહી. ‘હસો છો શું?’ બંને બહેનોને હાસ્ય કરતી જોઈ અંબા ખિજાઈ પડીને કહી રહી, ‘જેમ આપણા ત્રણમાં હું મોટી છું, તેમ અહીં પણ ત્રણ ભાઈઓમાં દેવવ્રત મોટા છે. એટલે પસંદગીનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓ જ આપણને ઉઠાવી લાવ્યા છે, એટલે ત્રણની વ્યવસ્થા કરવાની તેમની જવાબદારી પણ છે જ ને?’

‘પણ દેવવ્રતે તો લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તું જાણે છે ખરી?’

‘હા, જાણું છું. લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા તેમને એટલા માટે લેવી પડી હતી કે તેમણે ગાદી પરનો હક્ક છોડી દીધો, પણ સત્યવતીના પિતાને ભય હતો કે દેવવ્રત ભલે હક્ક ત્યાગે તેમના સંતાનો તો હક્ક માટે લડે જ ને? અને આશંકા દૂર કરવા તેમણે લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.’

‘તો હવે દેવવ્રત લગ્ન કરવા કેમ તૈયાર થશે?’

‘શા માટે લગ્ન ન કરે? સત્યવતીના પિતાનો જે ભય હતો એ ભય દૂર કરવા, પોતાના સંતાનોને ગાદી પરનો હક્ક છોડી દેવા તે સમજાવશે. પછી ભય કયાં રહે છે?’ અંબા દલીલ કરતી હતી, પણ તેની બહેનોને તેની દલીલ જચતી ન હતી. તેમણે ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘દેવવ્રત પ્રતિજ્ઞાનો ભંગ કરે તેવી કોઈ જ શક્યતા નથી એટલે તું બીજે નજર દોડાવ !’

 ‘શા માટે બીજે નજર દોડાવું?’ બહેનોની સલાહથી ઉશ્કેરાટમાં આવીને અંબા બોલી રહી, ‘જેણે મારું અપહરણ કર્યું છે તેણે જ હવે જવાબદારી સ્વીકારવી પડશે. પ્રતિજ્ઞાના તૂતને વચ્ચે લાવવાની જરૂર નથી. પ્રતિજ્ઞા જે હેતુ માટે લીધી છે એ હેતુ તો સચવાય છે ને?’ તે વિશ્વાસપૂર્વક કહી રહી. ‘મહારાણી સત્યવતી પણ વાંધો નહિ જ ઉઠાવે.’ ને દૃઢતાપૂર્વક તેનો નિર્ણય દોહરાવતાં બોલી, ‘અંબાનાં લગ્ન દેવવ્રત સાથે જ થશે. દેવવ્રતે અંબા સાથે લગ્ન કરવાં જ પડશે.’

અંબાની દલીલોનો ઉપહાસ કરતાં અંબિકા અને અંબાલિકા મનોમન હસતાં હતાં. દેવવ્રતના નિર્ણયની અડગતા વિષે તેમને ભારે વિશ્વાસ હતો. તેઓ માનતાં હતાં કે જો દેવવ્રત નિર્બળ હોત કે લાલચું હોત તો પિતાના અવસાન પછી પોતાના હક્કની ગાદી પર ચિત્રાંગદનો કદી રાજ્યાભિષેક તેમણે કર્યો જ ન હોત. પણ, હવે અંબા સાથે અકારણ જીભાજોડી કરવાની ઇચ્છા ન હતી. તે શાંત થઈ, પણ શંકાનાં જાળાં ઓ મનની દીવાલ પર જામતાં જ હતાં. દેવવ્રત સમક્ષ અંબા તેની સાથે લગ્ન કરવાની દરખાસ્ત મૂકશે, ને દેવવ્રત તેનો ઇન્કાર કરશે ત્યારે બંને વચ્ચે ભારે જંગ જામશે. અંબાના સ્વભાવથી બંને બહેનો પરિચિત હતી.

‘હવે જોઈએ, પરિસ્થિતિ કેવી ઊભી થાય છે તે?’ બંને મનમાં વિચારતી હતી.

જ્યારે અંબિકા અને અંબાલિકા લગ્નમંડપમાં ઉપસ્થિત થઈ ત્યારે, એકદમ રોષમાં અંબા દેવવ્રતને પૂછી રહી, ‘આપણાં લગ્ન માટેની શી વ્યવસ્થા છે?’

દેવવ્રત પણ અંબાના પ્રશ્નથી થોડો સમય ગંભીર ચિંતનમાં ગરક થયો. પછી શાંતિથી અંબાને જવાબ દીધો, ‘મેં તમને લગ્ન કરવાનું કોઈ વચન દીધું નથી. પછી આપણાં લગ્નનો પ્રશ્ન ઊભો થતો નથી.’

‘તમે વચન દીધું નથી એ ખરું, પણ તમે ત્રણ રાજકુમારીઓને ઉઠાવી લાવ્યાં છો. બેનાં લગ્નની વ્યવસ્થા કરી, પણ ત્રીજીની વ્યવસ્થા કેમ ન કરી ?’ અંબાએ પ્રશ્ન કર્યાં, ‘બે બહેનો જો તમારા ભાઈઓ સાથે લગ્ન કરતી હોય તો ત્રીજી બહેન ત્રીજા ભાઈ સાથે જ લગ્ન કરે ને? તમે જેમ મોટા છો, તેમ હું પણ ત્રણ બહેનોમાં મોટી છું એટલે આપણી જોડી સરખી બનશે.’

દેવવ્રત શાંત હતો. અંબાના ઉશ્કેરાટની જરા પણ અસર તેના પર થઈ ન હતી. સંપૂર્ણ શાંતિથી, મલકતાં મુખે તેમણે અંબાના પ્રશ્નનો જવાબ દેતાં કહ્યું, ‘અંબા તારી દલીલમાં જો મારે પ્રતિજ્ઞા ભંગ થવું હોય તો જરૂર જોર છે, પણ દેવવ્રત તેની પ્રતિજ્ઞાનો ભંગ કરવા કોઈ પણ દલીલનો સ્વીકાર કરી શકે જ નહિ.’ ને ઉમેર્યું, ‘જોયું નહિ ? પ્રતિજ્ઞાના પાલન અર્થે મેં ગાદી પરના મારા હક્કને સ્વેચ્છાપૂર્વક ત્યાગ કર્યો, તો એ ગાદીના પ્રશ્નને હવે ઉકેલવાની જરૂર નથી.’ ને દૃઢતાપૂર્વક કહ્યું, ‘દેવવ્રત તેની પ્રતિજ્ઞામાંથી કદી પણ પીછેહઠ કરવા તૈયાર નથી.’ ને સ્પષ્ટપણે તેને સંભળાવી દીધું, ‘હું કદી પણ લગ્ન કરવાનો નથી. મારી પ્રતિજ્ઞામાં હું ગમે તેમ કપરા સંજોગોમાં પણ પીછેહઠ કરવા માંગતો નથી એટલું તું સમજી લેજે.’

દેવવ્રતના શાંત, સ્વસ્થ ચિત્તે અપાયેલા જવાબે અંબાને સળગાવી દીધી. તેના રોમ રોમ સળગી ઊઠ્યા હતા. તેના મનમાં દેવવ્રતના ઇન્કારે આગ પેટાવી હતી.

‘તો અંબા પણ દેવવ્રત વિના બીજા કોઈની પત્ની બનશે નહિ, એ પણ તમે જાણી લો.’ અંબાનાં અંગો ક્રોધથી ધ્રૂજતાં હતાં.

અલબત્ત, અંબાની આ પ્રતિજ્ઞાથી દેવવ્રત થોડો હલબલી ઊઠ્યો હતો. કાશીરાજના સ્વયંવરમાંથી ત્રણે બહેનોને ઉઠાવી લાવવામાં પોતે ઉતાવળ કરી છે, તેમ પણ તેને હવે સમજાતું હતું. એટલે તો તેણે શાલ્યરાજને પરાજય આપ્યા પછી નાસી જતો અટકાવીને તેને પોતાની સાથે હસ્તિનાપુર લાવ્યો હતા. તેની કલ્પના સુંદર હતી. ત્રણે બહેનોનાં લગ્ન સાથે જ થશે. પરિણામે તેમનું મનદુઃખ પણ હળવું થશે, પણ તેની કલ્પના પર શાલ્યરાજે અપહર્તા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરીને ઘા કર્યો હતો. એમાં પોતાના વિષે પણ ગંદો આક્ષેપ હતો, છતાં પણ પલાયન થતા શાલ્યરાજને અટકાવી, ફરીથી યુદ્ધનું મેદાન બતાવવાની તેની ઇચ્છા ન હતી.

‘તો શુ કરશો ?’ દેવવ્રતે પ્રશ્ન કર્યો ને સલાહ પણ દીધી. ‘તમારી ઇચ્છા હોય તો તમે તમારી બે બહેનો સાથે અહીં હસ્તિનાપુરના મહેલમાં રહી શકો છો.’

‘શા માટે અહીં રહું? લોકોની નજરમાં હું હલકી પડવા ઈચ્છતી નથી. સમજ્યા ?’

‘સમજ્યો નથી અંબા? તમે જિંદગી કઈ રીતે જીવશો ? ફરીથી પિતાના આશરે જશો?’

‘પિતાનો આશરો હવે ન હોય.’

‘તો કોના સહારે જીવશો?’

‘સહારો તો શોધ્યો હતો ભડનો, પણ એ દેખીતો ભડ કાયર, ડરપોક, કંગાલ નીકળ્યો.’ અંબા દેવવ્રતને ઉના ઉના ડામ દઈ રહી હતી.

દેવવ્રત જરા પણ ઉશ્કેરાતો ન હતો. અંબા જ્યારે તેના વિષે પ્રલાપ કરતી હતી, હલકા શબ્દો ઉચ્ચારતી હતી ત્યારે દેવવ્રત હિમ શો ઠંડો, શાંત, સ્વસ્થ હતો. અંબાના ઉશ્કેરાટને હવે વધુ ઉત્તેજિત નહિ કરવાના ઇરાદે તે શાંત હતો.

‘હું તારા અપમાનના બદલો જરૂર લઈશ દેવવ્રત !’ અંબાએ ક્રોધાવેગમાં ધ્રૂજતા ધ્રૂજતા ધમકી દીધી.

‘જરૂર બદલો લેજો.’ દેવવ્રત સંપૂર્ણ શાંત હતો. શાંતિથી અંબાને જવાબ દેતાં કહ્યું; ‘મને ત્યારે કોઈ અફસોસ નહિ થાય. હું તેનો પ્રતિકાર પણ કરીશ નહિ એવો વિશ્વાસ દઉં છું હવે.’ તેણે પૂછ્યું, ‘બદલો લેવાની ધમકીની દેવવ્રત પર કોઈ જ અસર ન હતી. એક અંબા બદલો કઈ રીતે લઈ શકવાની હતી ?’ તેની સાથે ભવિષ્યમાં પણ અથડામણમાં આવવાની કોઈ જ શક્યતા તત્કાળ દેખાતી ન હતી, એટલે તેણે અંબાના ઉશ્કેરાટને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

‘સમયની રાહ જોજો દેવવ્રત, અંબા તેના વચનો સમય આવે સિદ્ધ કરી બતાવશે ત્યારે તમારો કોઈ બચાવ પણ નહિ હોય.’ વિદાય થતાં થતાં અંબા છેલ્લા શબ્દો બોલી રહી.

‘ભલે, તમારી ઇચ્છા પૂર્ણ થશે તો મને પણ તેનો આનંદ જ હશે, અંબાદેવી !’

દેવવ્રતે પણ સ્વસ્થતાપૂર્ણ સ્વરે જવાબ દીધો.

અંબિકા અને અંબાલિકા અંબાના ક્રોધભર્યા ચહેરા સામે જોતાં જ રહ્યાં. તેને શાંત થવાની સમજાવવાની હિંમત પણ તેઓ ફરી શકતાં ન હતાં.

બધી જ આંખો ક્રોધાગ્નિમાં સળગતી અંબાની દેહ્યષ્ટિ પ્રતિ મંડાઈ હતી. ધરતી પર જોબનપૂર્વક કદમ લેતી અંબા વિદાય થતી હતી.