સેવા કીધી; યૌવનમાં સ્વામીને માનવાને નહિ પણ સેવવાને તે માળવાના રણપગથાર વચ્ચે આવી બેઠી.
સ્વામીને સેવતી, ને મહંકાળેશ્વરને પ્રાર્થતી, તે જીવનમેઘના અમૃતછાંટાની આશાઆંખડીએ દિશાઓને નિહાળતી.
મધ્યદેશના રેતાળ રણમાં દંપતી જઇ રહ્યાં હતાં. લક્ષાધિપતિ દંપતિ ત્ય્હારે ગરીબનાં યે ગરીબ જેવાં હતાં.
એ શિપ્રાને આરે સુદામાજી રહી ગયા હતા, કૃષ્ણ ભગવાન ભણી ગયા હતા, ભર્તૃહરિ માણી-ને ખોઇ ગયા હતા, વિક્રમદેવ આર્ય જાહોજલાલીનાં વીરત્વ ને પરદૂઃખભંજકતા ઝળહળાવી ગયા હતા, કાલિદાસ મેઘદૂત ને શકુન્તલાનાં સુખદુઃખ, જગતનાં સુખદુઃખ જેટલી જ અમરતાથી ગાઈ ગયા હતા.
એમનાં પુણ્યજીવનની અમર કવિતા ગાવાને પુણ્યધર્મીલો કો ગુર્જર શબ્દસ્વામી હજી જન્મે ત્ય્હારે ખરો.
સુખદુઃખની અમર સરિતાને આરે સુખની લહરીઓ વટાવી દુઃખનાં વમળો વચ્ચે તે દંપતી બેઠાં હતાં.
વસન્તની બહાર જેવી એમની યૌવનવાડી હિલોળા લેતી હતી. જીવનની વસન્તતિથિઓમાં સુખદુઃખની સનાતન સરિતાને ઘાટે તે બેઠાં હતાં.
સરખટની માળાની પેઠે એમનો કુલવ્યાપાર ભાગી પડ્યો; વહી જતાં પૂરની પેઠે એમના લક્ષ્મીભંડાર ઠલવાઈ ગયા. વ્હાણ ડૂબ્યા જેવી પિતાજીની ને કુલની અવદશા નિરખી પતિના સુકુમાર આત્માને આઘાત વાગ્યો