કો ધન્ય ઘડીએ જગતમાં અવતરે છે, એવી, દેવક્ન્યકા શી, એ ગુર્જરક્ન્યકા હતી. અમરતાના ફૂલ સમી એ ખીલતી હતી.
આપણા એ ગુજરાતની એ આત્મવાન્ કુંવરી હતી.
પછી ત્હેની મ્હોટી બ્હેનનાં લગ્ન થયાં : ને પર્વતશૃંગો ને વનવાડીઓ, તીર્થ ને તીર્થજલ મૂકી બ્હેનને ઘેર પાટનગરીની ચાંદનીમાં જઇને તે વસી: જાણે વનની વેલને નગરખોળે રોપી.
ન્હાનેરી સાળીઓને બ્હનેવીઓ કેવા કેવા લાડ લડાવે છે એ તો ઘણાંઓએ દીઠું છે. આપણા જ દેશમાં એવું હોય એમે નથી.
એ ન્હાનેરી સાળીમાં બ્હનેવી નિજ પત્નીનું રમતિયાળ રસસ્વતન્ત્ર બાલસ્વરૂપ નિરખે છે; ને વૈષ્ણવો બાલમુકુન્દને પૂજાઅર્ચાથી લાડ લડાવે છે એમ નિજ પત્નીની ન્હાનકડી પ્રતિમાને-એ નિજ બાલમુકુન્દિનીઓને પોતે લાડ લડાવે છે એમ જાણ્યે-અજાણ્યે ઉંડા અન્તરમાં પતિઓ સ્હમજે છે.
એ લાડકોડ પૂરવામાં જેટલી પવિત્રતા જળવાય કે ન જળવાય એતલું એ ન્હાનેરી સાળીઓનું જીવન પવિત્ર કે અપવિત્ર નીવડે છે. ખારાં જલ છંટાય તો મીઠી વેલ કય્હાંથી ઉગે ?