પુરાતન જ્યોત/સંત મેક(ર)ણ/૪. રા’ દેશળનો મેળાપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. બે પશુઓ પુરાતન જ્યોત
૪. રા’ દેશળનો મેળાપ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ. મેકરણ-વાણી →


૪. રા’ દેશળનો મેળાપ

ચ્છના કોઈ એક ગામડામાં ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :

જામાણો જે જૂડિયો બાવા !
એવો ધ્રંગ જો અખાડો જી મેં બાવા !
મેકરણ તું મુંજો ભા.
તોજી ગાલ જો મુંકે સચો સા,
મેકરણ તું મુંજે ભા.

તું મારો ભાઈ છે ઓ મેકણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ઓ ભાઈ મેકરણ !

કોઈક મીઠે, આર્દ્ર સ્વરે ગાતું હતું?

પંજસો જો પટકો તોંજે
લાય ડનું દેસલ રા',
મેકરણ તું મુંજે ભા !

તને પાંચસો રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા’ દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ!

મેકરણ વજાયતે મોરલી
કાપડી હુવો કોડ મંજા.— મેકરણ૦
સત ભાંતીલી સુખડી
ભેંણજે ઘરે તું ભોજન ખા. — મેકરણ૦

ઓ ભાઈ, સાત જાતની સુખડી તારે સારુ બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ.

હીમા ચારણ્ય વીનવું
પોયરો મુંજો પલે પા !
મેકરણ તું મુંજો ભા !

હું હીમા ચારણી વીનવું છું, મારી મજૂરીનો સ્વીકાર કર, ઓ મારા ભાઈ મેકરણ !

કોઈ કહે છે હીમા ચારણી : ને બીજો બોલે છે આયરોની દીકરી લીરબાઈનું નામ. મેકરણ કાપડીએ એને રણમાં મરતી બચાવી હતી ? કે માત્ર ભક્તિથી આકર્ષી હતી? તાગ મળતો નથી. પણ એક કોઈ જુવાન બાઈનું નામ મેકરણની સાથે જોડવામાં આવે છે. સગાંવહાલાંઓએ રંજાડેલી એ કન્યા ધ્રંગ-લોડાઈના થાનકમાં આવીને સમાઈ ગઈ હતી. આયરોએ મેકરણને મારવાના એક કરતાં વધુ પ્રયત્નો કર્યા હતા. તેના જવાબમાં મેકરણે સાખી ગાઈ હતી કે :

સકરકે ન સંજણે
ઘુરકે વખાણે;
મોબત જ્યું મઠાયું
વચાડા કુણબી કો જાણે!

સાકરને ન ઓળખનારા અક્કલહીનો ગોળને વખાણે છે. પણ કણબીઓ (ખેડૂતો) બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે?

સંગત જેં જી સુફલી
જનમેં રામ નાય રાજી
જેં જેં પૂછડે પ્યા પાજી
તેંજી બગડી વઈ બાજી.

બૂરી સંગત જેઓ કરે છે, તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.

એક દિવસ કચ્છના રાજા રા'દેશળજી શિકારે નીકળ્યા છે. સાથે બીજા સાથીઓ પણ છે. સાંજ પડી ગઈ છે.

"ઓલ્યાં બે જાનવર કોણ હાલ્યાં જાય છે ડુંગરામાં?” રા’ દેશળે ચકિત બનીને પૂછ્યું.

"એક ગધેડો ને એક કૂતરો છે.” સાથીઓએ સમજ પાડી.

“આ પહાડમાં ગધેડો ને કુત્તો !” રા'ને નવાઈ લાગી. અહીં તો ચિત્તાઓનો વાસ છે. અહીં મારા એ શિકારનાં જાનવર ગધેડા-કૂતરાને જીવતા જ કેમ રહેવા દે ?"

"નધણિયાતાં નથી બાપુ ! એનો ધણી જબર છે.”

"કોણ ?"

"એક જોગી છે. નામ મેકરણ. એનાં પાળેલાં છે બેઉ.”

"રેઢાં રખડે છે?"

“ના. ભૂજની ખેપે જઈને આવે છે.”

“ભૂજ જઈને ? રેઢાં? શા માટે ?"

"બાવો મેકરણ એને અનાજ લેવા મોકલે છે. કૂતરાની ડોકે બાવો ચિઠ્ઠી બાંધે છે. બધાને લઈને કુત્તો ભૂજના શેઠિયાઓ કને જાય છે. ચિઠ્ઠી પ્રમાણે અનાજ લુવાણાઓ ગધાની પીઠે લાદી આપે છે. ગધાની રક્ષા કુત્તો કરતો હોય છે. એની ગંધમાત્રથી પણ આપણા પહાડી ચીતરા ભાગી નીકળે છે."

“આ દાણાદૂણીનું બાવો શું કરે છે?"

"રણને કાંઠે ભૂખ્યાંદુખ્યાંને રોટલા ખવરાવે છે.” "ચાલો, જોઈએ તો ખરા એનું મુકામ.”

ગધો અને કુત્તો ચાલ્યા જતા તેને ધ્યાનમાં રાખીને પહાડની ગાળીની અંદર રા' દેશળે ઘોડાં હાંક્યાં.

થાનકની ઝુંપડીએ ગધેડાનાં છાલકાં ઉતારતા ઉતારતા મેકરણ તાવમાં ધ્રૂજતા હતા. એનું ઉઘાડું શરીર રણના શિયાળુ પવનઝપાટાની સામે મહામુસીબતે ટક્કર લેતું હતું. દિવસ આથમી ગયો હતો. ડુંગરા વચ્ચે અંધારું હતું. મેકરણ એ બેઉ પ્રાણીઓને કહેતા હતા:

"ઠકર શેઠિયાઓએ પૂરું અનાજ ન આપ્યું કે લાલિયા? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગધાડાંને માથે મરણતોલ ભાર ભરીને પોતાનાં જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ.

ઘાઘલ થીંદા ગડોડા,
આં થીંદોસ ઘુવાર;
ભાડા કીંધોસ ભુજ્જા
દીંધોસ ધોકેજા માર.

"લોહાણા (ઘાઘલ) બધા ગધેડા જન્મશે, ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂજનાં ભાડાં કરતો કરતો એને ધોકાનો માર મારીશ.

કૂડિયું કાપડિયું કે'
લુવાણા ડીદા લાઉં;
મેકણ ચે, ભેરિયું કયું હલે
હકડા ગડોડા ને બ્યું ગાઉં.

"કાપડીને અને લુવાણાને તે શે બને? ગધેડાં અને ગાયો ભેગાં કેમ હાલી શકે?

કાંઈ ફિકર નહીં બેટા લાલિયા મોતિયા ! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે? આજનો દિન તો ગુજરી ગયો !આજ અજૂણી ગુજરઈ
સિભુ થીંધો બ્યો;
રાય ઝલીંધી કિતરો,
જેમેં માપ પેઓ !

“આજનો દિન વીતી ગયો. કાલ સવારે બીજો ઊગશે. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈ ને ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર ! વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું છું !

જીઓ તાં ઝેર મ થિયો,
સક્કર થિયો સેણ;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ

"હે સ્નેહીજનો ! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.”

ટાઢિયા તાવમાં થરથરતા મેકરણ પોતાના ધૂણા માથે બેઠા હતા ત્યારે રા’ દેશળજી ઓચિંતા આવીને ઊભા રહ્યા.

"જી નામ !” જોગીએ અતિથિને આવકાર આપ્યો, પણ આસન ન છોડ્યું.

માણસોએ કહ્યું : “ડાડા ! રાવ દેશળજી છે.?"

"પંડ્યે જ રા’ દેશળજી ! બેસો કચ્છ-ધરાના ધણી !”

રાવના દેહ ઉપર ઝળહળતો રાજપોશાક મેકરણને આથી વધુ કાંઈ અસર ન કરી શક્યો.

રાવે આસપાસ જોયું. ઠંડા પવનનાં કરવતો વહેતાં હતાં. તે વચ્ચે કાપડી ખુલે શરીરે થરથરતો તાવભર્યો રહેતો હતો.

“ટાઢ નથી વાતી ?” એણે મેકરણને પૂછ્યું.

"વાય તો ખરી જ ને. પણ કાયા એનો ધરમ બજાવે છે.” “આ લિયો.” કહીને રા’ દેશળે પોતાના શરીર પરથી સાચી જરીભરેલ શાલ ઉઠાવીને જોગીના શરીર પર ઓઢાડી દીધી.

જોગીએ હળવા હાથે શાલ ખેંચી લઈને સામે સળગતા ધૂણામાં ધરી દીધી.

"કેમ કેમ?” રા'ને નવાઈ થઈ.

જોગીએ કહ્યું : “રા' દેશળ, જેમ તારો એ મહામૂલો પટાળો તેમ મારો આ ધૂણો ! એ છે મારો પટારો : આવી મહામૂલી પાંભરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું, કોઈ ચોર ચોરી ન શકે, કોઈ દી પાંભરી જૂની ન થાય, કે ફાટી ન જાય.”

"પણ મેં તો પટોળો ઉમંગથી આપ્યો'તો.”

“સાચું સાચું, બાપ રા' દેશળ. પણ —

કીં ડનો કીં કિંધા,
હિન પટન મથે પેર;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ.

"આ જગતમાં શું દીધું, ને શું દેશું આપણે? ઓ માનવી ! મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોનાં વેણ રહી જાશે. બીજું તમામ ખાક બની જશે.”

"ડાડા, કાંઈક માગો. તમે કહો તો રાજમાંથી કોરિચું મોકલું.” મેકરણે જવાબ વાળ્યો :

કોરિયું કોરિયું કુરો કર્યો
કોરિયેં મેં આય કૂડ;
મરી વેંધા માડુઆ !
મોંમેં પેધી ધૂડ.

"કોરિયું કોરિયું શું કરો છો ભાઈ, કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે. "અને હે રા !

કૈંક વેઆ કૈં વેધા
કુલા કર્યોતા કેર
માડુએ ધરા મેકણ ચે,
મું સુઝા ડિઠા સેર.

"કંઈક ગયા, કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં સૂનાં બનેલાં દીઠાં છે.

હીકડા હલ્યા,બ્યા હલંધા,
ત્ર્યા ભરે વિઠા ભાર;
મેકણ ચેતો માડુઆ !
પાં પણ ઉની જી લાર.

"રા' દેશળ ! એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી ! મેકણ કહે છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે.”

“મને કાંઈ જ્ઞાન દેશો ? કાંઈ ગેબી શબદ સંભળાવશો ?”

"કોને સંભળાવું? અધિકારી ક્યાં છે?

મોતી મંગીઓ ન ડિજે,
(ભલે) કારો થીએ કેટ;
જ્યાં લગ માલમી ન મિલે
ત્યાં લગ તાળો દ્યો હટ.

“જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે, ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.

મોતી મંગેઆ ન ડિજે,
મર તાં ચડે કિટ;
ભેટે જડેં ગડજેં પારખુ,
તડેં ઉઘાડજે હટ.

“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી ! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા !”

“ત્યારે મારી કાંઈક તો વિનંતી સ્વીકારો !”

"તું પાસે તો એક જ વાત માગવી છે, રા’ દેશળ ! કે અહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો.”

તે દિવસથી ત્યાં આજે પણ રાજ-શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.