પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩ ક્ષિતિજ
 
આવતું તોફાન ૩
 

આવતું તોફાન : ૩ ખેડતાં તે નદીઓનાં મુખમાં પેસી જતો અને અજાણ્યા દેશોની ભાળ કાઢતો. સુબાહુને ઘણી વખત તેનાં સાહસમાં સાથ આપવો પડતો હતો. સુકેતુ અને સુબાહુની વય લગભગ સરખી હતી. બંને ઊંચા ઘઉંવર્ણા, પરિશ્રમ અને ટાઢતડકાને લીધે આછી કાળાશ તરફ ઢળતા રંગવાળા પુષ્ટ યુવકો હતા. દીર્ઘ બાહુ, વિશાળ છાતી, ભરી ગરદન, અને પાતળી કેડથી શોભતા આ બંને યુવકો ચોવીસ પચીસ વર્ષ કરતાં વધારે વયવાળા લાગતા નહોતા. સમુદ્ર, વન અને આકાશના એકાંત વચ્ચે આવી બેઠેલા એ યુવકોની આંખમાં વીજળી ચમકતી હતી. સુકેતુએ પોતાનાં સાહસો યાદ કર્યાં, અને અંતે નિઃશ્વાસ નાખ્યો. ‘કેમ ?' સુબાહુએ પૂછ્યું. ‘હજી ક્ષિતિજની પાર ન પહોંચાયું.' ‘કદાચ ન યે પહોંચાય.' ‘મારું પણ જાય.’ ‘પણ તો મેંયે લીધું હતું. યાદ છે ?' યુવકોના સ્મૃતિપટ ઉપરથી કદી પણ ભૂંસાય નહિ એવી એ ક્ષણ હતી. જગતમાં સહુને માતાપિતા હતાં. માત્ર આ બે યુવકોને માતાપિતાની સ્મૃતિ નહોતી. મહેલ, હાથી, ઘોડા, અલંકાર એ સર્વનું ઝાંખું દૃશ્ય એ તેમના બાલપણની યાદ. એ ઝાંખું દ્દશ્ય તો ક્ષણિક હતું - ન સમજાય એવું હતું, પરંતુ તેમની સ્મૃતિ તો પોણીના પટને માથે આવેલા પૂર્ણેશ્વરના જીર્ણ દેવાલયથી શરૂ થતી હતી. વર્ષો સુધી એ દેવાલય તેમનું ઘર હતું. પૂર્ણેશ્વરના બગીચામાં એ બંને બાળકો ફૂલછોડને પાણી પાતા, મહાદેવને બીલી ચડાવી ચંદનઅર્ચા કરતા, દર્શને આવેલા કોઈ અજાણ્યા માણસોને જોઈ આશ્ચર્ય પામતા, અને ઋષિ સમા પોતાના પાલકની પાસે અભ્યાસ કરતા. ક્વચિત્ ઋષિને એ બાળકોથી પુછાઈ જવાતું : ‘ગુરુજી ! મારે મા નથી ?’ ગુરુનું હસતું મુખ સ્થિર બની જતું અને ક્ષણ બે ક્ષણ અટકી તેઓ જવાબ આપતા : ‘બેટા ! હું તારી મા છું.’ બંને બાળકો આ વિચિત્ર જવાબ સાંભળી ચમકતા, અને પછી હસી દોડી જતા. પુરુષ તે મા હોય ! ક્વચિત્ બીજો પ્રશ્ન સ્પષ્ટ થતો :