લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૭ ]


સરંજામ હતો નહિ. મને કહેવામાં આવ્યું કે લાકડાની રાયફલો અને હળવી મશીનગનોથી સિપાહીઓને તાલીમ અપાઈ રહી હતી, અને હિંદના ઉત્તર-પૂર્વના સીમાડા ઉપર સંરક્ષણ જેવી કોઈ વસ્તુ લગભગ હતી જ નહિ.

અમારામાંના દરેકને ખાતરી થઈ કે જે જાપાનીઓ હિંદ ઉપર ચડાઈ કરે તો એમનો ધસારો રોકનારું ત્યાં કોઈ છે નહિ. અમારે માટે તો આ સૌથી વધુ દુ:ખની વાત હતી.

બીજું, ૧૯૪૨ ની ૮મી ઑગસ્ટે હિંદી રાષ્ટ્રીય મહાસભાએ 'હિંદ છોડો'નો વિખ્યાત ઠરાવ પસાર કર્યો; અને એ પસાર થયા પછી દેશભરમાં દેખાવો થયા. ઑલ ઈન્ડીઆ રેડીઓ અને બી. બી. સી.એ હિંદુસ્તાનમાંના બનાવો ઉપર પડદો ઢાળી દીધો. તેમ છતાં હિંદની અંદર ક્યાંકથી કામ કરતાં કેટલાંક છૂપાં રેડીઓ-મથકો અને જાપાનીઓ તથા ધરી રાજ્યોનાં કબજા હેઠળનાં હિંદ બહારનાં બીજાં રેડીઓ-મથકો એ બનાવ વિષે તેમજ આઝાદીની ચળવળને કચડી નાખવા સરકારે લીધેલાં પગલાં વિષે મોકળે મોઢે બ્રોડકાસ્ટ કરતાં હતાં. આ મથકો તરફથી બ્રોડકાસ્ટ થતી વિગતો ઉપરથી એમ લાગતું કે ૧૮૫૭ના બળવા પછીના કાળ દરમિયાન પ્રસરેલું તેવું જ એક ત્રાસરાજ શરૂ થઈ ચૂક્યું હતું.

બ્રિટિશ અને હિંદી વર્તમાનપત્રોએ તથા સત્તાવાર 'બ્રોડકાસ્ટિંગ' ખાતાએ એ વિષય ઉપર જાળવેલા અત્યંત સંયમને કારણે આ રેડીઓ-જાહેરાતોની સચ્ચાઈ વિષે શંકા લાવવાનું અમારે માટે કોઈ કારણ નહોતું. કહેવાની જરૂર નથી કે, અમે જેમને પાછળ મૂકીને આવ્યા હતા તે સગાંવહાલાં વિષે એક ભયંકર ચિંતા, અને અમને તથા અમારા દેશને સદાને માટે ગુલામીમાં રાખવાની જેણે ગાંઠ વાળી હોય તેવું લાગતું હતું તે બ્રિટિશ શાહીવાદ પ્રત્યે ઉગ્ર પુણ્યપ્રકોપ અમારા દિલમાં આથી પેદા થયો.