પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ઉત્તુંગને શિક્ષા : ૯૭
 


ચક્રવર્તિત્વ ઇચ્છતો હતો. સુબાહુ સંસ્કાર-એકતામાં આર્ય પ્રજાનું ચિરંજીવપણું જોતો હતો. સંસ્કારનાં મોજાં દેશવ્યાપી બનતાં દેખાતાં હતાં. પરંતુ નાગ અને આર્યપ્રજા પોતપોતાની દીવાલો ઊભી કરે તો એ દીવાલો રાજકીય ઐક્ય વિકસવા ન જ દે. અને જ્યાં સુધી સમસ્ત દેશ રાજકીય ઐક્યથી સંગઠિત ન થાય ત્યાં સુધી તે પરાધીનતાની પડોશમાં જ રહેલો ગણાય. શું કરવું ? આર્યોએ આર્યતા ફેલાવવી ? કે આર્યચક્રવર્તીપણું સાધવું ? ‘ઉત્તુંગ !’ ઉલૂપીના સંબોધને ઉત્તુંગને જાગૃત કર્યો. ‘જી.’ ‘હું તને આજ્ઞા કરું છું કે ક્ષમાને શોધી લાવ. ત્યાં સુધી તારા નેતૃત્વ વગર હું ચલાવી લઈશ.’ ઉત્તુંગ સ્થાનભ્રષ્ટ થતો હતો. ઉત્તુંગ દેશનિકાલ થતો હતો. નાગ- સૈન્યનો તે માનીતો હતો. અનેક વખત દુશ્મનોના હુમલાઓમાંથી તેણે નાગપ્રદેશને બચાવ્યો હતો, અને એ પ્રદેશમાં એવી સુંદર સાવધગીરી દાખલ કરી હતી કે નાગ સિવાય કોઈનો પણ પ્રવેશ આખા પ્રદેશને જાણીતો થઈ જાય. એને પણ આર્યાવર્તને નાગ-દ્વિપકલ્પ બનાવવો હતો. તેણે ઉલૂપીની સામે જોયું. તેણે સુબાહુની સામે જોયું. તેણે આખા મંત્રીમંડળની સામે જોયું. ઉલૂપીએ આંખ ફેરવી લીધી. મંત્રીમંડળ નીચે જોઈ રહ્યું. સુબાહુ માત્ર તેની આંખ સામે આંખ મેળવી શક્યો. ઉત્તુંગના મુખ ઉપર સહજ ક્રૂર રેષાઓ ઊપસી આવેલી દેખાઈ. આર્યો પ્રત્યેનું ઝેર તેની આંખમાં ઘેરું બનતું દેખાયું. સુબાહુએ પોતાના મુખ ઉપર જરા પણ ફે૨ફા૨ થવા દીધો નહિ. એ સંયમ કે દંભ ? ઉત્તુંગના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. તેણે તત્કાળ પોતાનો મુકુટ ઉલૂપીના ચરણ પાસે મૂકી દીધો. ‘હું તારો મુકુટ ઉતરાવવા નથી માગતી. પાછો પહેરી લે.' ઉલૂપી બોલી. ‘ક્ષમાને લઈ આવ્યા પછી જ એ પહેરીશ. હું જાઉં છું.’ ઉત્તુંગે ઉલૂપીને નમન કર્યું અને વીજળીની માફક ચોકમાંથી તે અદૃશ્ય થઈ ગયો. ચારેપાસથી ઢોલના ઢમકારનો ઢાંક્યો અવાજ આવતો સંભળાયો. ક્ષમાની તપાસ આખા વનપ્રદેશમાં શરૂ થઈ ગઈ. ઉત્તુંગ સરખા વીરનું અદર્શન મંત્રીમંડળ માટે મૂંઝવણભર્યું હતું. ઉલૂપીના મુખ ઉપર પણ સહજ ઝાંખપ આવી ગઈ. ‘મારી માગણીનું હજી નિરાકરણ નથી થયું.' સુબાહુ બોલ્યો.