પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
સનકાદિક આવ્યા તેને દ્વાર રે,
રાજયોગનો અભ્યાસ બતાવ્યો
જેથી પ્હોંચી ગયા પરાને પાર રે ... પૃથુરાજ

ઉધ્ધવે કૃષ્ણ સાથે સંવાદ કીધો
બતાવ્યું પ્રણવ કેરું ધ્યાન રે,
પ્રણવ જીત્યા ને પરમગતિ પામ્યા
જેથી પ્રગટ્યું નિર્મળ જ્ઞાન રે ... પૃથુરાજ

પાંચ પ્રાણની ગતિ એણે જાણી રે,
ભાળ્યા ત્રિગુણાતીત અવિનાશ રે,
કૃષ્ણાકાર સર્વે જગત જણાયું
જેનો રોમેરોમમાં વાસ રે ... પૃથુરાજ

એકાગ્ર ચિત્ત કરી અભ્યાસ આદરો
તો લાગે ત્રિગુણાતીતમાં તાર રે,
ગંગાસતી એમ રે બોલિયાં રે, પાનબાઈ
તમે ભાળો એને નિર્ધાર રે ... પૃથુરાજ