પૃષ્ઠ:Pankhadio.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન્હાનેરી બ્‍હેનનાથી નિરાળો એ રસિકડો સંબંધ જ એવો ઓર છે.

એ પાપસંભવના અનુભવભયથી ભડકીને ખ્રીસ્તી ધર્મે સાળીને પરણવાનો ધર્મનિષેધ કદાચ ઉચ્ચાર્યો હોય.

તે હવે વનમ્હાલતી મયૂરી મટી ગઈ; હવે તે પાટનગરની વાછડી સમી ઘૂમતી.

સોના શીંગડીઓ ને રૂપા ઝાંઝર નગરજનો વાછડીને પ્‍હેરાવે, ને ઝમઝમ ઝમકાર કરતી રાજમાર્ગે તે સંચરે, એવી સોના રૂપાની આછીઆછેરી ટાશરો એને અંગે ઉગી નીકળી. રાજનગરીના રાજમાર્ગોની ચન્દનીમાં અજબ ચમકારા ચમકાવતી ને ઝાંઝર ઝમકાવતી તે સંચરવા લાગી.

થોડુંક નિશાળે જતી; થોડુંક ઘરકામ કરતી; થોડુંક દેવદર્શને જતી; થોડુંક ફરવાને વિચરતી : એમ લાડકોડમાં એ ઉછરતી હતી.

એના પુસ્તકિયા ભણતરનો ભંડાર તો વધુ ન ભરાયો;-પુસ્તકિયા ભણતરની સનાતન કીંમતે કેટલીક ?-પણ એના આત્માના ભણતરનો ભંડાર અજબ ને ઉભરાતો ચાલ્યો.

એની જન્મવર્ણી સુન્દરતાને કલાના ઓપ બેઠા, ને અંબોડલે અખંડ ફૂલવેણી ચ્‍હડી. એની વનવર્ણી ઓઢણીએ સોનલા કોર ઉગી; એના વાડીવર્ણા ચણિયાને રૂપેરી ઝીકની ઝૂલ ઝૂલી રહી; એના કોયલ શા કંઠમાં રાસ ને એના કિરણમંડલ શા કરમાં ચિત્ર ખીલી ઉઠ્યાં. ગુજરાતની ભવ્ય કુદરતને ધાવેલો એનો આત્મન્ હવે કલાસંયમમાં ગોઠવાવા લાગ્યો.

૧૧૧