પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ ૫ પુરાતન જ્યોત
પ્રકરણ ૬
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૭ →


[૬]

લાંબી વાર સુધી બેઉ જણાં ચુપચાપ બેસી રહ્યાં. દેવીદાસે જોયું કે અમરબાઈની દ્રષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ ગઈ હતી. ભયનું તે એના રૂંવાડામાં પણ કોઈ નામનિશાન નહોતું.

આખરે દેવીદાસ ઊઠ્યા ને એમણે ઝોળી લઈ જોડા પહેર્યાં.

"મને કાંઈ સતવચન સંભળાવશો?” અમરબાઈએ પહેલી વાર પ્રશ્ન કર્યો.

જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી : “શું સંભળાવું બાઈ ! શાસ્તર હું ભણ્યો નથી. હુંય રઝળતો રખડતો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને


રબારી આદુ કાળથી ગોધન ચારતાં આવેલ છે. તાજાં જણેલા વાછરુને, થાક્યા પાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે. એ જ ધંધો હું અહીં કરી રહેલ છું. રબારીને એ ભગવાને ભળાવ્યો કસબ છે બાઈ ! મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યાં નથી ને !"

ઝોળી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને એણે અમરબાઈને કહ્યું : “બેન, એક વચન માગી લઉં છું.”

“શું ?”

“સાંજે હું રામરોટલા ભીખીને પાછા આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે, વાસીદું કરજે, પણ કઈ રોગીને અડીશ નહીં.”

"કારણ?"

"કારણ હું તને આવીને સમજાવીશ.”

મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્‌નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણા ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફેંકતાં હતાં. ચારે દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ ગઈ હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો ને અટારીઓ કોણ જાણે ક્યા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.

ગરમ લુની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ભીખ્યું. પણ ગામડાં નાનકડાં, વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો એાછાયો લેતાંય હવે તો લોક ડરતાં, એટલે એની ઝોળી હજુ વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉન પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે 'જગ્યા'માં પગ મૂકી 'સત્ દત્તાત્રય'નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા.

"આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે.” દેવીદાસે હાથપગની ધૂળ ધૂતાં ને મોં પર ઝીંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું :

“અમરબાઈ! દીકરી !” દેવીદાસે પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું : “બહાર ત્રણ વાર સાદ નાખી આવીશ? કોઈ મુસાફર, વટેમાર્ગુ, અભ્યાગત, ભૂખ્યું દુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામરાટી જમવા.”

દસબાર રઝળુ બાવાસાધુઓ અમરબાઈને બોલે હાજર થયા. 'જય રામજીકી'ની ઘોષણા થઈ રહી. 'બડા ભગત હે દેવીદાસ ! બડા સાધુસેવક હે ! ભેખમેં તલ્લીન હો ગયા હે' એવા એવા ધન્યવાદ તેઓ બોલતા હતા.

ત્યાં તો પાછલી પરસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈની આંખને સ્થાને ખાડા જ રહ્યા હતા.

પાંચને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યા.

"અમરબાઈ ! બાપ, તું બહાર બેસીને રામરોટીના ટુકડા નોખનોખા પાડી નાખીશ ?”

એમ કહીને એણે બહાર જઈ એક વસ્ત્ર ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા, શાકનાં ફોડવાં વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી. "પીરસો હવે સર્વને,” સંતે હસીને કહ્યું. અમરબાઈ પીરસવા ઊઠ્યાં.

"બાવાજી, તમારામાંથીય કોઈક ઊઠશો પીરસવા ?” દેવીદાસે મુસાફરોને પૂછ્યું.

કોઈ ઊઠ્યું નહીં. સહુની દ્રષ્ટિ દીવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળ-શાં દેખાતાં પેલાં રોગિષ્ઠો ઉપર હતી. દીવાલ ઉપર એ રોગિષ્ઠોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્ય ને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનકતામાં પુરવણી કરતાં હતાં. સાચા કોણ, પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ, તે ત્યાં એક સમસ્યા હતી. મુસાફર સાધુબાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ઠો અમારી સામે તીણી આંખે તાકે છે.

“ત્યારે હરિનાં બાળુડાં !” દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું : “તમારામાંથી કોઈ ઊઠશો? આ દે લોંદો ખીચડી વહેંચી દેશો ?”

પતિયાંઓએ એકબીજાની સામે જોયું. સંત દેવીદાસ સાચે જ શું આપણને પીરસવા કહે છે? કોઈને શ્રદ્ધા નહોતી પડતી.

"ઊઠ ત્યારે શેખા !” સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું : “તું પીરસીશ બચ્ચા?”

શેખો આઠેક વર્ષનો બાળ હતો. જગતે, સગાં માવતરે એને મૂએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યું. એ ઊઠ્યો, એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગાતો ખોડંગતો એ ઊઠ્યો. પણ જે ક્ષણે એણે ખીચડીને પહેલો લોંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલાં મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ. ઊઠીને એ ચાલ્યાં ગયાં હતાં. બહારથી શબ્દો સંભળાતા હતા : “કમજાત ! દેવકે ધામકો ભ્રષ્ટ કરનેવાલા !”

પંગત પર બાકી રહ્યાં આટલાં જ જણાં : દેવીદાસ અને પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું : “બેન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે.”

અમરબાઈ પરસાળમાં ચાલી ગઈ.

આરોગીને સહુ ઊઠ્યાં. રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠાં.

"બેન !” ધીરે સ્વરે સંતે સમજ પાડી : “પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને ખબર, પહેલી ફાળ દેતાં પગ મચકાણો ! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા ! માટે બાઈ, વધુ નહીં, છ જ મહિના ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાને ખેાળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠહેરી જા.”

"ત્યાં સુધી શું કરું ?”

"ઝોળી લઈ ટે'લ કરીશ ?”

થોડી ઘડી અમરબાઈને થડકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી. ગામેગામ ભિક્ષા માગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે : આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ બની ગઈ ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ સાસરિયાનો ભય તે તોળાઈ જ રહ્યો છે.

પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે. અમરબાઈને પણ ત્રાજવામાં તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મને રોકી નથી રાખીને ? વૈરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકસી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં.

આ તો અગ્નિસોંસરા નીકળવાનું હતું. 'જોગમાયા' કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.

“અમરબાઈ બેટા,” સંતે પૂછી જોયું: "કેટલી અવસ્થા થઈ?"

“વરસ વીશની.”

"કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે ?"

"કદી નહીં. અમારું ખોરડું પૂજાતું.”

"એ જ વિપદની વાત બની છે દીકરી ! ઘણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફટકિયું? ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુઃખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઈજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત."

મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.

મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠે બેઠે પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં : એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા. અક્ષરો ન ઉકેલી શકાયા.

સંતે ખીંટીએથી એકતારો ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યા તે ક્ષણે પહેલું જ પદ એને 'શબદના બાણ’નું કુર્યું:

લાગ્યાં શબદનાં બાણ
હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો !
હો ... હો લાગ્યાં શબદનાં બાણ જી !

સૂતેલીનો પ્રારબ્ધલેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.

*

સવારે, મધ્યાહ્‌ને કે સાંજે ગામડાંની સીમમાં 'સત દેવીદાસ ! સત દેવીદાસ !' એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાભીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો દોટ કાઢતાં, રીડિયા મચી જતા કે, 'બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી.' નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે ઠઠ્ઠાના બોલ છૂટતાઃ 'મીરાંબાઈ બનવા નીકળી છે ! ધણીધોરી વગરની પાટકે છે ! જુવાની જોઈ એની જુવાની !'

ખેતરના પાકમાંથી વૈયાં ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરની ચણચણાટી અમરબાઈ એ પોતાના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતા ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલાં માંડતી એ 'શબદ' બોલતી : 'સત દેવીદાસ' 'સ....ત દેવીદાસ.'

દિવસો ગયા. હાંસી શમવા માંડી. લોકો નજીક આવતાં થયાં. લોકોની જીભ પણ ઊઘડી : “સત દેવીદાસ, મા !”

"સત દેવીદાસ, બાપુ!” અમરબાઈ સૌને જવાબ દેતાં. "મા, દુઃખની વાત સાંભળતાં જશો ?”

“કહોને બાપુ !”

“આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે, ઘોડિયું બંધાવોને !”

“આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને !”

"અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાવોને મા !”

સહુના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતાં. "દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે, બાપુ : કે ઈશ્વર સહુનું સારું કરજો ! ”

'બાવણ મતલબી હશે ભાઈ!' એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સુંડલી ભરી રસ્તામાં ઊભાં રહેતાં.

"ન ખપે, કશુંય ન ખપે ભાઈ લોક !” એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.

એના મલકાટમાં ગજબ વશીકરણ હતું.

થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી: “જગ્યાનો વરો વધ્યો છે. રોગિયાં અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જ જગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં?”

થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં, રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારી ચેલકી સમજી બેસીશ, રખેને મારા ડહાપણનું હુંપદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ રહી ગયા. પછી હસીને જવાબ આપ્યો :

“આપણો સંઘરો આપણને જ દાટી દેશે; બે'ન ! તારા પગ થાક્યા છે?”

"રામરોટી પૂરી થતી નથી.”

"કેને કેને માગો છો તમે?”

“તમામ હિંદુ વરણને.”

"મુસલમાનને કાં નહીં? રક્તપીડિયાને જાત નથી, બે'ન ! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે. એ ન અભડાય. આપણેય જાત તજી છે.”

થોડી વાર પછી સંતે સંભારી આપ્યું : “ઢેડોના વાસમાં જાઓ છો ?”

"ના રે !”

"કેમ નહીં? શીદ તારવો છો એને? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને ?"

"ના.”

"આપણે પ્રભુથીયે ચોખ્ખેરા ?" સંત હસ્યા.

અમરબાઈનું મોં લજ્જાથી નીચે ઢળ્યું.