પુત્રીવિદાય
પુત્રીવિદાય દામોદર બોટાદકર |
પુત્રીવિદાય
દામોદર બોટાદકર
આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવા આણાં
ઢોલિડાં ઢોલ ઢબૂકતો રે ઘડી રોકજે તારો
ઘાવ ઊંડા ઘટમાં પડે રે નથી વેઠવા વારો
ઘમઘમ ગાજતી ગોંદરે રે આવી વેલડી ઊભી
રોકી શકે નહિ રાંકડી રે જતી મહિયરમોંઘી
ધોરી ધીમે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે
ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે
સાસરવાટ શીલા ભરી રે એને છેક અજાણી
ક્યાંય શીળી નથી છાયડી રે નથી પંથમાં પાણી
લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં
કોણ પળે પળ પૂછશે રે દુખ જોઈ દયાળાં
ઘામ વળે એને ઘૂમટે રે ઝીણાં વીંઝણાં દેજો
પાલવડાંને પલાળતાં રે લૂંછી આંસુડાં લેજો
હૈયાસૂની હબકી જતી રે એને રાખજો રાજી
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી
જોઈ ન જોઈ વહી જતી રે વનપંખણી જેવી
આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી
કાલ્ય અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી
સાચર સાસલ સાસરું રે એનાં નીર તો ઊંડાં
દોડી દોડી કરે ડોકિયા રે મહીં જળચર ભૂંડાં
મીઠા તળાવની માછલી રે પાણી ક્યમ એ પીશે
ઘેરા એના ઘૂઘવાટથી રે મારી બાળકી બીશે